ચૈતર ચમકે ચાંદની/અમે ગામડે ગયા'તા

અમે ગામડે ગયા'તા
આ વખતે આસો સુદ આઠમ અને નોમ ભેગા હતા. એટલે આસોના ચૌદમા દિવસે પૂર્ણિમા હતી. અમારા ગામના ગરબા આસો સુદ ચૌદશને દિવસે થાય, પણ તેમાં ગણતરી ચૌદ દિવસની રાખવાની પરંપરા હોવાથી ગરબા શરદપૂનમને દિવસે આવ્યા, જેથી પેલા પ્રસિદ્ધ ગરબાની ધ્રુવપંક્તિ રહી રહીને મનમાં આવતી હતી :
આસો માસો શરદપૂનમની રાત જો

ચાંદલિયો ઊગ્યો રે સખિ મારા ચોકમાં…

અમદાવાદમાં કાયમી નિવાસ કર્યા પછી વતનમાં ઓછું જવાનું થાય છે, પણ આ વખતે પરિવારનાં સૌ સભ્યોની ઇચ્છા હતી કે વર્ષો થયાં આપણા ગામના ગરબા જોયા નથી, છેલ્લે છેલ્લે બા હતાં ત્યારે ગયેલાં. એ વાતનેય બાર-બાર વરસો વીતી ગયાં. તો આ વખતે તો જઈએ જ. વળી એક કારણ તેમાં ઉમેરાયું હતું અને તે ગામમાં બનાવેલું નવું ઘર.

મારા મનમાં તો વરસાદ પછીના દિવસોનું ગામનું ભૂરું આકાશ અને બાજરી જેવા પાક વાઢી લીધા પછીનાં ખેતરોમાં પંખીઓના કલબલાટવાળી સાંજોની સ્મૃતિઓ જાગતી હતી. એ સાથે બાળકિશોર- માનસમાં ગરબાના તહેવારે જે દૃઢ છાપો અંકિત કરેલી, તે પોતાના અસલ રૂપ-રંગ ને રેખામાં પ્રકટતી જતી હતી.

આપણા સાહિત્યકાર મફત ઓઝાએ ‘આસો સુદ આઠમ’ નામે એક નવલકથા લખી છે. નવલકથાનો કેન્દ્રીય પ્રસંગ તો અમારા ગામ સોજા પાસેના એમના વતન જામળા ગામના ગરબા. ઉત્તર ગુજરાતના એવા એક ગામ રૂપાલની પલ્લી પણ આખા પંથકમાં જાણીતી. રૂપાલ પણ રાધેશ્યામ શર્મા અને પિનાકિન્ દવે જેવા સાહિત્યકારોનું ગામ. અમને સૌને ખબર છે કે ઉત્તર ગુજરાતનાં ગામો માટે ગરબા અને પલ્લી એટલે શું?

પણ બધું એટલી ઝડપથી બદલાવા લાગ્યું છે કે આ બધાં ગામોનું આખા વર્ષનું એક કેન્દ્રીય પર્વ – જે એક સમયે અઢારે વરણ માટે જીવનોલ્લાસનું પર્વ હતું–તે હવે મહત્ત્વ ખોતું જાય છે. જાણે કોઈ એક પુરાણા શિલાલેખના અક્ષર ભૂંસાતા જાય છે. એક સમય આવશે, જ્યારે માત્ર શિલા રહેશે.

અમે ગરબા જોવા જતાં હતાં. હું, મારાં પત્ની અને મારા પુત્રો – પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓ. મારાં પત્ની અને મારે માટે ગરબા એ જીવતો તહેવાર હતો. મારા પુત્રો માટે કદાચ એનું ઝાંખું સ્મરણ હતું. મારી પુત્રવધૂઓ માટે તો લગભગ કૉતુક હતું કે અમે જે ગામ અને ગરબાની અવારનવાર આટલી સ્મૃતિભારાતુર વાતો કરીએ છીએ, તે બધું કેવુંક છે? પૌત્ર-પૌત્રીઓ માટે તો કદાચ એક ‘આઉટિંગ’ હતું – એ લોકો તો આવવા પણ તૈયાર નહોતાં – ગામડાંના ગરબા? ભૂમિકા તો ન જ આવી, કિન્નરી છેવટે તૈયાર થઈ હતી.

મોટરગાડીમાં હું પરિચિત માર્ગે જતાં વિચારતો હતો કે નવી પેઢીના સંબંધો વડવાઓના અસલ ગામ-વતનથી કેવા અપરિચિત, અજાણ્યા થતા જાય છે! કદાચ સંબંધો બંધાયા જ નથી. એક પરંપરા લુપ્ત થઈ જશે શું?

