છંદોલય ૧૯૪૯

From Ekatra Wiki
Revision as of 11:54, 4 August 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


Chandolay-Title.jpg


છંદોલય ૧૯૪૯

નિરંજન ભગત


અર્પણ:
બહેન અને બાપુજીને

જાગૃતિ

છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી ર્હે સકલ કલિ જ્યારે રસભીની;
અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
બધી સીમા લોપે; અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
નવાણો નાચી ર્હે, જલછલક જોબંન વહને
વહે, જ્યારે ના ર્હે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
અને પ્યારાં મારાં સહુ સ્વપન ર્હે તે પર ઢળી;
નવાણોયે કાંઠાભર રગરગે ર્હે ખળભળી,
અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!

૧૯૪૩
 

સ્વપ્ન

સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની!
આ શો નશો! નયનમાં સુરખી છવાઈ!
ઉન્માદ શો રગરગે રટના ગવાઈ!
શો મત્ત પ્રાણ! મદિરામય શી જવાની!
ક્યાંયે નથી નજરમાં અવ કો કિનારા,
ને દૂરની ક્ષિતિજના સહુ લુપ્ત આરા,
જ્યાં રાત ને દિન ચગે રવિચંદ્રતારા
એ આભથીય પર કલ્પનના મિનારા!
આ શૂન્ય તો સૃજનની શતઊર્મિ પ્રેરે!
હ્યાં જે સુગંધરસરંગ ન, શા અપારે,
એ સૌ અહો પ્રગટ રે મુજ બીનતારે !
સૌંદર્ય શું સભર સપ્તકસૂર વેરે !
ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે!
રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે!

૧૯૪૩
 

અકારણે

અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય!

મારે અધર સ્મિત ફૂટે
તો ઝાકળ થૈને છાય,
નેનમાંથી જો નીર છૂટે
તો હસી હસી ન્હાય;
વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!

લોકની માયા શીય કીધી
તે નિજમાંયે ના માય,
કોકની છાયા જોઈ લીધી
કે ચરણ ચૂમવા જાય;
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!

૧૯૪૮
 

અગનગીત

મારે એક અગનગીત ગાવું!
લાવાની લખધારે મારી લાગણીઓને ન્હાવું!

મૌન ગેબની ગુહા ગજાવું
દીપકનો સૂર છેડી,
શૂન્ય તિમિરને પંથ સજાવું
કનક તેજની કેડી,
સૂરજની શય્યા પર પોઢી રુદ્રસ્વપ્ન હું લાવું!

આજ પ્રગટવો એવો લય
ને પ્રલયનૃત્યનો તાલ;
કે ભૂંસી ભાવિનો ભય
ને ભૂલી જવો ભૂતકાલ;
ત્રણે કાળને હૈયે મારે ઝાળ બનીને છાવું!
મારે એક અગનગીત ગાવું!

૧૯૪૮
 

વિદાય

વિદાય, પ્રિય કલ્પના, અવ વિદાય દેવી, સખી!
અકેલ મનમ્હેલને શયન કૈંક રાતો રહી,
મને સકલ સંગનાં સ્વપનની જ વાતો કહી;
પરંતુ પ્રિય, અંતમાં તવ વિદાય લેવી લખી!
વિદાય, પ્રિય, શેષ આ મિલનરાત રે કલ્પના!
અહીં પલકવાર ર્હૈ નજરબ્હાર ચાલી જશે,
છતાંય મન વેદનામુખર થૈ ન ખાલી થશે,
હશે નયનમાં ન નીર, નહિ હોઠપે જલ્પના!
હવે ક્ષિતિજપાર કો અવર ઝૂલણે ઝૂલજે,
અહીં સ્મરણમાં ન એક પણ ગીત મૂકી જજે,
અબોલ મુજ અંતરે અફળ પ્રીત મૂકી જજે,
મને ક્ષણિક સંગના પથિકને હવે ભૂલજે!
વિદાય પ્રિય, જા! તને મનકથાય ક્હેવી નહીં,
હવે ગહન મૌનમાં મનવ્યથા જ સ્હેવી રહી!

૧૯૪૪
 

સપનું સરી જાય

મારું સપનું સરી જાય!
નીલનિકુંજે ચંપાનું કોઈ ફૂલ રે ખરી જાય!
ભ્રમર ન્હોતો ગુંજતો જેના કાનમાં ગોપનગીત,
પ્રગટી ન્હોતી ક્યારેય જેના પ્રાણમાં મિલનપ્રીત,
વિજન વાટે અબોલ જેવું જેને અધર સ્મિત,
એને રે કોઈ વ્યાકુલ વાયુ શીદને હરી જાય?
નમણી નારના શ્વાસ સમી એની વાસ ક્યાં રે ઢોળાય?
કિયે તે ગોકુલગામ રાધાશો રંગ એનો રોળાય?
ધૂપ સમું એનું રૂપ એને હવે ખોળ્યું તે કેમ ખોળાય?
અજાણ એવી પ્રીત કોઈ એના પ્રાણને કરી જાય!
મારું સપનું સરી જાય!

