દેવતાત્મા હિમાલય/ગિરિતળેટી ને કુંડ દામોદર


ગિરિતળેટી ને કુંડ દામોદર

ભોળાભાઈ પટેલ

ઇડરિયો ગઢ જોતાં જોતાં ગિરનારનું સ્મરણ થયું. ઈડર કૉલેજના એક ખંડની બારીમાંથી ગઢની જે જે ઊંચી ચોટીઓ હતી તે બધી દેખાતી હતી. નગ્ન પથ્થરોના ગઢનો એક ઉબડખાબડ છતાં રમ્ય લાગતો આકાર મનમાં વસતો હતો. એક ચોટી પર રણમલચોકી દેખાતી હતી. અને એક ચોટી પર રિસાયેલી રાણીનું માળિયું. આથમણે શ્રીમદ્ રાજચંદ્રની ટેકરી દેખાતી હતી. આખો પહાડ જાણે દૃષ્ટિસીમામાં સમાતો હતો. દૂરથી જોતાં પાવાગઢ પણ આવી રીતે આપણી દૃષ્ટિસીમામાં વસી જાય અને ગિરનાર પણ.

હમણાં રાજકોટથી જૂનાગઢ જતાં દૂરથી ગિરનારનું બંધુર રૂપ બસની બારીમાંથી દેખાયું. ગિરનાર એકાધિકવાર જવાનું થયું છે અને દરેક વખતે એનાં દર્શન ગમ્યાં છે. સૌથી પહેલાં ગિરનારને જોયો એ વાતને વર્ષો થયાં. ગાડીમાંથી પ્રથમ એની ઝાંખી આકૃતિ જોઈ હતી.

આપણને કવિ માઘના પેલા પ્રસિદ્ધ શ્લોકનું સ્મરણ થાય, અર્જુનને મુખે જેમાં ગિરનારનું વર્ણન કરાવ્યું છે. ત્યારે ગિરનારનું નામ રૈવતક હતું. અર્જુન દ્વારા કવિ માઘની સૌદર્યચેતના પ્રકટ થઈ ઊઠી છે એ શ્લોકમાં.

અર્જુનની સાથે છે અર્જુનસખા મુરારિ શ્રીકૃષ્ણ. આવાં સ્થળે જોતાં કોણ મિત્રો સાથે છે એ ઘણું મહત્ત્વનું છે. સમાન સૌંદર્યદૃષ્ટિ ધરાવતા મિત્રો સાથે સૌર્નસ્થલીનો આનંદ છલકાઈ ઊઠે છે. અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે, હે મુરારિ, આ પર્વતને વારંવાર જોયા છતાં તે દરેક વખતે અપૂર્વ લાગે છે. પહેલી વાર જોતો હોઉં એવું જ વિસ્મય જગાડે છે. પછી કહે છે :

ક્ષણેક્ષણે વનવતામુપૈતિ તદેવ રૂપ રમણીયતાયાઃ

ક્ષણે ક્ષણે જે નવીનતા ધારણ કરે એ જ રમણીયતાનું રૂપ. મને લાગે છે કે રૂપ કે સૌંદર્ય કોને કહેવાય એની વ્યાખ્યા આટલી ઉત્તમ બીજી કોઈ નથી. સૌંદર્યબોધની પ્રતીતિમાંથી જન્મી છે આ વ્યાખ્યા – ફિનોમિલૉજિકલ અર્થાત્ પ્રતિભાસજનિત.

રૈવતક-ગિરનાર અર્જુનને ક્ષણે ક્ષણે નવીન અપૂર્વ લાગ્યો હતો. એ ગિરનારને હું બસની બારીમાંથી જોતો હતો. આખા પર્વતના કોન્ટુર્સ સ્પષ્ટ ઊભરેલા હતા – આછા ધુમ્મસમાંય. પણ, બસની ગતિની સાથે દૃશ્ય બદલાતું જતું હતું. અવશ્ય, હું અનુમાન કરતો હતો કે દત્તાત્રેયની ટૂંક કઈ હશે અને કઈ હશે અંબાજીની ટૂંક? એટલામાં તો ખાલીખમ સુવર્ણરેખા પસાર થઈ. હવે દેખાવા લાગી થોડી લીલી વનરાજી પણ.

