ચૈતર ચમકે ચાંદની/દૃષ્ટિ આપતી ‘દિશા’

દૃષ્ટિ આપતી ‘દિશા’

ઊડિયા ફિલ્મ ‘આદિ મીમાંસા’ની જેમ સાંઈ પરાંજપેની ‘દિશા’ ફિલ્મ પણ મહારાષ્ટ્રના એક અકાલપીડિત અભાવગ્રસ્ત નાનકડા બાકુરી નામના ગામનાં બે કુટુંબોની મુખ્યત્વે તો છે. પરંતુ અહીં ગામડાની પૃષ્ઠભૂમિ પર આપણા દેશનો આજનો એક બળતો પ્રશ્ન સાંઈ પરાંજપેએ લીધો છે. સાંઈ પરાંજપેની ફિલ્મો ઉદ્દેશપ્રધાન હોવા છતાં અતિ કલાત્મક હોવાથી એકસાથે આનંદ અને પ્રબોધ આપે છે. ‘સ્પર્શ’ ફિલ્મ એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

તો ‘દિશા’ પણ દિશાદૃષ્ટિ આપનારી ફિલ્મ છે. ‘તુમુલ કલહ કોલાહલ વચ્ચે કોઈ હૃદયની વાત’ (હિન્દી કવિ જયશંકર પ્રસાદના શબ્દો) કહેતું હોય એમ આજની કૉમર્શિયલ, માત્ર મનોરંજન પીરસતી, નવીજૂની તમામ પેઢીઓને દિશાહીન કરતી ફિલ્મો વચ્ચે શાતાદાયક અનુભવ ‘દિશા’ કરાવે છે.

‘આદિ મીમાંસા’ આખી ફિલ્મ જરા ગંભીર ટોનમાં ચાલે છે, પણ ‘દિશા’ તો સાંઈ પરાંજપેની ફિલ્મોમાં સહજ એવી ઘણીબધી હળવી ક્ષણો એની ગંભીરતામાં વણાઈ ગઈ હોય છે. વ્યથા અને વિનોદનો પુટ અને એની સહોપસ્થિતિ ‘દિશા’માં એક રીતનાં છે કે ઉદ્દેશપ્રધાનતા છતાં નીરસતાની એક ક્ષણ પણ ભાગ્યે જ આવે.

અભિનયની રીતે તો અતિ ઉત્તમ હોય એવું તો માત્ર અદાકારોનાં નામ પરથીય કોઈ અનુમાન કરી શકે. ઓમપુરી, શબાના, રઘુવીર યાદવ અને નાના પાટેકર ‘દિશા’માં. આપણી પેલી પ્રચલિત શબ્દાવલિ વાપરીને કહું તો ‘અભિનયનાં અજવાળાં’ પાથરે છે.

ઓગણીસમી સદીના એક અંગ્રેજ કવિ-નવલકથાકારે ઔદ્યોગિક ક્રાંતિ પછી ઇંગ્લૅન્ડમાં ભાંગતાં જતાં ગામડાંની અવદશાને એમના પ્રસિદ્ધ કાવ્ય ‘ધ ડેઝર્ટેડ વિલેજ’માં આલેખી હતી. ગામ ઉજ્જડ થતાં જાય છે, લોકો કામધંધાની શોધમાં નગરભણી દોટ મૂકે છે. ભારતમાં પણ આ સદીના આરંભથી આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ગ્રામસંસ્કૃતિપ્રધાન ભારતનાં ગામ અંગ્રેજોની કુટિલ નીતિને કારણે કુટિર ઉદ્યોગ ભાંગી પડતાં વિપન્ન બનતાં ગયાં. એ સાથે ફૅક્ટરીઓ-મિલોની ચીમનીઓના ઊંચા ધુમાડાએ ગામડાંઓને પોતા ભણી ખેંચવા માંડ્યાં.

કુટિરઉદ્યોગ રહ્યા નહિ, પરસ્પરાવલંબિત ગ્રામીણ અર્થવ્યવસ્થા તૂટતી ગઈ અને તેમાં કળવરિયાં વરસ આવે. ખેતી થાય નહિ એટલે ખેડૂતો, ખેતમજૂરો સૌ ગામ છોડી નજીકનાં – દૂરનાં નગરોમાં કામદારો બનતા ગયા. આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. આજે પણ ગામડા- ગામના હજારો બેકારો મજૂરીની આશાએ નગરોમાં ઠલવાય છે. સરકાર ઘણીબધી યોજનાઓ કરે છે, પણ દૂરદરાજનાં ગામો હજી અભાવોમાં જીવન જીવે છે. હજી ત્યાં શોષણ થાય છે, બલ્કે શોષણ વધતું જાય છે.

