દેવતાત્મા હિમાલય/તાલ તો ભુપાલ તાલ


તાલ તો ભુપાલ તાલ

ભોળાભાઈ પટેલ

‘ભોપાલ’ બોલતાંની સાથે જાણકારોના મનમાં ત્રણ-ચાર વાતો તો એકસાથે ચમકી જવાની. ‘તાલ તો ભુપાલ તાલ’ એટલે કે ભોપાળનું કહેવતરૂપ બની ગયેલું મોટું તળાવ. ‘ભેલ’ એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સનું કારખાનું, સાંસ્કૃતિક કેન્દ્ર ભારતભવન (અને તે સાથે કદાચ અભિનેત્રી વિભા અને વી. બી. કારન્તનો કેસ) અને છેલ્લે ભોપાલ ગેસ ટ્રેજેડી.

આમાં ઐતિહાસિક અને આધુનિક ભોપાલની બધી વાત આવી જાય. એમાં વિભા અને વી. બી. કારત્તની વાત મેં કૌંસમાં લખી, પણ ભોપાલ જવા ગાડીમાં બેઠાં કે એ બાજુના બીજા બે સહયોગીઓ સાથે જે વાત નીકળી તેમાં પહેલી હતી વિભાગ અને કારત્તની. કારણ પણ હતું. હું અને દિગીશ મહેતા ભારતભવનના આમંત્રણથી ત્યાંના કવિતાકેન્દ્ર ‘વાગર્થ’ના ઉપક્રમે યોજાયેલા એક પરિસંવાદમાં જતા હતા. ભારતભવનની વાત નીકળે એટલે ત્યાંના નાટ્યકેન્દ્ર રંગમંડળની વાત નીકળી અને રંગમંડળની વાત નીકળી ત્યારે નેત્રી વિભા અને એના ગુરુ વી. બી. કારત્તની પણ. છાપામાં એ ઘટના બહુ ચગી હતી. વિભા સળગી ગઈ હતી. ઘણા કેટલાક લોકો કારન્તને અપરાધી માનતા હતા. પણ ખુદ વિભાએ કહ્યું કે, ના, પોતે જાતે સળગી હતી. વિભા મરતાં મરતાં બચી ગઈ છે. નાટકમાં ફરી અભિનય કરવા તૈયાર થઈ છે, પણ પેલો કેસ ઊભો છે રહસ્યનું આવરણ ઓઢીને. એક સહયાત્રીએ કહ્યું : વિભા અપને ગુરુ કે લિયે જૂઠ બોલતી હૈ…

આ ભારતભવન, જ્યાં અમે જતાં હતાં તે આજે આપણા દેશનું એક મોટું સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું છે. ત્યાં કવિતા માટે વાગર્થ, નાટક માટે ‘રંગમંડલ’, ચિત્રકળા માટે ‘રૂપકર’, સંગીત માટે ‘અનહદ નામથી કેન્દ્રો ચાલે છે. અમે જતા હતા ‘વાગર્થ’ના ઉપક્રમે.

બરાબર દશ વર્ષ પછી હું બીજી વાર ભોપાલ જતો હતો. દરમિયાન બે મોટી ઘટનાઓ ભોપાલમાં ઘટી ગઈ હતી. એક તો આ ભારતભવન અને બીજી તે અમેરિકન ઔદ્યોગિક કંપનીના કારખાનાની ગેસ ટ્રેજેડી. પ્રથમ દર્શનનું જે ચિત્ર મનમાં રહી ગયેલું, તેમાં નગરની મસ્જિદોના ઊંચા મિનારા અને ‘ભુપાલ તાલ’

ચિતોડગઢ જોયા પછી એક નિબંધ લખેલો, તે વખતે એની શરૂઆત ક્યાંક સાંભળેલી આ કહેતીથી કરી હતી :

ગઢ, તો ચિતોડગઢ
ઔર સબ ગઢૈયાં હૈ
તાલ તો ભુપાલ તાલ
ઔર સબ તલૈયાં હૈં

એ વખતે કંઈ બહુ ગઢ જોયા નહોતા, પણ ચિતોડગઢનો પ્રભાવ કિશોરચિત્ત પર જબરો પડેલો. ભુપાલ તાલ તો જોયું પણ નહોતું ત્યારે. પણ જોયું ત્યારે, અને બીજા ગઢ પણ જોયા ત્યારે કહેવતમાં સચ્ચાઈનો અંશ લાગ્યો છે.