વસંતપંચમી થોડા દિવસ પર આવી ગઈ છે. પાનખરના પવને હજી વિદાય લીધી નથી અને દક્ષિણના પવનના અણસારા વાતાવરણમાં છે. હજી તો પાંદડાં ખરે છે અને ખરેલાં પાંદડાં હવામાં ઊડે છે, પણ નવપલ્લવો વિજયધ્વજ ફરકાવી રહ્યાં છે. વાતાવરણમાં એક મધુર બેચેની લાગે. આંબાની મંજરીઓની લંબાતી મહેક નાક સુધી આવી જાય.

જૂનાગઢ શરૂ થઈ ગયું અને ગિરનાર સાથેનો એકાંત વાર્તાલાપ પૂરો થયો. ગિરનાર આ વખતે વધારે મોહક લાગ્યો, કારણ કે દૂરથી એનાં દર્શન કરીને જ પાછાં વળવાનું હતું. ગિરનાર પર આરોહણ કરવાનું નહોતું, પણ એ જ કારણથી મનમાં ખટકો જાગ્યો હતો : આટલે સુધી આવીને ગિરનાર પર નહીં જવાનું?

આ ઇડરિયા ગઢનું પણ એવું જ થયું છેને? બારીમાંથી કેટલો બહાર બોલાવ્યા કરે છે. પણ આ વખતે એનાં પણ દૂરથી જ દર્શન કરીને પાછાં જવાનું છે.

આ વખતે જૂનાગઢમાં એક સાંજ હતી, એટલે કંઈ નહીં તો ગિરનારની તળેટીએ તો જઈ આવવું એવું વિચાર્યું. ગિરિરાજની ચરણવંદના. આમેય આ ગિરિતળેટીનું માહાસ્ય પણ કંઈ ઓછું નથી. એ ભક્તકવિ નરસિંહનું તરત સ્મરણ કરાવે. પાંચસો વર્ષ પહેલાં હરિજનવાસમાં જઈ ભજન કરી આ વૈષ્ણવકવિએ હૃદયની વૈષ્ણવતા પ્રકટ કરી હતી. યાદ આવ્યા વિના રહેતી નથી એ પંક્તિઓ :

ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય…

જૂનાગઢ નગરના સાંકડા અને ઢોળાવવાળા માર્ગો ચઢતા ગિરિ તળેટીએ સાંજ વખતે પહોંચી ગયા. બસ, હવે પેલું દ્વાર વટાવીએ કે સોપાનશ્રેણી શરૂ થઈ જાય – ઉપર ચઢવાની. પણ અમે તો આવીને ઊભા ભવનાથના મંદિર પાસેના એક વિશાળ વટવૃક્ષની પાસે.

ભવનાથની તળેટીમાંથી એવું લાગે કે, આપણી ચારે બાજુએ ગિરનાર ઊભો છે. સાંજના આથમતા તડકામાં શિખરો રમ્ય લાગતાં હતાં. નેમિનાથની ટૂંક અને અંબાજીની ટૂંક આમંત્રણ આપતી હતી. દાતારનું શિખર પણ બોલાવતું હતું. ઊજમ પટેલે દાતારની વાત કરી ત્યાં તો પાસેની કુટિરમાંથી આખા શરીરે ભભૂત લગાવીને એક તરુણ સંન્યાસી બહાર નીકળી ભવનાથના મંદિર ભણી ગયા.

હા, હવે શિવરાત્રિ નજીકમાં જ છે. ભવનાથનો પ્રસિદ્ધ મેળો શરૂ થશે. માઘ વદ અગિયારશ સુધીમાં તો આ સ્થળ અનેક સાધુસંતો, ભાવિકોથી ઊભરાઈ જશે. એ યાદ આવતાં જ એક પ્રકારનો રોમાંચ થઈ આવ્યો છે. ક્ષણેક તો થયું કે, એ મેળામાં આવી જવું અને ગિરનારની પ્રદક્ષિણા કરવી…

ગિરનાર તો સિદ્ધ સાધનાક્ષેત્ર. નાથ અને સિદ્ધ સંપ્રદાયના જોગીઓનો સંબંધ ગિરનાર સાથે છે. ભર્તૃહરિ અને ગોપીચંદની વાત કોણ નથી જાણતું? ભેખ રે ઉતારો રાજા ભરથરી એ લીટી હું ગણગણી રહ્યો. મૃદુ અને વીરેન્દ્રને, રાજા ભરથરીની વાત છે મારા કિશોર મનને પ્રભાવિત કરી ગઈ હતી તે કહી. મૃદુએ કહ્યું : ચિરંજીવ અશ્વત્થામાં પણ ગિરનારમાં વાસ કરે છે.

