દેવતાત્મા હિમાલય/મહાકાલ


મહાકાલ

ભોળાભાઈ પટેલ

ઉજ્જૈન-દેવાસ માર્ગ પર વિસ્તરેલા વિક્રમ વિશ્વવિદ્યાલયના કેમ્પસ પર છું વિશ્વવિદ્યાલય નગરથી થોડે દૂર છે. એ રાજા વિક્રમના નામ સાથે જોડાયેલું છે, અને એ રીતે, ભારતના ઇતિહાસનો સુવર્ણયુગ અને એ સુવર્ણયુગના એક પરાક્રમી રાજાનું આપણને સ્મરણ કરાવે છે. પણ વિક્રમના વખતમાં તો ઉજ્જૈન અવશ્ય વિશ્વનું મોટું કેન્દ્ર હશે. કદાચ એ પહેલાંથી, કદાચ દ્વાપરયુગમાં પણ. કૃષ્ણ અને સુદામા જે સાંદીપનિ ગુરુના આશ્રમમાં ભણેલા તે આશ્રમનું સ્થળ અહીંથી થોડે દૂર બતાવાય છે.

પરંતુ, દ્વાપર યુગનો સંદર્ભ જ શા માટે? દેવો અને દાનવોએ સમુદ્રમંથન કરી જે અમૃત મેળવ્યું હતું, તે અમૃત ભરેલો કુંભ ઉજ્જૈનની ભૂમિ પર શિપ્રાતીરે વિરામની ક્ષણોમાં મૂકવામાં આવ્યો હતો. દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છે. એટલે ઉજ્જૈન-ઉજેણી-ઉજ્જયિની બહુ પ્રાચીન કાળ સુધી પહોંચી જાય છે. દુષ્ટ ત્રિપુર રાક્ષસનો વધ કરીને ઉજ્જયિનીમાં શિવ ત્રિપુરારિ બન્યા હતા.

એ પ્રાચીન કાળને તો પાછો લાવી શકાય તેમ નથી. વર્તમાનમાં રહી, માત્ર એની એક કલ્પના કરવાની રહે છે. આપણો અતીતરાગ જ્યારે વર્તમાનથી અસંતુષ્ટ હોઈએ ત્યારે પ્રબળ બની જાય છે. ઉજજૈન આ પહેલાં પણ બે વાર આવી ગયો છું. એટલે પ્રાચીન ઉજેણી જોવા મળશે એવી તો કોઈ ભ્રાન્તિ નહોતી, છતાં શિપ્રા અને મહાકાલના મંદિરનું આકર્ષણ તો રહેવાનું જ.

આ શિપ્રા અને આ મહાકાલ એ વાતનાં તો સાક્ષી છે કે, આ પ્રાચીન ઉજ્જયિનીનું સ્થાનક છે. એના અવશેષો પુરાતત્ત્વ ખાતાએ નજીકમાં શોધી બતાવ્યા છે. મહાકાલનું મંદિર કાલિદાસના સમયમાં કેવું હશે તે આપણે જાણતા નથી, પણ હશે ખૂબ પ્રસિદ્ધ. ત્યાં આરતી વખતે દેવદાસીઓનાં નૃત્યો પણ થતાં હશે. મારી ઇચ્છા આરતીટાણે મહાકાલના મંદિરમાં ઊભા રહી એ પ્રાચીન વાતાવરણની કંઈ ઝાંખી કરવાની હતી. શિપ્રાને તીરે ઊભા રહી એના પ્રવાહ પરથી વહેતા ઠંડા પવનનો સ્પર્શ પામવાની હતી, પરંતુ શિપ્રામાં હવે બહુ જળ વહેતું નથી. શિપ્રાવાતને – શિપ્રા પરથી વહેતા પવનને કાલિદાસે પ્રિયતમાને ખુશ કરવા એનાં વખાણ કરતા પ્રિયતમ સાથે સરખાવ્યો છે. પ્રસ્ફુટિત કમળની ગંધથી સુવાસિત એ પવન ઉજ્જયિનીની પુરનારીઓની સુરતગ્લાનિને પોતાના સુખસ્પર્શથી દૂર કરતો, પણ એ તો પ્રભાતવેળાએ.

