દેવતાત્મા હિમાલય/આમિ કોથાય પાબો તારે


આમિ કોથાય પાબો તારે

ભોળાભાઈ પટેલ

મકરસંક્રાન્તિને દિવસે અગાશીમાં જઈને બેઠો હતો. પતંગ ઉડાડતાં તો બહુ આવડતું નથી, પણ પતંગ ઉડતા જોવામાં જરૂર રસ પડે છે. આ દિવસ સાથે અનેક સ્મૃતિઓ જડાયેલી છે. દર મકરસક્રાન્તિને દિવસે એ અચૂક મનમાં આવે છે તે તો મારા ગામની સ્મૃતિ. ઉત્તરાયણના દિવસે પતંગદોરી લાવવા જે પૈસા ઘરેથી મળ્યા હોય તેમાં બે કે ત્રણ પતંગ અને એક-બે લચ્છા દોરી માંડ મળે. પણ એટલું લઈને અમે બે-ત્રણ મિત્રો ઘરને છાપરે ચઢી પતંગ ઉડાડવાને બદલે મારા ખેતરે જતા. ત્યાં કોઈના પતંગ સાથે પેચનો ભય નહીં. મારા મનમાં સહજપણે જ ઉત્તરાયણના દિવસે આ ચિત્રકલ્પ આખો દિવસ વિભિન્ન રેખામાં દોરાયા કરે. બા-બાપુજી અને શેરી પડોશના અનેક મિત્રોની છબીઓ તેમાં ભળી જાય. આજે બા-બાપુજી નથી અને ઘણા મિત્રોની છબીઓ અત્યંત ઝાંખી થઈ છે, છતાંય પતંગની દોરી ઝાલીને મન ઝૂલ્યા કરે છે.

ઝૂલતું મને ગામની શેરી અને સીમ વટાવી ક્યારેક પહોંચી જાય છે દૂર – માઈલો દૂર. ગંગા જ્યાં સાગરને મળે છે તે બંગાળના ઉપસાગરે. એ સ્થળ તે ગંગાસાગર. મકરસંક્રાન્તિને દિવસે લાખો ભાવિક યાત્રિકો એ સાગરદ્વીપ પર ઊતરી પડે છે. સગર રાજાના સાઠ હજાર અવગતિ પામેલા પુત્રોનો ત્યાં ગંગાએ મોક્ષ કર્યો હતો. આજે પણ અહીં સાગરને મળતી ગંગા મોક્ષદાયિની ગણાય છે. ગંગાસાગરની યાત્રાએ એક વાર ગયેલો – અવશ્ય એ મકરસંક્રાન્તિનો દિવસ નહોતો, એટલે લાખો યાત્રિકો નહોતા. ત્યાં સાગરકિનારે પહો ફાટતાં પહોંચેલો ત્યારે ત્રણ વિરાટ તત્ત્વોની સન્નિધિ હતી. આકાશ, સાગર અને એ સાગરમાંથી બહાર નીકળતો સૂર્ય. ત્યારે ત્યાં મેં કલ્પના કરી હતી : અહીં લાખો યાત્રિકો હોય.

પણ એ ઉત્તરાયણનો દિવસ નહોતો, પણ ઉત્તરાયણને દિવસે મને ગંગાસાગરનું સ્મરણ અચૂક થાય છે. આખો સાગરદ્વીપ આજે શ્રદ્ધાથી છલકાઈ ગયો હશે. મનને અગતિ જેવું કશું હોતું નથી, એ ત્યાં પહોંચી જાય.

વળી પાછું, ત્યાંથી પહોંચી જાય છે ત્યાં, જ્યાં આ ઉત્તરાયણને દિવસે હજારો બાઉલ ભક્તો ભગવી કંથા પહેરી, હાથમાં એકતારો લઈ પહોંચી જાય છે. ‘મનેર માનુષ’ – મનના માણસની શોધમાં, બંગાળમાં અજય નદીને કિનારે, ગીતોગોવિંદના ગાયક કવિ જયદેવના ગામ કેન્દુલીમાં.

કેન્દુલીને હવે કેન્દુલી નામથી કોઈ ઓળખતું નથી. પહેલાં તો કવિ જયદેવનું કેન્દુલી એમ કહેવાતું, હવે તો માત્ર એને જયદેવ’ જ કહે છે. મકરસંક્રાન્તિએ કોઈ યાત્રિકોને પૂછો કે ક્યાં જાઓ છો? કહેશે : જ્યદેવ મેળામાં, ગામનું નામ જ થઈ ગયું છે : જ્યદેવ. ત્યાં જતી બસોનાં પાટિયા પર નામ જ લખ્યું છે : જયદેવ.