અમે જ્યાં ઊભાં હતાં ત્યાં કહે છે કે, એક કાળે ઇતિહાસપ્રસિદ્ધ સુદર્શન તળાવ હતું. ચંદ્રગુપ્ત મૌર્યે એ બંધાવ્યું હતું. ઈ.સ. ૧૫૦માં રુદ્રદામને એનો ઉદ્ધાર કર્યો હતો. સ્થળ તો એવું છે કે બધા પહાડ નીતરીને પાણી જમા થાય. પણ એવડું વિશાળ સરોવર અહીં ક્યાં હશે એની કલ્પના અમે કરતા રહ્યા. પહાડના શિખરની લગોલગ સૂર્યનું લાલ બિંબ શોભી ઊઠ્યું અને થોડી વારમાં તો, પછી માત્ર ઊંચાં શિખરો પર તડકો રહ્યો અને પછી એય વિલીન થઈ ગયો.

ગિરિતળેટીમાં રમણીય સાંજ. લાકડાની ભારી લઈને કેટલાંક કઠિયારા-કઠિયારણો નીચે ઊતરી રહ્યાં હતાં. કેટલાક યાત્રિકો જતા-આવતા હતા. ત્યાં એકદમ આરતીના ઘંટનાદ બજી ઊઠ્યા. પહાડની જ નહીં, અમારા મનની સ્તબ્ધતાનો પણ મધુર ભંગ થયો.

અમે ભવનાથના મંદિર ભણી ચાલ્યા. આ મંદિરની સ્થાપના વિશે એક રમ્ય કલ્પના છે : શિવપાર્વતી એમના વિમાનમાં આકાશમાર્ગે જતાં હતાં, એકાએક એમનાં વસ્ત્રો સરી પડ્યાં આ ગિરિતળેટીમાં. એટલે શિવપાર્વતી ત્યાં ઊતરી પડ્યાં આજે જ્યાં છે ભવનાથનું મંદિર ત્યાં, પણ આ દેવદંપતીનાં કપડાં કેમ સરી પડ્યાં એ જાણવા મળ્યું નહીં.

આરતી આપણા મનમાં એક ખાસ મૂડ જગાવી દે છે. ઘંટનાદ, નગારાના તાલબદ્ધ અવાજ, શંખ અને ડમરું પણ બજતાં હતાં. ઊજમ પટેલે મને બતાવ્યો, મૃગીકુંડ. ભવનાથના મેળાવખતે આ મૃગીકુંડમાં સ્નાન કરવાનું ખૂબ માહાસ્ય છે. મેળો હવે ભરાવામાં જ છે, વાતાવરણમાં એનો અણસાર છે.

પાછા વળતાં દામોદર કુંડ પાસે અમે ઊભાં રહ્યાં. ભક્તકવિનું ચિત્ર, કહો કે ચિત્રો કલ્પનામાં આવ્યાં. મહેતાજી વગેરે અહીં આવતા હશે. અમે એ સાંજે ત્યાં ઊભાં હતાં. દશમનો ચંદ્ર દામોદરકુંડના પાણીમાં પ્રતિબિંબિત થયો હતો.

ઈડરમાં બેઠાં બેઠાં ગિરનારનું સ્મરણ થયું ગિરિતળેટીની એ સાંજનું. પરંતુ, એ સાથે મનમાં ગિરનાર પર ગાળેલી દોઢ દાયકા પહેલાંની રાત્રિઓનું પણ સ્મરણ થઈ આવ્યું. સ્થળ કે કાળનાં બંધન મનને ક્યાં નડે છે? બારી બહાર મૃદુ તડકામાં ઈડરિયો ગઢ તો દેખાયા કરે છે.

ગિરનારપર્વત પર પહેલી વાર કરેલું આરોહણ અને અવરોહણ હજુ સ્મરણમાં છે. તરુણાઈ ફૂટવાના એ દિવસો હતા. ઘટમાં સાચે જ ઘોડા થનગનતા હતા. દશેક જણની અમારી ટુકડી હતી. આલંકારિક ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે, એકશ્વાસે આ આરોહણકઠિન પર્વત ચઢી ગયા હતા અને બીજા શ્વાસે ઊતરી ગયા હતા. ચિત્ત ઉપર અત્યારે છાપ આવી છે. તડકો થઈ ગયા પછી તો અમે ગિરિતળેટીએ પહોંચ્યા હતા અને પછી આરોહણ શરૂ કર્યું હતું. નેમિનાથ ભગવાનની ટૂંક પર પણ રોકાયાં નહોતાં. અંબાજીની ટૂંકે પહોંચી તિલક કરાવી નીકળી પડ્યા હતા. તડકો થયો હતો, પણ એની શી પરવા?

