દલપત પઢિયારની કવિતા/ડૉ. બાબાસાહેબને

ડૉ. બાબાસાહેબને

અમે થોડાં ફૂલ,
થોડા શબ્દો,
થોડાં પર્વો ગોઠવીને
તમારી ભવ્ય પ્રતિમાની ફરતે
બેઠા અને બોલ્યા :
તમે સમયનું શિખર!
ઇતિહાસનો જ્વલંત અધ્યાય તે તમે
ભારતના બંધારણનું
સુવર્ણ પૃષ્ઠ તે તમે!
દલિતની વેદનાનો ચરમ ઉદ્ગાર,
રૂઢિઓનો પ્રબલ પ્રહાર,
ક્રાંતિનો રણટંકાર તે તમે!
બુદ્ધની કરુણા તમારા અંતરમાં
ચૂએ ને
શબ્દમાં ખળભળ સમંદર ઘૂઘવે...!

કોઈ પણ માટી કેટલું બધું મહેકી શકે
એ જોયું તમ થકી...
અમારું બોલવાનું બંધ ન થયું...!
એટલામાં ત્યાં એક પંખી આવ્યું
પીઠિકાને છેડે બેઠું.
ઊંચે પ્રતિમાની સામું જોયું
પછી ચાંચ પહોળી કરીને
ખુલ્લું કંઈક લવ્યું
ને ફરતું ચક્કર મારીને ઊડ્યું...

ઝાડ-જંગલ ઓળંગી ઊડ્યું
ખેતર-પાદર
નગર-રાષ્ટ્ર ને સાત સમંદર
ક્ષિતિજ સીમાઓ છોડી
હદ-અનહદનું ઊડ્યું!
ત્યારે....

પૃથ્વી કંઈ બોલી નહીં!
આકાશ કંઈ બોલ્યું નહીં!
ઝાડ કંઈ બોલ્યું નહીં!
પાણી કંઈ બોલ્યું નહીં!
ફૂલ કંઈ બોલ્યું નહીં!
ને અમે...

બસ બોલ્યે જ ગયા
બોલ્યે જ ગયા!