‘દિશા’નો પ્રશ્ન એ છે કે ગામડાંઓની નગરભણીની દોટની આ પ્રક્રિયાને ચાલુ રહેવા દેવી કે કેમ, પરિસ્થિતિ ગ્રામીણ તરુણોને નગરમાં જવા બાધ્ય કરે છે તો?

‘દિશા’ આપણને કહે છે ‘થંભી જાઓ’. ગામમાં જે પ્રશ્નો છે, તેનો ઉકેલ નગર ભણી ધસવામાં નથી, ગામમાં રહીને જ એની સામે લડવામાં છે. ફિલ્મ આ વાત યથાર્થની ઘણી નજીક રહીને કરે છે, એ આપણને નિર્ભ્રાન્ત પણ કરે છે. સામાજિક, આર્થિક આ પ્રશ્ન ‘દિશા’માં માનવીય સંવેદનાની ભૂમિકાએ વ્યક્ત થયો છે. સરકારી દસ્તાવેજી જાડી દૃષ્ટિના પ્રસાર-પ્રચારની આછી ગંધ પણ આમાં ન આવે અને છતાં બહુ ઊંડેથી સ્પર્શતી એક સાચી દિશાનો બોધ કરાવે.

બાકુરી ગામમાં ઘણાં ઘર છે, ખેતી અને પશુપાલન એ મુખ્ય વ્યવસાય છે ગામના લોકોનો. પણ વરસાદ પડતો નથી અને ગામમાં કૂવો પણ નથી. પરશુ (ઓમ પુરી) બાર બાર વરસથી કૂવો ખોદી રહ્યો છે, એકલે હાથે. એને શ્રદ્ધા છે કે કૂવામાં પાણી આવશે. ગામનાં સૌ લોકો એને પરશુપાગલ કહે છે એવી એની ધૂન છે. આખો દિવસ કૂવો ખોદે. એની પત્ની (શબાના) તો કહે છે કે, આ કૂવો તો મારી શોક્ય છે. પરશુનો નાનો ભાઈ સોમો છે. ગામમાં કામ મળતું નથી, મુંબઈ જવાનો વિચાર કરે છે.

બીજું કુટુંબ વસંત (નાના પાટેકર)નું છે. બૂઢો બાપ છે, ઢોરઢાંખર છે, ખોરડું છે. ફિલ્મના આરંભમાં આ વસંત માટે માગું લઈને એક મહેમાન આવે છે. (પરશુની એક દીકરી છે, તેને એ વાત ગમતી નથી) વસંતના બૂઢા બાપને વસંતનું લગ્ન ધામધૂમથી કરવું છે, ભલે ઘર-જનાવર ગીરો મૂકવાં પડે કે વેચી દેવાં પડે.

પરશુ તો કૂવો ખોદતો જ હોય છે. ઘરનાં બાળકો ભાત પણ ત્યાં લઈ જાય. પણ પત્નીને તો એ ગમતું નથી. વસંતનું લગ્ન થાય છે. નાચગાનનું આયોજન થયું છે. વસંત સમજી જાય છે કે બાપે દેવું કર્યું છે અને ઢોર વેચવાં પડશે. વસંતની પરણ્યાની પહેલી રાતનું ચિત્રણ વિનોદ અને કરુણા બન્ને ભાવો જગાડે છે. બૂઢો બાપ ઘરની બહાર સૂઈ ખાંસતો રહે, ઘરમાં નવદંપતી ‘ડિસ્ટર્બ’ થાય અને એટલે પછી સમજી ડોસા ખાટલી લઈ દૂર ખુલ્લામાં ચાલી જાય.

પરશુનો ભાઈ સોમો મુંબઈ જવાનું પાકું કરી નીકળી પડે છે. ત્યાં એના અગાઉથી ગયેલા મિત્રો લેવા આવે છે. એને લઈ આવે છે એક ચાલમાં જ્યાં એક ઓરડામાં ઉપર-નીચે આમતેમ મળી ચાળીસ-પચાસ જણ રહેતા હોય છે. આખું દૃશ્ય હાસ્યની સાથે ઊંડે કરુણા પણ જન્માવે છે. ગામડાની મોકળાશમાં રહેવા ટેવાયેલા જીવોને અહીં માત્ર એક પથારી પૂરતી જગ્યા છે, અને માત્ર એક ખૂંટી – જેના પર પોતાનું તમામ લટકાવી રાખવાનું. પથારી પણ માત્ર આઠ કલાક માટે ત્રણ પાળીમાં ચાલે છે. ગામડાથી નગરમાં આવેલ આ બધા પરિસ્થિતિના માર્યા એક રીતે તો સંપીને રહે છે. કોઈએ પોતાની ખીંટીએ નાની દીકરીનો ફોટો લટકાવ્યો છે, કોઈએ પ્રિય પત્નીનો, કોઈએ કુટુંબનો. કુટુંબ તો દૂર ગામમાં છે અને અહીં એ દિવસો ગુજારે છે. આ માનવમેળો એકબીજાની જરૂરિયાત જાણે છે. સોમો ત્યાં ગોઠવાય છે. બધું વિચિત્ર લાગે છે, પણ કોઠે પડવા લાગે છે.

