દલપત પઢિયારની કવિતા/શીદ પડ્યો છે પોથે?

શીદ પડ્યો છે પોથે?

વસુધા પરગટ વેદ પાથર્યો;
          શીદ પડ્યો છે પોથે?
શબ્દ ઉતારે ભેદ આછર્યો;
          શીદ ચડ્યો છે ગોથે?
ઢોળી જો આ જાત પવનમાં,
ડીલે માટી ચોળી જો,
વાંચી જો આ વહેતાં વાદળ,
વૃક્ષ-વેલને વળગી જો,
ઝીણી ઝરમર, ભીની ફરફર
સહેજ પવનની લહેર
          અને કંઈ ફૂલડાં દોથે દોથે...!
કાષ્ઠ વિષે સૂતેલો અગ્નિ
દેવતા ક્યાંથી પાડે?
ભીંતે ચિતરી બિલ્લી
ઉંદર કેમ કરી ભગાડે?
જુગત જગાડે જ્યોત
જ્યોતમાં નહીં છોત નહીં છાયા,
દીવા આડે પડ્યું કોડિયું :
          ડુંગર તરણા ઓથે!
આભ આખું ખુલ્લંખુલ્લું,
છેક સુધીની ધરતી ખુલ્લી
ખુલ્લાં પંખી, ખુલ્લી નદીઓ,
ખુલ્લા પર્વત-પ્હાડ;
પછાડ બેવડ પંછાયાને
વચલી વાડ ઉખાડ!
ઘુઘરિયાળો ઝાંખો :
          જડિયાં વળગ્યાં જૂને ભોથે!