દૃશ્યાવલી/મૃગનયનીની શોધમાં

મૃગનયનીની શોધમાં

ગ્વાલિયર કહીએ એટલે સંગીતપ્રિય જનોને સંગીતના અત્યંત પ્રસિદ્ધ એના ગ્વાલિયર ઘરાનાનું સ્મરણ થાય. સંગીતસમ્રાટ તાનસેન ગ્વાલિયરની પાદરમાં ચિરનિદ્રામાં પોઢેલા છે. ગ્વાલિયરથી અનતિદૂરે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પણ સમાધિ છે. આજકાલ કદાચ ગ્વાલિયરના નામ સાથે ગ્વાલિયર રેયોન જેવું વસ્ત્રવિશેષ ઘણાને યાદ આવે. આ ઐતિહાસિક નગરનો ઇતિહાસ અતિ પ્રાચીનકાળ સુધી જાય છે, પરંતુ મને તો ગ્વાલિયરના સ્મરણ સાથે હિન્દીની એક પ્રસિદ્ધ નવલકથા ‘મૃગનયની’ની કથા યાદ આવે છે.

આ ‘મૃગનયની’માં ગ્વાલિયરના તોમર વંશના પ્રસિદ્ધ રાજા માનસિંહ અને એક ગ્રામકન્યાના પ્રેમની વાત છે. કન્યાની આંખો એટલી સુંદર હતી કે એ મૃગનયની તરીકે જ જાણીતી હતી. એ સુંદર તો હતી, પણ ભલભલા મહિષનાં શિંગડાં પકડી એને ઊભો રાખી શકે એટલી શક્તિ પણ ધરાવતી હતી. શિકારે ગયેલા માનસિંહે એના આવા પરાક્રમને પ્રત્યક્ષ જોયું અને એને રાણી બનાવવાની હોંશ થઈ આવી.

મૃગનયનીને પોતાને ગામની નદી એટલી પ્રિય હતી કે તેણે શરત કરી કે રાજધાનીમાં રાઈ નદીનું પાણી આવે તો પોતે રાણી થઈને આવે. રાજા માનસિંહ કબૂલ થયા. નહેર ખોદાવી રાઈ નદીનું પાણી વહેતું કર્યું રાજધાની સુધી. રાજા માનસિંહને અનેક રાણીઓમાં મૃગનયની માનીતી રાણી બની અને ગુજરી રાણી તરીકે ઓળખાઈ. એને માટે રાજાએ ખાસ મહેલ બાંધલો, જે ગ્વાલિયરના પ્રસિદ્ધ કિલ્લામાં છે.

મને આકર્ષણ હતું – ગ્વાલિયરના ભવ્ય કિલ્લાનું. એનાં ચિત્રો જોયેલાં. ભારતીય હિન્દી પરિષદના એક અધિવેશનમાં ત્યાં જવાનું થયું. પછી ફરી કેટલાંક વર્ષ બાદ મધ્યપ્રદેશનાં કેટલાંક સ્થળોના પ્રવાસ વખતે ફરી એક વાર ગ્વાલિયરનો આંટો મારેલો.

પહેલી વાર આગ્રા થઈને રેલવેથી ગ્વાલિયર ગયો હતો. બીજી વાર ઝાંસીથી બસને માર્ગે. આગ્રા થઈને ગ્વાલિયર જતાં માર્ગમાં ચંબલ નદી ઓળંગવી પડે છે. એ દિવસોમાં ચંબલના ડાકુઓનાં પરાક્રમો છાપાંમાં બહુ ચમકતાં. જોયું કે રેલવેમાં બેઠેલા પ્રવાસીઓના મનમાં પણ ચંબલનો વિસ્તાર આવતાં આછો આછો ફફડાટ હતો. બપોરના તડકામાં ચંબલનાં કોતરોવાળો વિસ્તાર ભેંકાર લાગતો હતો. ચંબલ પરથી પસાર થયા. નીચે વહેતી ચંબલનાં પાણી પ્રસન્નતા જગાવી ગયાં. આ ચંબલ એટલે કાલિદાસના મેઘદૂતમાં ઉલ્લેખ પામતી ચર્મણ્વતી – રાજા રતિદેવની કીર્તિનું સ્રોતસ્વિની રૂપ. રતિદેવે એટલા યજ્ઞો કરેલા કે પશુબલિથી નદીનું પાણી લાલ થઈ ગયું હતું અને એમાં એટલાં ચામડાં વહેતાં કે એનું નામ ચર્મણ્વતી પડી ગયું. ચર્મણ્વતીમાંથી ચંબલ બનેલી નદીનાં કોતરો ખૂંખાર ડાકુઓનાં વાસસ્થાન છે, પણ ગાડીમાં બેઠાં બેઠાં કોતરો પર નજર નાખવામાં વાંધો નહિ.

