દેવતાત્મા હિમાલય/આકાશ – અંતરિક્ષ અને વૃક્ષો વચ્ચે સ્ટીલ-સિમેન્ટનું સ્વપ્નઃ ચંડીગઢ

Revision as of 12:32, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આકાશ – અંતરિક્ષ અને વૃક્ષો વચ્ચે સ્ટીલ-સિમેન્ટનું સ્વપ્નઃ ચંડીગઢ

ભોળાભાઈ પટેલ

મનાલીથી રાત આખી બસમાં મુસાફરી કરીને સવારે ચંડીગઢના બસ સ્ટેશને ઊતર્યો. હજી ભરભાંખળું હતું અને જાણે ચારે દિશાઓ ખુલ્લી રાખીને ખુલ્લા આકાશતળે સૂતેલા નગરની આંખોમાં હજી કદાચ ગુલાબી નીંદર છે. ચંડીગઢને ‘ગુલાબનું નગર’ કહે છે એટલે નીંદર આગળ ગુલાબી વિશેષણ જોડાઈ ગયું, નહીંતર એમ કહેવું પડે કે, આંખોમાં આશંકાના દુઃસ્વપ્ન વિચરણ કરતાં હશે. આ પણ કદાચ મારી ધારણા હોય, કેમકે આશંકા તો મારા મનમાં હતી. ચંડીગઢ બસ સ્ટેશને વહેલા ઊતર્યા પછી એના પહોળા વિજન માર્ગો અને ઉપમાર્ગો વટાવી મારા યજમાનમિત્રને ત્યાં પહોંચવું કેટલું સલામતીભર્યું કહેવાય એ દિવસોમાં? પંજાબ આખું જ્યારે આતંકવાદના ઓળા નીચે શ્વાસ લેતું હોય ત્યારે બહારના અજાણ્યા આગન્તુકને તો ભય લાગ્યા વિના કેમ રહે? સાંજના પાંચ વાગ્યા પછી ઘરની બહાર ન નીકળનાર ચંડીગઢના અંગ્રેજીના અધ્યાપક દેવિન્દર મોહને મને સિમલામાં જ ગભરાવી દીધો હતો. એમણે તો ચંડીગઢની મુસાફરી ટાળવાનો સંકેત પણ કરેલો.

અને છતાં રાત માથે લઈને ચંડીગઢ ઊતર્યો. મેં જોયું કે, બસમાં રાત્રિ દરમિયાન મોટાં બસસ્ટેશનોએ ચા-પાણી માટે ઊતરતાં કોઈ કશા ભય કે બીકમાં હોય એવું લાગતું નહોતું. બધું નૉર્મલ લાગે. તેમ છતાં, મારા મનમાં તો ફડક હતી એની ના નહિ, એટલે જેવો બસમાંથી ઊતર્યો કે એક રિક્ષાવાળાએ આવીને પૂછ્યું : ‘બાબુજી, રિક્ષા ચાહિયે?’ ત્યારે મેં ના પાડી. મને થયું કે, હજી થોડું વધારે અજવાળું થાય ત્યાં સુધી રાહ જોઉં. ચા-બા પીઉં અને સમય કાઢું. પણ જોયું કે ઘણા માણસોની અવરજવર તો હતી અને ઘણે સ્થળે જવા બસો ભરાઈ હતી.

આ ઉપરથી કશી ભીતિ ન હોવાનું મેં અનુમાન કર્યું. પણ એ અનુમાન ખોટું હતું. તે તો આ પછીના બીજા જ બુધવારે ચંડીગઢથી હરિદ્વાર જવા ઊપડેલી બસના ભયંકર હત્યાકાંડે સિદ્ધ કરી દીધું હતું. એ વખતે તો હું અમદાવાદ હતો, પણ મારા રૂંવાં ઊભાં થઈ ગયાં હતાં). પેલા રિક્ષાવાળાએ હજી આશા છોડી. નહોતી. દૂર જઈ ઊભો હતો. તે મારી નજીક આવ્યો અને ફરીથી કહ્યું : ‘બાબુજી! રિક્ષા ચાહિયે?’ મન હતું : ઓટોરિક્ષા કરી જલદી પહોંચી જવાનું, પણ એણે કહ્યું : ‘ઈસમેં બહુત દેર નહીં લગેગી બાબુજી.’ જે ભાડું એણે કહ્યું તે વાજબી હતું. મારે સેક્ટર-૧૫-એમાં જવાનું હતું. છ રૂપિયા.

બંને બાજુ વૃક્ષોની હારમાળા. વિશાળ માર્ગ પર રિક્ષા સરકવા લાગી. આપણને થાય કે આ ચંડીગઢ નગર છે ક્યાં? કદાચ સવાર છે એટલે એવું લાગે છે, પણ માત્ર એટલું નથી. આ નગરનું આયોજન જ એવું છે કે સ્ટેશનની બહાર નીકળતાં જ જેમ કોઈ બીજું નગર એની ખીચોખીચતાથી તમારા પર હાવી થઈ જાય તેમ અહીં થતું નથી. ચંડીગઢ પોતાના હોવાનો અહેસાસ એટલી જલદી કરાવતું નથી. થોડો વખત તો એવું લાગ્યું કે લાંબી-પહોળી સડક પર આ એકમાત્ર રિક્ષા જાય છે.