પરંતુ, પછીનો માર્ગ આકરો પડી ગયો. ગુરુ દત્તની ટૂંકે જવા માટે કેટલાં બધાં પગથિયાં ઊતરવાનાં અને કેટલાં બધાં પગથિયાં ચઢવાનાં હતાં? તડકાએ હિમાલયથી પણ વૃદ્ધ એવા આ આગ્નેય ગિરિની શિલાઓને તપ્ત કરી દીધી. અમને હવે તરસ પણ લાગી અને ભૂખ પણ. એ દિવસોમાં આવી બધી ગણતરીઓ લક્ષ્યમાં લીધેલી જ નહીં.

ભાગ્યે જ કોઈ યાત્રિક સામે મળતા. એક-બે સાધુઓને જોયા. પાણી ક્યાં મળશે એવી પૃચ્છા કરી. તેમણે બતાવ્યું કે, માર્ગથી થોડા ફંટાઈ આગળ જતાં એક આશ્રમ છે. અમે બે મિત્રો એ દિશામાં ગયા. આશ્રમના પ્રવેશદ્વારે એક સાધુ હતા. તેમને પૂછ્યું : પાણી પીવું છે. એ અમને અંદર લઈ ગયા. એક અજ્ઞાતભયે અમને ઘેરી લીધા હતા. છેક અંદર ધૂણી ધખાવીને મહંત બેઠા હતા. ચીપિયો ખોસેલો હતો. મહંતજીએ શરીરે ભભૂત ચોળેલી હતી. અમે ભય દબાવી પ્રણામ કરી બેસી ગયા. ભયનું કારણ એટલું કે ગિરનારમાં અઘોરી બાવા રહે છે એવું સાંભળેલું. આવા કોઈ અઘોરીના મઠમાં તો નથી પહોંચી ગયાને? અમને પાણી મળ્યું – ધડકતી છાતીએ. પછી પૂછ્યું: ‘કુછ ખાના મિલેગા?’ મહંતજીએ તેમના શિષ્ય સામે જોયું. પછી અમારી સામે જોયું અને કહ્યું : ‘બૈઠ જાઈએ. કહ્યું : બીજા પણ કેટલાક મિત્રો છે. મહંતજીએ કહ્યું કે, ‘ગુરુ દત્ત કે દર્શન કરકે આ જાઈએ, તબ તક સબકા ખાના હો જાયેગા.’ આવો જવાબ મળશે એવી તો કલ્પના પણ નહીં. મને જાણે શી કમતિ સૂઝી કે પૂછ્યું : ‘ખાને કે પૈસે હમ દંગે. કિતને પૈસે હમ દે?’

શાંત રહેલા મહંત એકદમ કુદ્ધ થઈ ગયા. વાણીમાં કઠોરતા આવી. ડરાવતા હોય એમ બોલ્યા : ‘યહ કોઈ લોજ થોડી હી હૈ? હમ તો મુફત ખિલાતે હૈ.’ આ વાણીને કેવી વાણી કહું? મેં કઠોર તો કહી, પણ એમાં કેટલી કોમળતા હતી? આ પ્રકોપ ખરો, પણ પુણ્યપ્રકોપ. મહંતજીનું આ ચિત્ર આટલાં બધાં વર્ષો પછી પણ ઝાંખું થયું નથી.

અમારા પગમાં જોર આવી ગયું. પેલો અજ્ઞાત ભય આદરયુક્ત આશ્ચર્યમાં ફેરવાઈ ગયો હતો. દત્તાત્રેયની ટૂંક પર પહોંચી ગયા. તડકામાં ગિરનારની ચટ્ટાનો તગતગતી હતી. હજુ બે ટૂંકો હતી, પણ ત્યાં જવાનાં પગથિયાં નહોતાં. પગથિયાં હોત તોય ભૂખ અને તૃષાથી વ્યાકુળ બનેલા અમે જઈ શક્યા ન હોત. આ તાપમાં અહીં જો શીતલ પવનનો સંજીવન સ્પર્શ ન થતો હોત તો?

