દૃશ્યાવલી/ચંદનનગર અને વિલિયમ કેરી

From Ekatra Wiki
Revision as of 12:53, 11 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચંદનનગર અને વિલિયમ કેરી

વહેલી સવારની ગાડીમાં અમે જતા હતા, બોલપુરથી કલકત્તા…. અષાઢ જામી ગયો હતો. વરસાદની ઝરમર શરૂ થઈ ગઈ હતી. વાતાવરણ ભીનું ભીનું લાગતું હતું. આવા મેઘલા દિવસે તો ઘરમાં બેસીને પોતાને પ્રિય કવિતાઓ વાંચવી જોઈએ. એને બદલે અમે નીકળી પડ્યા હતા ઘરની બહાર. મારી સાથે પ્રકૃતિપ્રિય તરુણ મિત્ર સુનીલ હતો. ગાડી ચંદનનગર સ્ટેશને આવી ઊભી રહી. કલકત્તાને હજી કલાકની વાર હતી.

આ સ્ટેશનથી કેટલીય વાર પસાર થવાનું થયું છે, પણ આજે એકાએક ઇચ્છા થઈ આવી કે આ ઐતિહાસિક નગરમાં જરા ઊતરી પડીએ. મેં સુનીલને કહ્યું : ‘ઊતરી જઈશું?’ જાણે પૂર્વનિર્ણીત હોય તેમ ગાડી ઊપડવાની સિસોટી વાગી અને અમે ઊતરી પડ્યા અને કલકત્તા જતી ગાડીને અમે જોઈ રહ્યા.

પછી વરસાદથી ભીના ચંદનનગરમાં અમે પ્રવેશ્યા. ભારતના જૂના નકશાઓમાં કલકત્તા પાસે આવેલા આ ચંદનનગરનું લીલું ટપકું ઘણી વાર જોયેલું. ફ્રેન્ચોએ વસાવેલું આ નગર છે. ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચો અને વલંદાઓ જ્યારે વેપાર અને રાજ્ય અર્થે સ્પર્ધામાં હતા તે સમયની ક્લાઇવ અને દુપ્લેના સંઘર્ષની વાતો ઇતિહાસમાં વાંચેલી. ચંદનનગર સાથે દુપ્લેનું નામ જોડાયેલું છે. ફ્રેન્ચોએ અહીં કોઠી નાખી હતી અને ભારતમાં બ્રિટિશ રાજ્ય સ્થપાયા પછી પણ પૉંડિચેરી અને ચંદનનગર પર ફ્રેન્ચોનો અધિકાર રહ્યો હતો. આપણી આઝાદી પછીનાં કેટલાંક વર્ષો સુધી તે રહ્યો.

ચંદનનગરમાં અજાણ્યા યાત્રીની જેમ ઊતરી તો પડ્યા. પણ પછી? એક પગરિક્ષામાં બેસી ગયા. રિક્ષાવાળાને કહ્યું કે અમને ગંગાકિનારે લઈ જા. ચંદનનગર ગંગાકિનારે છે, એ તો ખબર હતી. બજાર વચ્ચેથી રિક્ષા જતી હતી. જૂની પદ્ધતિનાં મકાનોમાં ક્યાંક ફ્રેન્ચ નામોની તખતીઓ હજી હતી. પણ એક વખતના સુંદર નગરનું આપણે ‘રાષ્ટ્રીયકરણ’ કરી નાખ્યું હતું!

