જયદેવ શુક્લની કવિતા/દરજીડો

દરજીડો

‘પપ્પા, દરજીડો કેવો હોય ’
‘ખૂબ નાનકું પંખી.’
‘પણ કેવું?’
‘ચાલ ચીતરીએ : જો,
આ માથું ને પીઠ, આછાં લીલાં.
કપાળ પર લોખણ્ડના કાટ જેવી કથ્થાઈ લાલાશ.
આ ... એની પૂંછડી ઊંચી,
પણ સહેજ માથા તરફ ત્રાંસી.’

આછો ફરફરાટ મારી બન્ને બાજુએ...

‘અને હા, ઊડાઊડ તો બસ તારી જેમ,
જંપીને બેસે જ નહીં.’
‘એની ચાંચ કેવી?’
‘શરીરના પ્રમાણમાં લાંબી, જરીક વાંકી, કાળી.
બોલે ‘ટુવિટ્‌, ટુવિટ્‌.’
‘આ ‘ટુવિટ’ તો સંભળાયું, પણ ચીતરોને.’
બન્ને હાથને પાંખ બનાવી
આગળ નમી
ઓરડામાં
આમતેમ નાને પગલે કૂદું છું.
હોઠ પરથી પ્રગટે છે : ‘ટુવિટ, ટુવિટ્‌ ...ટુવિટ, ટુવિટ્‌’
‘હેય! પપ્પા દરજીડોત્ત્ત્ત્’