આશ્રમમાં પહોંચી ગયા. ખાસ અમારે માટે જ બાજરીના રોટલા અને દાળ બની ગયાં હતાં. અમને તરત જમવા બેસાડી દીધા. જે ઓરડામાં ધૂણી ધખાવી હતી ત્યાં એક નાનકડી બારી હતી. એ બારીમાંથી એવો તો શીતળ પવન વાતો હતો કે આખે દેહે ટાઢક વળતી હતી. એ બારીમાંથી ગિરનારના આ વિસ્તારની નીચેનું આછુંપાતળું જંગલ દેખાતું હતું. બારી મને બહુ ગમી ગઈ. ખરું કહું તો, એક અનિર્વચનીય ભાવ આ સ્થળે હું અનુભવી રહ્યો હતો. આ બારીને અનુલક્ષીને પછી એક એકાંકી નાટક લખેલું જે કદી પ્રગટ કર્યું નથી, અમે જમતા હતા ત્યારે મહંતજી પ્રેમથી જોતા હતા. આગ્રહપૂર્વક જમાડ્યા. એ દિવસથી ગિરનારનો એક અન્ય પ્રકારનો મહિમા મનમાં વસી ગયો છે.

બીજી વાર ગિરનાર ગયો ત્યારે વચ્ચે બીજા બે દાયકા વીતી ગયા હતા. દરમિયાન થોડું ડહાપણ વધ્યું જ હશેને? આ વખતે ગિરનાર પર ઓછામાં ઓછી બે રાત રોકાવાનું વિચાર્યું હતું. મિત્ર નરોત્તમ પલાણને પણ લખ્યું હતું: પોરબંદરથી જૂનાગઢ આવી અમારી સાથે જોડાઈ જવા. પરંતુ, અમારો મેળાપ થયો નહીં. અમે એક દિવસ જૂનાગઢના ઉપરકોટની ઐતિહાસિક આબોહવાથી તર થઈ જૂનો અનુભવ યાદ કરી અજવાળું થાય તે પહેલાં તો પગથિયાં ચઢવાનું શરૂ કરી દીધું હતું.

ઝાકળભીની સવાર હતી. પગથિયાંવાળા હળવા ચઢાણની બંને બાજુનાં ઝાડ ભીનાશથી મુક્ત થયાં નહોતાં. પવનમાં દેહને જરા કંપાવી જાય એવી શીતલ ચમક હતી. અમારી પાસે આ વખતે થોડું વજન હતું – ખાદ્યપદાર્થોનું, ઓઢવા-પાથરવાનું અને બે જોડી વસ્ત્રોનું. પણ એ થોડા વજન સાથે ચઢવાનું પણ જરા થકવનાર હતું. મધુ અને રૂપાને ભાર ઉપાડવાનું વધારે વખત આવતું.

પગથિયાં ચઢતાં શ્વાસોશ્વાસનો વેગ વધી જતો, પરસેવો છૂટતો, પણ શીતલ પવન એટલી તાજગી આપી રહેતો કે, જાણે હમણાં જ સ્નાન કરી આવ્યા! તડકો થયા પછી પર્વતની દ્રોણીમાં છાયા પ્રકાશની રમ્યતા વિસ્તરી હતી. દ્રોણીમાં ધુમ્મસ ઓગળતું જતું હતું.

અમારે ઉતાવળ નહોતી. કેટલાક યાત્રિકોનાં દલ ફટાફટ પસાર થઈ જતાં હતાં, ખાસ તો કિશોરો. પણ અમે તો ભગવાન નેમિનાથની ટૂંક પર આજ રોકાઈ જવાનું નક્કી કર્યું હતું.

ભગવાન નેમિનાથના સ્મરણ સાથે બે ચિત્ર મનમાં ઊભરે છે. મારા વતનના ગામમાં અમારા ઘરની સામે એક જૈનની હવેલી હતી ત્યાં એક વિધુર જૈન ઘણી વાર રાતે હાર્મોનિયમ પર સ્તવન ગાતા. તેમાં નેમરાજુલવિષયક આ પંક્તિ આજેય મનમાં ગુંજે છે :

રાજુલ વિનવે નેમ પિયુજી પાછા વળોને…

કાશીફોઈ પાસે નેમરાજુલની વાત સાંભળેલી. લગ્ન કરવા ગયેલા નેમ પોતાના લગ્નપ્રસંગે ભોજન માટે થનારી અનેક પ્રાણીઓની હત્યાના વિચારથી અનુકંપાયિત થઈ, પરણવાનું માંડી વાળી ત્યાંથી નીકળી પડે છે. લગ્નની ચૂંદડી પહેરીને પરણવા તૈયાર રાજુલ તેમની પાછળ પાછળ જાય છે. પાછા વળવા વીનવે છે. વરસાદ પડતાં ભીની ચૂંદડી નિચોવે છે. ત્યાં એક સરોવર બને છે. આગળ ચાલ્યા જતા એ વીતરાગ પુરુષ અને ચૂંદડી નિચોવતી રાજુલનું ચિત્ર અનેક વાર મનમાં આવે છે. નેમિનાથ દ્વારકાથી ગિરનાર ઉપર આવેલા.

