જયદેવ શુક્લની કવિતા/મા

મા


ખળખળતી નદીને
આ કાંઠે
તું, હું, આપણે સૌ
રોજ હસતાં, રમતાં, ગોઠડી કરતાં...

તારા હાથમાંની
રાખોડી રંગની લાકડીને
નેવું વર્ષે પણ
તારો ટેકો હતો.

તું અચાનક સામે કાંઠે પહોંચી ગઈ
લાકડી તો મારા હાથમાં જ રહી ગઈ!


ઊભો છું

લાકડી પકડી.

લાકડીના લીસ્સા હાથા પરથી
તારી મ્હેકતી હથેળી
ધીમે ધીમે
મારી હથેળી સાથે
ગુંથાઈ ગઈ.

આજે
ફોરે છે
આખ્ખું ઘર!

હું લાકડીને
જોરથી વળગી પડું છું.


આ લાકડી
હવે ઊભી છે
એકલી.
પથારીની ડાબી બાજુએ
તું બેસતી
તે જગા પરનો આછો દાબ
આજે પણ
એમ જ છે.
ટાઇલ્સ પર
તારાં પગલાં ઘસાવાનો
ને લાકડીનો નજીવો અવાજ જાગ્યો...
એકદમ નજીક
આવી પહોંચી છે
તારા શરીરની ગન્ધ!
તારો રોજનો પ્રશ્ન :
‘ભાઈ, કેટલા વાઈગા?’
હું શું જવાબ આપું?