મારે સાધ્ય આરતી વખતે મહાકાલ પહોંચવું હતું અને પછી શિપ્રા તટે. પરંતુ, એ પહેલાં અહીં બે હિન્દીના ઉત્તમ કવિઓને મળવાનું થયું. એક કવિ તે શ્રી નરેશ મહેતા. એ નવલકથાકાર પણ છે. અહીં પોએટ ઇન રેસિડેન્સી છે. આ બહુ સારી યોજના છે. યુનિવર્સિટી વિસ્તારમાં એક કવિ રહે – યુનિવર્સિટીના આમંત્રિત અતિથિ તરીકે એમને ભણાવવાનું કે એવું બીજું કામ નહીં, માત્ર અહીં રહેતા સાહિત્યના વિદ્યાર્થીઓ તેમને મળે, તેમની સાથે ચર્ચા કરે વગેરે.

મારા યજમાન શ્રી રામમૂર્તિ ત્રિપાઠી મને બીજા કવિને ત્યાં લઈ ગયા. એ બીજા કવિ તે શ્રી શિવમંગલસિંહ સુમન. પહેલાં એ વિક્રમ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રહી ચૂકેલા છે. હવે ઉજ્જૈનમાં જ આવાસ બાંધીને રહે છે. તેમના ઘણા કાવ્યસંગ્રહો પ્રકટ થયેલા છે. તેમને ઘેર જતાં મને રહી રહીને પ્રાચીન કાળની ઉજ્જયિની યાદ આવતી હતી. નગર બહાર શાંત પરિસરમાં તેમનું ઘર છે.

શિવમંગલસિંહ સાથે વાર્તાલાપ જામી ગયો. તેમને પણ રવીન્દ્રનાથની કવિતાનું ઘેલું. કેટલી બધી કવિતાઓ યાદ. કાલિદાસ તેમને પ્રિય હોય જ. કેટલાય શ્લોકનું સ્મરણ કરે. હું ક્યાંક તેમાં પૂર્તિ કરું. મેઘદૂતમાં આવતી નદીઓની ચર્ચા નીકળી. તેમણે મેઘદૂતમાંથી પેલી ગંભીરા નદીવાળો શ્લોક યાદ કર્યો. પેલો શ્લોક જેનું છેલ્લું ચરણ છે : ‘જ્ઞાતાસ્વાદો વિવૃતજઘનાં કો વિહાતું સમર્થ. પરંતુ, એ ખુશ તો હતા કાલિદાસની એ જ નદીના વર્ણનમાં આવતી બીજી એક કલ્પના પર. યાદ કરવા જતાં તેમને એકાદ શબ્દ યાદ આવ્યો. ત્યાં મેં કહ્યું : ગંભીરાયા પયસિ સરિત ચેતસિ ઈવ પ્રસને નિર્મળ ચિત્ત જેવાં ગંભીરાનાં સ્વચ્છ જળમાં…

સ્વચ્છ જળ કેવું? તો નિર્મળ ચિત્ત જેવું. પછી સુમનજી કહે : ગંભીરાનું પાણી ખરેખર એવું સ્વચ્છ છે. મેં એને જોઈ છે. સંધ્યાપૂર્વેનો એ સમય જાણે પછી કાલિદાસમય બની ગયો. પછી શિપ્રાની વાત નીકળી.