આ નગર, દુનિયાનાં આધુનિક નગરોમાંનું એક નગર, ચંડીગઢ, ખરું નામ તો ચંડીગડ છે, પણ આપણે ‘ગઢ’ કરી દીધું છે. બોલવામાં એ વધારે ફાવે છે. કોનું સ્વપ્ન છે આ નગર? જવાહરલાલ નેહરનું કે એના સ્થપતિ લા કોર્બસિયેનું? સ્વપ્ન તો હતું નવા નવા સ્વતંત્ર થયેલા ભારતનું. એ સ્વતંત્રતાની સાથે આવ્યા હતા અખંડ ભારતના ભાગલા. લાખો શરણાર્થીઓની વણઝાર અને ખૂનરેજી, બળાત્કાર, આગ અને લૂંટ. એક વિષવૃક્ષ વવાઈ ગયું, જે દિવસે ન વધ્યું તેટલું રાતે વધતું ગયું છે.

એ દિવસોમાં વિપન્ન પંજાબના સ્વપ્નરૂપે જન્મે આ ચંડીગઢ, જે વખતે સ્વતંત્રતા લાખો વિસ્થાપિતો માટે એક દુઃસ્વપ્ન બનીને આવી. એક ક્લાસમીક્ષકે કહ્યું છે કે, નિરાશામાંથી કાવ્ય રચી શકાય, નિરાશામાંથી ચિત્ર દોરી શકાય, પણ નિરાશામાંથી એક નગરનું નિર્માણ તો ન જ થાય. આવનાર પેઢી છપાયેલી ચોપડીઓને વાંચ્યા વિના અભરાઈએ ચઢાવી દઈ શકે, એ ચિત્રોને ભંડકિયામાં ભરી દઈ શકે, પણ ઇમારતને એટલી સહેલાઈથી દૂર કરી શકાતી નથી. હૃદયમાં ગમે તેટલી ઊથલપાથલ હોય પણ એક આયોજિત નગર એટલે ભવિષ્યમાં ઊંડી શ્રદ્ધા. ચંડીગઢ દેશની કસોટીના કપરા દિવસોમાં બંધાયું હતું. એક નવું જન્મેલું સ્વતંત્ર જનતંત્ર આવું એક નગર બાંધી શકે છે એવો આત્મવિશ્વાસ જગાવવા. નવા રાષ્ટ્રની ઉપલબ્ધિનું એક પ્રતીક હતું ચંડીગઢ. શાહીનગર લાહોરનું સ્થળ લેવા બનેલું નગર ચંડીગઢ. સામાન્ય રીતે માણસ વસતો થાય પછી નગર બનતાં બનતાં બને, અહીં પ્રથમ નગર બન્યું, પછી માણસ વસતાં વસતાં વસ્યો. હવે અલબત્ત, નગર અને માણસ સાથે સાથે વસે છે.

નેહરુએ કહ્યું હતું કે, ચંડીગઢ એક નવું નગર બની રહો, જે ભારતની સ્વતંત્રતાનું પ્રતીક, ભૂતકાળની પરંપરાની જંજીરોમાંથી મુક્ત, ભવિષ્ય પ્રત્યેની રાષ્ટ્રની આસ્થાની અભિવ્યક્તિ હોય.

અને એક નવું નગર રચાયું, નવી દિલ્લીથી દોઢસો કિલોમીટર દૂર પંજાબના અંબાલા તાલુકાની ભૂમિ પર, જ્યાંથી પછી શરૂ થાય છે હિમાલયની ગિરિમાળા. એ ભૂમિ પર વસેલા પૈકીના એક ગામના ચંડી મંદિર પરથી નગરનું નામ નક્કી થયું ચંડીગઢ – ચંડીગઢ.

અહીં ગરમી પણ સખત પડે અને ઠંડી પણ, પણ આ નવાનગરની સાઇટ જોઈને એના સ્થાપિત કોર્બસિયેએ કહ્યું કે, આ સાઇટ અદ્ભુત છે. નગરનો લેન્ડસ્કેપ ચારેબાજુએ ખુલ્લો રહેશે. આ સ્થપતિએ નગરનિર્માણ માટેની આવશ્યક સામગ્રીની સૂચિ આપી છે. એણે કહ્યું છે કે, આકાશ, અંતરિક્ષ, વૃક્ષ, સ્ટીલ અને સિમેન્ટ એ નગર નિર્માણ માટેની સામગ્રી, આ ક્રમમાં અને આ ઉચ્ચાવચતામાં.

આ રીતે નગરનિર્માણમાં પ્રથમ આવે છે આકાશ, અંતરિક્ષ અને વૃક્ષ. આપણું ગાંધીનગર પણ આ શરતો કંઈક અંશે પૂરી કરે છે એમ કહેવું જોઈએ. પણ ચંડીગઢની આધુનિકતા ગાંધીનગરમાં નથી. સ્ટીલ-સિમેન્ટનું આયોજન એવું નથી. કદાચ ‘ગાંધી નામ જોડાવાને કારણે તો નહીં?

