તુલસી-ક્યારો/૩૩. સિદ્ધાંતને બેવફા

૩૩. સિદ્ધાંતને બેવફા

બાપ-દીકરો દાખલ થયા – અને એ સાંજે ત્રણ ક્રિયાઓ એકીસાથે બની : ભદ્રાએ સાડીનો છેડો ખેંચી સસરાની આછી લાજ કાઢી. કંચન ચમકીને આવનાર પુરુષોની સન્મુખ થઈ ગઈ. અને ઊંઘતા દેવુએ આંખો ઉઘાડી. બાપ-દીકરાની આંખોએ કંચનનું મોં જોઈ લીધું. ઝડપભેર કંચન પાછી દેવુના પલંગ તરફ ફરી ગઈ. દેવુએ કંચનને દીઠી. દેવુનો દૂબળો સ્વર બોલી ઊઠ્યો : “બા!” વધુ એ બોલી શક્યો નહીં. એના માથા પરનો પાટો દડ દડ પડતાં અશ્રુજળે પલળવા લાગ્યો. દેવુના પલંગના સળિયા પકડી લઈને કંચને આધાર મેળવ્યો. બોલ્યા વગર એ દેવુ તરફ જોઈ રહી. ભદ્રા ક્યારની દેવુને બિછાને પહોંચીને નીચે બેસી ગઈ હતી. સસરા તરફ સહેજ અંતરપટ કરી રાખીને એ કંચન તરફ તાકતી હતી અને કહેતી હતી ધીમે સાદે કે, “આંહીં આવો ને!” પણ કંચન જ્યાં ઊભી હતી ત્યાં જડાઈ ગઈ હતી. પલંગના સળિયા છોડવાનું કામ સહેલું નહોતું. સળિયામાં જાણે કોઈએ વીજળીનો પ્રવાહ વહેતો મૂક્યો હતો. કંચનના મોં પર બાઘોલામંડળ ચીતરાયું હતું. એ મોં પર પ્રેમ નહોતો, લાગણી નહોતી, મમતા કે બીક નહોતી, મૂંઝવણ કે મનોવેદના નહોતી, રોષ કે વિષાદ નહોતો; હતું ફક્ત લાગણીહીન દશાનું બાઘોલામંડળ. બાઘોલી દશાનો બોજો અસહ્ય હોય છે. “કોણ એ?” વીરસુતના પિતા બોલી ઊઠ્યા : “કાલે આવેલાં તે જ બેન લાગ્યાં. મારી આંખે ઝાંખપ ખરી ના, એટલે ઓળખાણ ઝટ પડે નહીં!” વૃદ્ધનો આ ફક્ત એક પ્રયત્ન જ હતો – એ ઓરડામાં મચી ગયેલી વિચિત્ર મૂંઝવણમાં કશોક માર્ગ કાઢવાનો. એને વહેમ પડી ગયો હતો – દેવુએ ‘બા’ એવો ઉચ્ચાર કર્યો તે સાથે જ. એ સંશય પાકો બન્યો હતો – ભદ્રા વહુએ કંચનને ઘૂંઘટની આડશ આડેથી મમતાભર્યું ‘આંહીં આવો ને!’ કહ્યું હતું ત્યારનો જ. પણ અકથ્ય અવસ્થા તો વીરસુતની હતી. એનાથી તો કંચન થોડી જ અણઓળખાઈ હતી! એના મોંમાંથી તો થોડો જ કોઈ સ્વાગત-શબ્દ નીકળી શકે તેમ હતો! એને થોડી જ ખબર હતી કે કંચનના અંતરમાં કઈ લાગણી ઘોળાવા લાગી છે! ને એને ક્યાં ખબર હતી કે દેવુને થયેલા અકસ્માતનું નિમિત્ત પણ કંચન હતી ને દેવુને બચાવી લાવનાર પણ કંચન હતી! કંચનનું મોં ફક્ત એક જ પળ ઝબકી ગયા પછી અત્યારે તો એની સમક્ષ દેખાતી હતી કંચનની પીઠ. કાલે દૂરદૂરથી