૧૯૪૮
 

કોને?

તને કે સ્વપ્નોને,
કહે, હું તે કોને
ચહું – સ્વપ્ને તું ને સ્વપન તુજમાં જોઈ રહું ત્યાં?

૧૯૪૩
 

પરિચય

અહો, આ તે કોના પરિચય વિનાના વદનને,
હસીને હેરંતા,
કટાક્ષો વેરંતા,
નિહાળું છું? આ તે મદભર વસંતે મદનને
નિહાળું વર્ષંતો મૃદુલ શર, જે મગ્ન રતિમાં?
અહો, આ તો નાની,
નિહાળું છું છાની,
પ્રિયાની કીકીમાં પ્રતિછવિત મારી જ પ્રતિમા!

૧૯૪૮
 

સજ્જા

રે શી સજ્જા! પ્રિય, શિર પરે સિન્દૂરે રમ્ય રેખા
ને અંબોડે અલકલટમાં પુષ્પવેણીય ઝૂલે,
તારે કાને અધિકતર શોભા ધરી કર્ણફૂલે
ને ભાલે શી ટમક ટીલડી, ચન્દ્રની બીજલેખા;
તારે આંજ્યાં અતલ નયનો અંજને, તોય નીલાં;
ગાલે લાલી, અધર પર શો રાગ, શી રૂપલીલા!
ને તોયે આ સકલ અધૂરી પ્રેમની પૂર્ણ સજ્જા,
એની સંગે સખી જો તવ મુખ પરે હોય ના સ્હેજ લજ્જા!

૧૯૪૮
 

ધ્રુવતારા

એ જ આભે એ જ તારા,
એ જ સૌની એની એ છે તેજધારા,
ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં!
સૌમ્ય એવી શી છટામાં,
બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં,
જ્યારથી મેં જોઈ લીધા છે પ્રિયે, તવ ઘૂમટામાં
નેનના બે ધ્રુવતારા,
ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં!
એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા!

૧૯૪૮
 

સુધામય વારુણી

એક ચૂમી,
મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી
બસ એક ચૂમી મેં લીધી;
શી સ્વર્ગની જ સુધા પીધી!
એકેક જેનું બિન્દુ
એ બિન્દુ નહીં, પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ!
વળી તો એ જ બિન્દુ
પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતો ઇન્દુ!
અહો, બસ એક પણ એ એક તે કેવી ચૂમી
કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ!

૧૯૪૭
 

મૃત્તિકા

બે ફૂલ ફૂટ્યાં!
ચાંચલ્યનું ચુંબન દૈ પ્રિયાના
હિલ્લોલતા સ્રોવરને હિયાના,
વસંતના વ્યાકુલ વાયુ છૂટ્યા,
ને ફૂલ ફૂટ્યાં!

બે ફૂલ ફૂટ્યાં!
સો પાંખડીનો શણગાર ધારી,
જ્યાં સૃષ્ટિનાં પંકજ જાય વારી,
પરાગ શા ચંદનલેપ ઘૂંટ્યા;
બે ફૂલ ફૂટ્યાં!

બે ફૂલ ફૂટ્યાં!
લજ્જામુખીને ભયભીત ચિત્તે,
સૌંદર્યનાં બે છલકંત ગીતે,
શા દેહછંદે યતિબંધ તૂટ્યા,
ને ફૂલ ફૂટ્યાં!

બે ફૂલ ફૂટ્યાં!
જે મૃત્તિકા નિત્ય કઠોર જાણી,
એ તો અહીં માર્દવ ર્હૈ છ માણી,
શાં સ્નિગ્ધ! કાઠિન્ય છતાં ન ખૂટ્યાં;
બે ફૂલ ફૂટ્યાં!

૧૯૪૭
 

હે કૃષ્ણા

મુજ મુગ્ધ દૃષ્ટિનું ચંચલ પંખી,
ચિર સુંદરને ઝંખી,
જલમાં, થલમાં,
ને નભતલમાં,
બેય નયનની પાંખ પસારી ભમતું,
જેને ક્યાંય ન ગમતું,
એ અવ નંદે,
જેમ લાસ્યનું નૃત્ય નંદતું છંદે,
રે તવ રૂપની ડાળે,
તવ સ્વપ્નોને માળે
વસતું, હસતું અવ દિનરાત્રિ,
જે દૂર દૂરનું યાત્રી;
અવ તૃપ્ત એહની તૃષ્ણા
રે તવ દર્શનથી, હે કૃષ્ણા!