મને મારા ડુંગરભા (ભા-દાદા) યાદ આવ્યા. ડુંગરભા પાસે બેસીને ગરબાનો હાર તૈયાર કરવા લાંબડીનાં સફેદ ફૂલો અમે છોકરાંઓ ધનેશ્વરને ઓટલે બેસીને છૂટાં પાડતાં. ડુંગરભા અને એમની પેઢીના દાદાઓ એ ફૂલોના હાર ગૂંથતા હોય. મારા બાપા અને એમની વયના પુરુષો ગરબાનું માળખું તૈયાર કરવામાં લાગ્યા હોય.

માંચી માટે કણબીઓએ લાકડું લાવી રાખ્યું હોય. મહેતરે આવી આખો ચોક વાળી ચોખ્ખોચણક બનાવી દીધો હોય. પછી સુથાર આવે, માંચી ઘડીને તૈયાર કરે. જુવાનિયા વાંસ બાંધી માળખું બાંધે. હરિજનો વાંસની પટ્ટીઓ ચીરી ચારેકોર બાંધવાની કમાનો તૈયાર કરે. ગામનો કુંભાર ઘડુલિયા અને પરણાયાં લઈ આવે. ઘાંચી દીવા પૂરી જાય અને રાવળ ઢોલ વગાડી જાય. ગામમાં પાંચ શેરીઓમાં ગરબા થાય એટલે જાણે આખું ગામ ઉત્સવ માણતું હોય.

ગરબાના દિવસે નવું આણું કરીને આવેલી ઘૂમટા ખેંચી ફરતી ‘બાલિકાવધૂઓ’ નજરે પડે. ગરબાના દિવસે આજુબાજુનાં ગામનાં લોકો સોજામાં પોતાનાં સગાંવહાલાંને ત્યાં આવવા નીકળી પડ્યાં હોય.

જાણે બધું ગયું, કે જઈ રહ્યું છે. મારા ડુંગરભાએ કે મારાં મોતીમાએ, મારા બાપાએ કે મારી બાએ – અને એ રીતે એ વખતના તમામ દાદા-દાદીઓ કે મા-બાપોએ પોતાનાં સંતાનોને સદીઓ જૂની પરંપરાનો આ વારસો આપ્યો હતો. મને થયું કે નગરમાં મોટાં થયેલાં મારાં સંતાનોને કે એમનાં સંતાનો સુધી ગામના એક જીવતા તહેવારનો વારસો હું આપી શકતો નથી. એ બધાંનો જીવનસંદર્ભ બદલાઈ ગયો છે. કણબી કુટુંબના હોવા છતાં કણબી જીવનનો એક અંશ પણ એ પામવાથી વંચિત રહ્યા છે.

ગામમાં નવા ઘરે આવી ગયાં. બાજુમાં જ અમારા મોટા ભાઈનાં ઘર છે. એ અને એમના દીકરા ખેતી કરે છે. મારો નાનો ભાઈ ખેતીવાડીનું જ ભણ્યો, પણ ખેતી કરવાને બદલે ખેતીનો વહીવટી અધિકારી બની સરકારી કૃષિભવનમાં પરિપત્રો પર સહી કરે છે. સીધી ખેતી સાથેનો એનો પણ સંબંધ કપાઈ ગયો છે.

ગામમાં આવ્યા પછી અમારા પરિવારજનોને જૂના ઘરનાં ‘દર્શન’ કરાવ્યાં – જ્યાં હવે કોઈ અન્ય વસે છે. આખી કાળકા શેરી લગભગ બદલાઈ ગઈ છે. શેરીના ચોકમાં ‘ગરબો’ તૈયાર થતો હતો.

ધનેશ્વરનો ઓટલો એ જ છે, પણ હવે ત્યાં કોઈ ડુંગરભા બેઠેલા નહોતા. કોઈ છોકરાઓ બેઠેલા નહોતા. પોતપોતાનાં ખેતરોમાંથી ખેડુઓ દ્વારા લાંબડીનાં સફેદ ફૂલો લવાયાં નહોતાં. શહેરમાંથી કાગળનાં ફૂલના તૈયાર હાર લાવી દેવાયા હતા. ગરબાનો ઘાટ તો બરાબર એ જ હતો. પણ પહેલાં વહેલી સવારે બધા ગરબા વેરાઈ માતાના આંગણમાં ગામની ઉગમણી ભાગોળે એકસાથે લઈ આવવામાં આવતા, તે હવે વીજળીના તારને લીધે ત્યાં ને ત્યાં ખોડી દેવાયા છે.

