દલપત પઢિયારની કવિતા/હું દલપત, દળનો પતિ.... !

હું દલપત, દળનો પતિ.... !

હું દલપત, દળનો પતિ
ધડ પડે ને શીશ લડે,
          એ કથા અમારી નથી.

રણ કે મેદાનો વિશે અમને કંઈ માહિતી નથી!
સૂર-સંગ્રામે ખેલનારા કોણ હતા, ક્યાં ગયા?
એ વિશે પણ અમે કશું જાણતા નથી!
અમે અહીં ભર્યે ભાણે બેઠા છીએ, બારોબાર!
પાદર પાદરે પડી છે સિંદૂરી ખાંભીઓ
અન્ય રડે ને આંસુ અમને પડે
          એ વ્યથા અમારી નથી...

ઘરમાં દાદાના વારાનો એક ભાલો હતો.
અમારા વડલા ભાલો રાખતા એટલે આટલો વેલો ટક્યો હશે!
આઘે પડી પડી, અડ્યા વગર પણ લોહી કાઢે એવી
હાથા ઉપર પિત્તળનાં ફૂલ અને ચાંપો જડેલી છરી હતી!
શૂરવીરતાની આવી એંધાણીઓ શોધતા
અમે હજી આગળ જઈ શકીએ તેમ છીએ...!
પણ ઘોડા તો ક્યારનાય છૂટી ગયા છે
બારણે જડી રાખી છે ઊભી નાળ,
રખે ને ડાબલા વાગે!
નદી અહીં રોજ પછાડો ખાવ તોપણ
મોળું લોઢું, પાણી જેવું સહેજ સરખું ચડે
એ પ્રથા અમારી નથી...
સરકારી દફ્તરે, સર્ટિફિકેટમાં
એકદમ સ્પષ્ટ રીતે
અમારા નામ પાછળ ‘સિંહ’ લાગે છે!
આટલી બધી સહીઓ કરી
પણ અમે એનો ઉપયોગ ગૃહીત રાખ્યો છે!
અમે જાણીએ છીએ કે
ખરી ડણક માત્ર ગીરમાં વાગે છે!
અમને આટલાં બધાં હથિયારો વચ્ચે પણ અહીં
ભીંહ લાગે છે!
કહેવાય છે સિંહનાં ટોળાં નથી હોતાં,
પણ હવે તો
નગરોમાં પણ
લાયન એન્ડ લાયોનેસની ક્લબો ચાલે છે!
આમ બધાં યથાસ્થાને
એટલે પોતપોતાના સ્થાને સારાં!
આમ છતાં અમારે
અહીં સહીની જેમ સ્પષ્ટ કરી લેવું જોઈએ કે
અગાઉની કે અત્યારની, તલવારની તોપની,
યુદ્ધની શાંતિની, ગીરની નગરની
          એકેય વ્યવસ્થા અમારી નથી....!
આમ તો
અમારો એક છેડો કુરુક્ષેત્રમાં પડ્યો છે
અને બીજો છેડો પડ્યો છે કાંકરિયામાં!
જળ અને સ્થળને, તંબૂ અને તળને
અમે નથી સમજી શક્યા નથી સંભાળી શક્યા!
કહેવાય છે કે
કલિંગના યુદ્ધમેદાનમાં
કોક કરુણામય આંખો અંતર્ધાન થઈ હતી ને પછી
એક તલવાર થઈ હતી મ્યાન
પણ આજેય તે
તંબૂઓ ઊઠ્યા નથી અને જળ થયાં નથી શાન્ત!
શાંતિનાં મૂરત અમે ઇતિહાસમાં મૂકી રાખ્યાં છે.
ક્યારેક કબૂતરો ઉડાડવાનાં થાય ત્યારે
એમાંથી હવાલો મેળવી લઈએ છીએ!
તમારે જે કહેવું હોય તે કહો
આ અધ્યાય છે કે દંતકથા?
          –એ કથા અમારી નથી !

હું દલપત, દળનો પતિ!
ધડ પડે ને શીશ લડે એ કથા અમારી....