દેવતાત્મા હિમાલય/સંગમ જળ


સંગમ જળ

ભોળાભાઈ પટેલ

આ બાજુ ગંગા છે, પેલી બાજુ જમના છે અને વચ્ચે ગોકુળ ગામ છે. ભજનની એક પંક્તિનો આ ભાવ વારંવાર મનમાં ગુંજી જતો હોય છે. આ ક્યાં ભૌગોલિક વર્ણન છે કે નકશો ઉકેલીને ચોકસાઈ કરવાની હોય. ગંગા, જમના અને ગોકુળ આપણા એક જ ભાવજગતનાં નામરૂપ છે. ભૂપૃષ્ઠ પર ગંગાનું સ્થાન બદલાય કે જમનાનું સ્થાન બદલાય એવું બને. ગોકુળ વસે અને ઊજડે એવું બને. પણ ભાવજગતમાં એમનું સ્થાન અ-ચલ અને અ-મર છે.

એટલે તો ગંગા-જમનાને એક લોટા જળમાં પણ અન્ય સરિતાઓની સાથે આમંત્રિત કરી શકાય છે. ગંગા એક નદી છે, પણ તે કરતાં તો ગંગા એક આખું ભાવવિશ્વ છે. જમના પણ એક નદી છે, પણ તે કરતાં તો જમના પણ આખું ભાવવિશ્વ છે. પરંતુ જ્યારે ગંગા-જમના એક સાથે બોલીએ છીએ ત્યારે સંગમનું એક નવું ભાવવિશ્વ રચાઈ જાય છે. કોઈ પણ બે નદીઓનું નામ સાથે બોલતાં કદાચ જ એવો ભાવ જાગતો હોય. એ ભાવ વાગ્યાર્થને અતિક્રમીને જ રહેતો હોય છે.

આપણા પુરાણોએ ગંગા-જમનાના માહાત્મ વિશે અનેક કથાઓ – એમને કેન્દ્રમાં રાખીને – ઘડી કાઢી છે. એમના દેવીરૂપની કલ્પના કરી સ્તોત્રો રચી કાઢ્યાં છે. એમનાં મંદિરો સ્થાપ્યાં છે. એ મંદિરોમાં ગંગા-જમનાના મૂર્તિરૂપની પૂજાઆરતી થતી હોય છે. જમનોત્રી પહોંચીને ભાવિક યાત્રિક સૌથી પહેલાં તો જમનામૈયાના નાનકડા કાષ્ટમંદિરમાં પ્રવેશ કરી દર્શન કરવાનો. ત્યાં જમનામૈયા સાથે ગંગા અને સરસ્વતીની મૂર્તિઓ પણ ખરી. ગંગોત્રીએ પહોંચીને ગંગામૈયાના મંદિરમાં જઈ તેમનાં મૂર્તિરૂપ દર્શન યાત્રિક સૌ પ્રથમ કરશે. ત્યાં પણ ગંગામૈયા સાથે જમના અને સરસ્વતીની મૂર્તિઓ ખરી જ.

ગંગા-જમના જ્યાં સાથે થાય ત્યાં સરસ્વતી આપોઆપ પ્રકટ થયા વિના કેમ રહે? પરંતુ મંદિરમાં જે ભાગવત આરાધનાભાવ અનુભવાય છે તેની ઇન્દ્રિયગત અનુભૂતિ ગંગા કે જમનાની વહેતી વારિધારાના અનંતવિધ સૌંદર્યદર્શનથી થાય છે. એ વખતે પુરાણ-મહાભ્ય બધું વીસરી જવાય છે અને એ સૌંદર્યદર્શન જ આધ્યાત્મિક અનુભવ બની રહે.