૧૯૪૮
 

મૌન

વસંતે આછેરા પુલક પરશે ચુંબન કર્યું,
પ્રિયા પૃથ્વીએ ત્યાં રૂપછલકતું યૌવન ધર્યું;
છકેલો ઘેલો દક્ષિણ પવન જ્યાં આતુર ધસ્યો,
મૂકી દૈ લજ્જા ને મૃદુલ કલિનો ઘૂંઘટ ખસ્યો;
અનંગે અર્પેલી અગન નિજ કંઠે અણબૂઝી
લઈ, ડાળે ડાળે વનવન ભમી કોયલ કૂજી;
ઉરોના ઉન્માદે સકલ જનનું મંન મલક્યું,
અહો, આજે જ્યારે મિલનમધુરું ગીત છલક્યું;
તને મેં સ્પર્શી રે જીવનરસની શીય તરસે,
વસંતે મોરેલા મુદિત મનના મુગ્ધ પરશે!
અરે, ત્યાં તો તારું મુખ શરમથી તેં નત કર્યું,
ન કીધા શૃંગારો, ગીત પણ નહીં, મૌન જ ધર્યું;
છતાં શી તૃપ્તિ થૈ મુજ તરસની ને મન હસ્યું,
અહો, એવું તારા મધુરતમ મૌને શુંય વસ્યું?!

૧૯૪૭
 

અશ્રુ

તારે પ્રાણે પુલકમય કૈં રાગિણી રમ્ય સૂરે
જાગી ર્હેતી, મધુર લયનો દોલ દૈ મંદ મંદ;
તાલે તાલે સ્વરપરશથી વિશ્વનો નૃત્યછંદ
ડોલી ર્હે ને પલ પલ કશો મુગ્ધ થૈ તાલ પૂરે!
મેં એમાંથી અધરસ્મિતનો શાંત પ્રચ્છન્ન સૂર
માગ્યો, જેથી સ્વરમધુર એ દોરમાં ગીતફૂલે
માળા ગૂંથું, ચિરજનમ જે તાહરે કંઠ ઝૂલે;
રે એ આશા ક્ષિતિજ સરખી ર્હૈ ગઈ દૂર દૂર!
મેં માગ્યું’તું અધરસ્મિત, તેં અશ્રુનું દાન દીધું;
તારે પ્રાણે મુજ હૃદયની માગણીને જડી દૈ,
થંભી તારી શત શત કશી રાગિણી, તું રડી ગૈ!
હું શું જાણું પ્રિય, પ્રણયનું એમ તેં ગાન કીધું!
રે તારું એ અરવ સરતું અશ્રુનું એક બિન્દુ
જાતે સપ્ત સ્વરે શું છલછલ પ્રણયોન્માદનો મત્ત સિન્ધુ!?

૧૯૪૭
 

આગમન

ત્યારે હતી ઘોર નિશા છવાઈ!
સૂની દિશા, જ્યાં નહિ પંથ દીસે,
એકાંતનું મૌન મને શું ભીંસે;
ત્યાં રાગિણી તવ મુખે સહસા ગવાઈ!
તું ચંદ્રથી ચારુ સુહાસિની હે!
અંધારને તેજ થકી રસી ગૈ,
તારે સ્મિતે શાંત નિશા હસી ગૈ,
તું દૂરની ક્ષિતિજ પારની વાસિની હે!
શી રાગિણી, રમ્ય મિલાપસૂર!
ઝંકાર શો ઝાંઝરનો બજાવી,
સૂની દિશા તેં સહસા ગજાવી;
કે તું હિ તું નિકટ ને વળી દૂર દૂર!
યુગે યુગે મેં તુજને જ ઝંખી!
લીધી હતી દર્શન કાજ દીક્ષા,
દીધી મને તેં પણ આજ ભિક્ષા;
એકાંતની અધૂરપો શું તનેય ડંખી!
આવી ભલે તું સહસા જ આવી,
જ્યારે બુઊયાં દીપકનાં છ તેજ,
સૂકી ઝૂરીને મુજ ફૂલસેજ,
મારે છતાંય શુભ આગમનાન્દી ગાવી!

૧૯૪૬
 

તને ચ્હાતાં ચ્હાતાં

તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ
ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!
તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,
વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો;
તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,
વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે;
અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય
થયો એનો રે વિસ્મરણ મહીં સંપૂર્ણ વિલય!

હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,
તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું;
તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,
તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!

કશી તારી લીલા, કવિ! ન કળતો હું તવ છલ!
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!