ઝાંસીથી ગ્વાલિયર બે કલાકના માર્ગે છે. બસમાં સહેલાઈથી પહોંચી જવાય. ગ્વાલિયરમાં ટેમ્પોરિક્ષા દોડે છે. આજનું ગ્વાલિયર તો કિલ્લાની બહાર દૂરસુદૂર વિસ્તર્યું છે. એટલે બસસ્ટૅન્ડથી ટેમ્પોરિક્ષામાં કિલ્લાની તળેટીએ પહોંચી ગયા. ચિત્રમાં જોયેલો કિલ્લો ક્યાં અને આ નજર સામે તોળાતો તે ક્યાં?

આ કિલ્લો ઘણો પ્રાચીન છે. છઠ્ઠી સદીના શિલાલેખોમાં એનો ઉલ્લેખ મળે છે. ચોથી-પાંચમી સદીમાં થઈ ગયેલા રાજા સૂરજસેને એ બંધાવેલો ગણાય છે. આ સૂરજસેન રાજાને કોઢ થયેલો. એક વખતે આ વિસ્તારમાં તે આવ્યો. ત્યાં એક સંત રહેતા હતા. નામ ગ્વાલિયા. આ સંતે એક પવિત્ર કુંડમાંથી રાજાને પાણી આપ્યું અને રાજાનો કોઢ મટી ગયો.

સૂરજસેને એ પહાડી પર કિલ્લો બનાવ્યો અને સંતના નામ પરથી કિલ્લાનું નામ પડ્યું ગ્વાલિયર. એ સૂરજસેનનો વંશ ૧૪મી સદી સુધી ચાલ્યો. તૈમૂર લંગના આક્રમણ પછી વર્ષો અંધાધૂંધીમાં ગયાં. પછી ગ્વાલિયર તોમર રાજપૂતોના હાથમાં આવ્યું. તોમરોમાં રાજા માનસિંહ – મૃગનયનીવાળા – અત્યંત પરાક્રમી અને ઇમારતો બંધાવવાના શોખીન હતા, કલાપ્રેમી હતા. એમણે કિલ્લામાં માનમંદિર બંધાવ્યું. આ કિલ્લાની ઉગમણી દિશાની ઑ પાડતી દીવાલ એ માનમંદિરનો ભાગ છે. આ દીવાલ એના હિન્દુ સ્થાપત્યથી જાણીતી છે. માનમંદિરનાં ભોંયરાં રાજા માનસિંહને માટે ગ્રીષ્મકાલીન વાતાનુકૂલિત ખંડો બની જતાં. પછી મોગલ જમાનામાં એ કેદીઓને સબડવાનાં કારાગાર બની ગયાં. તોમરો પાણીપતની લડાઈ હારી ગયેલા. છેલ્લો તોમર રાજા બાબરને હાથે હણાયો હતો. પછી ૧૭૮૪માં માધોરાવ સિંધિયાએ આ કિલ્લો જીતી લીધો અને ત્યારથી સિંધિયાઓનું રાજ થયું. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામમાં આ કિલ્લો ચાવીરૂપ હતો. કિલ્લામાં અઢાર હજાર જેટલા સિપાઈઓ હતા, જે બ્રિટિશ સરકાર સામે જંગે ચઢ્યા હતા. તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈ એનાં મુખ્ય પાત્ર હતાં. ઝાંસીની રાણીની સમાધિ અહીંથી બહુ દૂર નથી.

એક તો સીધાં ચઢાણવાળો આ કિલ્લો છે અને વળી તડકો થઈ ગયો હતો. સૌથી પ્રથમ તો અમે ગુજરી મહેલમાં ગયા. રાણી મૃગનયની માટે બંધાવેલા મહેલમાં પુરાતત્ત્વ ખાતાનું મ્યુઝિયમ છે. આમ ગણીએ તો આખો કિલ્લો જ હવે તો મ્યુઝિયમ ગણાય ને? પણ મને તો પથ્થરનાં ખંડિત રૂપ વચ્ચે મૃગનયનીની કથા યાદ આવતી હતી. કેવાં હશે એનાં નયન? શિલ્પિત નારીમૂર્તિઓમાં એની શોધ વૃથા હતી. ‘મૃગનયની’ નહિ મળે, એની છાયા પણ નહિ?