બ્રિટિશરોએ કલકત્તા વસાવ્યું, મુંબઈ અને મદ્રાસ પણ વસાવ્યું – પણ વેપારી કેન્દ્ર તરીકે. પછી નવું દિલ્હી બાંધ્યું. ભવ્ય, પણ એ જૂની દિલ્હીની જોડાજોડ. આપણે આજે જોઈએ છીએ કલકત્તા, મુંબઈ અને મદ્રાસની સ્થિતિ – પછી કેવી અણઘડ અને આડેધડ રીતે ઊંચાં પહોળાં થતાં ગયાં છે. સ્વતંત્રતા પછી જૂના ભુવનેશ્વર પાસે રાજધાની નવું ભુવનેશ્વર બંધાયું. આપણે ત્યાં ગાંધીનગર. પણ નમૂનો તો એકમાત્ર ચંડીગઢ.

ચંડીગઢ હું અગાઉ આવ્યો હતો. ડિસેમ્બરના દિવસોમાં. સખત ઠંડી. ત્યારે નગર બનતું જતું હતું. વૃક્ષો હજી ઊગતાં જતાં હતાં. નગરમાં જીવંતતા નહીં લાગેલી. આ ફરી આવું છું ત્યારે એ વાતને દોઢ દાયકો વીતી ગયો છે. પંજાબ રાજ્યના ત્રણ ભાગ થઈ ગયા. એ પછી તો – પંજાબ, હરિયાણા અને હિમાચલ. એ તો બરાબર પણ ભારતના ભવિષ્યની આસ્થાનું પ્રતીક અને એક કલાકારનું આકાશ અંતરિક્ષ અને વૃક્ષ વચ્ચે મૂર્તિમંત થયેલું સ્ટીલ-સિમેન્ટનું સ્વપ્ન ધમધ વિવાદના ઝંઝાવાતી પવનોમાં રોળાઈ તો નહીં જાય? આસ્થા સમૂળી હલી તો નહીં જાય? શું ચંડીને ફરી લોહીની જરૂર પડી છે? શું એ ખપ્પર ભરીને જ જંપશે?

સીમલા, કુલ્લુ અને મનાલીની શીતલતામાંથી પ્રચંડ ઉષ્ણતામાં આવી ગયો છું. જુલાઈની પહેલી તારીખ છે, પણ વરસાદ નથી. મનાલીમાં છાપામાં વાંચ્યું હતું : ચંડીગઢમાં ગરમી ૪૨° છે અને વત્તા આતંક.

પણ અત્યારે તો સવાર છે અને રિક્ષાવાળો હજી પેડલિંગ કર્યું જાય છે. પહોળા રસ્તાઓ, રાજમાર્ગોમાંથી રિક્ષા હવે શેરી માર્ગોમાં પ્રવેશ કરે છે. નગર નીંદરમાંથી જાગવા લાગ્યું છે, છતાં હજુ ક્યાંક ઘરના આંગણામાં ઊંઘ છે ખરી. મારી રિક્ષા હજુ આગળ વધે છે. મારા યજમાન શ્રી મિત્તલનું ઘર હજુ આવતું નથી. અમે કદી મળ્યા નથી. આ પહેલી વાર મળવાનું થશે. મારી એક છાત્રાનાં એ સંબંધી છે. એમનાં પત્ની શ્રીમતી નિર્મલા મિત્તલ હિન્દી અધ્યાપિકા છે. દંપતી સિમલા મળવા આવેલ, પણ મળાયું નહોતું. એમને ખબર છે : હું આ સવારે એમને ત્યાં પહોંચીશ.

મેં માત્ર સેક્ટર અને ઘરનંબર રિક્ષાવાળાને આપેલાં હતાં. એ ખોટે માર્ગે તો નથી ને? પણ કોઈનેય પૂછ્યા વિના એ ૩૯૪-૧૫ એ મકાન આગળ આવીને ઊભો. બાલ્કનીમાંથી મને આવકારતા બે ચહેરા દેખાયા : ‘આઈયે.’

સમગ્ર ચંડીગઢના આયોજનમાં એક મહત્ત્વનું પરિબળ તે સૂર્ય. ગરમીના દિવસોમાં સૂર્ય જ્યારે આક્રમક હોય ત્યારે એના પ્રતાપથી કેમ બચવું એ આ નગરના સ્થપતિઓની નજર સામે અહીંની સૌ ઇમારતો અને રહેણાંક વિસ્તારોની ડિઝાઈન કરતી વખતે રહ્યું છે. સૂર્યનું આ નગર છે.

ચંડીગઢમાં આવ્યા પછી થોડા કલાકોમાં એની પ્રતીતિ મને થઈ ગઈ. જુલાઈની શરૂઆત એટલે વરસાદની રાહ જોવાતી હતી, પણ આકાશમાંથી આગ વરસતી હતી. બપોરના તો કેવીય સ્થિતિ થશે. મિત્તલ દંપતીએ સ્નેહથી મારું સ્વાગત કર્યું હતું, પણ ચંડીગઢની ગરમીનું એ શું કરી શકે?

