ટોળાં અવાજ ઘોઘાટ/૮- અને એમ કશાનેા અંત નહીં

૮- અને એમ કશાનો અંત નહીં

ના કશાનો અંત નહીં ઠંડુ મૌન તિરસ્કાર નર્યો. સંગાથ આમ શું છતાં અલગ. બધું જ ક્રમ મહીં જિવાય, પિવાય ચા સવારે— ને મૌન-સ્નાન-લંચ. મંચ માટેના રોજિંદા રિહર્સલ જેવું. કટ્ આમ કપાઈ જાય કાતરથી દોર અને વેગવંત વાયુના પ્રવાહમાં પતંગ જાય સરી; પણ ના એમ કશાનો અંત નહીં. કેમકે બધું સમજાય છે. કાર્ય અને સૂક્ષ્મ જે અસંખ્ય કારણો બધું જ સ્પષ્ટ, સાવ સ્પષ્ટ, સમજાય છે. મૌનમાં બધું ઊંડે બખોલમાં ક્લિઅર કટ્. જો કે ભાવ તો બધા જ થાય છે કામ, ક્રોધ, દ્વેષ... પણ ક્ષણિક; કેમ કે અંગાંગમાં ધમધમાટ રોષનો થયા પછી ભપ્ બધું જ ઓલવાઈ જાય છે. ને બિનંગત દૃષ્ટિ બધું ઝીણું ઝીણું અલગ કરીને ઓળખી લે છે સ્પષ્ટ. દૃષ્ટિ ક્યાંય ચોંટતી નથી. એ ‘સ્પષ્ટ’ છે, ‘વિશદ’ છે, ‘અલગ’ છે અને તેથી ‘એકલી’ છે. અશ્રુઓ તો આંખમાં ઊભરાઈ જાય સામટાં પણ પછી કશું નહીં. હીબકાનું હાસ્યમાં રૂપાન્તર પણ હિસ્ટિરિકલ નહીં. અને આમ બધું તીવ્ર અતિ તીવ્ર અને તેમ બધું દૂર, અલગ, બિનંગત એકલું એકલું. છતાં કંઈ કશાનો અંત નહીં. વિચાર આવે; જો કે તીવ્ર નહીં, ક્ષણિક, આછો અમથો— પણ નો એક્શન. ઠંડીગાર એકલતા. ધિક્કારના સુસવાટા વચ્ચે સ્થિર નિષ્કંપ પરિપ્રેક્ષ્ય. જામગરીમાં તણખો તો પડ્યો છે સડસડાટ સરકે છે આમ ને આમ અંશાંશમાં તીખી તણખતી જ્વાલા. પણ અંત નથી; જો કે જિજ્ઞાસા છે જોઉં છું— અનુભવું છું આગ એકધારી એકાગ્રતાથી અલગ અને છતાં એકરૂપ. દૂર છતાં અ-દૂર, અભિન્ન સ્વિન્ન દદડું છું રેલાઉં છું પણ અંત નથી. અંતની ઉતાવળ નથી. સ્ફોટ થશે જ્યારે ત્યારે દૃશ્ય હશે દ્રષ્ટા? પણ સ્ફોટ થતાં પહેલાંની ક્ષણ એના અતિશય બારીકમાં બારીક ફેરફારો વાંક-વળાંકો તારેતાર તમામ— જોઈ શકાશે, તીવ્રતાથી સર્વાંગ સળગતા. અને સ્ફોટ— પણ ઘટસ્ફોટ થશે જ્યારે ઘટ નહીં હોય ત્યારે. આદિથી આરંભાયેલો ‘હાસ’ પરિપુષ્ટ થવાની ક્ષણ પહેલાં, સ્થાયી થવાની ક્ષણ પહેલાં જ બધું વેરણ-છેરણ ભાવહીન, દૃષ્ટિહીન... આ અંદર ગોઠવાયેલું બાયનોક્યુલર એના દ્રષ્ટાસમેત છૂ થઈ જશે— કલ્પનાથી હસી પડું છું— પણ એ પર્યાપ્ત નથી. ઓછું પડે છે. જો કે ખબર છે આ અપૂર્ણતાની અને તેથી જ સળગું છું સળંગ એકધારો જામગરીની જેમ. છતાં ઉતાવળ નથી. નો એક્શન; અર્થાત્ નો રિ-એક્શન. ઝન ઝન સળગે છે જામગરી; લગોલગ એકરૂપ છતાં અલગ યુગપત્ અનિમેષ તાકી રહી છે નજર, સિરિયસલી. ખડખડાટ હાસ્ય પણ કાંઠાને ઓળંગીને છલકાઈ જતું નહીં ઊભરાય છે પણ ઓળંગી જતું નથી. શમી જતું, બેસી જતું તત્ત્વનો તાર અડી જતાં પાછું પફ્ અને ખડખડતો ઊભરો અલબત્ત ઓળંગીને છલકાઈ જતો નહીં. શમી જતો, બેસી જતો. અને એમ કશાનો અંત નહીં. (ઑક્ટોબર : ૧૯૭૮)