જનપદ/દવ

Revision as of 09:35, 14 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દવ


પહેલાં હથેળી જેટલી ભોંયમાં
ભૂકો સળગે
પછી તંગલા ઊંઘતા મજ્જામાં દીવો ચાંપે
ફૂંક અગ્નિ અને ભડભડ
ભેગાં વહે ઘાસ પર
ટીમરું થડમાં તતડાટ
ખાખરાનો રસ છાલ પર આવે
ચરુંણ ચરુંણ
રસ બળ્યાં કાળાં ટપકાં
દવડાય વેલા
ફોલ્લા ફાટે
તાંબાકૂંપળ લબડી લોથ
ઊના પ્હાણ પર ધાણી કીડી
કાળાનીલપીલ લબક્તા કરવત સાપ કાપે ચાટે
રાખધૂમમાં જ્વાળાચામર ઊછળક પાછી આવે
વધે ઘટે અંધારું ઉપર
વણતાં કોઈ સાળકાંઠલો આઘો પાછો
ધૂણે વાયરો
લ્હાય ડુંગરે
કોતરમાં હોંકારા
વન ઊંડળમાં
આ ટેકરીથી પેલી ટેકરી
હારાદોર તોરણ સળગે
ફૂલ ફગરિયા આગ ટોપલા ઊછળતા
વન આખામાં
સૂકા ભેગું લીલું
મુઆ ભેગું મારે
અક્કડને ઠૂંસાટે
નમતાનાં તોડે ત્રાજવાં
ઘડીમાં ડુંગર ટાલકાં બોડાં.

ઝાડવાં ભોંય ઢળીને ઢગલો
ભેગાં થઈને ઝાઝું બળતાં
હવે માંહ્યલાં મૂળ
ભોંય પણ ધખધખી
ઠેર ઠેર મૂળિયાંમાં ભઠ્ઠા.

સળગે ચોફેર નારિયેળ
અંદર પાણી ઊનાં
વચમાં થથરે તળાવડી
ને તળિયે ફરકે ફણગો.