ચૈતર ચમકે ચાંદની/એક પીળી કરેણના પ્રથમ ફૂલની વધામણી

એક પીળી કરેણના પ્રથમ ફૂલની વધામણી

આજ સવારે બાલ્કનીમાંથી નીચે નજર કરતાં જોયું તો ગઈ સાલ ચોમાસામાં એક વરસતા વરસાદમાં વાવેલી પીળી કરેણની ટોચ પર સૂરજના કાચા તડકામાં એક, માત્ર એક ફૂલ ખીલી ઊઠ્યું છે અને સવારના હળુહળુ પવનમાં ઝૂલી રહ્યું છે.

મને હર્ષ થઈ આવ્યો. આ કરેણનું આ પ્રથમ ફૂલ. પૂર્ણ વિકસિત ફૂલ. કળી રૂપે એ ધ્યાનમાં જ ન આવ્યું. આજે જોઉં છું તો આ રૂઢ જગતમાં આ કોમળ ફૂલ પોતાના આવિર્ભાવ અને દૃઢ અસ્તિત્વની જયઘોષણા કરી રહ્યું છે.

મને આ કરેણ પણ પોતાના પ્રથમ શિશુને ખોળે ઝુલાવતી મા જેવી માતૃત્વના ગૌરવે કરી પ્રસન્ન દેખાય છે. થોડા દિવસ પહેલાં એક વરસાદ પડી ગયો હોવાથીય આમૂલાગ્ર તરોતાજા છે, તેમાં ટોચે આ એક પૂર્ણ પ્રસ્ફુટિત પ્રથમ પુષ્પથી એ જાણે સભાન છે.

બાજુમાં બીજી વર્ષોજૂની કરેણ છે અને એ તો ફૂલોથી લદાઈ ગઈ છે, પણ આ કરેણની તો આ પ્રથમ ‘કુસુમ-પ્રસૂતિ’ છે. આ ‘કુસુમ-પ્રસૂતિ’ શબ્દ કવિ કાલિદાસનો છે. આપણા જેવા માટે આવા બધા કવિઓ કશીક નવી લાગતી વાત પણ કહેવા દેવાની બાકી રાખી જતા નથી.

એટલે આ કરેણનું આ પહેલું ફૂલ જોઈને મને કાલિદાસ યાદ આવ્યા. ખાસ તો એમની શકુન્તલા યાદ આવી. આ શકુન્તલા કણ્વમુનિના તપોવનના કોઈ પણ તરુને પહેલી વાર ફૂલ બેસે કે ઉત્સવ મનાવતી.

અમે અહીં અમારી આ કરેણ સંદર્ભે માત્ર કાલિદાસ અને એમની શકુન્તલાને યાદ કરી સંતોષ માન્યો. કરેણની પ્રથમ કુસુમ-પ્રસૂતિનો ઉત્સવ! કોઈ ગાંડાઘેલા ગણી કાઢે, નહિતર બાજુ પડોશમાં સંસ્કૃતનાં અધ્યાપિકા શ્રીમતી ઉષા રાવલની તો એ પહેલી જવાબદારી ગણાય, એ કરેણ બરાબર એમની બાલ્કની નીચે છે.

પરંતુ શકુન્તલા તો તપોવનમાં રહેતી હતી, વનમૃગો અને તરુઓ વચ્ચે. જ્યારે આપણે રહીએ છીએ તે નગર લોહ અને સિમેન્ટ-કૉંક્રિટનું આધુનિક અરણ્ય છે, જેમાં ‘હિંસ્રપશુ’ જેવા મનુષ્યોનો વાસ છે. (નિ.ભ.) પરંતુ તેથી પુષ્પો કે પ્રાણીઓ માટે આપણને પ્રીતિ નથી એવું નથી. પણ એ પ્રીતિનું આપણે વધારે તો પ્રદર્શન કરીએ છીએ. ખરેખરી પુષ્પો માટેની પ્રીતિ હોય તો ડાળી પરથી એને તોડવાનો જીવ શેં ચાલે? એક ફૂલ ચૂંટવા જતાં ડાળી કેટલી સાથે ખેંચાઈ આવે છે, ફૂલ ન તૂટવા દેવા, પણ આપણે હાથે ફૂલ તૂટે જ છે અને પુષ્પરિક્ત એ ડાળી હલી કંપી સ્વસ્થાને નિહતપુત્રમાવડી જેમ રહી જાય છે. કદાચ વધારે પડતી લાગણીશીલ વાત હું કરી ગયો. પરંતુ હંમેશ નહિ, તો ક્યારેક આવું લાગી ગયું છે.