દીઠી હતી તે જ એ પીઠ! ક્ષીણ થઈ ગયેલી : ત્રેસર ગૂંથ્યા છૂટા ચોટલાને બદલે અંબોડો વાળેલો કેશકલાપ : અંબોડામાં પણ ફૂલ કે ફૂલવેણી નહોતાં. ઝીણી સાડીની આરપાર એ બધું જોઈ શકાતું હતું. એ શું દુ:ખી હતી? શણગાર શું રોળાયા હતા? ફૂલો શું કરમાયાં હતાં? કેમ આવી હતી? ફરી વાર પાછો નવો વર્તમાન શરૂ કરવા? ભૂતકાળ પર પરદો નાખી દેવા? કે કોઈ ભૂલથી? કોઈ ભ્રમણાથી? કોઈના મોકલવાથી? કેવળ વ્યવહાર કરવા સારુ? ઝબક! ઝબક! ઝબક! મેઘલી રાતમાં વીજળી ઝબૂકી ઝબૂકીને ચાલી જાય તેમ પ્રશ્નમાળા ઝબૂકી ગઈ. પણ ભૂલો પડેલો પ્રવાસી વીજળીના ઝબુકાટથી તો ભાળવાને બદલે ઊલટાનો વધુ અંજાય ને અંધ બને, તેમ વીરસુત ભ્રાંતિગ્રસ્ત બન્યો, ને શું કરવું તે ન સૂઝવાથી, નબળાઈની ક્ષણ આવી પડશે એ ભયથી પાછો ફર્યો, બહાર નીકળ્યો, ને ‘ચાલો ત્યારે, ભાભી, હું નીચે છું …’ એમ બોલતો એ નીચે ઊતરી જઈ મોટરમાં બેઠો. ચક્ર હાથમાં લીધું. પણ તે દિવસ એને ડર લાગ્યો કે કદાચ આજે ‘વ્હીલ’ પર હાથનો કાબૂ ઘર સુધી સચવાવો અઘરો થઈ પડશે. ક્યાં સુધી પોતે ‘સ્ટિયરિંગ વ્હીલ’ હાથમાં ઝાલીને બેસી રહ્યો તેનો ખ્યાલ ન રહ્યો. ગઈ હતી પાંચ જ મિનિટ, પણ ભદ્રા આવીને પાછલી બેઠકમાં બેસી કરીને જ્યારે બોલી કે, ‘લ્યો, ચાલો, ભૈ!’ ત્યારે એને લાગ્યું કે ભાભીએ જાણે સવાર પાડ્યું હતું, ને પોતે જાણે એક સપાટે નીંદર લઈ લીધી હતી. એણે પાછળ નજર કરી. પાછળની બેઠકમાં એક નહીં પણ બે બૈરાં બેઠાં હતાં એવા પ્રથમ દૃષ્ટિના વિભ્રમ પછી ખાતરી થઈ કે, નહીં, ભાભી એકલાં જ હતાં. બહાર ડોકું કાઢી આગળપાછળ જોયું. કોઈ નહોતું. હોઠ પર પ્રશ્ન પૂછું પૂછું થઈ રહ્યો : ‘કોઈ આવે છે, ભાભી?’ પણ મહેનત કરીને પ્રશ્ન રૂંધ્યો. ગાડી દવાખાનામાંથી બહાર નીકળી, રસ્તે ચડી, તોય પોતે વેગ ન વધાર્યો. કોઈ આવે છે? કોઈ અફળાય તેમ તો નથી? કોઈ આગળપાછળ છુપાઈને જોવા તો ઊભું નથી ને? કોઈ હડફેટે આવીને ચગદાઈ તો જશે નહીં ને? કોઈ! કોઈ એટલે કોણ? કોઈ એટલે એક જ માણસ : કંચન. પણ કંચન ત્યાં નહોતી. કંચન હજુ દેવુની દર્શનલાલસાને પેટ ભરીભરીને સંતોષાવા દેતી હતી. દેવુનો હાથ એણે પોતાના હાથમાં લીધો હતો. દેવુ એને પૂછતો હતો – જાણે સેંકડો ગાઉ છેટેથી એ પ્રશ્ન કરતો હતો : “બા! હાથ....