તળાવના નામ પરથી જ નગરનું નામ પડ્યું લાગે છે. ભોપાલની વ્યુત્પત્તિ ભોજપાલમાંથી છે. એટલે કે રાજા ભોજ પરમાર સાથે એનું નામ જોડાયેલું છે. અગિયારમી સદીમાં રાજા ભોજે આ તળાવ બંધાવેલું. પાલ એટલે પાળ. અંગ્રેજીમાં કહીશું ડેમ. પાળ બાંધી આ મોટું તળાવ બનાવ્યું, પછી નગર વસાવ્યું. તે ભોજપાલ અને પછી થયું ભુપાલ અને પછી થયું ભોપાળ. ભોજે બનાવેલા કોટના અવશેષો હજુ બતાવાય છે.

ગાડીની બારીમાંથી ચંદ્રને જોતાં જોતાં આ બધું વચ્ચે વચ્ચે ઝળકી જતું. બે દિવસ પહેલાં જ શરદ પૂનમ ગઈ છે, એટલે આજેય ચંદ્રનું અજવાળું ઓછું પથરાયું નહોતું. મારી યોજના પ્રમાણે ભોપાળ નીકળવાનું થયું હોત, તો આજે હું જબલપુર પાસેના ભેડાઘાટ પાસે આરસપહાણની ખીણમાં વહેતાં નર્મદાનાં ચાંદનીરસિત ઊંડાં જળ પર તરતી હોડીમાં બેઠેલો હોત. એ અદ્ભુત દૃશ્યની કલ્પના કરવામાં પણ આનંદ આવતો હતો : દિગીશભાઈનો આગ્રહ એક પણ દિવસ વધારે બગાડવાનો (?) નહોતો. એ રીતે સેમિનારની આગલી સાંજે ભોપાલ પહોંચી જવાની વાત તો બાજુએ, સેમિનારમાં પણ વખતસર પહોંચવાની મુશ્કેલી હતી.

સાબરમતી એક્સપ્રેસમાં ઉજ્જૈન પહોંચી, ત્યાંથી ભોપાલ જવાનું. ગાડી વખતસર હોય તો ઉજ્જૈન સવારે છ વાગ્યે આવે. ત્યાંથી લગભગ બસો કિલોમીટર ભોપાલ થાય. કદાચ પહેલી બેઠક ગુમાવવી પડશે. બારી પાસે બેસી હું વિચારતો હતો. સૌ ઊંઘી ગયા પછી પણ મને ઊંઘવાની ઇચ્છા થતી નહોતી. બહાર એવી ચાંદની પથરાયેલી હતી. ઓછામાં પૂરું ગાડી ઉજ્જૈન લઈ જઈ રહી હતી. કવિ કાલિદાસ યાદ ન આવે? પછી રાજા વિક્રમ અને રાજા ભોજ. વિક્રમનું પેલું બત્રીસ પૂતળીવાળું સિંહાસન અને રાજા ભોજ, ઉજ્જૈન અને ભોપાલ…

ગાડીએ વખત જાળવ્યો હતો. અમારે સેમિનારનો વખત જાળવવાનો હતો. ટેક્સી કરવાનું વિચારેલું, પણ ઊતરતાં સ્ટેશન પાસેથી જ ઊપડતી લક્ઝરી મળી ગઈ. ડ્રાઇવરે કહ્યું : ચાર કલાક થશે. આ હિસાબે દસ સાડાદસે તો પહોંચી જવાશે. પોણા અગિયારે અમે ભોપાલના પાદરે પહોંચી ગયા. આ બાજુ પણ આ વર્ષે વરસાદ ઓછો છે. શરદઋતુ હોય ત્યારે તો બધી નદીઓમાં નીતર્યાં નીર વહેતાં હોય. ઉજ્જૈનની પેલી પ્રસિદ્ધ શિપ્રામાં પણ પાતળો રેલો જોવા મળેલો. શિપ્રા જેના જળપ્રવાહ પર થઈ સવારમાં વાતા પવનને કાલિદાસે પ્રિયતમની જેમ અનુનય કરતો કહ્યો છે.