શ્રી સુમનજીએ એક ઘટના કહી સંભળાવી. કહે : ‘એક વખતે શ્રી ઉમાશંકર જોશી અહીં આવ્યા હતા. શિપ્રાને કિનારે જવાની ઇચ્છા થઈ આવી. રાત પડી ગઈ હતી, પણ ચાંદની રાત હતી. શિપ્રાને તટે ગયા. જોશીજી તો શિપ્રાને તટે થોડી ક્ષણો ધ્યાનમગ્ન બનીને ઊભા રહી ગયા. જાણે કવિ કાલિદાસ સાથે અનુસંધાન ન કરતા હોય! પછી ધીમેથી નીચા નમી એમણે શિપ્રાનાં જળ અંજલિમાં લીધાં અને આંખે અડકાડી મસ્તકે ધર્યા!’

શ્રી સુમનજીની વાતોનો તો પાર આવે તેમ નહોતો, પણ અમે ઊઠ્યા.

પછી એક મિત્ર હરિમોહનના સ્કૂટર પર બેસીને નગર પાર કરી મહાકાલના મંદિર ભણી. સાંજ પડી ગઈ હતી. નગરમાં એક બાજુએ ગણેશોત્સવની ઉજવણીની ઝાકઝમાળ હતી, તો મહોરમની પણ. શેરીઓમાં રોશનીનો ઝગમગાટ હતો. હરિમોહને મારું ધ્યાન માળીઓની દુકાન તરફ ખેંચ્યું. અહીંનાં ફૂલોના હાર ખૂબ કળાત્મક હોય છે. ઉજ્જયિનીની આજુબાજુ અનેક પુષ્પો ઉગાડાય છે. કાલિદાસના વખતથી પુષ્પોની ખેતી થતી આવતી લાગે છે : કાલિદાસે પોતાના એક શ્લોકમાં માળવાની પુષ્પલાવીઓ – માલણોની સુંદર છબિ ઉપસાવી છે. કવિનો યક્ષ મેઘને કહે છે :

ગાલે વળતો પરસેવો લૂછીલૂછીને ફૂલ વીણતી માલણોનાં કર્મોત્પલ કરમાઈ ગયાં હશે. તેમના મોઢા પર છાયાદાન કરજે, અને ક્ષણેકનો એનો પરિચય કરી પછી આગળ વધજે.

મહાકાલના મંદિર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં તો સંધ્યાઆરતીના છેલ્લા ઘંટનાદ સંભળાતા બંધ થઈ ગયા. મનને રંજ થયો. પણ હજી ઘંટનાદની અસર વાતાવરણમાં ગુજરાતી હતી. મહાકાલનાં દર્શન કરવા ભક્તોની લાંબી હાર હતી. હરિમોહન મહાકાલના પરમ ભક્ત હતા. મને પણ હારમાં ઊભો રાખી દીધો.

મહાકાલનું આ મંદિર કાલિદાસના કાળમાં તો હશે જ. એ કયા રૂપે હશે એની કલ્પના આવતી નથી, પણ એ મહાકાલની આરતીનું વર્ણન કવિએ કર્યું છે એ પરથી એની ભવ્યતાનો ખ્યાલ બંધાય. લગભગ તેરમી સદીમાં મુસલમાનોએ આ મંદિરને તોડી નાખ્યું હતું. અત્યારે જે છે તે તો અઢારમી સદીમાં બંધાયેલું છે. ભારતનાં બાર પ્રસિદ્ધ જ્યોતિર્લિંગોમાંનું એક મહાકાલેશ્વર છે. હરિમોહને મારી પાસે શિવપૂજા કરાવી. જ્યોતિર્લિંગ નીચે ભોંયરામાં છે.

વહેલી સવારે, ચાર વાગ્યે મહાકાલની ભસ્મઆરતી હોય છે. આ ભસ્મ સ્મશાનમાંથી લાવવામાં આવે છે. અમે વિચાર્યું કે, સવારની ભસ્મઆરતીમાં આવીશું! અત્યારે શિપ્રાને તટે જવાનો વિચાર મુલતવી રાખ્યો. આજના ઉજ્જૈનના શાન્ત પડતા જતા માર્ગો વીંધતા અમે વિશ્વવિદ્યાલયના વિસ્તારમાં પાછા આવી ગયા. ઉજ્જયિનીના સૂચિભેદ્ય અંધકારની કાલિદાસે વાત કરી હતી. પણ આજ રાત્રે તો ઝળાંઝળાં માર્ગો છે.