પ્રયાગમાં ગંગા-જમનાનો સંગમ આ અનુભવ કરાવી રહે. સંગમ પહેલાં ગંગાને અનેક સૌંદર્યછટાઓ સાથે ગૌમુખથી માંડીને ગંગાસાગર સુધી જોઈ છે. જમનાને પણ અનેક સ્થળે જોઈ છે, પરંતુ સંગમસ્થળે જે શોભા પ્રકટે છે, જે સૌંદર્ય પ્રકટે છે તે શોભા કે તે સૌંદર્યથી ઉદ્દબુદ્ધ થતા ‘આધ્યાત્મિક’ ભાવમાંથી માહાભ્યો કે સ્તોત્રો રચાયાં હશે એમ માનવાનું મન થઈ આવે.

વાલ્મીકિ કવિના રામ, નિષાદરાજની નાવમાં બેસી ગંગા ઓળંગી આ સંગમ સ્થળે આવી પહોંચ્યા હતા. અહીં ભરદ્વાજનો આશ્રમ હતો. આશ્રમ એ તે સમયની વિદ્યાપીઠ. એ સ્થળે જ આજે ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય છે! આદિ કવિ વાલ્મીકિએ આ સંગમ જોયો છે. ભરદ્વાજ મુનિએ રામને અરણ્યવાસનાં ચૌદ વર્ષ ત્યાં રહી જવા કહ્યું હતું, કેમકે, ગંગા-જમના એ બે મહાન નદીઓના સમાગમથી એ સ્થાન પવિત્ર અને રમણીય હતું.

કવિ કાલિદાસે આ સંગમને કલ્પનાની ઊંચાઈએથી જોયો છે, અને એ સંગમ જોતાં જ કવિની સરસ્વતીનો આવેગ વધી ગયો છે. રાવણવિજય પછી પુષ્પક વિમાનમાં લંકાથી અયોધ્યા પાછા ફરતા વિજેતા – બલકે પ્રણયી – રામ પોતાની પાસે બેઠેલી જાનકીને ઉપરથી નીચે ઝડપથી પસાર થતાં સુંદર દૃશ્યોનું વર્ણન કરતા જાય છે. વિમાનમાંથી દેખાતા ગંગા-જમનાના સંગમનું વર્ણન કવિતાની પરમકોટિએ પહોંચી જાય છે. કહે છે : પશ્ય અનવદ્યોગિ…

હે નિર્દોષ અંગવાળી સીતે! જો. આ ગંગાના પ્રવાહમાં યમુનાના તરંગો ધસી જઈને એ પ્રવાહને ખંડિત કરે છે એ કેવું લાગે છે? ક્યાંક એવું ભાસે છે : જાણે મોતીની માળામાં પરોવેલા ઇન્દ્રનીલમણિ મોતીની પ્રભાને ઝાંખી કરી નાખે છે. ક્યાંક એવું ભાસે છે : જાણે ધોળા કમળના હારમાં નીલકમળ ગૂંથી દીધેલાં છે. ક્યાંક જાણે ચંદ્રની પ્રભા સાથે છાયામાં સૂતેલા અંધકારની રમત ચાલી રહી છે…’

જમનાના ધીરગંભીર પ્રવાહને પાર કરી જ્યારે અમારી હોડી સંગમસ્થળે પહોંચી ત્યારે ગંગાના આવતા પ્રવાહમાં જમનાનો પ્રવાહ ભળી જતાં એવું જ અદ્ભુત દૃશ્ય હું જોઈ રહ્યો. જમનાનો શ્યામ પ્રવાહ ગંગાના શુભ પ્રવાહમાં ભળતાં એ શુભ-શ્યામની, ગંગા-જમનાની મિલનક્રીડા મોહિતી કરી રહી. પંડાપુરોહિતો એ સમયે મૂર્તિમંત વિપ્ન બની જતા હતા. કાલિદાસના રામને બે લાભ હતા : એ ઊંચે પુષ્પક વિમાનમાંથી આ સંગમ-શોભા જોતા હતા, અને એ સમયે સૌંદર્યદર્શનના એ આનંદને દ્વિગુણીત કરતી સુંદર અંગોવાળી સીતા તેમની સાથે હતી, અને સૌથી વધુ તો એ પંડાઓના ઘેરાથી મુક્ત હતા.