નેમિનાથ બાવીસમા તીર્થંકર થયા. ગિરનાર પર એમણે દીક્ષા લીધેલી. આ ગિરનાર પર જ એમને કેવળ જ્ઞાન થયેલું અને આ ગિરનાર ઉપર જ નિર્વાણ. ત્રણ કલ્યાણકોથી આ ટૂંક પવિત્ર બનેલી છે. અનિલાબહેન અને રૂપા જૈન હોવાથી નેમિનાથની ટૂંક પર મંદિરના પ્રાંગણમાં આવેલી જૈન ધર્મશાળામાં અમને ઊતરવાની સુવિધા મળી ગઈ.

હું એને ધર્મશાળા નહીં કહું. બે ખંડની મઢુલી કહીશ. સ્થપતિએ એક ગુહાને જ જાણે નિવાસયોગ્ય બનાવી હોય એવી ડિઝાઈન કરી છે. પહાડીને અનુરૂપ. નીચા નમીને પ્રવેશવાનું. બીજા ખંડમાં ય નીચા નમીને જવાનું. છત પણ ઊંચી નહીં, ગિરનારની કોઈ પરિષ્કૃત ગુફામાં વસવાનો બોધ થાય.

નાનકડા ખંડમાં સરસતા અને શીતલતા હતી. આથમણી એક નાનકડી બારીમાંથી નીચે વિસ્તરેલું જૂનાગઢ આંખમાં વસી જાય. આખી સાંજ અહીંના મંદિરોમાં ફર્યા પછી અંધારું થયે આવાસમાં પાછાં આવ્યાં ત્યારે એનો મહિમા વિશેષ સમજાયો.

આવાસમાં વીજળી નહોતી. દીવો પેટાવ્યો હતો. ધીમે ધીમે યાત્રિકોની અવરજવર અને અન્ય બહારના અવાજો શમી ગયા. નીરવતા વ્યાપ્ત થતી ગઈ. માત્ર તમરાંના અવાજ. પ્રાંગણમાં ઓટલા પરથી આકાશ અને સામેનાં ઊંચાં શિખરો જોયા કર્યો. નીરવતા અમને પણ જાણે અડી ગઈ હતી. આ સ્થળ, આ સમય અને આ અમે.

શય્યાપ્રાંતે ખુલ્લા દ્વારમાંથી સામે પહાડના શિખર પર ભાલે ચોડેલા તિલક જેમ એ શું તારો હતો? અવિસ્મરણીય છે એ દૃશ્ય. મઢુલીમાં છતાં, સૂતાં સૂતાં નજર પડી તો તિલકઅંકિત પહાડ ને તારાખચિત આભનો ખંડ નજરમાં. અપૂર્વ, અદ્ભુત!

ચાર દીવાલો વચ્ચે વસનાર ગૃહવાસી આપણે, ક્વચિત્ આમ એક પહાડ પર ગુહાવાસી થયા હોઈએ ત્યારે ક્ષીણ દીપાલોકમાં એવું તો જુદું લાગે!

સવારમાં જ ગુરુ દત્તાત્રેયની ટૂંક સુધી જઈ આવવાનો વિચાર હતો. ગિરનારમાં દત્તાત્રેયની ટૂંકનું ચઢાણ જરા અઘરું છે. એકદમ ગિરિતળેટીથી ચઢનારને થાક લાગી જાય. પણ અમે તો નેમિનાથની ટૂંક પર હતાં અને સવારે નેમિનાથનાં દર્શન કરીને નીકળી પડ્યાં. આ ટૂંક પર શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ મહત્ત્વનાં જૈન દેરાસર છે, પણ સાંજે એ બધાં નિરાંતે જોવાં એવું વિચાર્યું હતું.

નેમિનાથની ટૂંકથી અમે નીકળ્યાં ત્યાં સુધીમાં તો કેટલાંય ઉત્સાહી યાત્રિકો છેક ગિરિતળેટીથી ચઢવાનું શરૂ કરી આવી પહોંચ્યાં હતાં. સવારમાં સૂર્યછાયામાં પડતા પર્વતભાગો રમ્ય લાગતા હતા. પવનમાં આછો કંપ હતો. અવકાશમાં આછું ધુમ્મસ હતું.