જયદેવ તો સંસ્કૃત ભાષાનો કવિ. ગીતગોવિદની મધુર કોમલકાત્ત પદાવલિનો રચયિતા. એક કવિના નામે ત્રણ દિવસ અને ત્રણ રાત મેળો ભરાય અને બંગાળભરના બાઉલો, વૈષ્ણવો અને બીજા ભાવિકો ત્યાં ઊતરી આવે એવું તો બીજે બનતું સાંભળ્યું નથી.

અજયનદીને કિનારે કેન્દુલી – ના, જયદેવ ગામ છે. ૧૨મી સદીમાં અહીં કવિ જયદેવની ધીર સમીરે વાંસળી બજી ઊઠી હતી. એ વાંસળીના સૂર પછી તો આજ દિન સુધી સમગ્ર ભારતવર્ષમાં સંભળાતા રહ્યા છે.

મકરસંક્રાન્તિને દિવસે અજયનદીમાં ગંગાનદીની પવિત્રતા આવી જાય છે. આમ તો અજય કેન્દુલીથી થોડે દૂર કાટવા આગળ ગંગાને મળે છે. પણ એ દિવસે ગંગાનાં પાણી અજયમાં વહે છે એવો ભક્તોનો વિશ્વાસ છે. મકરસંક્રાન્તિને દિવસે કેન્દુલીની અજયમાં સ્નાનનો ભારે મહિમા છે.

બે વર્ષ પહેલાં એક મકરસંક્રાન્તિએ મિત્રો સાથે કેન્દુલી પહોંચી ગયો હતો, પરંતુ તે પહેલાં આ જયદેવ-કેન્દુલીની બે વાર મુલાકાત થઈ હતી. તેની અમિટ છાપ પડી છે તે ઉત્તરાયણે આ ઊડતા પતંગો સાથે ઊડાઊડ કરે છે મનના આકાશમાં.

એ વખતે શાંતિનિકેતન – વિશ્વભારતીના આચાર્ય હતા : શ્રી ઉમાશંકર જોશી. ડિસેમ્બરની આખરના દિવસો હતા. વિશ્વભારતીના દીક્ષાગ્ન સમારંભમાં અને પૌષ મેળામાં ઉપસ્થિત રહેવા આચાર્યના નિમંત્રણથી શ્રી નગીનદાસ પારેખ સાથે હું પણ ગયો હતો. ગુજરાતના બીજા, શાંતિનિકેતનના ભૂતપૂર્વ છાત્રો પણ હતા. દીક્ષાન સમારંભ પછી મેં પ્રસ્તાવ મૂક્યો કે જયદેવના કેન્દુલીનાં દર્શને જવું.

અમારી સાથે જોડાયાં ‘ન હન્યતે’નાં પ્રસિદ્ધ લેખિકા મૈત્રેયી દેવી. મોટરગાડીમાં આખે રસ્તે રવીન્દ્રનાથની કવિતાનો ધોધ વહેતો રહ્યો. ઉમાશંકરભાઈ, નગીનભાઈ, મોહનદાસ, મૈત્રેયી દેવી સૌને રવીન્દ્રનાથની અનેક પંક્તિઓ કંઠસ્થ. તેમાંય મૈત્રેયી દેવી એટલે તો આડો આંક. પછી રવીન્દ્રનાથનું સંધાન થયું, કવિ જયદેવ સાથે અને ગીતગોવિંદની પંક્તિઓ ગુંજવા લાગી :

લલિત લવંગલતા પરિશીલન કોમલ મલયસમીરે.

કે પછી

ધીરસમીરે યમુનાતીરે વસતિ વને વનમાલી…

મોટરગાડી ગીચ જંગલને વીંધીને અને પછી વીરભૂમ વિસ્તારના જમીનદારોના જૂના ખંડેરો બની ગયેલા આવાસો વચ્ચેથી દોડી રહી હતી. અજય નદીમાં એક વેળા મોટી મોટી નૌકાઓ ચાલતી એટલાં પાણી એમાં રહેતાં. હવે તો એનું પાત્ર રેતાળ અને છીછરું થઈ ગયું છે. નદી છે તો અલ્પતોયા, આમ છતાં જ્યારે પૂર આવે ત્યારે હાહાકાર મચાવી દે આ અજયનદી.