ગંગાકિનારે પહોંચી ગયા. અહા! ચોમાસાની બંને કાંઠે ભરપૂર વહેતી ગંગા! અને આ કિનારો? થોડાંએક શહેરોમાં ગંગાના ઘાટ જોયા છે. પણ ચંદનનગર જેવો ગંગાકિનારો ભારતમાં કોઈ શહેરમાં નહિ હોય. ફ્રેંચોની સરજત. લગભગ એક કિલોમીટરથીય વધારે લાંબો નદીને કાંઠે કાંઠે સુંદર બાંધેલો માર્ગ. માર્ગની ધારે પ્રાચીન ઘટાદાર વડ, પીંપળા અને મેહોગનીનાં વૃક્ષો. એ વૃક્ષોની છાયા નદીનાં ધીરગંભીર વહેતાં જળમાં પડતી હોય. નદી ગંભીરતાથી વહી જતી હોય. તેની છાતી પર અનેક મોટી હોડીઓ શઢ ફુલાવી જતી હોય. અમે તો જોતા જ રહી ગયા. ખરેખર ફ્રેન્ચ નગર પૅરિસમાં સેન આમ વહેતી હશે?

વચ્ચે રહી રહીને વરસાદ પડી જતો હતો. પણ વૃક્ષોની ઝળૂંબતી ઘટાઓથી ગાઢ બનેલ વાતાવરણમાં આ ગંગાને કાંઠેની કોઈ એક બેંચ પર બેસવાની અને ત્યાં બેસીને આ અલસગભીર ક્ષણો પસાર કરવાની ઇચ્છા જોર પકડતી હતી. થોડી વાર તો એવું લાગ્યું કે વહેતી ગંગાના આ કાંઠે જાણે સમય થંભી ગયો છે.

ગંગાકિનારે જ એક જૂનું ચર્ચ છે. તખતીઓમાં બધું ફ્રેન્ચ ભાષામાં લખેલું છે. બાજુમાં કૉલેજ છે. પ્રાચીન ઇમારત છે. અહીંની કૉલેજ- કન્યાઓ શાંતિનિકેતનની કન્યાઓની તુલનામાં રંગીન વસ્ત્રોની શોખીન લાગી. ફ્રેન્ચ વારસો હશે! એમના હાથની છત્રીઓ પણ રંગરંગીન. આ બધું જોવા કૉલેજ આગળના એક પ્રાચીન અને વિરાટ મહોગનીના વૃક્ષ નીચે ઊભા રહી મકાઈ-ભુટ્ટા ખાવાનો ઉપક્રમ રાખ્યો.

પછી નદીકાંઠે ગયા, પાણી માથે ચડાવી પગ ભીના કર્યા. ત્યાં નદી પર ઝૂકેલા એક વૃક્ષ નીચેની બેંચ પર બે જણાં મોં પર પ્રેમનો ઉલ્લાસ લઈને વાતો કરતાં હતાં. માથું નચાવતી એ છોકરીના ચહેરા પર આનંદની જે ઝાંકી જોઈ, તેથી જગત વિષે શ્રદ્ધા વધી.

અમે ચર્ચમાં ગયા. સ્વચ્છ, સ્તબ્ધ, નિર્જન. કોઈ કહેતાં કોઈ નહિ. એક સમય હશે જ્યારે અહીં રંગીલાં ફ્રેન્ચ સ્ત્રી-પુરુષો આવતાં હશે. આજે જાણે કોઈ નથી. એમના વારસા રૂપે વ્યવસ્થિત માર્ગોવાળું આ નગર હવે કુરૂપ થતું જાય છે. સામે કાંઠે તો ફેક્ટરીની ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યો છે. આ ચંદનનગર વિષે રવીન્દ્રનાથે પોતાનાં શૈશવનાં સ્મરણોમાં ઘણું લખ્યું છે. એક ફ્રેન્ચ મોરાનસાહેબના બંગલામાં તેમના ભાઈ જ્યોતીન્દ્રનાથ અને ભાભી કાદંબરીદેવી સાથે રહેતા. એ ચંદનનગરની અનેક સાંજોનું, સાહિત્યિક ગોષ્ઠિઓનું વર્ણન રવીન્દ્રનાથનાં સંસ્મરણોમાં મળે છે. આજે હવે એ મોરાનસાહેબનો બંગલો ક્યાં શોધવો? આજે તો એમાંનું કશું નથી.