શ્રી મિત્તલે આજે ઑફિસમાંથી રજા લીધી હતી. ચંડીગઢનાં જોવાલાયક સ્થળો મને બતાવવાના હતા. એક વિશેષ વાત એ કે શ્રી મિત્તલને ચંડીગઢ માટે અત્યંત મમત્વ હતું. એટલે આતંકવાદની વાત નીકળતાં કહે : પણ ના, ચંડીગઢમાં તો કશું ચિંતા કરવા જેવું છે જ નહીં, પંજાબમાં સૌથી સલામત કોઈ સ્થળ હોય તો તે ચંડીગઢ. એ વખતે કદાચ વિધિ મનમાં હસતો હશે. અઠવાડિયા પછી બનનાર પેલી હત્યાકાંડની ઘટના અંગે.

અમારે જે સ્થળો જોવાનાં હતાં તેમાં ત્રણ મુખ્ય હતાં : ચંડીગઢની હાઈકોર્ટ, સચિવાલય અને વિધાનસભા. મિત્તલ પોતે હરિયાણા સરકારના સચિવાલયમાં એક અધિકારી હતા. આ બધી ઇમારતો હરિયાણા અને પંજાબ બંને સરકારોની સહિયારી છે, પણ પંજાબમાં રાષ્ટ્રપતિશાસન હોવાથી વિધાનસભાનો હરિયાણા વિભાગ જીવંત છે, પંજાબનો સુપ્ત.

૧૫મા સેક્ટરમાંથી શ્રી મિત્તલના સ્કૂટર પર અમે નીકળ્યા. અહીં તો એવું લાગે કે, શીખો અને બીજા સૌ પાડોશીઓ તરીકે હળીમળીને રહે છે. પાઘડીઓ જેટલાં જ ખુલ્લાં માથાં પણ દેખાય. ચંડીગઢના રસ્તાઓ – કહેવું પડે! પણ ચંડીગઢ વિશે કેટલાકોએ એવી ટીકા કરી હોય કે, દુર્ભાગ્યગ્રસ્ત હિન્દુઓ માટે યુરોપિયનો દ્વારા આયોજિત નગર.’ થોડા દિવસ પહેલાં ચંડીગઢમાંથી પ્રગટ થતા દૈનિક ટ્રિબ્યુનમાં, ‘ચંડીગઢ-ઈન સર્ચ ઑફ એન આઈડેન્ટિટી’ નામે રવિ કાલિયાના પ્રકટ થયેલા પુસ્તકની ચર્ચા હતી. રવિ કાલિયાએ લખ્યું છે કે, ચંડીગઢ ભારતીયનગર નથી લાગતું. એ ‘એન્ટિ-સિટી’ છે. કદાચ નેહરુએ એવું ઇચ્છ્યું હતું – જ્યારે એમણે નગરના સ્થપતિઓને એવા નગરનું નિર્માણ કરવાનું કહ્યું હતું, જે ભૂતકાળ તરફ નહીં, પણ ભવિષ્યકાળ તરફની આસ્થાની અભિવ્યક્તિ હોય.

માર્ગોની બંને બાજુએ નગર એવી રીતે વિસ્તર્યું હોય કે સતત એક ખુલ્લાપણાનો – સ્પેસનો અનુભવ થાય. સામાન્ય નગરોની ગલીઓ સડકોનો ઘોંઘાટનો અનુભવ ન થાય. ‘સિટી ઑફ સન, સ્પેસ એન્ડ સાઇલન્સ.’

અમે હાઇકોર્ટની ઇમારત આગળ આવીને ઊભા. અત્યારે તો ન્યાયાલયમાં વેકેશન છે અને રિનોવેશન ચાલે છે. પાણીથી લહેરાતા હોજ ખાલી છે, પણ ઇમારત એની ભવ્યતાથી ઓ પાડી દે. તાપના આ મુલકમાં ગરમીમાં પણ માણસો કામ કરતા રહે અને ઊંઘ આળસમાં બગાસાં ન ખાય એવી વિભાવના આ મકાનોની ડિઝાઈનના મૂળમાં છે. શ્રી મિત્તલે જુદા જુદા ન્યાયાધીશોના ઓરડાઓ ખોલીને બતાવ્યા. એ બધે પહોંચેલા લાગ્યા.