માનમંદિર હિન્દુ મહેલોના સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો ગણાય છે. એના પૂર્વદિશાનાં ઝરૂખાઓ અને છિદ્રિત વાતાયનોમાંથી આવતી પવનની લહરીઓના સ્પર્શનો અનુભવ કરતાં દૂર સુધી વિસ્તરેલા આધુનિક નગરને અમે જોતાં હતાં. રંગો ઊખડી ગયા છે, પણ એનો વાદળી રંગ આંખે હજી ચોટેલો છે જાણે.

પછી અમે જોયું સાસુ-વહુના મંદિર નામે ઓળખાતું અગિયારમી સદીનું વિષ્ણુમંદિર. તેલી કા મંદિર નામે ઓળખાતું દ્રવિડ શૈલીનું મંદિર પણ દર્શનીય લાગ્યું. તેલંગાના – આંધ્રપ્રદેશના નામથી તો તેલી નહિ થઈ ગયું હોય? ગઢ પર સુંદર જૈન મંદિરો પણ છે. એટલું જ નહિ, એક વિશાળ ગુરુદ્વારા પણ નવું નવું બંધાયેલું જોયું. કિલ્લામાં એક પ્રસિદ્ધ શાળા પણ છે.

અમે વિચાર્યું : જે માર્ગેથી ચઢ્યા છીએ, ત્યાંથી નથી ઊતરવું. એટલે ચાલતા ચાલતા અમે આથમણી બાજુના માર્ગેથી નીકળ્યા. પહેલાં તો ભૂલા પડ્યા, પણ પછી માર્ગ મળ્યો. અમે ઢાળ ઊતરતા હતા, ત્યાં એક સ્થળે પહાડીમાંથી ધોધ રૂપે ઊતરતો જલનાદ જોઈ અમે ઊભા રહી ગયા અને ખરે જ ઊભાં રહી ગયાં – ત્યાં પહાડીના ખડકમાં કોતરાયેલી વિરાટ જૈન તીર્થકરોની પ્રતિમાઓ જોઈને. વાંચ્યું હતું ખરું કે, આવી પ્રતિમાઓ છે, પણ આમ અચાનક એ અમારી નજરે પડશે તે તો ધાર્યું જ નહોતું – અને તે પણ આ જલધોધ નજીક. જલધોધ ઉપરથી પડે છે, મૂર્તિઓને એનાં જલશીકરો છંટકાવ કરે છે, પણ મૂર્તિઓ જરા ઊંડાણમાં હોવાથી બચી રહી છે.

પછી તો શેખર જૈન નામના અધ્યાપકમિત્રે આદિનાથની વિરાટ પ્રતિમા સાથે એક બીજી મૂર્તિ તરફ ધ્યાન દોર્યું. દૂધમાતા તરીકે એ ઓળખાય છે. જે સદ્યપ્રસૂતા માવડીઓને દૂધ ન આવતું હોય, તે આ દૂધમાતાની માન્યતા માને છે. પણ ખરેખર તો એ મૂર્તિ – શિલ્પ ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનું છે. અમારે માટે આ માહિતી હતી.

આ વિરાટ મૂર્તિઓ એકદમ ખુલ્લી છે. કદાચ પહેલાં ગુફામાં હશે, અને ગુફાનો આગળનો ભાગ તૂટી પડતાં હવે ખુલ્લા ખડકમાં આપણી નજરને પકડી રાખે છે. પણ આ જલધોધ? અમે થાક વીસરી ગયા. પરંતુ એ તો થોડી વાર માટે વાહન મળે તે અગાઉ ઘણું ચાલવું પડ્યું. છેવટે કિલ્લાનો દરવાજો આવ્યો. ત્યાં એક કૂવો હતો અને પાણી ખેંચવાની ડોલ અને દોરડું. પાણી ખેંચીખેંચીને ભરપૂર પીધું.

પછી ગ્વાલિયરના રાજમાર્ગની ભીડમાં ભળી ગયાં.