જનપદ/અદ્દલ એવામાં

From Ekatra Wiki
Revision as of 10:06, 14 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અદ્દલ એવામાં

હતો ઝરૂખામાં સૂરજ.
પ્રહરનું શીર્ષક ચન્દ્ર.
એની કાખમાં અંધારું
એવામાં.

સાંય સાંય ફૂંકાય નિહારિકાઓ
અન્તરિક્ષ – ગહવરોમાં.
પર્વતો પર, રણકંત મેદાનોમાં,
પવનના ઊડણઘોડા વચાળ
રાતના મોલ પર આકાશ ઝળુંબે.

ઘ્રાણ,
સ્પર્શ,
શ્રોત્ર,
જિહ્વા
અને ચક્ષુ કલવાયાં
રાત અને અંધારાના અંતરપડમાં.
એવા મારગે
અદ્દલ એવામાં અમે ચાલ્યાં.