અહીંથી સામે બીજી બે વિશાળ ઇમારતો દેખાય છે. એક છે સચિવાલયની, બીજી વિધાનસભાની. ખરેખર તો હાઈકોર્ટ, સચિવાલય અને વિધાનસભા એક જ વિરાટ સંકુલ ગણાય. આ ત્રણે ઇમારતો સિમેન્ટની એસ્લનેડથી જોડાયેલાં છે. ત્યાં શ્રી મિત્તલે મારું ધ્યાન હાઈકોર્ટની બાજુમાં ખુલ્લામાં સ્થાપેલી એક આકૃતિ પ્રત્યે દોર્યું. પહેલાં તો મને લાગ્યું કે, ઊડતા પંખીનું શિલ્પ છે. પણ ના, એ હતું ખુલ્લા હાથનું વિરાટ શિલ્પ, અદ્દલ પંખી પણ લાગે. આ ખુલ્લો હાથ એ આ આધુનિક નગરનું – ચંડીગઢનું પ્રતીક છે. આ પ્રતીક દૂર ઉત્તરની શિવાલિકની ગિરિમાળાની સમાંતરે ખડું છે. ખુલ્લો હાથ – હું વિચાર કરતો જોતો રહ્યો. કોને આ પ્રતીક સૂઝયું હશે? લંબાવેલો હાથ તે મૈત્રીનો. આપણા કવિ નિરંજન ભગતની એક કવિતા છે : ‘લાવો; તમારો હાથ મેળવીએ.’ પણ આ તો ખુલ્લો હાથ. ધાતુમાંથી બનેલા આ હાથમાં રેખાઓ પણ છે. ભાગ્યની રેખામાં શું હશે? ચંડીગઢ પંજાબમાં જશે? ચંડીગઢ કેન્દ્રમાં રહેશે? ચંડીગઢ ભારતમાં તો રહેશે ખરું ને? એ ખુલ્લા હાથની રેખાઓને પણ કોણ વાંચી શકે એમ છે? ખુલ્લો હાથ, કદાચ સર્વ સંસ્કૃતિઓના, જ્ઞાન-વિજ્ઞાનના સ્વીકારનો ખુલ્લો હાથ, નિખાલસ હાથ. બંધ મુઠ્ઠીમાં કશું ગુપ્ત કે ગોપિત નથી. કદાચ ચંડીગઢની વર્તમાન સ્થિતિમાં ખુલ્લા હાથનું આ પ્રતીક પ્રેરક બને. પણ, સ્થિતિ એવી છે કે, અત્યારે તો એ પ્રતીક વિડંબનાત્મક બની રહે છે. ચંડીગઢ માટે એક શિલાલેખ – ‘એડિક્ટ ઑફ ચંડીગઢ’–માં લખ્યું છે કે આ નગર ભવિષ્યની પેઢીઓને સમર્પિત છે, જેઓ તેના ગાર્ડિયન-સંરક્ષક બને, અને આ નગર કોઈ વ્યક્તિની વિમનો ભોગ ના બને. આપણે પ્રાર્થના કરીએ, ખુલ્લા હાથનું સન્માન કરીએ.

તડકામાં તપ્ત થયેલા સિમેન્ટના મેદાન પર ચાલતાં કષ્ટનો અનુભવ થાય, અને એ અંતર ઓછું નહોતું. શ્રી મિત્તલનો ઉત્સાહ પણ ઓછો નહોતો. સચિવાલયની ઇમારત આખા ચંડીગઢમાં સૌથી લાંબી અને સૌથી ઊંચી છે. છેક ઉપરના માળે કેન્ટીન છે. એ કેન્ટીનમાં લઈ જવાના શ્રી મિત્તલના આગ્રહને મેં ખાળ્યો. એસેમ્બલી હૉલ બંધ હતો, પણ અહીં મિત્તલ ઘણાને ઓળખતા. એક અધિકારીએ અમારે માટે હૉલ ખોલી આપ્યો. આપણા પર જે પહેલી છાપ પડે તે તો એના અનોખા સ્થાપત્યની. અહીં સજાવટ માટે જે ચિત્રો છે તે પણ આધુનિક શૈલીનાં છે.

ત્યાંથી અમે નીકળ્યા તે ચંડીગઢ યુનિવર્સિટી ભણી. યુનિવર્સિટી ચંડીગઢના એક આખા સેક્ટરમાં પથરાયેલી છે. કેમ્પસમાં પ્રવેશતાં જ એની સુંદર ઇમારતો અને હરિયાળી આપણા ચિત્તને પ્રસન્ન કરે. આ ગરમીમાં ગુલાબો નથી, નહિતર નગરનું બીજું નામ ‘સિટી ઑફ રોઝિઝ’ સાર્થક લાગત એમ શ્રી મિત્તલે કહ્યું. યુનિવર્સિટી કૅમ્પસ પર ધ્યાન ખેંચનાર ઇમારત તે ગાંધી-અધ્યયન કેન્દ્રની. યુનિવર્સિટીમાં અત્યારે રજાઓ છે એટલે એની જીવંતતાનો અનુભવ ક્યાંથી થાય? યુનિવર્સિટીની જીવંતતા એટલે પ્રસન્નમન છાત્ર-છાત્રાઓનાં દળ. તેમ છતાં લાગે કે આપણે કોઈ વિદ્યાક્ષેત્રના પરિસરમાં ફરી રહ્યા છીએ.

ત્યાંથી શ્રી મિત્તલનું ઘર નજીક પડે. અમે ઘેર પહોંચી થોડો વિશ્રામ કર્યો. ઘણોબધો તડકો પીને અમે આવ્યા હતા.

