છિન્નપત્ર/૪૮


૪૮

સુરેશ જોષી

નાનું શું ફૂલ પ્રકૃતિનાં તત્ત્વોનો કેવો સુગન્ધી સમન્વય સાધી શકે છે! બાળપણમાં ફૂલોની વચ્ચે ઊછર્યો છું. ઘરમાં છવાયેલા મૌન વચ્ચે ફૂલોની વાચાળતા મને બચાવી લેતી. આથી માલા, તને પણ અરણ્યના કોઈ અનામી પણ સુગન્ધથી વાચાળ ફૂલની જેમ હું જોતો આવ્યો છું. પણ તારું એક સ્વતન્ત્ર અસ્તિત્વ છે. ગમે તેટલું મથીએ તોય બીજાના અસ્તિત્વની આ પૃથક્તાને પૂરેપૂરી ભેદી શકાતી નથી કે નથી પોતાનું પૂરું વિગલન થઈ શકતું. જે આ પૃથક્તાના પાયા પર જ કંઈક ખરું કરી શકે તે સાચો. પણ મેં જોયું છે કે એ મારાથી બની શક્યું નથી. હું કોઈકની પ્રબળ અપેક્ષાની આહુતિ લેખે ખપી જવા પણ મથ્યો છું. પણ આહુતિ કોઈને ખપતી નથી. અહીં આપણને કોઈ નિ:શેષ થઈ જવા દેતું નથી. અહીં તો સૌને અંશોનો ખપ હોય છે. એ અંશ તમારામાંથી ઊતરડીને એ લોકો લઈ લે છે. છેદાયેલાં ગાત્રવાળું આ અસ્તિત્વ ક્ષણભર વેદનાને ન ભૂલી શકે તો શી નવાઈ! બીજાને આ વાત મંજૂર નથી. એ ‘શૂન્ય’, ‘એકાન્ત’, ‘આંસુ’, ‘મરણ’ જેવા શબ્દો હું ફરી ફરી વાપરું છું તેથી મારો ઉપહાસ કરે છે. જાણું છું કે એવા ઉપહાસમાં દંશ નથી, પણ એ જાણવું જ કાંઈ થોડું આશ્વાસન બની રહે છે? આપણે અજાણપણે જ, કેટલાં ક્રૂર બનતાં હોઈશું? સ્વાદ લેવો આપણે આગવા પાત્રમાં, માટે આપણું નામ જુદું રાખવું, કશું એકાકાર થવા દેવાનું નહીં; પણ સ્વાદ આખરે શેનો સ્વાદ હોય છે? આ તદાકારતાની અનુભૂતિનો જ ને? માલા, તું જાણે છે આ બધું હું ક્યાં બેઠો બેઠો વિચારું છું? સાંજ પડી ચૂકી છે. સાંજનો સમય મારે માટે બહુ કપરો હોય છે. હું ઘરમાં બેસી શકતો નથી. આથી બહાર નીકળું છું. સામે દરિયો છે. દરિયાની ને મારી વચ્ચે ખૂબ ખૂબ માનવીઓ છે. એમાંથી હું કોઈનો ચહેરો જોતો નથી. પડછાયાની હાર લંબાતી માત્ર જોઉં છું. રેસ્ટોરાંમાં બેઠો બેઠો સમુદ્ર ને ક્ષિતિજની ભેગી થતી રેખાને જોઉં છું. ભેગા થવું હોય તો આમ અફાટ રીતે વિસ્તરી જવું પડે. ને માલા, વિસ્તાર એટલે જ દૂરતા. એથી જ તો આપણે ભડકી ઊઠીએ છીએ. હાથથી હાથ છૂટો પડે, રસ્તાનો વળાંક આવે , દૃષ્ટિ પણ પાછી ફરે ત્યારે હૃદય કેવું ગભરાઈ જાય છે! પછી કશી સ્મૃતિ મદદે આવતી નથી. માલા, ખૂબ ખૂબ પવન છે – તારી ઊડતી લટથી તારું આખું મુખ ઢંકાઈ જાય એટલો બધો પવન. પણ પવન તો દુસ્સાહસિક છે. આખરે તારે મારી મદદ લેવી પડે છે. પવન આથી જ મને ગમે છે. એથી તું થોડે ઘણે અંશે તો અસહાય બને છે. લજ્જા નારીનું ભૂષણ છે તો અસહાયતા પણ હશે. અકળાઈશ નહીં, આ તો તને ચિઢવવા જ કહું છું. પ્રેમ એ કાંઈ પાંગળાઓનો ખેલ નથી. દૂર ખડક સાથે અથડાઈને જળસીકરોના શ્વેત ગુચ્છ અંજલિરૂપે નિવેદિત થઈ જાય છે. તું એ અંજલિ ગ્રહણ કરે છે ને? તારી માળામાંનો પેલો કાળો પાસાદાર પથ્થર – એમાં સમુદ્રના આ ફેનરાશિનો ધોળો રંગ કેવો ચમકે છે! હું એ જોયા કરું છું. કશું બોલતો નથી. ધીમે ધીમે સમુદ્રના નિવેદનનું સ્તોત્ર મારી શિરાઓમાં ગૂંજતું થઈ જાય છે. ને તું?