દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૭. પરમેશ્વરના રસ્તાની ગરબી


૪૭. પરમેશ્વરના રસ્તાની ગરબી


જો પ્રભુનો મારગ પૂછો રાજ, વસ્તો રસ્તો સસ્તો છે,
નથી આડો અવળો ઊંચો રાજ, વસ્તો રસ્તો.

છે સૂત્ર બરાબર સીધો રાજ, વસ્તો રસ્તો.
કરતારે સહેલો કીધો રાજ, વસ્તો રસ્તો.

નથી ખેતર ખાડા ખઇયા રાજ, વસ્તો રસ્તો;
નથી પર્વત આડા પડિયા રાજ, વસ્તો રસ્તો.

નથી કંકર ગોખરુ કાંટા રાજ, વસ્તો રસ્તો;
નથી આડા અવળા આંટા રાજ, વસ્તો રસ્તો.

નથી પથરા કાદવ પાણી રાજ, વસ્તો રસ્તો;
ત્યાં દાણ ન લે કોઈ દાણી રાજ, વસ્તો રસ્તો.

નથી ઝુકી ભયંકર ઝાડી રાજ, વસ્તો રસ્તો;
નહીં જોઈએ ઘોડાં ગાડી રાજ, વસ્તો રસ્તો.

નહીં તાપ તપે મેહ વરસે રાજ, વસ્તો રસ્તો,
નહીં ઠંડક પડે તન ઠરશે રાજ, વસ્તો રસ્તો.

એ તો ખૂબ બન્યો છે ખાસો રાજ, વસ્તો રસ્તો;
નહિ વાઘ વરુનો વાસો રાજ, વસ્તો રસ્તો.

વિશ્વાસ વળાવો લેવો રાજ, વસ્તો રસ્તો;
એક દામ પડે નહિ દેવો રાજ, વસ્તો રસ્તો.

લઈ સત્ય દયાને સાથે રાજ, વસ્તો રસ્તો;
ધરી ઈશ્વર આજ્ઞા માથે રાજ, વસ્તો રસ્તો.

તમે ચોંપ કરીને ચાલો રાજ, વસ્તો રસ્તો;
મનગમતા મારગ ઝાલો રાજ, વસ્તો રસ્તો.

તમે સિધાવજો શુભ કામે રાજ, વસ્તો રસ્તો;
કહી દીધો દલપતરામે રાજ, વસ્તો રસ્તો.