સંગમસ્થળે આજુબાજુ અનેક યાત્રીઓ સ્નાન કરતાં હતાં. આ બધામાંનો એક હું હતો. ગંગા-જમનાના સંગમસ્થળે હજારો વર્ષોથી સમગ્ર ભારતનો સંગમ થતો રહ્યો છે. સંગમના શીતળ જળમાં ડૂબકી મારી. ગંગાના પાણીથી ગંગાની અર્ચના કરી. સંગમ પછી જમના પોતાને વિલીન કરી દે છે. પછી માત્ર ગંગા વહે છે. ગંગાના પ્રવાહમાં ઊભા રહી જરા ઊંચે આવેલા સૂર્ય સામે જોતાં પ્રાર્થના સ્વયં પ્રકટે છે. કદાચ એ જ પ્રચ્છન્ન સરસ્વતી.

ઠંડીના દિવસોમાં અલાહાબાદ જવું કે નહીં એવો પ્રશ્ન હતો. પરંતુ અલાહાબાદ યુનિવર્સિટીના હિન્દી વિભાગને ૭પ વર્ષ થતાં હોઈ વિભાગની હીરક જયંતીનો મહોત્સવ હતો, જેમાં દેશના હિન્દી વિષયના જાણીતા અધ્યાપકો આવવાના હતા. ‘તુલનાત્મક સાહિત્ય વિશેના પરિસંવાદમાં ભાગ લેવા વિભાગના અધ્યક્ષ ડો. જગદીશ ગુપ્ત જેમણે ગુજરાતી અને વ્રજભાષાની કૃષ્ણકવિતાનું તુલનાત્મક અધ્યયન કરીને ગ્રંથ લખ્યો છે.)નું સ્નેહભર્યું નિમંત્રણ હતું.

પરંતુ, વિશેષ આકર્ષણ તો કથાકાર શ્રી જૈનેન્દ્રકુમાર અને કવિ અશેય પણ આ પાંચ દિવસો ઉપસ્થિત રહેવાના હતા એ હતું. આ બધા દિવસે તેમની સન્નિધિનો લાભ લીધો. સૌનો ઉતારો એક સ્થળે હતો. સુશ્રી મહાદેવી વર્મા નાદુરસ્ત તબિયતને લીધે ગામમાં હોવા છતાં આવી શક્યાં નહોતાં. એટલે અલાહાબાદથી નીકળવાને છેલ્લે દિવસે તીર્થરૂપ મહાદેવીનાં દર્શન કરવાની ઇચ્છા હતી.

મહાદેવી વર્મા એક મહાન નારી અને હિન્દીનાં એક ઉત્તમ કવયિત્રી. એમના કાવ્યસંગ્રહો ‘યામા’ અને ‘દીપશિખા’ માટે ૧૯૮૨ના જ્ઞાનપીઠ પુરસ્કારથી એ સમ્માનિત થયેલાં. ત્રણ-ચાર દિવસથી અલાહાબાદમાં હોવા છતાં એમને મળવાનો યોગ નહોતો સધાયો, પણ જતાં જતાં ઇચ્છા પૂરી થઈ. એક સ્થાનિક સાહિત્યકાર ઓંકારનાથ ત્રિપાઠી સાથે એમને ત્યાં પહોંચી ગયો.

સવારનો સમય હતો. કવયિત્રીનો અગાઉથી સમય માગવા જેટલો વિવેક મેં દાખવ્યો નહોતો, પણ શ્રી ત્રિપાઠી એમના અંતરંગ વર્તુળમાંના એક હતા એટલે કહે : વાંધો નહીં. એમની ગાડીમાં મને લઈ ગયા.

અલાહાબાદના અશોકનગરમાં એમના નિવાસ આગળ મોટર ઊભી રહી. વિશાળ આવાસના આંગણામાં યુકેલિપ્ટસનાં ઊંચાં ઝાડ હળવા પવનમાં કંપતાં હતાં. સૂકાં પાંદડાં ઊડતાં હતાં. પોર્ચમાં જૂની મોટર હતી.