નગરને અતિક્રમીને ઊભેલા મિનારાઓ જ દેખાયા. બે અહીં, બે ત્યાં. જાણે ચાર ઊંચા મિનારા એક સ્કાયલાઈનથી ભોપાલનું ફ્રેમિંગ કરતા ન હોય! રોયલ માર્કેટ આગળ ઊતરી અમે તરત રિક્ષા કરી. અમારું સમગ્ર ધ્યેય ઝટપટ ભારતભવન પહોંચી જવાનું હતું. નગરની બહારથી જ શામલા હિલ તરફ વળી ગયા, તરત સરોવર એટલે કે તળાવ નજરે પડ્યા વિના ન રહે – પણ અમે વ્યગ્ર-ઉદગ્ર હતા પહોંચી જવા.

એક બેઠા ઘાટની ઇમારતના ઝાંપા આગળ રિક્ષા ઊભી રહી ગઈ. ઝટપટ ઊતરી અમે દરવાજો વટાવી અંદર ગયા. ખુલ્લી ઇમારત. પગથિયાં ઊતરતા જાઓ. ડિઝાઇન તો ધ્યાન ખેંચે, પણ અમે ખેંચાયા નહીં ઠેરઠેર કલાત્મક પોસ્ટરો. કોઈને અમે પૂછ્યું : અમારે ‘વાગર્થના સેમિનાર ખંડમાં જવું છે. પહોંચી ગયા. હજી તો સંચાલક પહેલી બેઠકનું વાક્ય બોલવા જાય છે… અને બરાબર અમે હાજરીસમય જાળવ્યો.

કેવા અદ્ભુત પરિદૃશ્યમાં બેઠો હતો! આરપાર સામે સરોવર લહેરાઈ રહ્યું હતું. કેટલું તો સારું લાગ્યું આંખોને! સાચે જ ‘તાલ તો ભુપાલ તાલ.’ વિસ્તારથી કદાચ નયે હોય, પણ આ ક્ષણે મને જે રીતે દેખાઈ રહ્યું છે એની સુંદરતાથી. ભારતભવન આવી સુંદર ગ્યાએ છે! સાઈટ પસંદ કરનારની દૃષ્ટિનું અભિનંદન કરવું જોઈએ. પછી ખબર પડી કે સાઇટ પસંદ કરનાર અને આખા સંકુલની ડિઝાઈન કરનાર હતા પ્રસિદ્ધ સ્થપતિ ચાર્લ્સ કોરિયા.

અમે લોકો તો રાતભરની ગાડીની યાત્રા અને પછી બસની મુસાફરી કરી સીધા જ પરિસંવાદખંડમાં બેસી ગયા હતા, પણ ચાલ્યું. પરિસંવાદની ચર્ચાઓ અને સામે દેખાતા તળાવની જળલહેરીઓએ તાજા બનાવી દીધા હતા. પરિસંવાદનો વિષય હતો : સાહિત્ય અને માનવવિદ્યાઓ.

બપોરે તળાવકિનારે ઊભા કરેલા નાના શમિયાણામાં લંચ હતું. પણ પ્લેટ હાથમાં લઈ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોતા એક વૃક્ષ નીચે ઊભા ઊભા દૂર સુધી વિસ્તરેલા આ તળાવને અને એની પેલે પારના નગરને જોતાં પરિસંવાદની ઉગ્ર ચર્ચાઓને આગળ લંબાવવાનો આનંદ હતો. શરદના તડકામાં આછા ધુમ્મસિયા પરિસરમાં વાંકા કિનારાઓવાળું તળાવ હળવી જળલહરીઓથી સજીવ લાગતું હતું.

