દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૬. આબુનું વર્ણન

Revision as of 15:07, 11 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬. આબુનું વર્ણન|ભુજંગી છંદ}} <poem> ભલો દૂરથી દેખતાં દીલ ભાવ્યો, ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો; દિસે કુંડનો દેવતા બીજ જેવો, દિઠો આજ આબુ ગિરીરાજ એવો. તિથી પૂનમે શોભિયા સાંજ ટાણે, બન્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૬. આબુનું વર્ણન

ભુજંગી છંદ


ભલો દૂરથી દેખતાં દીલ ભાવ્યો,
ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો;
દિસે કુંડનો દેવતા બીજ જેવો,
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.

તિથી પૂનમે શોભિયા સાંજ ટાણે,
બન્યા ઘંટ બે સૂર્ય ને સોમ જાણે;
દીપે દેવ હાથી કહે કોઈ કેવો,
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.

કદી ઉપર જૈ જુઓ આંખ ફાડી,
ઝુકી ઝાડનાં ઝુંડની ઝાઝી ઝાડી;
મહા સ્વાદુ માગ્યો મળે મિષ્ટ મેવો.
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.

દિસે વાઘ ને વાંદરા સિંહ હર્ણાં
ઝરે નિર્મળા નિરનાં નિત્ય ઝર્ણાં;
શીળો ને સુગંધી વહે વાયુ તેવો,
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.

ભલા ફુલની ત્યાં ફુલી ફુલવાડી,
કુવા વાવ ને કુંડ ઓપે અગાડી;
વડાં દેવળોમાં વસે વાસ દેવો,
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.

બન્યા બંગલા ને બની ત્યાં બજારો,
રૂડા રોજગારી કરે રોજગારો;
મળે માલ લેનારને હોય લેવો,
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.

તહાં તેર ગાઉતણે તો તળાવે,
પિવા ગામ અગીયારના લોક આવે;
જહાં જેઠ માસે ન દિસે પ્રસેવો,
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.

અષાડે પરાં વાદળાં પાસ આવે,
જતાંવેંત જોવાની જુક્તી જણાવે;
ધુમાડો ધુણીનો તમે જેમ ટેવો,
દિહો આજ આબુ ગિરીરાજ એવો.

જુનાં જૈનનાં હિંદુનાં સ્થાન જેમાં,
અતિ ખ્યાલ છે અર્બુદા દેવી એમાં;
કહી તે કથા જાણવા જોગ કામે,
રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.