એ સાથે સમાંતર દૃશ્ય છે – મિલનું. મિલની વ્હિસલ વાગે છે અને મિલ-કામદારો રિસેસમાં છૂટે છે, જમવા બેસે છે. સોમો હવે ઍપ્રેન્ટિસ તરીકે કામ કરે છે. પછી ગામનો કોઈ એક જણ પોતાને ગામ જતો હોય છે, તો સોમો એની સાથે ભાભી માટે, છોકરાં માટે ચીજવસ્તુઓ મોકલે છે. મોટો ભાઈ પરશુ તડકામાં કૂવો ખોદે છે, તો તેને માટે ટોપી-હૅટનુમા મોકલે છે.

આ બાજુ વસંત પરણ્યો તો છે, પણ ગામમાં કામ મળતું નથી. બળદ વેચવા પડે છે. વેચવા માટે બળદને ગામ વચ્ચે દોરીને જતાં બૂઢા બાપ અને વસંતનું દૃશ્ય મર્મસ્પર્શી છે. વસંતને પણ થાય છે કે એ પણ સોમાની જેમ હવે મુંબઈ જાય – પત્ર લખે છે અને સોમાની જેમ વસંત પણ મુંબઈ પહોંચે છે – એ જ પેલી ચાલના ઓરડામાં.

બાકુરી ગામના બાજુના કસબામાં બીડીઓનું કારખાનું શરૂ થાય છે.

તેમાં ગામની સ્ત્રીઓ કામ કરવા જવા માંડે છે. પરશુની વહુ (શબાના) જાય છે, સાથે વસંતની નવી વહુ પણ હવે જાય છે. મુન્શીની નજર બગડે છે વસંતની વહુને જોઈને. એ એને જુદી જુદી રીતે પરેશાન કરી વશમાં લેવાના ઉપાયો કરે છે. શરૂમાં તો એ ગાંઠતી નથી.

સૌ મિત્રોના આગ્રહથી વસંત એની વહુને થોડા દિવસ માટે મુંબઈ બોલાવે છે. ત્યાં એક જણની ઓરડી સાત દિવસ માટે રાખી છે વહુ સાથે રહેવા. પણ ત્યાંય વારંવાર બારણાં ખખડે છે. વહુને બાથમાં લેવા જાય અને બારણાં ખખડ્યાં, બારણું ઉઘાડતાં જ એક આખું કુટુંબ સામાન સાથે અંદર. જેની ઓરડી હતી એ ભાઈની બહેન હતી. હવે વસંત માટે પ્રશ્ન થયો – વહુને લઈને ક્યાં જવું?

પેલી ચાલના ઓરડાનો એક નિયમ હતો. કોઈ સ્ત્રીને ન લાવી શકાય. પણ અહીં નિરૂપાયે એક રાત માટે વસંતની વહુને લાવવી પડે તેમ હતું.

દિગ્દર્શકે એક રમૂજભર્યું દૃશ્ય બતાવ્યું છે. ચાલીસ-પચાસ પુરુષો વચ્ચે એક સ્ત્રી. એ આવે તે પહેલાં તો કોઈ હાફ પૅન્ટમાં તો કોઈ ઉઘાડે શરીરે, તો કોઈ ટૉવેલ વીંટીને ફરતા – આમતેમ ઊંઘતા પડેલા. વસંતની વહુ આવે છે, એટલે બધા ધડાધડ વ્યવસ્થિત થવાનો જે ઉદ્યોગ કરે છે તે આપણને ખડખડાટ હસાવે છે અને ઊંડેથી હલાવે છે.

વસંતની વહુ જરાસરખી જગ્યામાં સૂતી છે અને બધા પછી જે રીતે અનિદ્ર રાત્રિ ગાળે છે તે પરાંજપેની આ જાતની ચિત્રણાની ખૂબી છે, તેની પ્રતીતિ કરાવે છે. વસંતની વહુ પાછી ગામમાં આવી જાય છે. બીડીના કારખાને જાય છે. વસંત નક્કી કરે છે કે થોડાં વરસ પૈસા ભેગા કરવા પછી હંમેશા ગામમાં જતા રહેવું.