૧૯૪૮
 

એક સ્મિતે

‘એ આવશે’ એમ રટી રહીને
મેં તો દિશાનાં સહુ દ્વાર હેર્યાં,
ને શૂળ સૌ કંટકની સહીને
મેં તો પ્રિયાને પથ પુષ્પ વેર્યાં.
ત્યાં તો હવા નૂપુરનાદ લાવી,
ઊડી રહ્યો પાલવ દૂર કંપી,
‘હા, એ જ એ હા, પ્રિય એ જ આવી’
કહી રહી ઝંખન કૈંક જંપી!
આવી છતાં એ જ ક્ષણે જતી ર્હૈ,
જાણે કશી ચંચલ વીજરેખા;
ને પૂર્ણિમાની રઢ મેલતી ગૈ
રહસ્યથી ગુંઠિત બીજલેખા!
રે હોઠનું ચુંબન પ્રાણપ્રીતે
દીધું ભલે ના, પણ એક દૃષ્ટિ
જો હોત કીધી, બસ એક સ્મિતે
મોરી વસંતે મુજ હોત સૃષ્ટિ!

૧૯૪૬
 

તો ભૂલી જા!

– તો ભૂલી જા, પ્રિય, મિલનના સ્વપ્નની કૈંક વાતો!
આછાં આછાં અધરસ્મિતમાં મેં કહી જે કથા ને
મૂગા મૂગા નયનજલમાં તેં વહી જે વ્યથાને;
એકાંતોમાં ઉભય ઉરના ઐક્યની કૈંક રાતો!
છો ભૂલી જા સ્મરણ પણ કે ‘હાય ભૂલી જતી રે;
– પ્રેમી, તારો જનમભરનો સાથ – ક્હૈ સાથ ચાલી
ને ચાલી ગૈ અધવચ અચિંતી જ દૈ હાથતાલી!’
છોને તારી નવલ દુનિયા આજ ખૂલી જતી રે!
છોને મારી વિજન દુનિયા, પ્રીતની છિન્ન આશા!
તોયે ન્યારી! સ્મિતસ્મરણમાં વેદના જ્યાં વસે છે;
ખંડેરોની બિચ મરણમાં જિંદગી જ્યાં હસે છે;
જેના સૌયે કિરણકિરણે ગીતની ભિન્ન ભાષા  :
જે હૈયાને અલગ જ થવું લાગતું હોય ઇષ્ટ
રે એ જાતાં, વિરહ પણ શો થૈ જતો ધન્ય, મિષ્ટ!

૧૯૪૪
 

એક ફૂલને

તારે ન રૂપ, નહિ રંગ સુગંધ, કૈં ના!
તારે વસંત પણ ના, અવ અંગ ઓઢી
કંથા જ પાનખરની; ચિરકાલ પોઢી
તારી સુદૂર સપને ચકચૂર નૈનાં!
રે મૃત્યુને શયન નીંદર આજ મીઠી!
છેલ્લી હતી મિલનરાત, સખી જતી ર્હૈ;
‘લે ફૂલ!’ એ જ બસ વાત મને હતી ક્હી;
તારે મુખે ચમક ત્યાર પછી ન દીઠી!
આજે વનેવન હસે, રસરંગફાગે;
જાગે વસંતપરશે ઝબકી જવાની
સૌ ફૂલની, અસર પાગલ કો હવાની;
તારે જરીય પણ ના બસ રંગ લાગે!
ના, ના; વસંત પણ છે જ તનેય એવી!
તારે પેલી સખીની સ્મરણસુરભિ અંગાંગ મ્હેકે છ કેવી!

૧૯૪૪
 

હવે આ હૈયાને

હવે આ હૈયાને હરખ નથી કે હેત કરજે!
તું તો અંકાશી કો સજલ ઘન થૈને દરસતી,
સદા મારું પ્યાસી હૃદય લુભવી; ના વરસતી!
અરે, એથી તો તું રણ સમ બની રેત ભરજે,
અને ધિક્કારોની પ્રબલતમ ઝંઝા સહીશ હું!
રચી દે હાવાં તું પ્રખર સહરાને, હૃદયના
ખૂણે ખૂણે; હાવાં જરીય પણ ર્હેજે સદય ના!
અને એ ધિક્કારે મુજ પ્રણયતૃપ્તિ લહીશ હું!
સદા જેનું હૈયું ચિર અચલતાની સહ રમે,
કદી એને તારાં ક્ષણિક સમણાંઓ બસ નથી;
મને ચાંચલ્યોની તરલ રમણામાં રસ નથી;
પછી છાયા જેવી તવ પ્રણયમાયા ક્યમ ગમે?
તને આજે લાવે ઘનસ્વરૂપમાં તે પવનને
કહી દે તું લાવે રણસ્વરૂપમાં રે અવ તને!

૧૯૪૫