ત્યારે કાલિદાસની શકુન્તલા જુઓ. એ પ્રિયમંડના – એટલે કે જેને આભરણો પ્રિય છે, એવી છે (કઈ છોકરી ન હોય?), પણ વૃક્ષો પ્રત્યેની પ્રીતિને લીધે આભરણ માટે થઈને પાંદડું પણ ચૂંટતી નથી. એ વૃક્ષો પર એનો એ રીતે આમ તો હૃદયનો હક પણ હતો, કેમ કે તપોવનમાં એ વૃક્ષોએ પાણી ન પીધું હોય ત્યાં સુધી પોતે પણ પાણી પીતી નહિ.

રાજા દુષ્યન્તે શકુન્તલાને પહેલાં જોઈ તે અનસૂયા અને પ્રિયંવદા સાથે. પોતપોતાના ગજાને અનુરૂપ જળ સીંચવાને ઘડા સાથે તેઓ બાલવૃક્ષોને પાણી પાવા જઈ રહી હતી. સખી અનસૂયાએ તો કહ્યું પણ ખરું કે તાત કશ્યપને તારા કરતાં આશ્રમનાં વૃક્ષો વધારે વહાલાં છે, કેમ કે તુંયે ફૂલ જેવી કોમળ છે અને છતાં તને ઝાડના ક્યારામાં પાણી સીંચવાનું કામ સોંપ્યું છે. પરંતુ શકુન્તલાએ સામેથી કહ્યું કે તાત કશ્યપના આદેશથી જ આ વૃક્ષોને પાણી પાઉં છું એવું નથી, એમના ઉપર મારો પોતાનો ભાઈ-ભાંડું સરખો પ્રેમ પણ છે.

એટલે શકુન્તલાને જ્યારે પતિગૃહે વળાવવાનો દિવસ આવ્યો ત્યારે કણ્વમુનિએ એ તપોવનનાં તરુઓને કહ્યું કે તમે પણ સૌ એને જવાની અનુજ્ઞા આપો.

અને આશ્ચર્ય! વૃક્ષોએ અનુજ્ઞા આપી પણ ખરી, પોતાની ઘટામાં બેઠેલી કોયલના ટહુકા દ્વારા. વળી જતાં જતાં શકુન્તલા વનજ્યોત્સ્ના વેલીનીય રજા માગે કે તારા શાખાબાહુઓ વડે મને ભેટ કેમ કે હવે તો હું તારાથી દૂર દેશાવરમાં જઈને રહેવાની. એ વનજ્યોત્સ્ના આંબાને વીંટળાયેલી છે, એટલે સખીઓને કહે છે કે હું તો સાસરે જાઉં છું, પણ આ બન્નેને તમને સોંપીને જાઉં છું.

વૃક્ષોએ શકુન્તલાને રજા જ નહોતી આપી, સાસરે જતી કન્યાને શોભે એવો સાસરવાસ પણ કર્યો, મુનિ પાસે તો ક્યાંથી બધું હોય, પણ કોઈ વૃક્ષે મંગલવસ્ત્ર પ્રકટ કર્યું, કોઈએ લાક્ષારસ, વનદેવીએ આભરણો આપ્યાં, રાજરાણીને શોભે એવાં.

કાલિદાસ આમ તો ઉજ્જયિની પાટનગરીના કવિ છે, પણ વનઅરણ્યની નદ-નદી, પર્વતની પ્રકૃતિ સાથે પરમ અનુબંધ છે એમનો. એમનું બચપણ વેત્રવતીની આસપાસનાં ગામડાંઓમાં વીત્યું હોવું જોઈએ. માત્ર વૃક્ષો જ નહિ, અરણ્યનાં પશુઓ-પંખીઓ, કીટ-ભ્રમર આ તમામ સાથે એમનો પરમ અનુરાગ છે, એમની કોઈ પણ રચનામાં આ દેખાશે. શાકુન્તલનો પેલો મૃગ, જે શકુન્તલાને હાથે પાણી પીતો. પેલો ભમરો, જેને શકુન્તલાના કાનની આજુબાજુ મધુર ગુંજારવ કરી રતિસર્વસ્વ જેવા એના અધરોનું પાન કરતો જોઈ દુષ્યન્તને અદેખાઈ આવેલી કે અમે તત્ત્વાન્વેષી તો રહી ગયા, તું ખરો ધન્ય, અને બીજાં તો ઠીક, કાલિદાસપ્રેમીને વિક્રમોર્વશીયમ્‌નો પેલો લાલ ઇંદ્રગોપ યાદ આવશે, જે પ્રથમ વર્ષા પછી ધરતીમાંથી બહાર નીકળી આવ્યો છે. જાણે મખમલનું મુલાયમ ટપકું. ગામઠી નામ તો મોચી છે.