ચંડીગઢમાં સાંજ રમણીય પડી, પણ મને દેવિન્દર મોહનના શબ્દો યાદ આવે. હું તો પાંચ વાગ્યા પછી ઘરની બહાર નથી નીકળતો.’ મિત્તલ કહે : આજે આપણે સૂર્યાસ્ત પછી રોઝગાર્ડનમાં જઈશું, અને અમે ગયા. શ્રીમતી મિત્તલ પણ સાથે હતાં. સખત ગરમીને લીધે ક્યાંક ઘાસ ચીમળાયું હતું, પણ એકંદરે હરિયાળીનો સ્પર્શ. રોઝ ગાર્ડનમાં ૫૦૦થી વધારે પ્રકારનાં ગુલાબો ઉગાડવામાં આવે છે. શ્રી મિત્તલની વાતચીતમાં વારંવાર શબ્દ આવે ‘લાઇજર વેલી.’ પહેલાં તો સમજણ પડે નહીં, પછી ખ્યાલ આવ્યો એ ‘લાઇજર વેલી’ છે. આ બાગની પાસે થઈને જાય છે. આ હરિયાળી ઘાટી. આપણા ‘ગ્રીન બેલ્ટ’ જેવી, અલબત્ત આપણા ગ્રીન બેલ્ટ નથી રહ્યા ગ્રીન કે નથી રહ્યા બેલ્ટ.

મિત્તલ મને નિર્ભય ફરવા મોડે સુધી બગીચામાં બેસવાનો આગ્રહ કરતા રહ્યા. જોકે ફરવા આવનાર ઓછા થઈ ગયા હતા અને બાગ ખાલી થતો જતો હતો. ક્યાંક કોઈ બંધ મુઠ્ઠી હતી, જેનો આછો પણ આતંક છે એવું લાગે.

સ્વાભાવિકતા જાળવી રાખવા અમે બસસ્ટેન્ડ પર જઈ ઊભાં. બસમાં બેસીને પંદર નંબર સેક્ટરમાં પહોંચ્યાં. મને થયું : પંજાબનાં આ તોફાનોના દરિયામાં એની રાજધાની ચંડીગઢ શું એક અસ્પષ્ટ ટાપુ છે?

આ દિવસોમાં ચંડીગઢ એટલે પંજાબમાં આતંકવાદીઓ સાથેના સંઘર્ષનો સત્તાવાર સમાચાર આપતું એક મથક ભલે બની ગયું હોય, પણ એની ઓળખ પ્રવાસીઓમાં તો ‘સિટી બ્યુટીફૂલ’ કે ‘સિટી ઑફ રોઝિઝ’, ‘સિલ્વર સિટી કે સિટી ઑફ સન, સ્પેસ એન્ડ સાઇલન્સ’ તરીકે રહી છે. ચંડીગઢના કોઈ પણ પ્રવાસીને આ બધી ઓળખોમાં બહુ અતિશયોક્તિ નહીં લાગવાની. ખરેખર આધુનિક યુગનું એક સુંદર આધુનિક નગર છે.

પણ આજે કોઈ પ્રવાસી – નવ આગન્તુક પ્રવાસી એમ પૂછે કે ચંડીગઢમાં જોવા જેવું શું? તો ચંડીગઢનો કોઈ પણ નાગરિક કે ચંડીગઢની મુલાકાત લઈ આવેલ કોઈ પણ યાત્રિક કહેશે કે, ચંડીગઢમાં જોવાલાયક સ્થળ તે ચંડીગઢનો રોકગાર્ડન. ચંડીગઢનો રોઝગાર્ડન નહીં, હાઈકોર્ટ કે વિધાનસભા ગૃહ નહીં, પણ રોકગાર્ડન.

આ નગરના વિશ્વવિખ્યાત નિર્માતા સ્થપતિ કૉર્બુસિયેની કલ્પના બહારનો આ રોકગાર્ડન છે. એના નિર્માતા છે નેકચંદ, ચંડીગઢના કોઈ પ્લાનમાં આવો કોઈ ગાર્ડન નહોતો. એ માત્ર નેકચંદનું નિર્માણ છે. એવું નિર્માણ કે એક ફ્રેન્ચ મ્યુઝિયમના ક્યુરેટરે તો વિઝિટર્સ બુકમાં લખ્યું કે, ઈશ્વરનો પણ એક પ્રતિસ્પર્ધી નીકળ્યો – નેકચંદ ગોડ હેઝ એ કોમ્પિટિટર – નેકચંદ).