પરિસંવાદમાં ભાગ લેનારાઓને શામલાહિલ્સ પર આવેલી જહાઁનુમા હોટલમાં ઉતારો હતો. જૂનો મહેલ, બેગમનો. એની હોટલ થઈ છે. આમેય ભોપાલ ભલે રાજા ભોજે સ્થાપ્યું હોય, પણ પછી એની સંસ્કૃતિ પર અફઘાન અને મોગલ અસર પડી છે. ભોપાલ મુસલમાનોના હાથમાં તો ક્યારનુંય આવી ગયેલું. પણ પછી મોગલોના પતન પછી દિલ્હીથી કોઈની હત્યાનો ગુનો કરીને આવેલો દોસ્ત મહંમદ નામનો પઠાણ સીતામઉના રાજાને ત્યાં નોકરી કરતો હતો તે, લાગ જોઈ લશ્કર જમાવી, આજુબાજુનો વિસ્તાર જીતી ભોપાલનો નવાબ બની બેઠો. પછી તો એના વંશજો રાજકારભાર કરતા રહ્યા. પણ ખરું રાજ્ય તો કહે છે કે અહીંની બેગમો ચલાવતી.

અહીંની જાણીતી બધી મસ્જિદો બેગમોએ બંધાવેલી છે. ભારતની સૌથી મોટી ગણાતી મસ્જિદ તાજ ઉલ મસ્જિદ શાહજહાંબેગમે બંધાવેલી છે અને મોતી મસ્જિદ સિકંદર બેગમે અને જામા મસ્જિદ કુદસિયા બેગમે. કદાચ જહનુમા હોટલવાળો આ સુંદર મહેલ પણ કોઈ બેગમે જ બંધાવેલો હશે. હોટલના એક વાતાનુકૂલિત ઓરડામાં પડ્યા પડ્યા આ બધો ઇતિહાસ વાંચ્યો.

સાંજે ભારતભવન સંકુલમાં આપણા કલાકાર બાલભાઈ (બાલકૃષ્ણ પટેલ) ભેટી ગયા. આશ્ચર્ય થયું. એ આવ્યા હતા નાટ્યદિગ્દર્શક નિમેષ દેસાઈની ‘કોરસ’ મંડળી સાથે. ગઈ કાલે અહીંના અંતરંગ મંડપમાં તેમની મંડળીએ ગુજરાતી નાટક ‘કહો મકનજી ક્યાં ચાલ્યા?’ ભજવેલું. આ ગુજરાતી નાટકનો સૌ પ્રથમ ખેલ અહીં ભોપાલમાં પડ્યો. પછી તો નિમેષ દેસાઈ અને અન્ય કલાકારો પણ મળ્યા. અણધાર્યા મિલનથી આનંદ થયો.

સાંજના મોડા શરૂ કરેલા પરિસંવાદ પછી જહાઁનુમાની ખુલ્લી અગાશીમાં ખાણું લેતાં જોયું કે, તળાવની પેલે પાર ઝગમગતા દીવાઓથી ભોપાલ કોઈ અલૌકિક નગર લાગતું હતું. ઉત્તરથી પૂર્વદિશાના સમગ્ર પટને આવરી લેતી દીપાવલીઓ પ્રકૃતિકૃપણને પણ કલ્પનશીલ બનાવી દે. શામલા હિલની ઊંચાઈએથી આ દીપાવલીઓ અને એનાં તળાવમાં પ્રતિબિંબ જોઈ કોઈ ઝેન કવિને ઊગે એવી ઉક્તિમાં દિગીશભાઈ બોલી ઊઠ્યા :

તારા મઢ્યું આકાશ ઉપર છે કે નીચે?

ભોપાલની શ્યામલા હિલ પરની જહાઁનુમા હોટલના વાતાનુકુલિત બંધ ઓરડામાં શરદની સવારનું સ્વાગત કરવાનું કદી ન ગમે. સૂરજ ડોકાય તે પહેલાં જ દિગીશભાઈને સૂતા રહેવા દઈ હું બહાર નીકળી ગયો. પહાડી ઝાકળભીની હતી. થોડાંક ડગલાં ઉત્તર ભણી જતાં જ ભુપાલતાલ ઝલકી ઊઠ્યું. કિ ભાલો લાગેલો આમાર, કૈમન કરે બલિ?’ કેવું તો ગમ્યું. કેવી રીતે કહું? એવી એક બંગાળી કવિની – એક સરોવરને જોઈને, નર્યા કથનની પણ વિસ્મયાભિભૂત પંક્તિઓ બોલાઈ જાય.

