છોળ/ભાદરવે

From Ekatra Wiki
Revision as of 00:57, 29 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાદરવે


                ચૂંટતી બેઠી ચાર
ભાદરવાના ચડતા પ્હોરે ખેતરની મોઝાર
                લીલુડા ખેતરની મોઝાર

ઓણ સાલે કૈં વરસ્યા એવા મેહ, કે ધખે ધોમ
તોય હજી આ હળવા તે ઢોળાવની ભીની ભોમ!
મૂળિયાં સોતી આવતી ચોંટી, લપકો કાળી ગાર
                ચોંટેલી લપકો કાળી ગાર!

જમણે ઝૂક્યા આંબલા હેઠે પહેલવેતરી ગાય,
સાત વાહાના વાછરુની શા વ્હાલથી ચાટે કાય!
સીમસીમે ગુંજરતો જાય ટોકરીનો રણકાર
                ગળાની ટોકરીનો રણકાર!

કડ્ય સમાણા મોલથી સોહે દૂર લગીના ચાસ,
કોઈ ન પેખું પાસ, ને તોય થાય કાં આવો ભાસ
અધઉઘાડી પીઠને જાણે જોય કો’ વારંવાર
                છુપાઈ જોય કો’ વારંવાર!

૧૯૬૦