કૉર્બસિયેએ કહ્યું હતું કે, કોઈ પણ નગરના નિર્માણ માટે આકાશ, અંતરિક્ષ, વૃક્ષ, સ્ટીલ અને સિમેન્ટ આ પાંચની આવશ્યકતા છે. નેકચંદનો રૉક ગાર્ડન એક આગવી સૃષ્ટિ છે. જેના નિર્માણમાં તદ્દન અનુપયોગી, લોકોએ ફેંકી દીધેલી, નર્યો કચરો કહેવાય એવી ભંગાર ચીજવસ્તુઓ છે. ગોબો પડેલાં તૂટેલાં ડબલાં, તૂટેલાં કપ-રકાબી, ફૂટેલાં માટલાં, યંત્રોના ટુકડા, ફૂટેલી કાચની શીશીઓ અને બંગડીઓ, ઊડી ગયેલા વીજળીના ગોળા અને ટ્યૂબો અને નકામી થઈ ગયેલી સ્વિચો, રંગીન ચીંથરો અને ફેંકી દેવાયેલા મણકા, સાઈકલ અને મોટરનાં નકામાં થઈ ગયેલાં ટાયર. અરે, શેરીના નાકે કચરા તરીકે ફેંકી દીધેલી વસ્તુઓ સુધ્ધાં રોકગાર્ડનના નિર્માણની સામગ્રી છે. રખડતાં રોડાંપથરા વગેરે તો ખરાં જ, ક્યાંક તો વૉટરવર્ક્સ થવાથી ગામડાગામના કૂવા પરની જાળીઓ અને ગરગડીઓ સાથેનું આખું મંડાણ પણ ગોઠવી દેવાયાં છે અને એક અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી છે. એ કૉર્બસિયેનાં સૉફિસ્ટિકેટેડ નગરનિર્માણની બિલકુલ વિપરીત દિશામાં છે, અને વાત એમ બની ગઈ છે કે, આજે ચંડીગઢ જનાર કદાચ કૉર્બસિયેની ભવ્ય ઇમારતો જોવા જવાનો સમય ન ફાળવે પણ નેકચંદના રોક ગાર્ડનની મુલાકાત તો લેશે.

ચંડીગઢ જવાનું હતું ત્યારે અમારા એક મુરબ્બી મિત્રસમા શ્રી પદુભાઈ તન્ના (જાણીતા એડવોકેટ શ્રી ભાસ્કર તન્નાના પિતાશ્રી) એ મને ધ સંડે ઓક્ઝર્વરમાંથી એક કટિગ મોકલેલું. તેમાં ચંડીગઢમાં નેકચંદે બનાવેલા એના ઘર વિષેનો એક ફોટોરિપોર્ટ હતો : ‘બિલ્ડિંગ અ હાઉસ ફ્રોમ ધ સ્કેપ – ભંગારમાંથી ગૃહનિર્માણ. મેં એ માત્ર કૌતુકથી વાંચેલું અને પછી ભૂલી પણ ગયેલો. પછી ચંડીગઢની મુલાકાત વખતે પણ એ યાદ ન આવત, જો મારા યજમાન શ્રી મિત્તલનો ‘રોકગાર્ડન’ બનાવવાનો અતિઉત્સાહ ન હોત.

સવારમાં અમે ચંડીગઢના એક સુંદર સ્થળે ગયેલા – સુખના સરોવર. સૂર્યનો આશીર્વાદ પામતા આ નગરમાં એના સ્થપતિએ શીતલતા આપવા ઠેર ઠેર જળવાપીઓની આયોજન કરેલી છે. અમદાવાદમાં એ સ્થપતિએ કરેલી મ્યુનિસિપલ મ્યુઝિયમનું નિર્માણ સરદાર પુલને નાકે જોવાથી એનો થોડો ખ્યાલ આવશે. પણ સુખનાં સરોવર તો વિશાળ સરોવર છે – કૃત્રિમ સરોવર. સરોવર વગરનું નગર કેવું? નદી વગરનું નગર કેવું? ચંડીગઢ પણ બે નદીઓના પ્રવાહ વચ્ચે વસાવેલું નગર છે. પણ એ નદીઓમાં કદી પાણી વહેતું નથી. આપણા અમદાવાદની શોભા તો કાંકરિયા ને? પરંતુ અમદાવાદને અને કાંકરિયાને ઇતિહાસ છે. ચંડીગઢ ઇતિહાસ વગરનું નગર છે. એ હવે ઇતિહાસ સર્જી રહ્યું છે!

વરસાદ પડ્યો નથી એટલે સરોવરમાં પાણીની સપાટી ઊતરી ગઈ હતી, પણ આખો વિસ્તાર વૃક્ષોથી દૂર ક્ષિતિજ પરની પહાડીઓથી નયનરમ્ય છે. સવારે ગયેલા પણ જોતજોતામાં તડકો પથરાઈ ગયેલો અને સવારનો તડકો પણ એવો કે…

પરંતુ નેકચંદના રૉકગાર્ડનને જોયા વિના ચંડીગઢનું દર્શન અધૂરું રહી જાય એવું શ્રી મિત્તલ કહેતા રહ્યા. મને લઈ ગયા. એમની ઇચ્છા તો નેકચંદ સાથે મારી મુલાકાત કરાવી દેવાની હતી. આમ જોઈએ તો વિશ્વવિખ્યાત શિલ્પીઓની વાત કરતા હોઈએ ત્યાં નેકચંદનું નામ પણ ક્યાંથી લેવાય? એ તો માત્ર પી.ડબલ્યુ.ડી.ના એક સામાન્ય કર્મચારી, કહો કે સુપરવાઇઝરના પદ ઉપર હતા. એનું પણ એક સ્વપ્ન હતું : ભંગારમાંથી નવસર્જન કરવાનું. નોકરીનો ફાજલ સમય આવી ‘નકામી’ બધી ચીજો ભેગી કરી અને પછી તેનો ઉપયોગ કરી દિવસ, મહિના, વરસ એમ એ પોતાના સ્વપ્નને સાકાર કરવા આકૃતિઓ ઉપસાવતા ગયા, ચૂપચાપ. કોઈ શોરબકોર નહીં, જાહેરાતો નહીં. એમ કર્યું હોત તો કદાચ આજે તો આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રોકગાર્ડનનું નિર્માણ પૂરું ન થયું હોત. દુનિયાના દેશોએ નેકચંદનું બહુમાન કર્યું છે. સિટી ઑફ બાલ્ટીમોરે એમને પોતાના સામાન્ય નાગરિક બનાવ્યા છે. ફેસ્ટીવલ ઑફ ઇન્ડિયા દરમિયાન અમેરિકા અને મોસ્કોમાં ભાગ લેવા એમને મોકલવામાં આવ્યા.

