દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૫. ગજરાનું ગીત


૬૫. ગજરાનું ગીત


માલણ ગુંથી લાવ ગુણિયલ ગજરો; તારા ગજરાનો
માનીશું મજરો, માલણ ગુંથી લાવ ગુણિયલ ગજરો. ટેક
તારા ગજરાનું આપીશું મૂલ, માંહી ગુંથ જે ગુલાબનાં ફૂલ
જે તું કહીશ તે કરશું કબુલ, માલણ.
જેવી હોય તારી ચુતરાઈ, તેવી કરજે તેની સરસાઈ;
કાંઈ બાકી ન રાખીશ બાઈ, માલણ.
એવી કરજે કારીગરી એમાં, જુગ્તિ હોય જોવા
જેવી મોહ પામે મુનિવર તેમાં, માલણ.
વર લાંકડાનેરે કાજે એવો ગુંથજે ગજરો તું આજે જેવી જેમાં
છત્રપતિને છાજે, માલણ.
ગજરો મૂલ પામે ગુલતાન, સારો સારો કહે સુલતાન;
થાય ગુણીજન જોઈ સુલતાન; માલણ.
એમાં જુગ્તિ જોવા જોગ જાણી, ઝાજો અંગમાં ઉમંગ આણી
રીઝે રાજા અને વળી રાણી, માલણ.
તને આપીશ હીરાનો હાર, વળી સોળ સારા શણગાર;
ઉપર હેમની મ્હોર હજાર, માલણ.
કવિતાની કીમત ઉર આણે, એ જ ગજરાનું મૂલ પ્રમાણે
દાખે દલપત બીજા શું જાણે? માલણ.