મોટા ભાગના યાત્રિકો અંબાજીની ટૂંક સુધી જાય છે અને ત્યાં દર્શન કરી પાછા વળી જાય છે. પણ, ગિરનારનો ખરો આનંદ દત્તાત્રેયના શિખર સુધી જવાનો છે. અંબાજીની ટૂંક ઊંચામાં ઊંચી છે. દૂરથી ગિરનારનું જે પ્રોફાઇલ આંખમાં એક સાથે ઊભરે છે, તેમાં વચ્ચે ઊંચું દેખાતું શિખર અંબાજીનું છે.

નેમિનાથની ટૂંકથી અંબાજીની ટૂંક સુધી ઊંચે ઊંચે ચઢવાનું છે, પણ પછી ગુરુ દત્તના શિખરે જવા માટે પહેલાં અવરોહણ કરવું પડે છે, પછી પાછું આરોહણ. ઊતરવા-ચઢવાની આ યાત્રા પગને અવશ્ય શ્રમ પહોંચાડે છે.

એટલે અંબાજીની ટૂંક પછી યાત્રિકોની સંખ્યા ઘટી ગઈ. પગથિયાં ઊતરતાં ઊતરતાં હું વિચારતો હતો કે વીસ વર્ષ પહેલાં જે મઠમાં બાજરીનો રોટલો ખાધો હતો, જે બારી પાસે બેસીને એકાંકીની કલ્પના આવી હતી તે મઠ શોધી કાઢી આ વખતે ત્યાં જવું.

પરંતુ, પહેલાં તો દત્ત ગુરુના સાનિધ્યમાં પહોંચી જવું હતું. પગથિયાં ઊતર્યા પછી પગથિયાં ચઢવાનાં પણ હતાં. વળી એકદમ સીધો ઢોળાવ. અહીં તો બધે તડકો પણ વ્યાપી ગયો હતો. પૂર્વમાં જે ટૂકો દેખાતી હતી તે પ્રમાણમાં નીચી હતી, છતાં એ તરફ જવાનો માર્ગ વધારે દુર્ગમ છે.

આબુપર્વત પર પણ ગુરુશિખર છે. ગુરુ એટલે ગુરુ દત્તાત્રેય. ગિરનાર પર પણ ગુરુ દત્તાત્રેયનું શિખર. આબુનું એ સૌથી ઊંચું શિખર. ગુજરાતમાં દત્તસંપ્રદાય ક્યારેક વધારે વ્યાપ્ત હશે. કદાચ આવા દુર્ગમ શિખરો પર આવા અવધૂતોનો વાસ હોવાની લોકકલ્પના પણ હોય.

દત્તાત્રેયના શિખર પર પહોંચી ગયાં. ખરેખર શિખર જેવું. એટલે બહુ લોકો એકી સાથે માંડ સમાઈ શકે. અહીંથી નીચે વિસ્તરેલી ભૂમિ રમણીય લાગતી હતી. ગિરનારની દ્રોણીઓમાં હજી ધુમ્મસ એકદમ વિખરાયું નહોતું. જોરથી ઘંટ વગાડી નાદને ગુંજતો કર્યો. પવન એને દૂર દૂર વહાવી ગયો.

વળી, પાછાં પગથિયાં ઊતરવાનાં હતાં. અર્જુન-શ્રીકૃષ્ણ આ રૈવતક ગિરિને ઉપર ચઢીને જોયો હશે કે દૂરથી જ એની રમણીયતા પ્રમાણી હશે? પાછા વળતાં પેલા મઠની દિશા તરફ વળ્યાં. કોઈને પૂછવાથી માર્ગ મળી ગયો.

અમે ત્યાં પહોંચી ગયાં. વીસ વર્ષ પછી મઠમાં ફેરફાર થયા હતા. સગવડો વધી હતી, પણ પેલો અંદરનો ખંડ અને દક્ષિણ તરફની બારી એમ જ હતાં. અવધૂત મહારાજ કદાચ એ નહોતા. અમારી જેમ બીજા પણ યાત્રિકો હતા. મઠમાં હવે સદાવ્રત જેવું ચાલતું હતું.

અમે ત્યાં જ પ્રસાદ લેવાનું વિચાર્યું. પેલી બારી પાસે હું બેસી ગયો. થોડી વાર તો ખોવાઈ જવાયું. તરુણાઈના કેવા ફિકર વિનાના એ દિવસો હતા! સાહસપૂર્ણ પણ એટલા. એ સમયની અનુભૂતિ સ્મૃતિમાં જ પાછી લાવી શકાય એમ હતું. આ સ્થળ સહયાત્રિકોને પણ બહુ ગમી ગયું. ગુરુના શિખરે ચઢવાનો શ્રમ ગુરુપ્રસાદરૂપમાં ફેરવાઈ ગયો હતો.