રૉકગાર્ડન જોતાં ખરેખર નેકચંદની સર્જકદૃષ્ટિ વિશે આશ્ચર્ય થાય. એક ઇમારતની ડિઝાઈન બનાવી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી અને બાંધવી એ જુદી વસ્તુ છે, પણ જે ચીજવસ્તુઓ મળે તેમાંથી એને અનુરૂપ ગોઠવણી કરતાં જઈને નિર્માણ કરવાનું અઘરું છે. અને કેટકેટલું બધું છે? એક હાથે એક સામાન્ય માણસ આટલું બધું કરી શકે?

આ રોકગાર્ડનમાં નેકચંદે પોતા માટે ઘર પણ બનાવ્યું છે, જ્યાં રહેવાની એમની યોજના છે. એ ઘરનો દરવાજો નકામી વીજળીની સ્વિચોની બનેલી દીવાલોમાં ખૂલે છે. અંદર નાનકડું આંગણ છે. ત્યાં બે બેડરૂમ છે અને સામે જ એક કૃત્રિમ પાણીનો નાનકડો ધોધ છે.

રોકગાર્ડનમાં ગુફાઓ અને ખડકો છે. ફૂટેલાં માટલાં અને ચીની માટીની ક્રોકરીનો ઉપયોગ છે. ઓપન ઍર થિયેટર છે. નાનકડું સ્ટેજ, બેસવાની જગ્યા પણ. લાકડાના થડિયાં પણ ઉપયોગમાં લેવાયાં છે. ક્યાંક કુંભારે બનાવેલી માટીની કુલડીઓની દીવાલ છે.

એક સ્થળે આખો ગામડાનો કૂવો છે. ગામના કૂવાની પાસે ચૌપાલ છે. ત્યાં બંગડીના ટુકડાઓમાંથી કરેલી માનવમૂર્તિઓ છે. ક્યાંક ગ્રીટકપચીનો ઉપયોગ છે. નેકચંદ સુપરવાઇઝર હતા. તે દિવસ અંતે એ કામ અંતે વધેલાં ગ્રીટકપચી પણ અહીં કામમાં આવી ગયાં છે. ગામ હોય એટલે હુક્કા પીતા લોકો હોય, ગપ્પાં મારતા લોકો હોય, આગળ જાનવર બેઠેલાં હોય, કૂતરાં હોય, સ્ત્રીઓ હોય, મોર અને બતક હોય, ઈંટવાડાની બળેલી કોલસી તેમાં વપરાઈ હોય. ક્યાંક ભંગારમાં ફેંકેલી લોખંડની ખુરશીઓ જડી દીધી છે. જે બેસવાના ખપમાં લાગી શકે. એને સિમેન્ટમાં જડી સરખી કરી છે. ગામડાનાં ઘર હોય તો છાપરાં પર વાનરોનાં ટોળાં હોય. ફૂટેલાં કપ-રકાબી અને કીટલીઓમાંથી જાનવર બનાવ્યાં છે.

ક્યાંક માણસની ફોજ ઊભી છે, ક્યાંક મોરની હાર છે – બંગડીના ટુકડાઓમાંથી બનાવેલી. આ બધામાં વચ્ચે વચ્ચે ઠેરઠેર વૃક્ષો તો હોય. મને લાગે છે કે, બાળકો આ બધું જુએ તો નકામી વસ્તુઓમાંથી એમની સર્જનાત્મકતા કશુંક બનાવી બેસે.

હવે તો સરકાર નેકચંદના આ રોકગાર્ડનની દેખરેખ રાખે છે અને પ્રવાસીઓની વ્યવસ્થા સંભાળે છે. મને થયું કે, ક્યાં કૉર્બસિયેની ભવ્ય ડિઝાઇનો અને ઇમારતો અને ક્યાં નેકચંદની વર્ષોના શ્રમથી ભંગારમાંથી રચાયેલી આ સૃષ્ટિ! નેકચંદની નજરમાં કોઈ પણ ચીજ નકામી નથી. આ બધું જાણે કોઈ જાદુગરના સ્પર્શથી રચાયું હોય એવું લાગે.

નેકચંદનો આ રૉકગાર્ડન, રોઝગાર્ડનના આ નગરમાં અનેક પ્રવાસીઓને આશ્ચર્ય પમાડે છે. ભંગારમાંથી જે અનેરી દુનિયા બની આવી છે તે જોતાં તેની પાછળ કામ કરતી એક અદના માણસ – નેકચંદની સર્જનાત્મક દૃષ્ટિનું અભિનંદન કરવાનું મન થાય છે.