ટોળાં અવાજ ઘોઘાટ/૨૪- જેમ કે

૨૪- જેમ કે

જેમ કે ટામેટાં યાદ આવે છે લાલઘૂમ દેશી, મોટાં મોટાં, મારા ગામની વાડીઓમાં ઊગતાં. ટામેટાને બચકું ભરતાં થતો રસકીય અનુભવ, અશબ્દ સળવળે છે જીભ ઉપર— સ્પર્શ પણ ભળેલો છે, રૂપ પણ ભળેલું છે, ગંધ પણ ભળેલી હશે અતિ સૂક્ષ્મ ટામેટાની અને એથી યે સૂક્ષ્મ ભળેલો હશે— બચકું ભરાતાં અનુભવાયેલો અવાજ— ‘રાજ તમે ઊંચકો ટામેટું અવાજનું’ એવી પંક્તિ ઊપસી આવી. —અવાજનું ટામેટું ઊંચકાયું છે આમ કલ્પનાની હથેલીમાં— તેને બચકું ભરું છું મનોમન, એકાન્તમાં, અંદર— એવી આ ચૈતિસિક સ્થિતિને ચિત્રિત કરવાની ઇચ્છા આશ્ચર્યલુબ્ધ છે— લુબ્ધ, ક્ષુબ્ધને ખેંચી લાવી, સમંદરની ક્ષુબ્ધતાને ચેતનામાં ફેલાવી દે છે— માત્ર ક્ષુબ્ધ દરિયો છે ઊછળતો-ફંગોળાતો-કચ્ચરો ઉડાડતો પાણીની. વિશાળકદ ગોળ ગોળ રેલાતા પિલ્લર મોજાના આવીને અથડાય છે કાંઠા સાથે, તેને તાકી રહું છું માત્ર. હું નથી. અથવા છું. એટલો બધો સ્થિર છું કે જાણે નથી. પણ છું. શા માટે છું ? આવા પ્રશ્ન પર છંટાય છે કચ્ચરો ચેતનાની અવિરત અને ખાઉં છું અવાજનું ટામેટું કાનથી એકલો એકલો એકાન્તમાં, મનોમન— તેને જોવા પર્દો હટાવતો હોઉં પાતળો તેવી ક્રિયા લાગે છે આ ક્ષણે આમ શબ્દમાં સરકવાની— ગરકવાની લાલઘૂમ ટામેટાંના સમુદ્રમાં; પણ ના ટામેટાંનો સમુદ્ર કલ્પી શકતો નથી. ચેતનામાં એવો સમુદ્ર ચીતરાતો જ નથી. આ આવી ગયેલા એમ જ શબ્દો ચેતનાને અથડાઈ ને ખરી પડ્યા કોરા કટ ખખડીને કાચની બૉટલ જેવા. દીવાલ પર ફેંકેલી બૉટલ અથડાઈને ચૂરેચૂરા થઈ જાય છે ખણણણ... ઘણી વાર તો અમથા અમથા અંદર અથડાયા કરે છે શબ્દો તૂટીફૂટીને ચૂરેચૂરો થઈ જતા ખડિંગ— અવાજના ટામેટાને ગાયબ કરી દેતા— સૂનમૂન કરી દેતા મારી હથેલીને, મારી કર્ણચેતનાને. પણ ફરી પાછું ઊપસી આવે છે— ઊપસી આવે છે— વોટ ? વેરાન, વૉઈડ. (જૂન : ૧૯૮૪) [શ્રી રાધેશ્યામ શર્માને પત્ર લખતાં લખતાં સર્જાયેલો કેટલોક અંશ થોડા ફેરફારો સાથે કાવ્યરૂપે પ્રગટ કર્યો છે.]