એક દિવસ વસંતના બાપા કાગળ લખાવે છે, વસંતને. ‘કાગળ મળતાં એકદમ ઘેર આવી જા…’ એકદમ વસંત ઘેર આવે છે. વહુ માટે વસ્તુઓ લાવ્યો છે. ગામમાં પેસતાં કોઈ કહે છે – સારું થયું તે ભાઈ આવ્યો. એને સમજણ પડતી નથી ઘરમાં સૌ જમવા બેઠાં છે. વસંત ખાતાં ખાતાં પત્નીને કહે છે કે હમણાં તક મળવા દે, તને ‘ખાઈ જઈશ’. એટલો પ્રેમ પત્ની માટે છે. ત્યાં મુન્શી આવે છે. એ પૅકેટ લઈને આવ્યો છે. વસંતને જોઈ એ ખમચાય છે, પણ પૅકેટ મૂકી એ જે રીતે જાય છે તેમાં વસંત બધું પામી જાય છે. એનું ઘર તો હવે ‘ઉજ્જડ’ થઈ ગયું. આ દૃશ્ય દિગ્દર્શકે ખાતાં ખાતાં અટકી ગયેલા બૂઢા બાપના મૂંગા હાવભાવથી બતાવ્યું છે. સ્તબ્ધતાની એ ક્ષણોનો ભાર હિમાલયથી ઓછો નહિ હોય.

બીજે જ દિવસે વસંત મુંબઈ જતો રહે છે. થોડાં વરસો ખૂબ મહેનત કરી પૈસા કમાઈ છેવટે ગામમાં જ સ્થિર થવું હતું –પણ હવે ગામમાં શું? બીજી બાજુ સોમો જે મુંબઈમાં જ સ્થિર થવાનો વિચાર કરતો હતો તે વસંતના આગમનથી અને નિર્ણયથી નવાઈ પામે છે.

બાકુરી ગામમાં કૂવો ખોદતો પરશુ જુએ છે, કે ભીની માટી આવે છે અને હવે પાણી ફૂટ્યું છે – એ ઉન્મત્તની જેમ ખોદે છે અને પાણી બરાબર ફૂટે છે–પાગલની જેમ બધાને ચીસો પાડીને બોલાવે છે –પાણી, પાણી આવ્યું–કૂવામાં પાણી આવ્યું. ઘરનાં છોકરાં ને વહુ બધાં કૂવા ભણી દોડે છે – ચોક્કસ પરશુ ‘પાગલ’ થઈ ગયો છે!

આવીને જુએ તો પાણી–પાણીમાં એ પલળે છે. પત્ની ને બાળકો કૂવામાં ઊતરે છે–એમના પર પાણી છાંટે છે. બાર વર્ષે કૂવામાં પાણી આવ્યું – આખું ગામ ભેગું થાય છે. પરશુ કહે છે, આ આખા ગામનો કૂવો. આખું ગામ પાણી પીશે, કૂવાથી ખેતી થશે તો આખા ગામની.

અત્યાર સુધી પરશુની પત્ની માટે કૂવો શોક્ય હતો. એ કહે છે કે ‘હે કૂવા માતા!’ કૂવો શોક્યમાંથી મા બન્યો! ગામમાં ઉત્સવ થાય છે. પરશુને માન મળે છે. સોમો જે વિચારતો હતો કે હવે તો મુંબઈમાં જ, પેલી ચાલમાં જીવન પૂરું થશે. એ ગામમાં જવાનો નિર્ણય કરે છે. વસંતને કહે છે કે – તુંયે ચાલ. પણ વસંતને હવે ગામમાં જવામાં મન રહ્યુ નથી, ત્યાં જઈને શું? પત્ની તો…? સોમો એકલો બાકુરી ભણી જવા નીકળે છે.

દિશામાં આ રીતે દિશા-સંકેત છે કે ગામોની નગર ભણીની આંધળી દોટ એ જ ગામના પ્રશ્નોનો ઉકેલ નથી. ગામમાં જ રહીને ગામના પ્રશ્નો ઉકેલવાના છે. બાર વર્ષોની ધીરજ પછી કૂવામાં આવતાં પાણી દ્વારા એ જ દિશાનો નિર્દેશ મળે છે, પ્રતીકાત્મક રીતે. ‘આદિ મીમાંસા’ની જેમ ‘દિશા’ પણ કળાની ભૂમિકા પર રહી માર્મિક સંદેશ આપી જાય છે. પણ જેની ગૃહસ્થીનો માળો પીંખાઈ ગયો, એ નગરવાસી વસંતની વ્યથાય વીસરાશે નહિ.

૨૦-૯-૯૨