દલપત પઢિયારની કવિતા/હું મને ક્યાં મૂકું?

હું મને ક્યાં મૂકું?

મારે મારો મુકામ જોઈએ છે.
હું છેલ્લા કેટલાય વખતથી
મારાથી છૂટો પડી ગયો છું.
હું
નથી હસી શક્યો કે
નથી ક્યાંય વસી શક્યો.
લીમડાની સળીઓ ભેગી કરીને
માળો બાંધનાર હોલાએ
એની જગ્યા બદલી નથી,
ગળું ખોંખારી
આખો ઉનાળો ઘૂંટવામાં
એ આજે પણ એકતાર છે.
હું
એના જેવું ભેગું
કેમ રહી શક્યો નથી?

વેરણછેરણ થઈ ગયું છે બધું
થાય છે કે લાવ
પાછે પગલે જઈને કોઈ સ્થળે
અકબંધ રહેલા સમયની છાપ લઈ આવું,
પણ
બાંધ્યા કદનું પગલું
મારો પીછો કરે છે.
મારા પગ
કોઈ નિશ્ચિત આકારની મોજડીઓથી
સિવાઈ ગયા છે.
હું કયો છેડો ઝાલું?
ક્યાંથી ડગ ભરું?
કપડાં ભરવેલી વળગણી ઉપરથી તો
મારી આવ-જા
ક્યારનીય બંધ થઈ ગઈ છે.

બધું જ
બહારનું બની ગયું છે.
મને, મારે
ક્યાં અને ક્યારે મળવું એ જ મોટો સવાલ છે.
હું તમારી સન્મુખ
બેઠો બેઠો વાતો કરતો હોઉં
ત્યારે પણ
બીજે ઠેકાણે ગડીબદ્ધ પડ્યો હોઉં છું.
હું સૂતો હોઉં પથારીમાં
અને મારા શ્વાસ
વગડામાં ક્યાંક લીલા પાનનો રંગ
ધારણ કરતા હોય છે.
પડખું હું અહીં બદલું
ને પાળિયા બીજે રાતા થતા હોય છે.
નખ કાપતી વખતે
હું અનેક છેડેથી વધતો હોઉં છું.
મારી હથેળીની રેખાઓ
છાંયો શોધતી ફર્યા કરે છે
હાથની બહાર!
આ નજરમાં પણ
કેટલા બધાં પાંખિયાં પડી ગયાં છે?
આંખમાં આંખ પરોવીને
આરપાર થઈ શકાયું હોત તો?
તો
હું ખૂણાખૂણા થતો બચી શક્યો હોત.
ભરીભરી વસતિ વચ્ચે
હું વેરાતો જાઉં છું.
મારે ભાગી જવું છે...

એક દિવસ
મેં
મારા હોવા વિષેની
જરાક જગ્યા પડેલી જોઈ હતી
ને મેં,
મારા શ્વાસને
પીપળો થઈ જવાનું કહ્યું હતું!
પછી શું થયું જાણો છો?
બીજે દિવસે
આખા વગડા ઉપર ઉનાળો ત્રાટક્યો હતો!
મેં મારી લાગણીને
નદી થઈ જવાનું કહ્યું હતું
ને બીજે દિવસે
આખા દરિયાને એક વાવટો નડ્યો હતો!
કહો –
હું મને ક્યાં મૂકું?