કેન્દુલીમાં કવિ જયદેવનું મંદિર છે. ટેરાકોટાના શિલ્પોથી શોભતું. કહે છે કે, ત્યાં કવિનું ઘર હતું. કહે છે : અહીં કવિએ અધૂરી મૂકેલી શ્લોકની એક લીટી સ્વયં કૃષ્ણ કવિરૂપે આવી લખી ગયા હતા. અહીં એક ઝૂંપડાહોટલમાં કવિ જયદેવના સ્મરણ સાથે સૌએ ચા પીધી. પૈસા, કવિ ઉમાશંકરે ચૂકવ્યા, એમ કહીએ કે ‘કવિના ગામમાં કવિ તરફથી ચા.’

બીજી વાર મિત્રો સાથે અમદાવાદ-મુંબઈથી આવેલાં અનિલા દલાલ અને કુંજ પરીખ સાથે ગયેલાં. ત્યારે હું શાંતિનિકેતનમાં એક વર્ષ માટે વિઝિટિંગ ફેલો હતો. એ દિવસે સુનીલ-કૈલાસ સાથે અજયના પાણીમાં ખૂબ કિલ્લોલ કરેલો.

પણ મકરસંક્રાન્તિના મેળામાં જયદેવનો મિજાજ ઔર બની જાય છે. એ દિવસે એવું લાગે કે બધી બસો જયદેવ કેન્દુલી તરફ દોડી રહી છે. આ મેળામાં એવું તે શું પ્રબળ આકર્ષણ છે? બીજાં જે આકર્ષણો હોય, અમને કેટલા મિત્રોને તો ત્યાં કેન્દુલમાં સાંભળવું હતું પરંપરાગત રીતે ગવાતું ગીતગોવિંદનું અને ઉન્મત્તપ્રાય થઈને નાચતા બાઉલોનું ગાન. એ દિવસે બાઉલો પોતાના નામને સાર્થક કરે છે. બાઉલ એટલે એક અર્ધપાગલ પણ થાય. લાંબી ભગવી કંથા પહેરી, હાથમાં એક વિશિષ્ટ પ્રકારનો એકતારો લઈ, પગે ઘૂઘરા બાંધી નાચતાં નાચતાં રાત આખી ગાન ચાલ્યા કરે, જુદાજુદા અખાડાઓમાં.

અમે જે મિત્રોએ સાથે જવાનું નક્કી કર્યું હતું તેમાં એક જર્મન મિત્ર માર્ટિન અને તેમનાં એક બ્રિટિશ મિત્ર જેની ઓપનશો પણ હતાં. માર્ટિનને લીધે મારે કેટલાક બાઉલો સાથે પરિચય થયો હતો. શાંતિનિકેતનના મારા આવાસમાં ગોપાલ બાઉલ અને વાસુદેવ બાઉલનાં ગાન ઘણી વાર થતાં. શ્રીમતી જેની ઓપનશો બાઉલો પર સંશોધન કરતાં હતાં. બંગાળી સરસ બોલે. પહેલાં અમે સાઇકલ પર જવાનું વિચાર્યું. ચારેક કલાક થાય, પણ પછી બસમાં સવાર થઈ ગયા. અહીં મકરક્રાન્તિએ ક્યાંય પતંગ ઊડતા ન જોયા, પણ સૌ જાણે કેન્દુલી ભણી ધસતા જોયા. બસો તો ઉપર નીચે, ચારેકોર પેસેન્જરોથી લદાયેલી.

આમાર મનેર માનુષ જારે આમિ કોથાય પાબો તારે…

‘જે મારા મનનો માણસ છે એને ક્યાં પામીશ?’ – એટલે કે બાઉલો મનના માણસની શોધમાં આવતા હતા – અમે એ બાઉલોની શોધમાં. અલબત્ત, કવિ જયદેવના સમયથી કંઠોપકંઠ ચાલી આવતી ગીતગોવિંદની પદાવલિ પણ અમારે સાંભળવી હતી.