એ રસ્તે આગળ વધ્યો તો ખાનગી આવાસો શરૂ થતા લાગ્યા, પણ ખાસ વસતી ન લાગી. હું ખુલ્લી જમીન પરની કેડી ઊતરી પહાડીની કેડ પરની સડક પર ઊતરી આવ્યો, તો નીચે વિસ્તરેલું આખું તળાવ આંખમાં આવી ગયું. સરોવરની સામે પારનું ભોપાલ શહેર અને તેમાંય ખાસ તો પેલા તાજ ઉલ મસ્જિદના બે ઊંચા મિનારા અને એ બે મિનારા સાથે ગોષ્ઠી રચતા દૂર બીજી મસ્જિદના મિનારા, કદાચ કુદસિયા બેગમની જામા મસ્જિદના હોય કે પછી સિકંદરા બેગમની મોતી મસ્જિદના હોય!

કાલે જોયા હતા એ મિનારા, એમના દ્વારા રચાતી સ્કાયલાઇન. આ સવારમાં જાણે પહેલી વાર જોયા. અહીંથી સરોવર ખાસું નીચું હતું. સરોવરની આસપાસ પણ એક સડક હતી, જે પર એકલદોકલ સ્વાથ્ય-આકાંક્ષુઓ ફરવા નીકળી પડ્યાં હતાં. સૂરજ ડોકાતો હતો. નીચેથી ઘંટનાદ સંભળાતો હતો. મૈયા જય આદ્યાશક્તિ’ની આરતીનો અવાજ ઘૂમરાઈને ઉપર આવતો હતો. ઠંડો પવન વાતો હતો. તળાવના સ્તબ્ધ પાણીમાં પવનના સ્પર્શનો રોમાંચ ફરી ફરી રહ્યો હતો. પાણીના અંગ પર આસમાની રંગની જુદી જુદી રંગછટાઓ વિકીર્ણ હતી અને હવે સૂરજના આગમન સાથે પરિવર્તિત થતી જતી હતી. તળાવ હવે અડધું છાયામાં હતું, અડધું તડકામાં.

પેલા મિનારાઓ અને કાંઠા પરનાં મકાનોનું છાયાચિત્ર તળાવના પાણીમાં કંપતું હતું. ભોપાલના સૂર્યનું અભિવાદન કર્યું. તળાવ દૂર દૂર સુધી પથરાયું હતું અને આછા ધુમ્મસના અંચલમાં રહસ્યમય લાગતું હતું. ત્યાં વચ્ચે એક ટપકાની જેમ એક નાનકડી હોડી સરી રહી હતી.

પહાડીના ઢોળાવ પરની સડક પરથી સરોવરની દૂર સુધી વિસ્તરેલી જળસપાટીને જોતાં જોતાં નજર જાણે નગર અને એ પછીના આછા વનને વીંધી સાંચીની ટેકરી પર પહોંચી ગઈ. અહીંથી સાંચી બહુ દૂર નથી. કલાકનો માર્ગ, અને દક્ષિણ તરફ જઈએ તો કલાકમાં ભીમબેટકા પહોંચી જવાય, જ્યાંની ગુફાઓમાં પ્રાગઐતિહાસિક આદિવાસી ચિત્રો જડી આવ્યાં છે. સાંચી અને ભીમબેટકાની કલા વચ્ચે આસમાન જમીનનું અંતર છે. પણ કલા એટલે કલા. એ પછી વિદિશાના દતકારો (હાથીદાંતમાં કોતરણી કરનાર શિલ્પીઓ) એ કોતરેલી શાલભંજિકા હોય કે પછી આદિવાસીને હાથે મશાલને અજવાળે દોરાયેલાં પશુપ્રાણીઓનાં ગતિશીલ ભીંતચિત્રો હોય.