બાલ્કની નીચે ઊગેલી કરેણનું પ્રથમ ફૂલ મને કાલિદાસની દુનિયામાં લઈ જાય છે. છેલ્લા કેટલાય દિવસોથી જ્યારથી રિયો-ડિ-જાનેરોમાં પર્યાવરણની રક્ષા માટે વિશ્વનાં રાષ્ટ્રોની મહાસભાઓ ભરાવાની વાતો, સભા ભરાયા પછીની વાતો સાંભળીએ છીએ, પૃથ્વીના આ ગ્રહને બચાવવા ચિંતિત છીએ, તેવે વખતે મને વારંવાર આ કવિ યાદ આવે છે. કદાચ કવિ માત્રને આમ તો આપણે પ્રકૃતિ કે પર્યાવરણપ્રેમી કહેવામાં વાંધો ન હોય. પણ જગતનો કોઈ મોટામાં મોટો પર્યાવરણપ્રેમી કવિ નીકળે તો તે છે – કાલિદાસ – કવિચક્રવર્તી.

કોઈ એકદમ પ્રશ્ન કરે કેમ મિ. શેક્‌સ્પિયર નહિ? ખાસ તો ‘ઍઝ યુ લાઇક ઇટ’ નાટકના શેક્‌સ્પિયર જેમણે પોતાના પાત્રમુખે કહેવડાવ્યું છે :

Under the green wood tree

Who loves to lie with me

And turn his merry note

Un to the sweet bird’s throat

વગેરે વગેરે. એણે ‘સરમન ઇન સ્ટોન્સ’ અને ‘બુક્સ ઈન રનિંગ બ્રકસ’ની એવી બધી ઘણી વસંતના વનની વાતો કરી છે.

પણ કાલિદાસમાં પ્રકૃતિ સાથે જે સમરસતા છે, તે શેક્‌સ્પિયરમાં પણ નહિ, અને પ્રકૃતિકવિ વર્ડઝવર્થમાં પણ કદાચ નહિ.

કાલિદાસની પ્રકૃતિ પ્રત્યેની અને શેક્‌સ્પિયરની પ્રકૃતિ પ્રત્યેની દૃષ્ટિની ભિન્નતાની વાત રવીન્દ્રનાથે ‘શાકુન્તલ’ અને ‘ટેમ્પસ્ટ’ની સરખામણી કરતાં બતાવી છે. રવીન્દ્રનાથે કહ્યું છે કે શેક્‌સ્પિયરમાં પ્રકૃતિ છે, પણ એમાં પ્રકૃતિ પર અધિકાર જમાવવાની વાત છે. પ્રોસ્પેરો અને એરિયલ વચ્ચેનો સંબંધ જુઓ. પોતાના જાદુઈ દંડથી પ્રકૃતિના પ્રતિરૂપ એરિયલ પર એ સત્તા ચલાવે છે. શાકુન્તલમાં પ્રકૃતિ સાથે સહચાર છે (‘યત્ર દ્રુમાઃ વનમૃગાઃ અપિ બાન્ધવો મે’ – જ્યાં વૃક્ષો અને વનનાં પ્રાણીઓ મારાં ભાંડુઓ છે – એવું ભવભૂતિમાં પણ આવે છે.), અભિન્નતા છે.

એ રીતે કાલિદાસના ‘મેઘદૂત’ની કવિતા બાજુએ રાખો, એના જેવો ઇકૉલૉજીની–પર્યાવરણની સમતુલાનો પાઠ સાહિત્યની ભાગ્યે જ કોઈ કૃતિ ભણાવી શકે. વિરહી યક્ષનો શાપ ત્યારે જ મટે છે, જ્યારે તે નભથી ધરતી સુધીની તમામ પ્રકૃતિ સાથે તદ્‌રૂપ બની જાય છે.

છેવટે સંદેશ લઈ જનાર મેઘને આશીર્વાદ આપતાં કહે છે કે તારી પ્રિયતમા વીજળીથી તારો કદી વિયોગ ન થાઓ. મેઘ અને વિદ્યુત્ જેવાં પ્રાકૃતિક તત્ત્વો એને માટે માનવીય છે.