કેન્દુલીને ગોંદરે પહોંચતાં જે માનવમહેરામણ જોયો તે જોતાં તો થયું કે, અમારી આશા કદાચ ઠગારી નીવડે. અહીં આ કોલાહલમાં ‘ધીરે સમીર’ ક્યાં, આ ભીડમાં ‘મનનો માણસ ક્યાં? હું જુદા અર્થમાં બોલી રહ્યો :

આમિ કોથાય પાબો તારે..?

થોડી વારમાં તો અમે પણ કેન્દુલીના જયદેવમેળાની ભીડમાં ભળી ગયાં. જે રસ્તે અમે ભીડમાં પ્રવેશ કર્યો તે તો બંને બાજુએ જાતજાતની હાટડીઓને લીધે ભરચક હતો. કેટલીક ક્ષણો તો એવું લાગ્યું કે, ખરેખર એક માનવમહેરામણનાં ઠેલાતાં જતાં મોજાંનો જ એક ભાગ છીએ. બંગાળના વીરભૂમ વિસ્તારની બધી વસ્તી શું આજે જયદેવમાં ઊતરી આવી છે?

હાટડીઓનો વિસ્તાર વટાવી જેવા આગળ વધ્યા કે પછી શરૂ થયા મોટા મોટા મંડપો. ઘણાબધા વૈષ્ણવ અખાડાઓ(આશ્રમો)ના મંડપો બંધાયા હતા. તે ઉપરાંત નાના-મોટા અનેક શિબિરો, તંબુઓ તણાયા હતા. સાંજ પડી ગઈ હતી અને આ જ સમય હતો ખરેખરી ભરતીનો.

મંડપોમાં કથાઓ ચાલતી હતી, ક્યાંક કીર્તનો ચાલી રહ્યાં હતાં, ક્યાંક ઘોષણાઓ થતી હતી. દવાઓથી ઝળહળ હતો બધો વિસ્તાર. માઈકો પરથી વહેતા અવાજો ઘોંઘાટમાં વધારો કરતા હતા. આંખો અંજાઈ જાય તેવું અજવાળું અને કાનને ધાક વાગે તેવા અવાજો આ વેળાએ ચરમસીમા પર હતાં.

અમારો વિચાર હતો એકાદ મંડપમાં જઈ બેસવાનો. આવો એક મંડપ મળી પણ ગયો. મંડપ ભરાયેલો હતો – શાંતિ પણ હતી. નાનકડા મંચ પર બાઉલોની મંડળી બેઠી હતી અને બે બાઉલો માઇક આગળ ઊભા રહી નૃત્યસહ ગાન કરતા હતા. માઈકે એમની ગતિને સીમિત કરી દીધી હતી, તેમ છતાં તેમની મસ્તી છલકાઈ રહી હતી. ગાન ચાલતું હતું :

પાંડવેર ગુરુ કૃષ્ણ ખેંેેપા કૃષ્ણર ગુરુ કે બા? ઓરે પાગલ મન આભાર ચાંદકે સબાઈ મામા બલે ચાંદેર મામા કે બા?

પાંડવોના ગુરુ કૃષ્ણ છે, પણ કૃષ્ણના ગુરુ કોણ? કૃષ્ણને માટે અહીં ‘ખેંપા’ વિશેષણ છે. ખેંડા બાઉલોનો પ્રિય શબ્દ છે. પોતાને પણ ખેંપા કહે. ખેંપા એટલે પાગલ, ઉન્મત્ત, ફરેલ માથાનો. ખેંપા વિશેષણને બાઉલ છોગાની જેમ ધારણ કરે, કૃષ્ણને ખેંપા કહે એટલે કૃષ્ણ માટે કહેવાનો બધો ભાવ જાણે આવી ગયો. પછી સંબોધન પોતાના મનને. મન પણ કેવું? પાગલ. ‘પાગલ મન આમાર’ લીટી બોલતાં ત્રણ વાર ‘પાગલ, પાગલ, પાગલ, મન આમાર ગાય અને પછી ખરેખર પાગલ હોય તેમ એકતારો હાથમાં હોય તે માથે ઊંચો કરી ઉન્મત્ત બની નાચે. ચંદ્રને સૌ મામા કહે છે, પણ પછી ચંદ્રના મામા કોણ? રહસ્યની સનાતન ખોજનો આદિ પ્રશ્ન.

બીજું ગાન શરૂ થયું. આ વખતે બીજા બાઉલોનો વારો.