નગરમાં આંટો મારી ચંદનનગર સ્ટેશને પાછા આવ્યા. ફરી ગાડીમાં બેસી ગયા. અમને વિચાર આવ્યો હતો કે શ્રીરામપુર પણ જોઈ લઈએ. શ્રીરામપુરને આપણે અંગ્રેજી જોડણીને લીધે સેરામપોર બોલતા આવ્યા છીએ. શ્રીરામપુરનું ઘણી ભારતીય ભાષાઓના ગદ્યના વિકાસમાં ઐતિહાસિક પ્રદાન છે. બાપ્ટિસ્ટ મિશનના વિલિયમ કેરી નામના પાદરીએ સૌથી પહેલાં અહીં બાઇબલને આપણા દેશની જુદી જુદી ભાષામાં અનૂદિત કરી-કરાવીને છાપ્યાં હતાં. એ માટે ટાઇપનાં બીબાં પણ એમણે ઢાળેલાં. પ્રિન્ટિંગ પ્રેસ ભારતમાં સૌપ્રથમ અહીં નંખાયેલાં.

શ્રીરામપુર ઊતરી ગયા. સૌથી પહેલાં જમવાનું વિચાર્યું. એક નાની પણ સ્વચ્છ હોટલમાં કેળનાં પાંદડાં પર ભાત ખાધા. પછી ચાલતા ચાલતા ગંગાકાંઠે. અહીં પણ ગંગા! પણ એનું દર્શન અહીં ન ગમ્યું. લોંચ માટેનો ઘાટ હતો. વરસાદને કારણે કાદવિયો રસ્તો બની ગયો હતો. નદીના પ્રવાહ નજીક ન જતાં નદીને કાંઠે કાંઠે આગળ ચાલ્યા. અજાણ્યા નગરમાં, અજાણ્યા માર્ગે, અજાણ્યા તરીકે રખડવાનો એક રોમાંચ હોય છે. તમને કોઈ ઓળખતું નથી, તમે કોઈને ઓળખતાં નથી. તમારું અહીં આવવું નિરુદ્દેશ છે, અહીં ચાલવું નિરુદ્દેશ છે.

આ કાંઠે થોડુંક ચાલ્યા ત્યાં તો જેની શોભા જોઈને ઉન્મત્ત થઈ જવાય એવી ગંગા! અહીં તે ચંદનનગર કરતાં વધારે પ્રભાવશાળી લાગી, અલબત્ત ત્યાંના જેવાં છાયાઘન વૃક્ષોથી આચ્છાદિત માર્ગ નહોતો. પણ અહીં એક જાતની પ્રાચીનતાની હવા હતી. આવા ભેજવાળા દિવસે એ પ્રાચીનતાનો સ્વાદ તદ્દન જુદો લાગતો હતો. મધ્યકાળના વહાણવટે જતા શાહ સોદાગરોનો જાણે સમય હતો. મને તો ચાંદ સોદાગર અને બેહુલાની કથાનું સ્મરણ નદીકાંઠે ઊગેલા વડ નીચેનો એક ભાંગેલો પુરાતન ઘાટ જોતાં થયું. કદાચ તડકામાં આ અનુભૂતિ જુદી હોત. પણ આ મમળાવવી ગમતી ઉદાસીનતા એમાં ન હોત.

અમે આગળ ચાલ્યા. વિલિયમ કેરી (૧૭૬૧-૧૮૪૩)એ ઈ.સ. ૧૮૦૦માં બાપ્ટિસ્ટ મિશનની સ્થાપના કરી હતી. અમારે તેમની સ્થાપેલી કૉલેજ જોવી હતી. કૉલેજ થયેલી થિયૉલોજી-ધર્મશાસ્ત્રના શિક્ષણ માટે – ખાસ તો ખ્રિસ્તી ધર્મના પ્રસાર-પ્રચારના હેતુથી. આજે થિયૉલોજીની તે એકમાત્ર યુનિવર્સિટી આખા ભારતમાં છે. કોલેજનો દરવાજો અને મકાન જૂનાં, છતાં ભવ્ય લાગતાં હતાં. સ્તંભોવાળા ગ્રીક સ્થાપત્યનો ખ્યાલ આપતી આ ઇમારત ગમી ગઈ. દરવાજો પણ. પછી ખબર પડી કે આખો દરવાજો યુરોપથી આવેલો છે.