મેઘ વૃષ્ટિ કરીને ધાન પકવે છે એટલે એની ઉપયોગિતા છે, એ વાત એ નથી જાણતા એમ નથી. (ત્વપ્યાયત્તં કૃષિફલમ્ – તારે આધારે ખેતી છે – એમ કહે છે.) મેઘ પણ મનુષ્યનો મિત્ર બની શકે એ વાત એવી રીતે કરે છે, જાણે એ મેઘપુરુષ હોય.

પર્યાવરણની સભાનતા તો આવશ્યક છે, એટલે કે વનસ્પતિ, વૃક્ષ, પહાડ, નદ-નદી, સરોવર, વન્ય પ્રાણીસૃષ્ટિ, કીટ પતંગ, જળ, તેજ, વાયુ, આકાશ, ધરતી આ બધાં સાથે મનુષ્યની સમતુલાની વાત આવશ્યક છે, પણ એ આ ધરતીના ગ્રહને અને એ ગ્રહવાસીને માત્ર ટકાવી રાખવાના સ્વાર્થપ્રેરક હેતુથી કે એવી ગણતરીથી નહિ, તો તો એ બધાં માત્ર સ્થૂલ સાધનો બની રહેશે. પણ એ બધાં સાથે એક ભાવનાત્મક અનુબંધ હોવો ઇષ્ટ છે. કવિ કાલિદાસે એ ભાવનાત્મક સ્નેહસૂત્રની વાત કરી છે.

એટલે કંઈ આપણે અરણ્યવાસી થવાનું નથી. તપોવનની સંસ્કૃતિ આપણે પાછી લાવી શકવાના નથી, પણ એ દૃષ્ટિ અવશ્ય કેળવી શકાય, જેમાં વૃક્ષો કે પંખીઓ કે પશુઓ કે વાદળ પણ આપણાં બાંધવ હોય.

ગણતરી કરનાર વિજ્ઞાનીઓએ એક એવું તારણ કાઢ્યું છે કે એક માણસની આખા જીવન દરમ્યાનની જુદી જુદી જરૂરિયાતો સંતોષવા બસો જેટલાં ઝાડ ખપતમાં આવી જાય છે – એવી સ્થિતિમાં વધારે વૃક્ષો વાવીએ એ વાણિજ્ય-વ્યવહારની વાત થઈ, પણ અમસ્તી વૃક્ષની ડાળીને તોડીએ કે નમાવીએ પણ નહિ, એવો વૃક્ષ માટેનો પ્રેમ કેળવાય એ કવિની વાત થઈ.

હજી ગામડાંઓમાં ક્યાંક ક્યાંક એવી શ્રદ્ધા પ્રવર્તે છે, લીમડો ન કપાય, પીપળો કે વડ ન કપાય. ગામમાં હજી કેટલાંક ઝાડની પોતાની ઓળખ હોય. સતીનો વડ, વિહાની લીંબડી, પાલોદરાનો આંબો. ખેતર પણ ઝાડને નામે ઓળખાતું હોય, ગુંદીવાળું, કણઝીવાળું એમ.

ખેતરમાં હવે ઝાડ વાવીએ છીએ તો માત્ર કાપવા માટે, વૃક્ષોની ખેતી છે. નગરમાં ઘરઆંગણે વાવીએ છીએ તો ઘણુંખરું શોભા માટે. એ આડુંઅવળું વધે નહિ એનો ખ્યાલ રાખવામાં આવે છે. ગાય, બળદ કે ભેંસ ઘરઆંગણાંનાં જાનવર છે. ગામડામાં ઘરનાં સભ્યો હોય એમ પળાય. પશ્ચિમમાં મોટે ભાગે અને હવે ધીરે ધીરે આપણે ત્યાં પણ ‘animals are for killing, eating or selling’ – મારવા, ખાવા કે વેચવા માટે હોય એમ એમની સાથેનો રાગાત્મક સંબંધ તૂટતો જાય છે. ડેરી ઉદ્યોગ વિકસ્યા પછી ગામડાંઓમાં હવે ભેંસ કે ગાય જેવાં પ્રાણીઓ સાથે વધારે તો કેટલા લિટર દૂધ આપે છે, તે દૃષ્ટિએ સંબંધ છે. બાંધવસંબંધની વાત તો રહી ક્યાં?

જરા વધારે દૂર સુધી હું નીકળી ગયો, મારે તો માત્ર વધામણી ખાવાની હતી બાલ્કની નીચે વાવેલી એક કરેણને બેઠેલા પ્રથમ ફૂલની.

પ-૭-૯૨