રાધા બોલે આર બેજોના કાલાર બાંશી, શ્યામેર બાંશી આર બેજોના… બાંશી પુરુષેરઈ હાથે થાકો નારીર બેદન જાનો ના ગો જાનોના રાધા બોલે આર બેજોના…

રાધા વાંસળીને કહે કે, હવે તું વધારે બજીશ નહીં. હે કાળિયાની વાંસળી – શ્યામની વાંસળી; વાંસળી તે પુરુષના હાથમાં રહે છે એટલે નારીની વેદનાને જાણતી નથી. હું જ્યારે રાંધવા બેસું છું ત્યારે કાળિયો વાંસળી વગાડે છે અને હું હળદર નાખતાં મીઠું ભૂલી જાઉં છું. નણદી ઠપકો આપે છે. રાત-દિવસ-બપોર વાંસળી રાધા રાધા રાધા બોલ્યા કરે છે કે હું ભર ઊંઘમાંથી જાગી જાઉં છું. રડીરડીને બિછાનું ભીંજાઈ જાય છે…

મંડપમાં ભીડ વધતી જતી હતી, પણ એકાએક વીજળી ગઈ અને ગાન થંભી ગયું. આવે વખતે વીજળી જાય એટલે? પેટ્રોમેક્સથી કેટલું ચાલે?

અમે મંડપની બહાર નીકળી ગયા. ક્યાંક નાના તંબુ હતા. એકલદોકલ બાઉલ પોતાની મસ્તીમાં બેઠા બેઠા ગાન કરતો હોય. ફાનસનું અજવાળું. આવા એક તંબુમાં બેસી ગયા. થોડાં પદ સાંભળ્યાં. ત્યાંથી નીકળ્યાં. કેટલાક મંડપોમાં કીર્તન ચાલતાં હતાં. બંગાળી કીર્તન-ગાનની એક વિશિષ્ટ પરંપરા છે. હવે અમે થોડું થોડું ઊભાં રહી મેળાની માત્ર ઝાંકી કરવા લાગ્યાં. કેટલેક સ્થળે તો ઝાડ નીચે મંડળી જામી પડી હોય.

આજે ઠેરઠેર ભોજન માટે ભંડારા. ધારો તો તમે પણ ગમે તે એક ભંડારામાં દાખલ થઈ જઈ શકો, પરંતુ અમે તો પીવાનું પાણી પણ આજે તો ઘેરથી વોટરબેગમાં ભરી લાવ્યા હતા. જોકે એ ખૂંચતું હતું, મેળામાં આવ્યા પછી…

અમે અજયનદી ભણી ગયાં. જે વડ નીચે અગાઉ મિત્રો સાથે નાસ્તો કર્યો હતો તે તો આજે જુદો જ બની ગયો હતો. અહીં સરકાર તરફથી એક મોટો મંડપ બાંધવામાં આવ્યો હતો. સરકાર આયોજિત બાઉલ ગાન હતું. પ્રસિદ્ધ બાઉલ પવનદાસ ગાવાના હતા. માહિતી ખાતાના અધિકારીઓ તરફથી વારંવાર સરકારી જાહેરાત થતી : પ્રધાનના હાથે પ્રસંગનું ઉદ્ઘાટન અને પ્રવચન અને પછી ગાન.

થોડી વાર ત્યાં ઊભાં રહ્યાં. પવનદાસનું એક ગાન સાંભળી નીકળી પડ્યાં અજયનદીના ઓવારા પર, પોષ સુદ અગિયારસનું અજવાળું પથરાયું હતું અજયના વિશાળ પટ પર. આ છેડે પાણીનો પ્રવાહ વહી જતો હતો. આજે આ પાણીમાં ગંગાની પવિત્રતા છે. આછા અજવાળામાં નદી પારનું જંગલ રહસ્યમય લાગતું હતું. નદીના આ પારે ભીડ અને કોલાહલ હતાં, સામે પારે સ્તબ્ધતા હતી. અનદીના પટમાં કેટલાંય ગાડાં ઊભાં હતાં.

