ચૂંદડી ભાગ 2/36.દોઢ્યે ડગલું


36

[વિનોદ-ગીત છે. પૂર્વાર્ધ વરપક્ષવાળાં અને ઉત્તરાર્ધ કન્યાપક્ષવાળાં ગાય છે. ‘સૂર્ય’ કાઠીના ઇષ્ટદેવ હોવાથી એનું મુખ સૂરજને મળતું સૂચવાયું છે.]

મોતીએ જડી તારી મોજડી, તારાં હીરે જડ્યાં હથિયાર,
વર સોમલિયા પોરે પગલું ભર્ય!
વર કેસરિયા, દોઢ્યે ડગલું ભર્ય!
કાં રે વાલીડા અણોસરો! તારી સૂરજની અણસાર,
વર કેસરિયા, પોરે પગલું ભર્ય!
વર અંતરિયા, દોઢ્યે ડગલું ભર્ય!
કાં રે જમાઈડા અણોસરો! તારે હડમાનની અણસાર,
સાંઠિયોના સૂડતલ!
ઝીપટેના ઝૂડતલ 
હળના ખેડુ, હળવો હળવો હાલ્ય!
કાં રે જમાઈડા અણોસરો! તારી અડદેની અણસાર,
સાંઠિયોના સૂડતલ!
ઝીપટેના ઝૂડતલ!
હળના ખેડુ, હળવો હળવો હાલ્ય!