અમારા એક છગનમાસા હતા. ગરબાના દિવસો આવવાના થાય કે એમને એ પર્વે ગવાતા બધા ગરબા યાદ આવે. ઘરે આવે તે ગુંજન કરતા હોયઃ
તારે માથે તરાંબાનું બેડું લવારણ

ડંકો દીધો રળિયામણો

તારે માથે છે હીરની ઉઢાણી રે…

પણ જાણે હવે એવું કોઈ રહ્યું નથી. ઉત્સવ-ઉલ્લસિત ચહેરા હવે ક્યાં? હું મારા બચપણમાં જીવવા ચોક આગળના ધનેશ્વરને ઓટલે થોડી વાર બેઠો, પણ મારા પૌત્રો સાથે હોવા છતાં, ડુંગરભાએ આપેલો વારસો એમને આપી શકવાનો નહોતો. પરદેશમાં જન્મેલા પૌત્રની તો વાત જ કરવાની રહી નહિ. આ પૌત્રોય માત્ર કૌતુકથી જોતા હતા, તૈયાર થતા ગરબાને. અમારી કાળકા શેરીના ગરબા હરજીભાઈના ચાર્જમાં હોય, પણ હવે તેઓ આ લોકમાં નથી, તેમની અનુપસ્થિતિ દેખાઈ આવી.

એ દિવસોમાં પૂર્વના આકાશમાં ચંદ્ર નીકળતો અને આ બાજુ ગરબો શણગારાઈ દીપમાલિકાઓથી સજ્જ બનતો અને ગામની સૌ બહેન-દીકરીઓ, વહુવારુઓ ગાવા આવી પહોંચે. અમે બધા ધનેશ્વરના ઓટલે ગોઠવાઈ જઈએ. એ દિવસે ઢોલીડો રાજાપાઠમાં હોય, ફૂમતાં વાળો ઢોલ આખો ને આખો ઊંચકી ગોળ ફેરફુદરડી લઈ ગવડાવનારી પહેલી ત્રણચાર બહેનોની સાથે ને સાથે રાત આખી ફરતો જાય. એ ઢોલીડાનો ઢોલ પર ડંકો પડે ને ગાનારીઓના પગમાં નર્તન જાગે અને કંઠમાં ગરબો.

પહેલો ગરબો સૌ દેવીઓને ગરબે નિમંત્રણ આપતો હોય. નિમંત્રણ મોકલનાર હોય – કાળકા માઃ
મારી તે કાળકા કાગળ મોકલે રે,

વેરઈ મા ગરબે રમવા આવો રે.

હું કેમ આવું સૈયર એકલી રે…

એટલે પછી બધી દેવીઓને નિમંત્રણ થાય. મારાં બાને કે ભાભીને આમ કહીએ તો ગરબા યાદ ન આવે, પણ એ દિવસે એક પણ પંક્તિ ભૂલ્યા વિના ગરબા પર ગરબા ગાતાં જાય. અનેક અભાવોમાં જીવતી અને આખું વર્ષ તનતોડ મહેનત કરતી, લગભગ નિરક્ષર ગ્રામનારીઓના કંઠે સરસ્વતી આવી જતી હોય તેમ આપણાં બધાં લોકગીતો જીવતાંજાગતાં વહેવા લાગતાં. આ ગરબો – આ ગાન – આ ઢોલીડાના તાલે થરકવું – આ તો એમનું એક ‘જીવન’ હતું. મધરાત થતી ત્યારે ‘ઓતરા અભેવન’ (ઉત્તરાઅભિમન્યુ)નો રાસડો શરૂ થાય – લીટીએ લીટીએ કાળજા સોંસરો જતો મેં અનુભવ્યો છે :
મને મારીને રથડા ખેડ રે બાળા રાજા રે

મને જુદ્ધે તે સાથે તેડ રે, બાળા રાજા રે

મને જુદ્ધ જોયાના ઘણા કોડ રે, બાળા રાજા રે

લાવ હાથે ધરું હથિયાર રે, બાળા રાજા રે

કરું કૌરવનો સંહાર રે, બાળા રાજા રે

યુદ્ધે જવા તત્પર કિશોર અભિમન્યુને નવવધૂ ઉત્તરા વિનવણી કરી રહી છે… ઢોલીનો ઢોલ પણ એ વખતે સંયત બન્યો હોય, આખા ચોકમાં સ્તબ્ધતા હોય.