અમારે થોડી રાહ જોવી પડી. પણ શ્રી ત્રિપાઠીએ કહ્યું : અહીં અતિથિઓનું ધ્યાન રાખવામાં આવે છે. વાચાળ ત્રિપાઠી બોલ્ટે જતા હતા, પણ મારા મનમાં તો આ સ્થળે આવવાનો એક મહિમા છલકાતો હતો. એમની કવિતાની લીટીઓ – કડીઓ યાદ હતી. સાચે જ હું એ મહાદેવના ઘરે આવ્યો છું, જેણે અંધકારને દૂર કરવા દીપક રાગ ગાઈ ઓલવાયેલા દીવા ફરી પ્રકટાવવાની આકાંક્ષા સેવેલી, એટલું જ નહીં ઉપેક્ષિતા નારીઓ અને દીનદુઃખી અસહાય શિશુઓનાં અંધકારમય જીવનમાં સાચે જ દીપશિખા બની યથાશક્તિ અજવાળું પાથર્યું છે :

સબ બુઝે દીપક જલા લૂં ઘિર રહા તમ આજ દીપક રાગિની અપની જગા લૂં…

દીપક-દીપ મહાદેવીનું પ્રિય કલ્પન. બહુ નાની વયે મહાદેવીનાં લગ્ન થઈ ગયેલાં. નાની વયે એટલે નવ વર્ષની. પરિવારમાં દીકરી જન્મે એટલે પરિવારે બાધા રાખેલી. એ જમ્યાં. દાદાએ નામ આપ્યું મહાદેવી. પણ એ જ દાદાએ પોતાની જીદથી નાની ઉંમરે પરણાવી દીધાં. સસરા જુનવાણી, અભ્યાસ અટકાવી દીધો, જોકે નાનાં હોવાથી રહેતાં તો પિયરમાં જ. પણ એમના સસરાના અવસાન પછી અંગ્રેજીના અધ્યાપક એવા મહાદેવીના પિતાએ દીકરીનો અભ્યાસ પાછો શરૂ કરાવી દીધો. તે એટલે સુધી કે તેઓ સંસ્કૃત લઈ એમ.એ. થયાં. દરમિયાન પતિ પણ એમ.બી.બી.એસ. થઈ ગયા હતા. પરંતુ મહાદેવીએ સાસરે જવાની ના પાડી દીધી. બાળલગ્નને માન્ય ન રાખી મહાદેવીએ એક રીતે તો બાળલગ્નપ્રથા પ્રત્યેનો તીવ્ર વિરોધ પ્રગટ કર્યો. કેટલું દૃઢ મનોબળ! જોકે પરિએ પણ બીજું લગ્ન ના કર્યું.

મહાદેવીએ બૌદ્ધ સાધ્વી થવાનો વિચાર કરેલો, પણ એઓ બન્યાં પ્રયાગની મહિલા વિદ્યાપીઠનાં આચાર્યા. એ વખતે વય માત્ર ૨૫ વર્ષ. પ્રયાગની આ મહિલા વિદ્યાપીઠને એમણે સ્ત્રીશિક્ષણની એવી નમૂનેદાર સંસ્થા બનાવી કે ગાંધીજીએ પણ કેટલીક બહેનોને સેવાગ્રામથી અહીં ભણવા મોકલેલી.

ઉચ્ચ શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલાં હોવા છતાં રવિવારે અને વારતહેવારે દૂર દૂરનાં ગામોમાં જાય, ખાસ તો સમાજના ઉપેક્ષિત વર્ગમાં. અનેક અભણ બહેનોને પત્રો લખી આપે, તેમનાં સુખદુઃખ સાંભળે. ગરીબ અનાથ બાળકોના શિક્ષણની વ્યવસ્થા વિચારે. નારીજાગૃતિ માટે આજીવન પ્રયત્નશીલ મહાદેવી રાષ્ટ્રીય ચળવળોમાં પણ આગળ રહે. બંગાળના દુકાળ વખતે ચિત્રો દોરી અકાળપીડિતો માટે ફંડ ભેગાં કરેલાં. એ સાચે ‘દીપશિખા’ બની અજવાળું પાથરતાં રહ્યાં.

