દલપત પઢિયારની કવિતા/કવિતા કવિતા રમતાં

From Ekatra Wiki
Revision as of 00:22, 1 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિતા કવિતા રમતાં

એક દિવસ
કવિતા-કવિતા રમતાં થયું,
લાવ મારી કવિતામાંથી
એકાદ કૂકીને ઓળખી જોઉં
જરા ઉછાળી,
ફેરવીતોળી જોઉં...
મેં બાજી સંચારી
જોયું તો
વાડી આખી વેરણછેરણ!
વૃક્ષો બધાં લીટાલીટા થઈ ગયાં!
કશું ઓળખાય જ નહીં.
કૂકીઓ કૂકીઓ બધી એક બાજુ
ને કાગડાઓ કશાકનો બહિષ્કાર કરતા કરતા
ઊડી ગયા.
તે પછી આ કાગળમાં
સાવ ખાલીખમ, માંચી જેવું
પડી રહેલું અવડ એકાંત
ઉપાડ્યા કર્યું છે, મેં!