માં... ચૂ...ડી કેમ... ન...થી?” પણ ત્યાં દવાખાને એવું શું શું બની ગયું તે સંબંધે ભદ્રા તો ચૂપ જ હતી. કાંઈક બોલશે એવી વીરસુતની આશા રસ્તા પર વેરાયે જતી હતી. ભદ્ર તરફ ગાડી વાળવાને વખતે એણે જોયું કે, ગાડીની આગળ આદમી દોડતો જાય છે. પોતે હૉર્ન વગાડ વગાડ કર્યું, પણ દોડતો માણસ પાછો ફરીને રસ્તા પર સામે જ ઊભો. ગાડી પણ કચરડડડ... કરતી રોષભરી ઊભી રહી. ઊભેલો માણસ મોટરની સખત રોશનીના ઝળહળાટમાં અંજાઈ ગયો હતો. એણે કશી ઓળખાણ કર્યા વગર, હજુ તો અંજાયેલી જ આંખે કશું પૂરું ભાળ્યા વગર, આગળ દરવાજા પાસે આવીને હાંફળાફાંફળા સ્વરે કહ્યું : “મહેરબાની કરી મને જરા બેસારી લેશો? હું સંકટમાં છું. વાત કરવા વખત નથી. ખાનપુર ઊતરી જઈશ.” એને વીરસુત કશો જવાબ આપે તે પૂર્વે તો એ બારણું ખોલી વીરસુતની બાજુની બેઠક પર ચડી બેઠો. હા-ના કશું કહેવાની વેળા મળે તે પહેલાં તો બેઉએ પરસ્પરને પિછાન્યા, ને એ ચડી બેઠેલા ભાસ્કરે કહ્યું : “ઓહો! તું જ છે કે, ભાઈ? સારું થયું. હાંક જલદી; પછી વાત કરું છું.” વીરસુતે ભાસ્કરને છેલ્લો જોયેલો તે પ્રસંગ એ એક જ ક્ષણમાં તાદૃશ થયો : પોતાને ભાસ્કરે એને ઘેર ગડદાપાટુએ મારી અધમૂઓ કરેલો તે પ્રસંગ : પોતાની પત્ની કંચનના હાથે એ માથામાં તેલ ઘસાવતો હતો તે પ્રસંગ : તે પ્રસંગ યાદ આવતાં વીરસુત ગાડી હાંકતે હાંકતે રોમે રોમે થરથરી ઊઠ્યો. બાજુએ ચડી બેઠલો આ અસુર પડખામાં ચપ્પુ કે છૂરી ઘોંચી દેવા તો નહીં આવ્યો હોય! પણ અટકી જવાની એનામાં હિંમત નહોતી. મોટરને ચલાવતા એના હાથ યંત્રવત્ બની ગયા હતા. “હું જોખમમાં છું, વીરસુત!” ભાસ્કરના શબ્દો નીકળ્યા : “હું કદાચ પકડાઈ જઈશ. મારે જેલમાં જવું પડશે. ને મારે જામીન પર છૂટવું નથી. માટે જ થોડો સમય મેળવવો હતો, વીરસુત! મારે તારે ઘેર જ આવવું હતું. પણ મારે તને નહીં – તારાં ભાભીને મળી લેવું હતું. તું કદાચ મળવા દે કે ન દે એમ સમજી હું તારે ઘેર તું આવી પહોંચે તે પહેલાં જ પહોંચી જવા દોડ્યો જતો હતો.” પ્રત્યેક શબ્દ વીરસુતનાં આંતરડાંને જાણે કે શૂળો પરોવી ઊંચાં કરતો હતો. આ હેવાનને ખતમ કરવા ખાતર મોટરને ઊંધી વાળવાનું વીરસુતને મન થતું હતું. મારી પત્નીને છીનવી ગયાથી સંતોષ ન વળ્યો