ચૂંદડી ભાગ 1/61.આંબલિયો, સખી, શીળો (માંડવા વખતે)


61

વરરાજા પણ લાડકડીનાં દર્શનની ઉગ્ર ઉત્કંઠા લઈને આવેલ છે : જેવી રાવણહર્યા સીતાજીને મળવાની ઉત્કંઠા રામચંદ્રજીની હતી તેવી : શીતળ આંબાની છાંયડીમાં બેઠો બેઠો સ્વામી ઝંખે છે!

આંબલિયો, સખી, શીળો ને મોતીડે નિરમળો,
પાંદડે પોથીનો રંગ, ડાળખીએ દીવા બળે!

તેના થડે બેઠા સરી રામ, લંકા લંકા ઝંખી રિયા,
કોઈ અમને લંકા દેખાડો સીતાજી મેળવો!

કોણ તારું સગું ને સાગવી
કોણ તારો માડીજાયો વીર સીતાજીને મેળવે!

બળભદ્ર સગું ને સાગવી,
લખમણ મારો માડીજાયો વીર સીતાજીને મેળવે,

આંબલિયો, સખી, શીળો ને મોતીડે નિરમળો,
પાંદડે પોથીનો રંગ, ડાળખીએ દીવા બળે!

તેના થડે બેઠા …ભાઈ, …નગર ઝંખી રિયા;
કોઈ અમને… નગર દેખાડો, લાડણ વહુને મેળવો!

કોણ તારું સગું ને સાગવી
કોણ તારો માડીજાયો વીર, લાડણ વહુને મેળવો!

…મારું સગું ને સાગવી
…મારો માડીજાયો વીર, લાડણ વહુને મેળવો!

પ્રશ્નોરા-ગીતની ઉમેરણી (ઢાળ જુદો છે) :

કોણ તારાં નેણાં સમાર્યાં અંબોડો ફૂલે ભર્યો
અમારે છે કોયલ બેન, બેનડ વસે વનમાં રે
એણે મારાં નેણાં સમાર્યાં, અંબોડો ફૂલે ભર્યો!