વળી પાછી, નજર પેલા આકાશ વીંધતા ચાર મિનારાઓ વચ્ચેના ભોપાલ નગર પર પડી. ગઈ કાલે હોટલ પર લઈ જતા ડ્રાઇવરને પૂછ્યું હતું : ‘યુનિયન કાર્બાઈડકા કારખાના કહાં હૈ?’ એણે એકદમ મોટર ઊભી રાખી. દૂર દેખાતી ઇમારતોના એક સંકુલ તરફ આંગળી ચીંધીને કહેલું : ‘વહાં.’ પછી તો એની વાગ્ધારા છૂટી થઈ ગઈ અને એ પેલી ગોઝારી રાત અને સવારનું વર્ણન કરવા લાગ્યો હતો. એ દિવસે એ પોતે પણ ગામમાં જ હતો, અને એ પણ બહાર નીકળ્યો હોત તો કદાચ ઝેરી વાયુના લપેટામાં આવી ગયો હોત. એ કહે કે, સરકાર ભલે કહેતી હોય કે બે હજાર માણસો મરી ગયા, પણ વીસ હજારથી ઓછા લોકો નહીં મર્યા હોય. એક તો આખી ટ્રેન સ્ટેશન પર હતી. એનાં સૌ ઉતારુઓ ખલાસ થઈ ગયાં ભોપાલના રેલવે સ્ટેશન અને આસપાસ હજારો લોકો રહેતા હતા. અત્યારે બધું ખાલી થઈ ગયું છે. જનમાનસમાં ભોપાલ ગેસ ટ્રેજડીનું આવું ચિત્ર છે. મોટરગાડીમાં પૂણેના એક અધ્યાપક હતા. તે કહે કે, અંગ્રેજીમાં હમણાં એક પુસ્તક બહાર પડયું છે. એમાં પણ આટલો આંકડો મૃત્યુ પામનારાઓનો છે. અહીં ઊભા ઊભા ભોપાલની એ ગોઝારી સવારનો વિચાર આવ્યા વિના કેમ ન રહે?

આ સુંદર પહાડી, પહાડી નીચે વિસ્તરેલું ભુપાલતાલ યુનિયન કાર્બાઇડના ઝેરી પ્રદૂષણને કેમ રોકી શકવાનાં?

આંટો લગાવી હું જહાઁનુમામાં પાછો આવી ગયો, બાજુની એન.સી.ઈ.આર.ટી. દ્વારા સંચાલિત પ્રસિદ્ધ શિક્ષણની ક્ષેત્રીય કૉલેજના પ્રાંગણમાં થઈ. રજાઓ લાગી.

પરિસંવાદ ૧૦ વાગે શરૂ થવાનો હતો, પણ અમે વહેલા પહોંચી ગયા. અમારે ભારતભવનના રંગમંડલ અને રૂપકર તથા વાગર્થની પણ પ્રવૃત્તિઓ જોવી હતી. આમ તો બપોરના બે પછી આ સંકુલ જાહેર જનતા માટે ખૂલે છે, પણ અમારે માટે એવું બંધન નહોતું. ઊલટાનું અમને સંસ્થાની બધી પ્રવૃત્તિઓ બતાવવા તેઓ ઉત્સુક પણ હતા.

રંગમંડલ નાટ્યવિભાગમાં સતત નાટકો ભજવાતાં રહે છે. ૩૦થી વધારે કલાકારો કાયમી ધોરણે કામ કરે છે અને નાટકો રજૂ કરે છે. નાટ્યદિગ્દર્શક શ્રી કારન્ત તેના નિયામક છે. આજના છાપામાં પેલા કેસની આગળ ચાલેલી સુનાવણીના સમાચાર હતા. કોર્ટ મૂંઝવણમાં છે : વિભા પોતે ના પાડે છે કે કારજો એને જલાવવાનો પ્રયત્ન કર્યો હતો, વિભા પોતાના ગુરુને કદાચ બચાવવા માગતી હોય!

રંગમંડલ માત્ર શિષ્ટ હિન્દીમાં જ નાટકો રજૂ નથી કરતું, અહીંની સ્થાનિક બોલીઓ બુંદેલખંડી, માલવી, છત્તીસગઢીમાં પણ ભજવે છે. ‘ચરણદાસ ચોર’ના દિગ્દર્શક પેલા હબીબ તનવીર પણ રંગમંડલ સાથે જોડાયેલા છે. શેક્સપિયરનાં નાટકો પણ લોકબોલીમાં રજૂ થાય – શેક્સપિયરનું પેલું ‘ટેમિંગ ઑફ ધ શ્રુ –’ (વઢકણી વહુ)નું ‘તોસમ પુરુષ ન મોસમ નારી’ નામથી રૂપાંતર બુંદેલખંડીમાં ભજવાયું હતું. બીજાં કેટલાં બધાં નાટકોનાં કલાત્મક પોસ્ટરો હતાં! રંગમંડલના જુદાજુદા વિભાગ છે – બહિરંગ (ખુલ્લું થિયેટર), અંતરંગ (વાતાનુકૂલિત થિયેટર), અભિરંગ (સ્ટુડિયો થિયેટર), પૂર્વરંગ (નાટકોના ઇમ્પ્રોવાઈઝેશન માટેની રંગભૂમિ) વગેરે છે. રંગમંડલ લોકનાટ્યમાંથી પણ અભિનેતાઓને પસંદ કરે છે.

