દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૦. હાલરડું ત્રીજું


૬૦. હાલરડું ત્રીજું


અલોલોલો હાલ ખમા તને રે, બાલુડા ભાઈને લોલો ગાઉં,
મુખડું તારૂં મહા મનોહર, હેરી હેરી હરખાઉં;
હાલો હાલો હેરી હેરી હરખાઉં.                            અલોલોલો. ટેક.
માણેક મોતી દીસે મઢેલાં, પારણે તારે અપાર;
ફરતાં દીસે છે ફૂમતાં રૂડાં, ઘુઘરીનો ઘમકાર,
પારણા ઉપર પોપટ મુક્યાં, મેના ચકોર ને મોર;
ઝુકી રહી છે ઝાલર ફરતી, રૂડું છે, રેશમદોર,
મખમલની માંહે ગાદી મૂકે છે. સારાં ઓશીકાં સમેત,
લાડકા કુંવર પારણે પોઢો, હીંડોળું હું ધરી હેત,
પારણામાં તમે પોઢો તો જાઉં, હું ભરવા જળ હેલ;
ખાંતે તને પછી ખોળામાં લૈને, ખૂબ ખેલાવું ખેલ,
રમકડાં રૂડાં રમવાને આપું ખાવા મેવા ને મિઠાઈ;
રસીલા કુંવર તને રીઝાવું, ગીત રૂડાંરૂડાં ગાઈ,
બાળકડાં તારા જેવડાં બીજાં ઘણાં બોલાવું ઘેર;
રૂપાળા તેઓની સાથે રમજો, પછી તમે શુભ પેર,
તંગડી ટોપી આંગલું અંગે પહેરાવું મારા પ્રાણ,
ગાલ તારા છે ગુલાબ જેવા, પગ પણ એ જ પ્રમાણ,
નેણ ભરી ભરી ફરી ફરી નિરખું, હરખું હૈડા માંઈ,
સર્વ મનોરથ સફળ થયા મારે, કસર રહી નહિ કાંઈ,
પરમેશ્વરની પુરી કૃપાથી આપ્યું, રૂડું તારા જેવું રત્ન;
પાડ માની પૂરા પ્રેમથી રાખું, જીવસાટે કરી જત્ન,
બોલવા શીખો ચાલવા શીખો, વિચરો ચૌટે વીર;
શાળામાં જૈ સદા વિદ્યા શીખો, મારા હૈયાના હીર,
દીકરા તો છે દેવને દુર્લભ, એમ કહે કહે મોટા મુન્ય;
પારણે પોઢડી પુત્રઝુલાવિયે, હોય જો પુરણપુન્ય,
માતાપિતાની ચાકરી કરજો, કરજો મોટાં કામ;
સમજવા લાયક સારી શીખામણ, દેશે દલપતરામ.