દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૮. ગ્રીષ્મ ઋતુનું વર્ણન

Revision as of 10:33, 8 April 2023 by KhyatiJoshi (talk | contribs)


૩૮. ગ્રીષ્મ ઋતુનું વર્ણન

વસંતતિલકા વૃત્ત


પ્રાણી વિનાશન કરે રવિ કેમ આમ,
જાણે પુરાણી જન રુદ્રતણું જ કામ;
તે વાતનો મરમ જોતિષજાણ જાણે,
ભાનુ બન્યો વૃષભ વાહન આજ ટાણે,

જો રોહિણી સમીપ આ રવિ દેવ આવ્યો,
તેણે ચઢાવી રવિને અતિશે તપાવ્યો;
જાણે પ્રભાકર ઘણી રીસથી ભર્યો છે,
ક્રોધી શશાંકતણી સુંદરીએ કર્યો છે.

શાદૂલવિક્રીડિત વૃત્ત

તાતા તાપ થકી તાપ થકી તમામ તરુથી પક્ષી, બિચારાં પડે,
વૃંદો વાંદરનાં વિશેષ વિખરી, જ્યાં ત્યાં પછી જૈ ચડે;
પાણી ઉષ્ણ નદી તળાવ તટમાં, મચ્છો તપ્યાં તરફડે,
ભારે ભીષમ ગ્રીષ્મકાળ કહિએ, નાના પ્રકારે નડે.

વસંતતિલકા વૃત્ત

જે પર્વતો અચળ થૈ સઘળું સહેતા,
કોઈ પ્રકાર થકી ક્રોધ કદી ન લેતા;
તેઓનું આજ અતિશે તન છે તપાયું,
જો વિશ્વ આજ અતિ રૌદ્ર રસે છવાયું.

ફૂલ્યા ઘણા સરસ પર્વતના પલાશ,
એની જણાય રચના વળિ આસપાસ;
કેવા દિસે અધિક ખાખર તે રૂપાળા,
જાણે ઉઠી અધિક પર્વત ક્રોધજ્વાળા.

ક્રોધી બની ઉદધિ તો બહુ બૂમ પાડે,
ઘોંઘાટ સાથ તટ હાથ જુઓ પછાડે;
ક્રોધીપણું ઉદધિનું અતી ઓળખાયું,
જો વિશ્વ આજ અતિ રૌદ્ર રસે છવાયું.

જે સિંધુ નાવ નિજ ઉપર તારનારો,
તે ક્રોધી થૈ અધિક આજ થયો અકારો;
વિશ્વાસ આજ વિધિનો નહિ નાવ આણે,
ક્રોધી કદાપિ નિજનું પરનું ન જાણે.

જો આ તરંગ નિધિ ઉપર ઉછળે છે,
રેલાઈ નીર વધતું રણમાં વળે છે;
રોમાંચ અંગ નિધિનું અતિશે થયું છે,
પ્રસ્વેદ નીર વહિને અળગું થયું છે.

પાણી તપે નદીતણું અદકું ઉનાળે,
કૂવાનું નીર અતિ શીતળ એ જ કાળે;
તે જેમ દંપતિ પરસ્પર વેણ સાંખે;
જો એક જાય તપી તો બીજું શાંતિ રાખે.

પૃથ્વી થકી જળ જુઓ રવિકીર્ણ શોષે,
વર્ષા સમે વળી ધરાતળ એ જ પોષે;
રાજા પ્રજાથકી કદી કર શ્રેષ્ઠ લે છે,
તે જેમ યોગ્ય સમયે જન કાન દે છે.

દીસે તળાવ નદિનાં જળ તો ઘટેલું,
ખારા વિશેષ રણમાં જળ છે વધેલું;
કોઈ સમે ધન ન હોય સુપાત્ર ઘેર,
દીસે કુપાત્ર જન ઘેર વિશેષ લ્હેર.