જયદેવ શુક્લની કવિતા/આગમન

આગમન

ભાઈસાહેબ ઘરમાં રહેતા જ નહીં હોય ને!
કોણ ધૂળ-કચરો કાઢવાની તસ્દી લે?
ચાનાં ઢગલો કપ-રકાબી
આમતેમ રવડતાં હશે.
કબાટને લૉક કરવાનું તો શીખ્યો જ નથી.
કો’ક દી બધ્ધું...
‘ભાઈ તારી રીક્ષા આમ
ડચકિયાં ખાતી કેમ ચાલે છે?
આના કરતાં તો
હું ચાલતી
વહેલી પહોંચું.’
ટેબલ-પલંગ પર ઊંધાંચત્તાં પુસ્તકોના ઢગલા...
ને સિગરેટની રાખથી
ઊભરાતું હશે ઘર.

કૂંડામાં પાણી...
દૂધ નિયમિત ગરમ કરવાનું,
અથાણું જોઈ તેલ નાખવાનું
યાદ કરાવ્યું
ત્યારે
‘આટઆટલી સૂચનાને બદલે
તું જો જવાનું માંડી વાળે...’
તદ્દન નાનકુડા છોકરા જેવો
થોડા દી’ પણ...

કમરે છેડો વીંટાળી
તાળું ખોલું છું.
પગથિયાં ચઢતાં જ
‘સ્વાગતમ્’નું ચિતરામણ.
ધૂપસળીની સુવાસ
ને ચાંદી જેવું ચોખ્ખું
ઘર...
‘લુ...ચ્ચો...’