રાતે મોડે સુધી કવિ નરેશ મહેતાની કવિતાઓ સાંભળી ઉતારે પાછો આવ્યો છું. એકાએક કાલિદાસની સાથે સ્મરણ થઈ આવ્યું. બીજા એક નાટકકારનું. શૂદ્રક એનું નામ. એનું નાટક મૃચ્છકટિક – ‘માટીની ગાલ્લી.’ એ નાટકની ઘટનાસ્થલી ઉજ્જયિની છે. મને એની નાયિકા વસંતસેના યાદ આવી છે.

‘મૃચ્છકટિક’ની નાયિકા વસંતસેના ઉજ્જયિનીનું નારીરત્ન હતી, ભલે પછી એ ગણિકા હોય. એ કાળમાં ગણિકાઓ ચોસઠ કલામાં નિપુણ હોતી’તી. કવિઓ, કલાકારો, રસિકો અને રાજપુરુષોને પણ વખતે કલાના પાઠ ભણાવતી. પરંતુ ગણિકા એટલે આખરે નગરવધૂ. એ કોઈ એકની પ્રેમિકા કેવી રીતે હોઈ શકે? એ કુલવધૂ કેવી રીતે હોઈ શકે? રાજાનો સાળો કાર વસંતસેનાની પાછળ પડ્યો છે. પણ વસંતસેના તો નગરશ્રેષ્ઠી ચારુદત્ત, જે અત્યારે તો નિર્ધન થઈ ગયો છે તેના પ્રેમમાં છે. નાટકના અંતમાં નગરવધૂ કુલવધૂ બને છે, પણ એક સફળ રાજક્રાન્તિ પછી. સંસ્કૃત નાટકોમાં કદાચ ‘મૃચ્છકટિક’ જ એવું નાટક છે, જે જનસમાજની અત્યંત નિકટનું છે અને એકદમ વાસ્તવના ધરાતલ પર છે. એમાં થતી રાજક્રાન્તિની ઘટના આજે તો સૌથી વધારે પ્રસ્તુત છે.

ઉજ્જયિનીના માર્ગો પર જ શકાર વસંતસેનાની પાછળ પડ્યો હતો. ઉજ્જયિનીના એક ઉદ્યાનમાં એણે ગળું દબાવીને વસંતસેનાની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઉજ્જયિનીમાં અઠંગ જુગારીઓ હતા. શર્વિલક જેવો પ્રેમિકચોર ક્રાન્તિનો ઉપનાયક પણ હતો. આ ઉજ્જયિનીએ કેટલી રાજક્રાન્તિઓ જોઈ હશે? અત્યારે તો નગર પાસેથી વહેતી શિપ્રા જ એની સાક્ષી છે. બાકીનું બધું બદલાઈ ગયું છે – ઉજ્જયિનીના મહાકાલેશ્વર સુધ્ધાં. એની પ્રાચીન પૂજાપદ્ધતિનો કેટલોક ઉપચાર હજી કદાચ ચાલુ છે. તે છે વહેલી પ્રભાતની ભસ્મ આરતી.

કાલે સાંધ્યઆરતીના ઘંટનાદ વિરમ્યા પછી મહાકાલેશ્વરના પ્રાંગણમાં પહોંચ્યાં હતાં, પણ ભસ્મઆરતી ચૂકવી નહોતી. યુનિવર્સિટી વિસ્તારથી મહાકાલ વહેલી સવારે પહોંચવામાં મુશ્કેલી હતી. જલદી વાહન ન મળે, પણ શ્રી હરિમોહને બધી વ્યવસ્થા કરી રાખી હતી. એટલું જ નહીં, પોતાના પરિવાર ઉપરાંત આચાર્ય રામમૂર્તિ ત્રિપાઠીના પરિવારને પણ તેમાં જોડ્યો.

