ટોળાં અવાજ ઘોઘાટ/૪ -મેં નથી પાડી હા, તેં નથી પાડી ના

From Ekatra Wiki
Revision as of 05:44, 11 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪ -મેં નથી પાડી હા, તેં નથી પાડી ના|}} {{Poem2Open}} હું ‘હા’ નથી પાડી શકતો તો તું ‘ના’ કેવી રીતે પાડી શકે ? હું ટેટાં નથી ‘પાડી’ શકતો તો તું ઘેટાં કેવી રીતે ‘પાળી’ શકે ? અને છતાં હાથ ઝૂકે છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪ -મેં નથી પાડી હા, તેં નથી પાડી ના

હું ‘હા’ નથી પાડી શકતો તો તું ‘ના’ કેવી રીતે પાડી શકે ? હું ટેટાં નથી ‘પાડી’ શકતો તો તું ઘેટાં કેવી રીતે ‘પાળી’ શકે ? અને છતાં હાથ ઝૂકે છે, પથ્થર પકડાય છે, હવામાં ફંગોળાય છે- ને ટપ ટેટાં ટપકી પડે છે પગ નીચે, ઢગલો. ટેટાં તો પડ્યાં : પણ પાડ્યાં કોણે ?

‘મેં પાડ્યાં, મેં પાડ્યાં.’ એમ પથ્થર બોલી ઊઠ્યો. હાથ કહે : ‘એય ! તને ઊંચક્યો ને ફેંક્યો કોણે ?’ ‘એલા હાથ ! ખરેખર તો અમે આંગળીઓએ પથ્થરને ઊંચક્યો.’ ‘અલી ! પણ અમે હાડકાં અંદર છીએ તે ?’ ‘અને અમે સાંધા છીએ ને વળીએ છીએ.’ ‘અને અમે ચામડી કંઈ કામની જ નથી વળી ?’ ‘અને અમે સરકતું લોહી ના હોઈએ તો ?’ ‘અને અમે નર્વૂઝ : મોટરી’ ‘અમે સેન્સરી’ ‘અમે આંખોએ ટેટાં જ ન જોયાં હોત તો ?’ ‘અને મન વગર પાડવાનો સંકલ્પ કોણ કરત ?’ ‘અમે પડવા દીધાં એટલે ?’ એમ કહે છે ડાળ. સૂરજ કહે : ‘અમે પકવ્યાં એટલે ?’ ટેટાં બોલ્યાં : ‘અમે પડ્યાં એટલે વળી ? ના પડ્યાં હોત તો ?’ આવું છે ટેટાંનું મારા બેટાનું ને તારાં ઘેટાંનું.

મેં નથી પાડી હા, તેં નથી પાડી ના મેં નથી પાડ્યાં ટેટાં, તેં નથી પાળ્યાં ઘેટાં. તેં નથી પીધી ચા, મેં નથી કીધું ખા

‘ગાવું હોય તો ગા, ખાવું હોય તો ખા’ ખાવું હોય બગાસું; પણ આવે તો ને ? ટૂંકમાં તું ગાતો નથી, હું ખાતો નથી. તું વાતો નથી (હે પવન !) હું નાતો નથી. (આમ તો ફુવારો ચાલુ છે ને આપણે નીચે જ બેઠા છીએ.) તો બાથરૂમમાં ફુવારા નીચે બેસી કોણ ન્હાય છે ? સવાલ બરાબર પૂછો, આ બાથરૂમમાં બેસીને કોણ ન્હાય છે? સવાલ ખોટો છે. માટે ખોટા જવાબો સાંભળો.. આ બાથરૂમમાં બેસીને હું ન્હાઉં છું. ખાટલા પર બેસીને હું ખાઉં છું. જગુભાઈને ઘેર હું જાઉં છું. પારિજાતને હું પાણી પાઉં છું. ગીતાજીના શ્લોક હું ગાઉં છું. હવે આ બધા જ જવાબો ખોટા છે સાચા સવાલની શોધ, સાએબ, ક્યાં કરવી ? આ સવાલ પણ ખોટો છે. પ્રશ્ન અતિશય મોટો છે. મોટો છે પણ સાવ સદંતર ખોટો છે. ખોટો છે ને જવાબનો ક્યાં તોટો છે ? બનાવટી કડકડતી અઢળક નોટો છે. આ અટકો અહીં ગડબડનો વાળ્યો ગોટો છે. મેં નથી વાળ્યો ગોટો, તેં નથી પાડ્યો ફોટો શીતળ જળથી સભર ભરેલો * લોટો મોંમાં પાણીની ધાર- ગાળામાં શીતળ સરકાટ : હાશ ! છતાં- હું નથી પીતો પાણી, તું નથી ખાતો ધાણી અર્થાત્ મેં કદી પીધું નથી પાણી તે કદી ખાધી નથી ધાણી. આથી જ મેં નથી પાડી હા, તેં નથી પાડી ના. (*’સભર ભરેલો’ શબ્દોમાં છે પુનરુકિતનો દોષ)

ભરી ભરીને ઠલવો છો કવિ, કૂવામાં તમે કોશ. મેં નથી કર્યો દોષ ને નથી ભર્યો કોશ. તો કોણ કરે છે શબ્દકોશ ? ને કોણ કરે છે કાવ્યદોષ ? ને ભરી ભરીને ઠલવે છે આ કોણ કૂવામાં કોશ ? સવાલ ખોટો છે. જવાબનો ક્યાં તોટો છે ? હું જ કરું છું શબ્દકોશ ને હું જ કરું છું કાવ્યદોષ ને ભરી ભરીને ઠલવું છું આ હું જ કૂવામાં કોશ. તેમ છતાં મેં- ફૂદડીની આ નથી કરી નોટ તેં નથી દળ્યો લોટ, મેં નથી ખાધી ખોટ. તેં નથી આપ્યો વોટ, મેં નથી મૂકી દોટ. ટૂંકમાં- મેં નથી કદી બાંધ્યો કે નથી કદી સાંધ્યો કોઈ કોટ. (ઓગસ્ટ : ૧૯૭૬)