તે હવે મારી ભાભીને પણ ઝૂંટવવા, ફસાવવા, ભોળવી જવા મારે ઘેર ભમતો હશે? “તને ખબર નહીં હોય, વીરસુત, પણ હું તારે ઘેર તારી ગેરહાજરીમાં આવી ગયો છું.” ભાસ્કર જાણે કે વીરસુતના મનમાં ચાલી રહેલ વિચાર-કૂચની સાથે સાથે જ ચાલી રહ્યો હતો. ભાસ્કર જાણે કે પારકા ઉરપ્રદેશની હરિયાળીમાં સરર સરર ચાલતો છૂપો સાપ હતો. “મારે તારાં ભાભીને કહી જવું છે એટલું જ, વીરસુત,” ભાસ્કરે વીરસુતના બંગલાનો વળાંક આવ્યો ત્યારે પણ ચાલુ રાખ્યું : “કે આજે હું એક મારી પ્રકૃતિ વિરુદ્ધનું, મારી લાગણી વિરુદ્ધનું, મારા જીવનભરના સંસ્કાર વિરુદ્ધનું કામ કરી આવ્યો છું. મેં ક્લબમાં એક મોટા ગૃહસ્થને શું કર્યું – કહું? તને મેં શું કરેલું તે યાદ છે? તને મેં તે દિવસે જે લજ્જતથી ટીપ્યો હતો, તે જ લજ્જતથી એ ગૃહસ્થને ટીપેલ છે. ફેર એટલો કે તને લોહી નહોતું નીકળ્યું, જ્યારે આને તો લોહીની નાખોરી ચાલી જાય છે. એ...પડ્યો ક્લબમાં. એ...તરફડે ગંભીર જખમોની વેદનામાં.” @BODY- = આમ કહેતો કહેતો એ મોટરમાંથી ઊતરતો હતો. વીરસુત મોટરને ચાવી મારી લાઇટ ઓલવતો હતો ને ભદ્રા થરથર કંપતી પાછલે બારણે ઊતરતી હતી. એને એમ થયું હતું કે પોતાને ભાસ્કરે જોઈ નથી. એ સરકી જવા લાગી ત્યારે ભાસ્કરે એને કહ્યું : “હવે થોડી જ વાત બાકી છે. ન ભાગો, સાંભળતાં જાઓ. કલબમાં ભજિયાં અને ચા ખાતાં ખાતાં એ ગૃહસ્થે મને જોઈ વીરસુતની વાત કાઢી, ને એણે લહેરથી કહ્યું કે, વીરસુતને તો વહુના બદલામાં ભોજાઈ મળી ગઈ છે. મેં કહ્યું – જૂઠી વાત છે. મેં શા આધારે કહ્યું તેની ખબર તો મને પણ રહી નથી. મેં તો આટલાં વર્ષો સુધી હંમેશાં એક જ સિદ્ધાંત પાળ્યો છે કે, સ્ત્રીએ ને પુરુષે ગમે તેવા સંજોગોમાં પણ ગોઠવાઈ જવું. ગોઠવાઈ જનારાંના મેં સુચરિત્ર-દુશ્ચરિત્ર એવા કૃત્રિમ ભાગ કદી પાડ્યા નથી. પણ આજે અરધા કલાક પહેલાં હું મારા સિદ્ધાંતને બેવફા બન્યો. મેં એ ગૃહસ્થની એ દલીલને, એ જીભને, તારી ભાભી માટેના અપશબ્દો બોલતી ચૂપ કરેલ છે, ને એ બેભાન પડ્યો છે. પોલીસને ટેલિફોન થઈ ચૂક્યો છે. બસ, જાઉં છું. આંહીં તારે ઘેર પોલીસની ખૂંદાખૂંદ ન ચાલવી જોઈએ. આંહીં તારી ભાભી વસે છે – ખબર છે!” એમ કહીને એ સડસડાટ બંગલા બહાર ચાલ્યો ગયો.