ટોળાં અવાજ ઘોઘાટ/૧૯ –શેાધ-૩

From Ekatra Wiki
Revision as of 06:25, 11 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શેાધ-૩|}} {{Poem2Open}} મારા મનોભાવની આકાશ, સમુદ્ર, પર્વત કે આ અહીં કાગળ પર સરકતી કીડીને કંઈ કશી જાણ નથી. આ સર્વને હું જોઉં છું પણ એમની સાથે દૃશ્ય-દૃષ્ટા સિવાયનો મારો કોઈ સંબંધ નથી. અમે અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શેાધ-૩

મારા મનોભાવની આકાશ, સમુદ્ર, પર્વત કે આ અહીં કાગળ પર સરકતી કીડીને કંઈ કશી જાણ નથી. આ સર્વને હું જોઉં છું પણ એમની સાથે દૃશ્ય-દૃષ્ટા સિવાયનો મારો કોઈ સંબંધ નથી. અમે અલગ છીએ એકબીજાથી અને એવા જ અલગ છીએ સ્વજનો અને મિત્રો. મારા સ્વજન કે મિત્રના મનમાં પ્રતિ પળે શું શું ચાલી રહ્યું છે કે મારા મનમાં- પળેપળ ઝીણું મોટું સતત પ્રવાહી અનિરુદ્ધ અખંડ, નીરવ નીરવ બીજાને તો લાગે, પણ સતત અથડાતું પછડાતું કર્કશ કર્કશ -પ્રવાહી જે ચાલી રહ્યું છે તેનો વિનિમય ખાસ કશો જ થતો નથી, થઈ શકતો નથી. સ્વજન કે મિત્ર વિશેની મારી ‘સમજણ’ આકાશ, પર્વત, સમુદ્ર અને કીડી વિષેની સમજણ જેવી જ સાવ અધૂરી અધૂરી, ઉપરછલ્લી બલકે સાવ સદંતર ખોટ્ટી હશે. એટલે એમનાથી પણ હું સાવ અલગ- અને એમનાથી જ માત્ર નહીં મારાથી પણ હું સાવ અલગ; નખશીખ આ રહસ્યમય મારા દેહની અંદર ક્રિયા-પ્રક્રિયાઓ ચાલી રહી છે- તે કંઈ મેં મારી આંખથી કદી જોઈ નથી. મને ઘણી વાર કુતૂહલ થયું છે મારી હોજરીમાં વસતા અંધકારને જોવાનું. અંધકાર જ હશે ને મારા અંદરનાં બધાં પોલાણોમાં ? એ કેવું વિચિત્ર અને રહસ્યમય કહેવાય કે મારાં આંતરડાં, ફેફસાં, હોજરી, કીડની, હૃદય, મગજ આ બધાંની સતત ચાલતી અંદરની એકધારી અતિશય ઝીણવટભરી ક્રિયા-પ્રક્રિયા હું જોઈ શકતો નથી ! અરે આ આમ તો ‘મારા’ કહેવાતા સંકુલ યંત્રતંત્રના કમઠાણનો હું કંઈ સર્જક નથી. એને ચાલુ કે બંધ કરવાની કોઈ ચાંપ મારા હાથમાં નથી. આવતી કાલે ‘મારું માથું’ દુખશે એમ હું કહી શકતો નથી. હું એ પણ કહી શકતો નથી કે મારું હૃદય – ધબકવાનું ક્યારે બંધ કરશે. સાચું કહું તો મારે જોવું છે મારું હૃદય આમ હથેલીમાં લઈને; કેમ કે એ મારું છે. મારા ઘરની સામે એક મોટો પથ્થર પડ્યો છે એમ ને એમ વર્ષોથી- હું એને રોજ જોઉં છું. અમારે કોઈ કશો સંબંધ નથી છતાં મારે એને રોજ જોવાનો ? અને મારું ધબક ધબક ધબકતું હૃદય હંમેશા આમ ઢંકાયેલું જ રહેવાનું મારી દૃષ્ટિથી દૂર ? આજે મારી ચામડી પર ઊપસી આવેલું આ ચકામું હું આશ્ચર્યથી જોઈ રહું છું- અને મીઠી મીઠી ચળને