સવારે પોણાચાર વાગ્યે એક મેટાડોરમાં અમે યુનિવર્સિટી વિસ્તારના દેવાસ રોડ પરથી નીકળ્યાં. થોડી વારમાં ઉજ્જૈનના વહેલી સવારે પહોળા લાગતા માર્ગો પરથી પસાર થયા. માર્ગોની બંને બાજુએ ઈમારતો નિદ્રામાં હતી. ઉજ્જૈન હવે તો એક આધુનિક નગર છે. પ્રાચીન ઉજ્જયિની સાથે એનો કોઈ અનુબંધ નથી, પણ મારું સાહિત્યિક મન પ્રાચીન સાથે અર્વાચીનનું અનુસંધાન-ના, અર્વાચીન સાથે પ્રાચીનનું પૂરોસંધાન સાધે છે. ગુપ્તોના કાળમાં જ્યારે ભારતનો સુવર્ણયુગ હતો ત્યારે રાજધાની ઉજ્જયિનીની કેવી જાહોજલાલી હશે? કાલિદાસના સાહિત્યમાં એનો અણસાર મળે છે. કંઈક મળે છે મૃચ્છકટિક જેવાં નાટકોમાં. રાજા વિક્રમની સાથે ઉજ્જયિની પણ એક નિર્જધરી નામ બની ગયું. એ પછી નવમી-દસમી સદીમાં પરમારવંશના રાજાઓની ઉજ્જૈન રાજધાની રહ્યું. મુસલમાનોએ એ તોડ્યું.

મહાકાલના પ્રાંગણદ્વારે આટલી વહેલી સવારે પણ પુષ્પના હાર વેચનાર બેઠેલાં હતાં. પ્રભાતવેળાએ મંદિરના શિખરે ફરફરતી ધજાના ફરફરાટમાં કવિતાનો લય ભાસતો હતો. અમે સમય કરતાં વહેલાં પહોંચી ગયેલાં. મહાકાલનું લિંગ નીચે ભોંયરામાં છે. અમે પગથિયાં ઊતરી નીચે ગયાં. ગર્ભગૃહમાં પૂજાની તૈયારીઓ ચાલતી હતી.

મને કૌતુક હતું. ભસ્મઆરતી વખતે મહાકાલના લિંગને સ્મશાનમાંથી લાવેલી ચિતાની ભસ્મ વડે સ્નાન કરાવાય છે. ચિતાભસ્મની સ્નાનવિધિ જાણે કે તંત્રઉપાસના પદ્ધતિના અવશેષ છે. એ એક થરથરાટની અનુભૂતિ જગાવે છે. શિવનાં અનેક રૂપો છે અને તેમની પૂજાપદ્ધતિઓ પણ અનેક છે. ઉજ્જયિનીના શિવ એ તો મહાકાલ. એમની પૂજાવિધિમાં ચિતાભસ્મ તો હોય જ ને? આમેય તે દિગંબર શિવ પોતાને દેહે ચિતાભસ્મનું અવલેપન કરતા ઉલ્લેખ પામ્યા છે.

ગર્ભગૃહ સામેનાં પગથિયાં પર અમે પૂજોપચાર જોતાં બેઠાં હતાં ત્યાં આરતી શરૂ થઈ. ઘંટ બજી ઊઠ્યા. શંખ નિર્દોષ કરી ઊઠ્યા. નગારાં ગુંજી ઊઠ્યાં. વસ્ત્રમાં ભસ્મ રાખી લિંગ પર ભસ્મને ખંખેરવામાં આવતી ગઈ. ગર્ભગૃહ ચિતાભસ્મથી ઝાંખું પડી ગયું. ભક્તોની ભીડથી મંદિર ભરાઈ ગયું.