આજે અમારો પરિસંવાદ અંતરંગ થિયેટરમાં હતો. પરિસંવાદ ઘણી વાર ઉત્તેજનાભર્યા હોય છે. તેમાંયે જ્યારે સાહિત્યને કેન્દ્રમાં રાખીને સાહિત્યવિવેચકો એક બાજુએ અને સમાજવિજ્ઞાનીઓ બીજી બાજુએ ચર્ચામાં હોય ત્યારે વાતાવરણ ગરમ બને, પણ વિચારોની ટકરાહટ ગમે. સેમિનારની આવી કલ્પના સુરતના સોશ્યલ સ્ટડી સેન્ટરના અધ્યાપક ડૉ. સુધીરચંદ્રની હતી. સુરતમાં પણ તેમણે કેન્દ્રના ઉપક્રમે ‘સાહિત્ય અને સામાજિક ચેતના’ જેવો પરિસંવાદ ગોઠવેલો, પણ પરિસંવાદની વાત અહીં નહીં.

બપોરે ઉતારે જતા પહેલાં રૂપકરની આર્ટ ગેલેરીઓ જોઈ. રૂપંકર એટલે ચિત્રકલા વિભાગ. અહીં એક બાજુએ આદિવાસી કલાની ગેલેરી છે, બીજી બાજુએ આધુનિક કલાની. જોતા જોતા અમે વર્કશોપમાં પહોંચી ગયા. થોડાં ફાટેલાં કપડાંવાળા, કાળી ચામડી અને શુષ્ક ચહેરો ધરાવતા બે-ત્રણ આદિવાસીઓ એક પહોળા કેનવાસ પર ચિત્રો દોરતા હતા. એક બહેન પણ હતી. અમને જોઈ એ સભાન બની ગયાં. બહેનનું નામ પૂછ્યું. તો સંકોચાતાં કહે : લાડો. એની સામેના કેનવાસમાં ચિત્ર ઊભરતું જતું હતું. મને ભીમબેટકાનાં સદીઓ પૂર્વેનાં ગુફાવાસી રેખાંકનો સાથે એનું અનુસંધાન દેખાયું.

‘વાગર્થ’નો વિભાગ એટલે કવિતા અને સાહિત્યનો વિભાગ, અહીં ભારતની વિવિધ ભાષાની કવિતાનાં પુસ્તકો, કવિઓના અવાજોની ધ્વનિમુદ્રિકાઓ વગેરે રાખવામાં આવે છે. અહીં ર૯મી એપ્રિલ, ૮૭ના રોજ કવિતાપાઠનો અખિલ ભારતીય કાર્યક્રમ હતો. ‘વાગર્થ’ના ખંડની નિર્ગમન દ્વારની બે દીવાલો પર કવિઓના હસ્તાક્ષરોમાં કાવ્યપંક્તિઓ લખાયેલી છે. પહેલાં તો લાગ્યું કે, આપણી જૂની ધર્મશાળાની દીવાલો પર યાત્રિકો પોતાનાં નામો લખી અમર થવા પ્રયત્ન કરે છે એમ કેટલાકે પોતાનાં નામો લખ્યાં હશે. પણ નજીક જઈને જોયું તો આડીઅવળી જુદી જુદી લિપિઓમાં પણ ઉત્તમ કાવ્યપંક્તિઓ. હિન્દી કવિ અયજીની પણ હતી. એ પછી આ કવિ માત્ર પાંચ દિવસ આ લોકમાં રહ્યા હતા. આપણા ગુજરાતી કવિ સિતાંશુના હસ્તાક્ષરમાં પણ પંક્તિઓ હતી. બહુ કલાદૃષ્ટિ સંપન્ન આયોજન છે. ત્યાંથી બહાર જુઓ તો તળાવ લહેરાતું હોય.

