જનપદ/કહે છે

કહે છે

કહે છે –
જનક જનનીએ
દેશકાળથી ઊફરાં જઈ
માંડ્યા ઓધાન.
ગુરુએ પાઠશાળામાં પાટડા પર
ને ભીંતે
આળખ્યાં દિશા ને ખૂણા.
જનમથી ઝમ્યા કરે કાળ
દિશા ને ખૂણાથી.

તાણા શેના વળી વાણલા
વણાય કઈ પેર પોત.
જળને રુદિયે ઊઠતી
ઊંડી રટણા ઊંડી.
સૂર આજ થયા ગાભણા
એવાં દેશ અને કાળ.
જળ, અંધાર ને વાયુડા,
ઓ આભ, ધરતી ને તેજ
ઘેરાં ઓરાં થજો એક કે
આવ્યા ગરભજળ ઝમી ફૂટ્યના
સટપટિયા અણસાર.