ટોળાં અવાજ ઘોઘાટ/૨૦ -1

૨૦ -1

કોણ ઊંઘે છે આ સતત, જાગતું નથી, જગાડું છું તો ય ? કોણ જગાડે છે આ સતત, ઊંઘમાંથી એકધારું મને, જાગવું નથી તો ય ?
કોણ ચાલે છે આ સતત, અટકતું નથી, અટકાવું છું તો ય ? કોણ અટકાવે છે આ સતત, રસ્તા પર એકધારું મને, અટકવું નથી તો ય ?
કોણ મૂગું છે આ સતત, બોલતું નથી, બોલાવું છું તો ય ? કોણ બોલાવે છે આ સતત, મૌનમાંથી એકધારું મને, બોલવું નથી તો ય ?
કોણ પકડાતું નથી આ સતત, સરકી જાય છે, પકડું છું તો ય ? કોણ પકડે છે આ સતત, ક્ષણેક્ષણ એકધારું મને, પકડાવું નથી તો ય ?
કોણ પીઠ ફેરવીને ઊભું છે આ સતત, મોં ફેરવતું નથી, જોવું છે તો ય ? કોણ તાકી રહ્યું છે પીઠ પાછળથી આ સતત, અનિમેષ એકધારું, મોં ફેરવવું નથી તો ય ?