જયદેવ મેળામાં સૌથી વધારે વેચાતી વસ્તુ તે કદલીલ – કેળાં. અજયની આ બાજુએ આખું કેળાંબજાર. આજે એનો ખાસ મહિમા હોય છે. કેળાં ખાઈને અમે એ મહિમાનો મહિમા કર્યો. વળી પાછાં ગાન સાંભળવા નીકળી પડ્યાં. અમારે હવે ગીતગોવિંદનું પરંપરાગત ગાન સાંભળવું હતું. એક સુશોભિત મંડપ આગળ ઊભાં રહ્યાં. સ્વાગતના તોરણ નીચે મંત્ર લખ્યો હતો :

દેહિ પદપલ્લવમુદારમ્

અને ગીતાગોવિંદની અષ્ટપદીઓ ચેતનામાં સળવળી ઊઠી. ગીતગોવિદનું રહસ્ય ભર્યું છે આ ચરણમાં. એમાં રાધાભાવનો પરમ મહિમા છે. શ્રીકૃષ્ણની ઉક્તિ છે. શ્રી રાધાને એ કહે છે કે, તારાં પદપલ્લવને આભૂષણ તરીકે મારે માથે તું રાખ. કવિ કાલિદાસના દુષ્યતે શકુંતલાનાં પતામ્રકોમળ ચરણોને પોતાના ખોળામાં લઈ તળાસવાની અભિલાષા એ મુગ્ધા આગળ વ્યક્ત કરી હતી. જયદેવના શ્રીકૃષ્ણ રાધિકાના ચરણને – પદપલ્લવને માથે ધરવાની અભિલાષા, એ માટે બલકે અનુનય કર્યો.

પરંતુ એ ચરણ કેવાં છે? ‘સ્મરગરલખંડનમ્ – કામદેવનું વિષ ઉતારનાર એ ચરણ છે. કવિ જયદેવે નિર્ગતકામ પ્રણયની આકાંક્ષા રાખી છે, રાધાના ચરણથી.

એ કવિએ પોતાને પદ્માવતીચરણચારણચક્રવર્તી કહેવામાં ગૌરવ માન્યું છે. પદ્માવતી એની પત્ની. જ્યદેવ પદ્માવતીની પણ વૈષ્ણવોમાં પરમ રસિક કથા છે. કહ્યું છે તેમ, આ પદપલ્લવવાળો શ્લોક લખતી વખતે કવિ જયદેવ અટકી ગયેલા. સ્નાન કરવા અજયતટે ગયા, એટલામાં સ્વયં કૃષ્ણ આવી – કવિના રૂપમાં – આ પંક્તિ લખી નાખી હતી – ‘દેહિ પદપલ્લવમુદારમ્.’

અમે ગીતગોવિંદનું ગાન સાંભળવા વ્યાકુળ હતા. દૂરથી અનેક અવાજો વચ્ચે રહી રહીને અષ્ટપદીઓના ત્રુટક સૂર સંભળાતા હતા, પણ એ ક્યાંથી ગવાય છે તે આ અસંખ્ય મંડપોમાં કળાતું નહોતું. અનેકબધા અવાજો ભેગા થઈ કેન્દુલીના આકાશમાં એક થઈ જતા હતા.

રાત આખી અમે જયદેવના મેળામાં ઘૂમતા રહ્યા, પણ ગીતગોવિંદનું ગાન સાંભળવાની ઇચ્છા અધૂરી રહી ગઈ. (આમ, એક વેળા પુરીમાં ભગવાન જગન્નાથ આગળ રોજ ‘બડો શૃંગાર’ પછીની શયન આરતીટાણે દેવદાસી દ્વારા ગવાતા ગીતગોવિંદની અષ્ટપદી સાંભળવા મોડી રાત સુધી બેસી રહેલા. ગાન ન થયું. ફરી ઇચ્છા અધૂરી રહી ગઈ.)

વહેલી સવારે અમે જ્યદેવથી શાંતિનિકેતન પાછા આવી ગયા:

બીજે દિવસે એક મિત્રે કહ્યું : અજયને કાંઠેથી થોડે દૂર એક એકાન્ત મંડપમાં આખી રાત ગીતગોવિંદનું ગાન ચાલતું હતું. અરે, તો પેલા સૂર ત્યાંથી વહી આવતા હતા! અમે ખરે જ વંચિત રહી ગયાં. એનો આછો રણકાર અમારા ભાગ્યમાં હતો એથીય ધન્ય.

એ રણકાર કેટલીક આછી અજવાળી રાતોમાં જાણે સંભળાય છે. મકરસંક્રાન્તિને દિવસે એની સ્મૃતિ અચૂક વિહ્વળ બનાવી જાય છે. આમિ કોથાય પાબો? ગીતગોવિંદ સાંભળવા માટે શું ફરીથી જયદેવ જવું પડશે?