ચૂંદડી ભાગ 2/53.જોવા જાઉં


53

[મૃગનયની કન્યા પોતે પોતાના વરને પરણતાં પહેલાં જાણે જુદા જુદા વેશ કાઢીને જોઈ લેવા માગતી હોય એવો ભાવ ઊઠે છે.]

મરઘાનેણીનો વર ઊતર્યો વાડીએ રે
હું તો શેને રે મશે જોવા જાઉં રે!
સંઘાડે ઉતાર્યો રા’નો ઢોલિયો રે
હું તો હાથમાં તે લઉં લાલ લાકડી રે
હું તો ગોવાળીની મશે જોવા જાઉં રે. — સંઘાડે.
હું તો હાથમાં તે લઉં ફૂલ-છાબડી રે
હું તો માળીડાની મશે જોવા જાઉં રે. — સંઘાડે.
હું તો હાથમાં તે લઉં જળ-બેડલું રે
હું તો પાણીલાંની મશે જોવા જાઉં રે. — સંઘાડે.
હું તો હાથમાં તે લઉં ઝમરખ દીવડો રે
હું તો પોંખનારીની મશે જોવા જાઉં રે. — સંઘાડે.