ટોળાં અવાજ ઘોઘાટ/૨૯ -તબડક તબડક

૨૯ -તબડક તબડક

પપ્પાજીની પેન તૂટી ગઈ ભાગી ચાલો તબડક તબડક ચોપડીઓના કિલ્લા કૂદી ભાગી ચાલો તબડક તબડક શાળાની દિવાલો ઠેકી ભાગી ચલો તબડક તબડક યુનિફોર્મને અધ્ધર ફેંકી ભાગી ચાલો તબડક તબડક દફતરને દરિયામાં ફેંકી ભાગી ચલો તબડક તબડક તબડક તબડક આવ્યા અમે મોટા મોટા પ્હાડ પર                   પથ્થરનો આ પ્હાડ નથી કે નથી બરફનો પ્હાડ                   નહીં શાળાની વાડ અહીં કે નહીં પપ્પાની આડ.
તબડક તબડક આવ્યા અમે આઈસ્ક્રિમના પ્હાડ પર ચમચીથી નહીં ખોબાથી અમે આઈસ્ક્રિમ ખાધો પ્હાડ પર પ્હાડ બધો એ ખાઈ ગયા પણ ના આવી એક છીંક પપ્પા - મમ્મી - ડોક્ટરની ના ઇન્જેક્શનની બીક
તબડક તબડક કૂદતા કૂદતા, ઊંચે હવામાં ઊડતા ઊડતા આકાશે જઈ પૂગ્યા. અમે પૂગ્યા આકાશે તરત જ ચાંદામામા ઊગ્યા.
મામાએ ઝટ ફ્રિજ ખોલીને આપી અમને કેરી ઠંડી ઠંડી મીઠી મીઠી મોટી મોટી કેરી આભ જેવી કેરી મોટી દરિયા જેટલો રસ ધોળી ધોળી ધન્ ધનાધન્ ચૂસવા માંડ્યા ચસ. પેટ ભરાયું આભ જેટલું પછીથી નીકળી ગોટલી ગોટલીને તોડી તો અંદરથી નીકળી પોટલી. પોટલીને છોડી તો અંદરથી નીકળી પેન ધેન્ ધેન્ ધેન્ ! પેન લઈને આવ્યા તબડક પપ્પાજીને આપી તબડક લખો કવિતા તબડક તબડક પપ્પાજી તો લખે કવિતા તબડક તબડક કવર બીડીને અમને આપ્યું તબડક તબડક મુંબઈ ગામે અમે ઊપડ્યા તબડક તબડક સુરેશ અંકલ પાસે પૂગ્યા તબડક તબડક સુરેશ અંકલ ચશ્માં પહેરે તબડક તબડક સુરેશ અંકલ કવર ઉઘાડે તબડક તબડક કવર ખોલતાં કૂદી કવિતા તબડક તબડક મશીન પરા જઈ પૂગી કવિતા તબડક તબડક મશીનભઈ એ તબડક તબડક આ કવિતા છાપી રે તંત્રીજીએ એમાંથી ના એક લીટી કાપી રે. (સુરેશ અંકલ એટલે શ્રી સુરેશ દલાલ.)