કારણે ચામડી વલૂરું છું. પણ આ ચકામું અચાનક મારી ચામડી ઉપર કેમ ઊપસી આવ્યું ? મારી જ ચામડી અને મારું જ ચકામું છતાં એનું આમ આકસ્મિક આગમન મને પરમ રહસ્યરૂપ લાગે છે. મને એક વાર અગાશીમાંની નીચે પડતું મૂકવાનો વિચાર આવેલો, દારુ અને ભાંગના મિશ્ર નશા પછી ! વિચાર આવેલો અને એમ થયેલું કે કશી જ રોકઠામ વગર હમણાં આ મારું શરીર ઊંચકાશે પલંગ પરથી અને અગાશીના કઠેડા પર ચડી નીચે પટૂ- એ વખતે ભય નહોતો કેવળ કોઈ તટસ્થ હતું. આવતા વિચારની નોંધ લેતું હતું પણ વિચાર અને શરીરને- જાણે કંઈ કશો સંબંધ જ ન હોય એમ- શરીર જરા પણ સળવળ્યું નહીં ઊભું થયું નહીં, કઠેડા પર ચડ્યું નહીં અને નીચે પડ્યું નહીં. મન થયું કે આ વિચાર ઊપસ્યો આમ સ્પષ્ટ સુરેખ અને છતાં શરીરથી કેમ એ સાવ અલગ સંબંધરહિત છે ? આવું વિચારતાં વિચારતાં વળી અન્ય અસંખ્ય, આ ક્ષણે યાદ પણ નથી એવા, વિચારો સરકી આવેલા. ટૂંકમાં આ હું જ મને એટલો બધો રહસ્યમય લાગુ છું-; અને વળી ‘મને’ એટલે કોને ? ‘કોને ?’ એવો પ્રશ્ન જેને જાગ્યો તેને વિશે પણ આ ક્ષણે તટસ્થ નોંધ લેનારું જે કંઈ બિનંગત છે તે અંગત નથી. તેને આ અંગ સાથે પણ સંબંધ નથી. અને એ બિનંગતને પણ હું પામી શકતો નથી. પણ ‘પામી શકતો નથી’ એમ કહેનાર આ ‘હું’ કોણ છે ? અને ‘હું’ વિશે જિજ્ઞાસા પ્રગટ કરનારો કોણ છે ? અને આ છેલ્લો પ્રશ્નકર્તા કોણ છે ? આમ આ ગૂંચવાયેલી ગરબડભરી ‘જાત’ સાથે પણ જેનો સંબંધ નથી એને શોધવા મથું છું- એમ લખ્યા પછી- આ શોધવા મથનાર કોણ છે ? એવો પ્રશ્ન પછી અનુત્તર મૌન- અધૂરા કાવ્ય જેવું ધૂંધળું ધૂંધળું અને છતાં વાક્યરચનાના વ્યાકરણનિયમો પાળતું આ કાવ્ય, આ જાત અને એ બધાથી અલગ હું અને ‘હું’ વિશે સભાન કોઈ અન્ય અને ત્યાં પણ અંત નહીં. કોઈ સતત અલગ થઈને સરકતું જાય છે પાછળ ને પાછળ ફોટા પડે છે ક્લિક- પણ છબિ મૂકીને કોઈ સરકતું જાય છે છબિને જોઈ શકતું તટસ્થ સાવ અલગ, સાવ ભિન્ન, આગળ ને આગળ, વેગળું. જે છે તે તો જડ નિષ્કંપ છબિ- પર્વતની, આકાશની, સમુદ્રની, કીડીની, મિત્રની, સ્વજનની, જાતની- અવાજ કર્યા વગર સલૂકાઈથી કોઈ સરકી જાય છે અલગ થઈને મારા શબ્દો પર પડતાં, પડીને તરત ઊડી જતાં પગલાંની પાછળ પાછળ અનિદ્ર ઉજાગર હું એકશ્વાસે અનુસરું છું એને પકડવા. પણ એ તો સતત આમ હાથવેંતમાં હોવા છતાં અલગ એકધારો સરકતો જાય છે- મારા શબ્દોની પીઠ પરથી; અને હું રહી જઉં છું સતત પાછળ ને પાછળ જડ નિષ્કંપ છબિ જેવો અલગ, એકલો, ભિન્ન મારા શબ્દોની પીઠ જેવો ગતિહીન, જડ મારી શોધ જેવો સ્થિર. (જુલાઈ-સપ્ટેમ્બર : ૧૯૭૮)