જનપદ/સોપો

સોપો

હશે ઝાડ.
જશે દિવસ.

કઠિયારો.
ન કોઈ આસપાસ.

ઘા
ડઘા
પડઘા
ડઘાઈ
રંભ ગોરંભ વન.

ઝ ઝ ઝાડ
બટ નમશે.

ચાંદાથાળી ને અંધારિયો કૂવો
માંડશે વાત.
વાત-દીવો ભમશે ઝાડ ઝૂમખાંમાં.

જળમાં જેમ મેઘ
એમ ઊતરશે વનમાં રાતના ચાર પહોર.
ઊંઘ લલરતાં ઝાડની નસમાં ફરશે
પીઠ ઊંચી કરતો ડોળ.

પડશે કદી નહિ ઊલનારો સોપો.