અમે મંદિરના ગર્ભગૃહમાંથી બહાર આવ્યાં. અહીંથી અમારે વિક્રમની આરાધ્ય હરિસિદ્ધિદેવીનાં દર્શને જવું હતું. કહે છે, દેવી વિક્રમને હાજરાહજૂર હતી. વિક્રમને અંધારપછેડો કોની પાસેથી મળ્યો હોય?

મંદિરને અડકીને પહેલાં એક પદ્મસરોવર હતું. કાલિદાસે ખરી જ વાત કહી હતી કે, ખીલેલાં કમળોની ગંધથી સુવાસિત પવન ઉજ્જયિનીની સુંદરીઓના સુરતશ્રમને હરી લેતો. એ પવન પ્રથમ શિપ્રા પરથી શીતલતા લઈ પછી આ પદ્મસરોવરનાં કમળોની સુવાસ લઈ નગરની અાલિકાઓ ભણી વહેતો હશે.

પદ્મરોવરમાં પાણી નથી, પછી પદ્મ ક્યાંથી હોય. સરકારની યોજના અહીં ફરીથી સરોવરનું નિર્માણ કરવાની છે એમ સાંભળ્યું. તો તો ખરેખર મહાકાલના પરિસરની શોભા વધી જાય.

હરસિદ્ધિમાતાના મંદિરે ગયા. એ વખતે ત્યાં પણ સવારની આરતી થતી હતી. મંદિરના પ્રાંગણમાં દીવા મૂકવા માટેના બે વિરાટ સ્તંભ છે. જ્યારે દીવા પ્રગટાવવામાં આવતા હશે ત્યારે અદ્ભુત શોભા થતી હોવી જોઈએ.

શિપ્રા તો આ દિવસોમાં પણ ક્ષીણતોયા છે. સાબરમતી એક્સપ્રેસમાં આવતાં શિપ્રા પરનો પુલ જ્યારે પસાર કર્યો હતો ત્યારે એની કૃશતા જોઈને દુઃખ થયું હતું. મેઘ અમારી પણ પ્રાર્થના સાંભળતો હોત તો એને શિપ્રાનું કાર્ય દૂર કરવાનો અનુનય કરત.

ઉજ્જૈનની આ શિપ્રા, ક્યારેક એ કહેવાય છે : ક્ષિપ્રા, પવિત્ર નદી છે. કુંભપર્વના દિવસોમાં તો એનો અપાર મહિમા થઈ જાય છે. પૂર્વદિશામાં લાલ આભા વિસ્તરી ગઈ હતી. ઉજ્જૈનનાં ઊંચાં ભવનો પાછળ સૂર્ય ઊગી રહ્યો હતો.

આઠ વાગ્યે તો યુનિવર્સિટીના હિન્દી વિભાગમાં રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તની શતાબ્દીના કાર્યક્રમનો આરંભ થવાનો હતો. અમારે એ પહેલાં યુનિવર્સિટી પહોંચી જવું રહ્યું.

શિપ્રાતટે પ્રાચીન ઉજ્જયિનીના કલ્પનાચિત્રને પડખે આજના ઉજ્જૈનના યથાર્થ ચિત્રને સરખાવી જોતાં એ રાષ્ટ્રકવિની પંક્તિઓનું સ્મરણ થયું :

હમ ક્યા થે,
ક્યા હો ગયે હૈ,
ક્યાં હોંગે અભી…?

મહાકાલ બધું જુએ છે, બધું જાણે છે. કદાચ મહાકાલની જ આ બધી લીલા છે. ઉત્થાન અને પતન, પતન અને ઉત્થાન. ઇતિહાસની વારાફેરી. આ શિપ્રાને પણ કદાચ એની ખબર છે.