છંદોલય ૧૯૪૯/આગમન

આગમન

ત્યારે હતી ઘોર નિશા છવાઈ!
સૂની દિશા, જ્યાં નહિ પંથ દીસે,
એકાંતનું મૌન મને શું ભીંસે;
ત્યાં રાગિણી તવ મુખે સહસા ગવાઈ!

તું ચંદ્રથી ચારુ સુહાસિની હે!
અંધારને તેજ થકી રસી ગૈ,
તારે સ્મિતે શાંત નિશા હસી ગૈ,
તું દૂરની ક્ષિતિજ પારની વાસિની હે!

શી રાગિણી, રમ્ય મિલાપસૂર!
ઝંકાર શો ઝાંઝરનો બજાવી,
સૂની દિશા તેં સહસા ગજાવી;
કે તું હિ તું નિકટ ને વળી દૂર દૂર!

યુગે યુગે મેં તુજને જ ઝંખી!
લીધી હતી દર્શન કાજ દીક્ષા,
દીધી મને તેં પણ આજ ભિક્ષા;
એકાંતની અધૂરપો શું તનેય ડંખી!

આવી ભલે તું સહસા જ આવી,
જ્યારે બુઊયાં દીપકનાં છ તેજ,
સૂકી ઝૂરીને મુજ ફૂલસેજ,
મારે છતાંય શુભ આગમનાન્દી ગાવી!

૧૯૪૬