આ જરા પ્રાચીન દરવાજા આગળ અર્વાચીન કન્યાઓ! બધીઓના હાથમાં રંગબેરંગી છત્રીઓ હતી. વરસાદની ઝરમર હતી અને માથે છત્રીઓ ઓઢી આ કન્યાઓ જે હરફર કરતી હતી, તેથી પતંગિયાની ઊડાઊડ લાગતી હતી. શાંતિનિકેતનની કન્યાઓ કલાપ્રિય ખરી, પણ એમનાં પ્રિય પરિધાનમાં હાથવણાટનાં આછાં રંગોવાળાં વસ્ત્રો. જ્યારે અહીં ટેરિન, સિફોનનો મેળો હતો. સુનીલ કહે : આ છોકરીઓની કૉલેજ લાગે છે. અમે ખમચાયા. પણ છેવટે મકાનમાં તો પ્રવેશ્યા. ત્યાં એક અધ્યાપક હજી હમણાં જ જાણે વર્ગ પૂરો કરી, હાથમાં ચોક, ડસ્ટર અને ચોપડી લઈને આવતા હતા. અમે આ સંસ્થાનો ઇતિહાસ જાણવા ઇચ્છીએ છીએ એમ જાણી અમને ગ્રંથપાલ પાસે લઈ ગયા.

ગ્રંથપાલે અત્યંત પ્રેમપૂર્વક વિલિયમ કેરીનું સંગ્રહસ્થાન બતાવ્યું. અહીં ઓગણીસમી સદીનાં પુસ્તકોનું એક ઇલાયદું ગ્રંથાલય તેમણે સાચવ્યું છે. જે ખુરશી પર બેસી વિલિયમ કેરીએ ધર્મ અને શિક્ષણની સાધના કરી હતી, તે ખુરશી હજી જાળવી રાખી છે. વિલિયમ કેરીની એ ખુરશી વિમિશ્ર ભાવોથી જોઈ. ખ્રિસ્તી ધર્મના પ્રસારની એમની ધગશ મારા ભારતીય મનને નારાજ કરતી હતી. ભલે, પણ એ નિમિત્તે પણ ભારતીય ભાષાઓના ગદ્યને વિકસિત કરવાની એમની સાધના આદર જગવતી હતી. વિક્ટોરિયન શૈલીની મહોગનીની ખુરશી જાણે સિદ્ધશિલા. અહીં ભારતની જુદી જુદી ભાષાઓમાં થયેલાં બાઇબલનાં ભાષાંતરોની પ્રથમ આવૃત્તિઓ જોઈ.

ગંગાને કાંઠે કૉલેજ. બહુ સુંદર. મન રમી ગયું. નદીને સામે કાંઠે બરાકપુર વસેલું છે. શ્રીરામપુરમાં પણ એક અત્યંત જૂનું ચર્ચ છે. એ લગભગ ત્યજાયેલું છે. આ ઇતિહાસ તો હજી તાજો કહેવાય. અમે જૂના કબ્રસ્તાનમાં ગયા, જ્યાં વિલિયમ કેરી, તેમનાં પરિવારના સભ્યો અને તેમના ઘણા સમકાલીનો સૂતેલા છે. ઘણી કબરો પાણીમાં હતી. ખંડિત. કબરોની આસપાસ બધે ઘાસ ઊગી ગયું છે. આ જ તો કાળની ગતિ છે, કે કાળ અહીં પણ થંભી ગયો છે? આવા વરસાદી વાતાવરણમાં આવો જરીક તત્ત્વબોધ થઈ જાય… તે પછી તો તે દિવસે અમે કલકત્તા ન ગયા.

[તા. ૧૭-૩-૮૫]