દલપત પઢિયારની કવિતા/કિયા તમારા દેશ, દલુભા?

કિયા તમારા દેશ, દલુભા?

કિયા તમારા દેશ દલુભા, કિયાં તમારાં કુળ?
કિયા તમારા કાયમ ઠેકા, કિયાં તમારાં મૂળ?

કોણે રચિયા કુંભ? કુંભમાં કોણે ભરિયાં નીર?
કોણે મત્સ્યને રમતું મેલ્યું? કોણ ઊભેલું તીર?
ભરતી ક્યાંથી ચડતી? ક્યાંથી વિસ્તરતાં વર્તુળ?
                            કિયા તમારા દેશ...

અધ્ધર પવન ચલાયા કોણે? કોણે કાવડ તાણી?
આભ ઉતાર્યુ અંદર કોણે? ક્યાંથી ઊઘડી વાણી?
કોણે બાંધ્યા ઘાટ? ઘાટના ઓવારા અનુકૂળ
                            કિયા તમારા દેશ...

બીજને કોણે બાંધ્યું? ભીતર વડ સંકેલ્યો કોણે?
ગગન સમો વિસ્તાર્યો કોણે? કોણે પડદો ઠેલ્યો?
ઘેઘૂર માયા છ ગાઉ છાયા, ધારણ ક્યાં ધરમૂળ?
                            કિયા તમારા દેશ...

ઠીક તમારા ઠાઠમાઠ ને પરગટ પાટ પસારા,
અદલ ઈશારા, અનહદ નારા, આધિ ઘડી ઉતારા,
પાંખ પસારી ઊડ્યાં પંખી, આઘે ઊડતી ધૂળ!
                            કિયા તમારા દેશ...