દલપત પઢિયારની કવિતા/વસ્તુ જડે તો જડે વિવેકે...!

વસ્તુ જડે તો જડે વિવેકે...!


જથારથ વસની જુગત જુદી છે;
          શીદ તું અવળા ઉંબરા ઠેકે!
છોડી નાખ તું તારી વળીઓ,
          આભ ઊભું પોતાને ટેકે!

ઋતુઓ એની મેળે આવે,
          મેઘ ક્યાં કોઈના તેડ્યા આવે!
કોણ મોકલે – ચંદ્ર, સૂરજ, તારા, નક્ષત્રો?
          ભરતી-ઓટ કો’ ક્યાંથી આવે?
સહજના ઘરનો અખંડ ઓચ્છવ;
          ચોગમ લે-લીન લીલા ફરૂકે...!

મૂર્તિ-પથ્થર વિષે ન પ્રીછે;
          પથ્થર-મૂર્તિ વિશે અશેષે,
તરણું, અંતરપટનું આડું,
          કહોને, ડુંગર કઈ પેર દિસે?
દીઠઅદીઠના મોંઘમ મુકામે;
          મંદિર આખું મઘમઘ મહેકે...!

જે જે વસ્તુ જ્યાં, જેટલી,
          જેવા રૂપમાં રાચે છે,
ચેતન વસ્તુ ત્યાં, તેટલી
          તેવા રૂપમાં નાચે છે!
પૂર્ણપદને શું વત્તુઓછું, આખુંઅડધું?
          જડે તો વસ્તુ જડે વિવેકે...!

દલપત પઢિયારના પુસ્તકો

૧. ‘ભોંય બદલો’, નક્ષત્ર ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૨
૨. ‘સામે કાંઠે તેડાં’, રંગદ્વાર પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૦
૩. ‘ગાંધીયુગનું ગદ્ય’, ગુજરાત સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૦