તડકો આકરો થાય તે પહેલાં ફરી પાછા નેમિનાથની ટૂંક પર પહોંચી જવું હતું. ધૂણી આગળ ભેટ ચઢાવી, વળી અમે નીકળી પડ્યાં. સોપાનપરંપરા અમારી રાહ જોતી હતી, પણ અમારે ઉતાવળ ન હતી. રૂપા સ્કેચબુક લઈને આવી હતી. તે ક્યાંક બેસી કોઈ વૃક્ષવિશેષની પૃષ્ઠભૂમિમાં દેખાતાં શિખરોનાં રેખાંકન કરી લેતી હતી. માર્ગો હવે યાત્રિકોથી ઊભરાતા હતા. બે વાગ્યા પહેલાં તો અમે પાછા નેમિનાથ ટૂંક પરના અમારા પેલા ગુહાનુમા આવાસમાં પહોંચી ગયાં હતાં.

સાંજે શેષાવન જઈ આવ્યાં. અમારા કાર્યક્રમમાં તો આ સ્થળે જવાનું નહોતું. વળી, ત્યાં બહુ લોકો જતા નથી એવું અમને કહેવામાં આવ્યું, પણ એથી તો ત્યાં જવા માટે અમારો આગ્રહ વધી ગયો. શેષાવન જવા માટે નેમિનાથની ટૂંકથી ઉત્તર તરફ ઊતરવાનું હોય છે. એ તરફ પણ પગથિયાં છે, પણ ઊબડખાબડ.

સૌંદર્યપ્રેમીઓને શેષાવનનો માર્ગ કદાચ વધારે ગમી જાય. એ માર્ગની પ્રાકૃતતા જળવાઈ છે. સાંજના તડકો પીળા ઘાસ પર પડતો હતો, પણ આ રસ્તે ઝાડીય વધારે હતી એવું સ્મરણમાં છે. શેષાવાન શું છે એ વિશે કંઈ જ ખબર નહોતી. અપરિચિતતાનું આકર્ષણ હતું. થોડો ઉચાટ પણ થતો હતો કે હજી કેટલું ઊતરવાનું છે અને પછી પાછા સમયસર પહોંચી જવાશે કે નહીં?

ત્યાં તો થોડાંક મકાન દેખાયાં. પછી સમતલભૂમિ આવી ગઈ. કોઈ પુરાણા આશ્રમ જેવો પરિસર. અહીં રામજીમંદિર હતું. મંદિરમાં સાધુમહારાજ રામચરિતમાનસની ચોપાઈનો પાઠ કરતા હતા. આ એકાન્તમાં ચોપાઈઓનું ગુંજન પાવન સ્પર્શ જેવું લાગ્યું. ચોપાઈપાઠ કરતાં કરતાં મહારાજે આંખથી અમારું સ્વાગત કર્યું. અમે બેસી ગયાં.

પાઠ પૂરો થયા પછી જય રામજી કી’ કહી પરસ્પર અભિવાદન થયું. મહારાજશ્રીએ અમને આજની રાત અહીં રહી જવાનો આગ્રહ કર્યો. કહ્યું : બધી સગવડ છે.

સાંજે રામજીનાં ભજનો ગાઈશું. તેમના એક-બે શિષ્યો પણ આવી ગયા હતા. અમે રહી શકીએ એમ નહોતું. છેવટે મહારાજે ચા પીને જવાનો આગ્રહ કર્યો. થોડી વારમાં દૂધ વિનાની કાળી ચા લઈ શિષ્ય હાજર થયા. પહેલાં તો એ કાળા પ્રવાહી સામે અમે જોઈ રહ્યાં. પણ પછી મહારાજને ખરાબ ન લાગે એટલે કપ હોઠે માંડ્યા. દૂધને બદલે લીંબુ હતું, પરંતુ શો અદ્ભુત સ્વાદ!

પછી તો અમે ઉપર નેમિનાથની ટૂંક પર સાંજ પડતાં સુધીમાં આવી ગયાં. એ વાતને સમય વીત્યો છે, સ્મરણો પર ઝાંખપ વળી છે, પણ પેલી કાળી ચાનો સ્વાદ અમને સૌને એકદમ તાજો છે, એકદમ.

એકદા મધુને મેં પૂછ્યું હતું : ગિરનારયાત્રાનું તને શું યાદ રહી ગયું છે?

તો કહે : ‘શેષાવનમાં પીધેલી પેલી કાળી ચા.’