છિન્નપત્ર/૩૭


૩૭

સુરેશ જોષી

અપરિચિત શહેરોનાં ધૂંધળાં આવેષ્ટન વીંટાળીને સંતાતો ફરું છું. અહીં નામ આપોઆપ ખરી પડ્યું છે. રેસ્ટોરાંના જ્યુક બોક્સની રેકોર્ડોનો અવાજ સાંભળતો બેસી રહું છું. મધરાતે શહેરના ટાવરનાં ઘડિયાળોનો સંવાદ સાંભળું છું. દૂર ક્યાંક નદી છે – આંસુથી ડહોળાયેલી આંખ જેવી. કાન દઈને એના વહેવાનો અવાજ પણ સાંભળવા મથું છું. જાઝનું પડઘમ બજે છે, ઝાંઝર ઝમકે છે. વીજળીના દીવાના હાંડીઝુમ્મરની છાયામાં ભમતાં પ્રેતોને જોઉં છું. મને આ બધી વ્યર્થતાને ગટગટાવી જવાનો નશો ચડ્યો છે. કલાકના કલાક બેસી રહું છું. કોઈ વાર પાસે આવીને બેસી જાય છે કોઈ અપરિચિતા–નયનવિભ્રમે ચાટુવચને એ મને લોભાવવા મથે છે, હું વાતો કર્યે જાઉં છું. એનામાં રહેલી નાની ઢીંગલીને જગાડું છું, હસાવું છું – હસતાં હસતાં એની આંખો ભીની થઈ જાય છે. પછી બધા શબ્દો એક ઉષ્ણ નિ:શ્વાસમાં ડૂબી જાય છે. એ જોવા ઇચ્છે છે મારો ઘા. મને કોઈ જોડે મારા ઘાને સરખાવવાનું મન નથી. વળી મારો ઘા શરમાળ છે. એની તસતસતી લાલ કિનાર ધગધગી ઊઠે છે. નિદ્રામાં પણ આ ધગધગતી વેદનાની મને હૂંફ રહે છે. એને લીધે હું સાવ એકાકી બની જતો નથી. અહીં થોડા શબ્દો એકઠા કરવા આવ્યો છું. બંધ બારીના કાચ પાછળ દેખાતા આકારો જોઉં છું. બારીના પડદાની ઝૂલ પવનમાં ફરફરતી જોઉં છું. એ બેનો સમાસ રચી લઉં છું. ઊંચાં મકાનોના દાદર પર હાંફતી નિસ્તબ્ધતાનો ઉદ્ગાર પણ એકઠો કરી લઉં છું. દુકાનમાં ડોક મરડીને બેઠેલાં ફૂલોના મુખમાં અધીરા રહી ગયેલા શબ્દોને સાચવીને ઉપાડી લઉં છું. ચાલી જતી મોટરોના દીવાની પંક્તિઓ ને પંક્તિઓ ગોખી રાખું છું. ને ત્યાં ક્યાંકથી એકાએક પ્રશ્ન કાને પડે છે. ક્યાંથી આવે છે એ પ્રશ્ન? અન્ધ ભિખારીની મોંની બખોલમાંથી? વેશ્યાની યોનિમાંથી? ઘરોની અડાબીડ ભીડ વચ્ચે પડેલા આકાશના બાકોરામાંથી? સ્ટેશન પર દોડતાં ટોળાંઓ વચ્ચે ભીંસાતી હવામાંથી? ન જાને! ઘર બધાં એક તરફ કશાક ભારથી ઝૂકી ગયાં છે. ખાંચામાં વહેરાઈ ગયેલા અવકાશની ચીંધરડીઓ ઊડે છે. સમયના હાડમાંનો ફોસ્ફરસ મારા હાડમાંના ફોસ્ફરસને જગાડે છે. દીવાલ પરથી ઊખડી જવા આવેલા પોસ્ટરને મુખે પવનને દેવાતી ગાળ સાંભળું છું. કાપીને ફેંકી દીધેલા માછલીના માથામાંની આંખ હસે છે. ગલોફાં ફુલાવીને બેઠેલું મરણ લોકોની શિરાઓ ચૂસવાની પેરવીમાં છે. એક છાપરેથી બીજા છાપરે કૂદતી બિલાડી મારા મનમાં ગોઠવાતી સન્ધિઓને તોડી નાખે છે. એ ઉઘાડી આંખે ઉંદરનું સપનું જુએ છે. પણ આ કોનાં સ્વપ્નોનો જનાજો મૂંગો મૂંગો પસાર થઈ રહ્યો છે? ખૂબસુરત શાહજાદી ને ઊડતી શેતરંજી થિયેટરની નિયોન લાઇટમાં ઝબકારા મારે છે. દધીચિનાં અસ્થિ જેવાં અસ્થિ પર ભાર વહેતો આ લોખંડનો પુલ પણ મધરાતે ઓથારથી ચંપાઈને ચીસ પાડી ઊઠે છે. અહીં ક્યાં છે પેલી જૂઈની અર્ધી ખીલેલી કળી?