મારી મોટી બહેન અને મારાં ભાભી આ ગરબો ગવડાવતાં. કદાચ હવે નવી પેઢીમાં કોઈને કંઠે નહિ રહ્યો હોય.

આ વખત પણ બરાબર રાત પડતાં અમે સદલબલ ગરબો જોવા નીકળ્યાં. પહેલાં તો અમારું જૂનું ઘર ત્યાં જ હતું. ગરબો કાગળનાં ફૂલોથી, વીજળીના ઝબકિયાં કરતા બલ્બોથી શણગારાયેલો જ હતો. એ જ મોરના ઈંડાનો આકાર. પહેલાં કાગળનાં ફૂલોના હાર પણ ચઢતા. જોકે પહેલા પાંચ હાર તો ખેતરમાંથી લાવેલાં સફેદ ટોચેથી ગુલાબી ઝાંયવાળાં લાંબડીનાં ફૂલોના જ ચઢે. પછી કાગળનાં ફૂલોનો વારો. મને લાંબડીનો એક હાર પણ જોવા ન મળ્યો. જાણે ગરબાનો ખેડુસંસ્કૃતિ સાથે વિચ્છેદ થઈ ગયો.

મને હતું કે જૂની પરંપરાગત રીતે એકબીજાને અડીઅડીને ગરબા ગાતી સરકતી બહેનોની હાર હશે. કેટલાકને માથે ઘૂમટા હશે અને એ તાલી માટે પણ હાથ બહાર ન કાઢતાં જાણે પાલવમાં જ તાલી લેતી હશે. ધનેશ્વરને ઓટલે બેસી કોની રંગીન રૂપાળી સાડી છે, તે જોતા.

પણ આ શું? ગરબો ગવાતો હતો, પણ અમદાવાદની નવરાત્રિની શૈલી આવી ગઈ હતી. ભાઈઓ અને બહેનો ગરબે ફેરા ફરતાં હતાં. કદાચ એ ગાતાં પણ ન હતાં. માઇક ઉપર ગરબો ગવાતો હતો અને ઝિલાતો હતો.

ક્યાં ગયો મારો ગરબો? આવામાં ક્યાં સાંભળવા મળશે ‘તારે માથે તરાંબાનું બેડું લવારણ/ડંકો દીધો રળિયામણો’ કે ઓતરા અભેમાનનો રાસડો? મને એટલો સંતોષ રહ્યો કે આ આખા તહેવારથી આજ સુધી અસ્પૃષ્ટ મારી પૌત્રી અને પુત્રવધૂઓને કંઈ નહિ તો છેવટે આ નવી શૈલીમાંય અમારે ગરબે ગાતાં જોયાં. મારાં દાદીમા મોતીમાથી કિન્નરી–મેં જોયેલી પાંચ પાંચ પેઢીઓની ગરબા પરંપરાનો ક્ષીણમાંથી ક્ષીણતર બનેલો પ્રવાહ.

ભૂવો પણ આવ્યો, જેમ એ વખતે આવતો હતો. ધૂણીને જીભ પર તલવારથી હળવો વાઢ કરી, લોહીથી દીવા પૂર્યા – ગામનો વરતારો કર્યો પણ એમાં ‘થ્રિલ’ અનુભવાઈ નહિ. મોટા પૌત્રો ધવલ, મનન કે મૌલિક માટે અવશ્ય એ થ્રિલ હતી. દારૂની વાસ સાથે ભૂવાની મંડળી પણ ચાલી ગઈ.

એ પછી ગરબા જામ્યા નહિ. ઢોલીડો તો હતો જ નહિ. એક જગ્યાએ ઊભા રહી, કોઈ માત્ર ઢોલ પર તાલ આપતું હતું. નાનપણમાં હું જ્યાં ધનેશ્વરને ઓટલે બેસી આ બધું જોતો હતો. બરાબર ત્યાં ત્રણ વર્ષના મારા પૌત્ર મૌલિકને બેઠેલો, હું એમ જોતો હતો, જાણે એ હું.

બીજે દિવસે અમદાવાદ આવી, ગરબે નહિ આવેલા નાના જગતને એ કહેતો હતો – ‘છે ને, અમે તો ગામડે ગયા’તા, ગરબા જોવા.’

વડવાઓનું ચિરપરિચિત ઘરવતન એક અપરિચિત ‘ગામડું’ થઈ ગયું!

૨૨-૧૦-૯૫