જયદેવ શુક્લની કવિતા/રાહ જોવી

રાહ જોવી

રાહ જોવી
રાહ જોવી એટલે
રાહ જોવી એટલે શું? – એ કઈ રીતે કહું?
તનથીમનથી, અન્દરથીબ્હારથી,
કશાથી નહીં, છતાં બધ્ધેથી
રાહ જોયા કરવી
અધરાતમધરાત
ઊઠતાંજાગતાં, ન ઊંઘતાં-ન જાગતાં
આખ્ખેઆખ્ખા શરીરને ન્હોરી નાખીએ

રાહ જોતાંજોતાં મનમાંથી ધુમાડા નીકળે,
પણ દેખાય નહીં,
મનેતને કે કોઈને
તારામાં-મારામાં
જીવતી પેઢીઓની
અનેક જૂનીનવી સ્મૃતિઓસ્મૃતિઓસ્મૃતિઓ...
વિસ્મૃતિ તો થાય નહીં.
માણેલી-ન માણેલી, કલ્પેલી ક્ષણોની ભેળસેળ
જગાડી મૂકે, ખુલ્લી આંખે ઊંઘાડી શકે,
દોડાવી મૂકે ઝરૂખે, ઉંબરે, રસ્તે, ગામેગામ...
ખાતાંપીતાં, હરતાંફરતાં
વાંચતાંનાચતાં
પેલી કવિતા-કથામાં
રાહની, રાહ જોવાની વાતો...
‘રાહ જુઓ.
પરિસ્થિતિ સમજો
આવું વર્તન....’
છોડો
મારે ડહાપણ નથી જોઈતું.
છોલાઈ રહ્યો છું,
બળી રહ્યો છું,
જીવતા રહીને.
રાહ જોતાંજોતાં
રાહ મળતો નથી.
‘બી પોઝિટિવ’
પણ કોઈ તો મને કહો,
રાહ જોવી એ પોઝિટિવ વાત નથી?
અન્ય કેવી રીતે સમજી કે નક્કી કરી શકે?
આ કડવાંમીઠાં વેણ
ભલે...
એક વાર સ્નેહભીનું જોવું
માત્ર જોવું.
બસ.
‘મન મોર બની થનગાટ કરે’
બધું સપનામાં, કવિતામાં જોવું ગમે...
કહે છે
પણ સ્વતંત્ર રાહ છે ક્યાં?
આ ભ૨ચોમાસે
બધું ભડભડ શાને?
ભડભડાટ ધડધડાટ શાનો?

આ ખુલ્લી આંખમાં
પ્રતિબિમ્બો
બદલાઈ કેમ જાય છે?
દૃષ્ટિભ્રમ!
મતિભ્રમ?
કોનો?

રાહ જોવી
તારી મારી આપણા સૌની?
બધો બડબડાટ જોઈ-સાંભળી બોલ્યા,
આને મનોરોગ કહેવાય?
રાહ જોવી એટલે મનોરોગ?

રાહ જોવી એટલે જીવવું?
કે
રાહ જોવી એટલે મરવું?
કે
બધ્ધું જીરવવું?