ભારતભવનની આખી ઇમારત સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો છે. ટેકરીના ઢોળાવનો ઉપયોગ કરી લેવાયો છે. તમને ખબર ન પડે કે, જે લીલી લોન પર તમે ચાલો છો તે તો નીચેના ઓરડાની છત છે. ધીમે ધીમે કરતા તમે લગભગ જળસપાટીએ પહોંચી જાઓ. પ્રસિદ્ધ સ્થપતિ ચાર્લ્સ કોરિયાની ડિઝાઇન છે.

બપોરના અમે ભોપાળનગરમાં ગયા. ભારતભવનના શ્રી અશોક વાજપેયીએ અમારે માટે જીપની વ્યવસ્થા ગોઠવી આપી. અમે જીપના ડ્રાઇવરને કહ્યું : અમને તાજ ઉલ મસ્જિદમાં લઈ જા, પછી યુનિયન કાર્બાઇડનું કારખાનું જોવા. એ અમારી સામે જોઈ રહ્યો. કહે : હવે જેટલા પ્રવાસીઓ અહીં આવે છે, બધા એ કારખાનું જોવાની ઇચ્છા રાખે છે. ઓહ! કિતને લોગ મર ગયે! દસ-વીસ હજાર.

ટેકરી ઊતરી નગરમાં પ્રવેશ્યા. ભારતમાં અનેક નગરોની જેમ ભોપાળ જૂનીનવી સંસ્કૃતિનું મિશ્રણ છે. ડ્રાઇવર કહે : યહાં કે લોગોં મેં નવાબી સ્વભાવ રહ ગયા હૈ. કામ નહીં કરેંગે. ભેલ કે કારખાને મેં દસ હજાર લોગ કામ કરતે હૈ. ઉસમેં ભોપાલ કે લોગ સબસે કમ હૈ. તાજ ઉલ હિન્દુસ્તાની સૌથી મોટી મસ્જિદ ગણાય છે. દિવસે તેમાં નિશાળ ચાલે છે. કેટલાક ભાગમાં કુરાને શરીફના વર્ગો. નાના વિદ્યાર્થીઓ માથું હલાવતા હલાવતા આયાતો ગોખતા હતા એ દૃશ્ય જોવું ગમ્યું. મારી અને દિગીશભાઈની સાથે હૈદરાબાદના અંગ્રેજીના અધ્યાપક શ્રી આલોક ભલ્લા હતા. અમે જૂના ભોપાલની ગલીઓ વીંધી આગળ વધ્યા. નવી નારીની ઝલક મળે તો બુરખા પણ જોવા મળે. યુનિયન કાર્બાઇડના ઝાંપા આગળ ઊભા રહ્યા. કારખાનું બંધ. ડ્રાઇવરે ટાંકી બતાવી, જેમાંથી ઝેરી ગેસ લીક થવા લાગ્યો હતો અને હજારોને ભરખી ગયો! સ્તબ્ધ ઊભા રહ્યા એ બંધ કારખાનાને દરવાજે. ભૂતાવળી ઇમારતને દરવાજે.

જૂના ભોપાળની ગલીઓમાં ફર્યા. મોતીકામ કરેલાં નાનાં પર્સ યાદગીરી માટે અમે સૌએ ખરીદ્યાં, જોકે અમને ત્રણેમાંથી કોઈને આવું ખરીદવાનું ફાવે નહીં. નવા ભોપાળની સડકો પર થઈ અમે પાછા જહાઁનુમાં પહોંચી ગયા. વળી પાછો સેમિનાર. વળી રાત્રે જહાઁનુમાની ખુલ્લી અગાશીમાં ભોજન. પૂર્વેમાં ચંદ્ર ઊગ્યો હતો, હજી એનું તેજ ક્ષીણ હતું. ઉપર આકાશમાં અને નીચે તળાવની અંદર અને તળાવ પારના ભોપાલમાં ઝગઝગાટ હતો.