છિન્નપત્ર/૩૮


૩૮

સુરેશ જોષી

માલા પૂછે છે: ‘શું જોઈ રહ્યો છે મારી સામે?’ હું કહું છું: ‘તારું ભવિષ્ય વાંચું છું.’ એ નાની બાળાના જેવા કુતૂહલથી મને પૂછે છે: ‘બોલ, શું દેખાય છે?’ હું કહું છું: ‘એક મોટો બંગલો. પોર્ચમાં ઊભી છે કાર. કારમાંથી ઊતરે છે નમણો જુવાન. ત્રણ અક્ષરનું નામ છે. છેલ્લો અક્ષર ત. પ્રથમ અક્ષર પ્ર.’ મને અટકાવીને એ પૂછે છે: ‘શું કહ્યું? છેલ્લો અક્ષર ત ને પ્રથમ અક્ષર પ્ર–વારુ, પછી?’ એ મારા સાથળ પર ચૂંટી ખણીને કહે છે: ‘ત્રાગું પછી કરજે. મને અત્યારે મારા ભવિષ્યમાં રસ છે, હં, પછી?’ ‘એને હાથે વળગી છે એમ અનંદ્યિયૌવના સુન્દરી. નામ છે માલા. નાચતાંકૂદતાં પગથિયાં ચઢે છે. માલાને ઠોકર વાગે છે. નમણો જુવાન ઝૂકીને એને આધાર આપે છે. ચિન્તાતુર વદને પૂછે છે; ‘કોણે યાદ કરી તને?’ માલા હસીને કહે છે: ‘છે એક દુષ્ટ. બહુ સંભારે છે મને, ઠોકર ખવડાવે છે.’ આ સાંભળીને પેલા જુવાનનું મોઢું પડી જાય છે. એ જોઈ માલા એના ગાલમાં હળવી ટપલી મારી આંખો નચાવતી કહે છે: ‘અરે એણે યાદ કરી તો તમારો આટલો આધાર મળ્યો. તમારો આવો આધાર મળતો હોય ને તો આવી ઠોકર ખાયા જ કરું.’ આ સાંભળીને જુવાન હસ્યો, માલા સહેજ ચિન્તામાં પડી. પછી બન્ને ઘરમાં ગયાં. ઘરમાં દાસદાસી ઘેરી વળ્યાં. ઉપરાઉપરી બહેનપણીના ફોન. એમાં એક કોન કોઈનો એવો આવ્યો હતો કે માલા ચોંકી ઊઠી. એનો વર પૂછે: ‘શું થયું મારી લાડલીને?’ દાસીઓ પૂછે છે: ‘શું થયું બહેનને?’ પણ માલા કશું બોલે નહીં. વર પૂછે: ‘કોઈએ તારે ખાતર આપઘાત કર્યો?’ માલા કહે: ‘એવું તે શું બોલતા હશો?’

વર અધીર બનીને પૂછે છે: ‘તો શું થયું?’ પછી કહે: ‘એક હતો અમારી સાથે –’ વર કહે: ‘કોણ? નામ?’ માલા પ્રશ્નનો પડઘો પાડે:’નામ? શું નામ એનું? જો ને, નામ જ યાદ નથી આવતું!’ વર અધીર બનીને પૂછે: ‘વારુ, જવા દે ને નામ, એનું શું?’ માલા કહે: ‘ભારે કીતિર્ મળી, એના પુસ્તકની પ્રશંસા થઈ.’ આ સાંભળીને માલાએ મારી સામે એનો અંગૂઠો ધરીને કહ્યું:’ડીંગો, ડીંગો, ભાઈસાહેબ વાત કરે મારા ભવિષ્યની ને આખરે કહેવું હતું એટલું જ કે એમને પોતાને ભવિષ્યમાં ખૂબ ખૂબ કીતિર્ મળવાની છે. મળશે. તેનું શું?’ હું કહું છું.: ‘મેં તને આટલું બધું આપ્યું–મોટર, બંગલો, નમણો જુવાન, ને તું મારી આટલી કીતિર્ની અદેખાઈ કરે છે? ‘માલા ચિઢાઈને બોલી: ‘હું શા માટે અદેખાઈ કરું? પણ એ કીતિર્ને જોરે તું મારા જીવનમાં કાંટો બનવાની કામના રાખતો હોય તો – હું કહું છું: ‘અરે, તારા જેવી પતિવ્રતાના મોઢે આવું નહિ શોભે.’ માલા હસી પડે છે:’પતિ પણ તારો આપેલો ને તેની હું પતિવ્રતા. એટલે કે તારા વિના મારા સંસારનું તરણું નહીં હાલે, એમ જ ને?