એમના પ્રાંગણમાં બેઠાં બેઠાં હું સૂકાં પાંદડાંની લીલા જોતાં જોતાં એમનાં ઉપેક્ષિત નારી-ચરિત્રો, ‘બિબિયા’ કે ‘ભક્તિન’ કે પછી દરિદ્ર કે અનાથ શિશુઓનાં અંકનો ‘ઘીસા’, ‘બદલની રેખાઓ મનમાં ઉપસાવતો હતો. મને એમણે પાળેલાં પ્રાણીઓમાં પેલી સોના હરણી યાદ આવતી હતી. આજકાલ ક્યાં જાનવર એમની કરુણામયી દૃષ્ટિની સારસંભાળ પામતાં હશે?

ત્યાં દ્વાર ઊઘડ્યાં. અમને અંદર બોલાવ્યા. નીચે ગાદી પર મહાદેવી બેઠેલાં હતાં. એંશીએ પહોંચવાની વાર હવે ક્યાં હતી? અમે પ્રણામ કરી આગળ બેસી ગયા. હું તો એમના ઓરડામાં પણ નજર કરી લઉં છું. ચિત્રો અને શિલ્પોથી ભરેલો છે ઓરડો. મહાદેવી ઉત્તમ ચિત્રલેખા પણ ખરાં. હિમાલયનાં શિખરોનું એક ચિત્ર ધ્યાન ખેંચતું હતું. મહાદેવીના જમણા હાથે પાટો બાંધેલો હતો. ઈજા થયેલી. એ વિશે પૂછ્યું : તો કહે : સરસ્વતીને છુટ્ટી દે દી!

કહે : ‘૩૧મી ઓક્ટોબરના દિવસે હું દિલ્હીમાં ઑલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર માટે દાખલ થયેલી.’ બરાબર એ દિવસોમાં હું પણ દિલ્હી જ હતો. પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર રામચંદ્ર શુક્લની જન્મશતાબ્દી અંગે સાહિત્ય અકાદથી તરફથી સેમિનાર હતો. રશ્મીએ મહાદેવીએ જ ઉદ્ઘાટન પ્રવચન કરેલું. એમણે કહેલું એક વાક્ય મેં યાદ કર્યું : ‘રામચંદ્ર શુક્લ જૈસે લોગ કમ આતે હૈ આતે હૈં તો જાતે નહીં.’ ૩૧મી ઓક્ટોબરના રોજ એ સેમિનારમાં મેં નિબંધ રજૂ કરેલો અને ત્યાં ઇન્દિરાજીના સમાચાર આવેલા.

મહાદેવીએ કહ્યું : ‘હું ત્યાં હતી અને ઇન્દિરાજીનો વિદ્ધદેહ આવ્યો.’ ચૂપ થઈ ગયાં. પછી કહે : ‘બહુત હઠી થી, ઉસકી હઠને ઉસકો મારા.’ વળી ચૂપ. કહે કે, સારવાર લીધા વિના પોતે પણ નીકળી આવ્યાં. ઘા હજી દૂઝતો હતો.

પોતાનાં અનેક પરિચિતોમાં પણ મહાદેવી પેલા ગુરુજી નામથી ઓળખાતાં. ત્રિપાઠી વારંવાર ‘ગુરુજી’ કહી વાત કરે. મને એ સંબોધન ત્રિપાઠીને મોંએ મહાદેવી માટે અડવું લાગતું હતું. પરંતુ એ બિરુદ તો એમને મળ્યું હતું ઇલાહાબાદની આજુબાજુની ગરીબ વસ્તીઓ, ગામડાગામનાં ધૂલિ ધુસરતિ બાળકો પાસેથી. રવિવારે કે રજાઓમાં મહાદેવી અચૂક નિશાળ વગરનાં ગામડામાં જતાં. ત્યાં બાળકોને અક્ષરજ્ઞાન આપતાં. બધાં એમને ગુરુજી કહે.

આ અડવા લાગતા વિશેષણ દ્વારા મહાદેવીના વ્યક્તિત્વનું એક પાસું પ્રકટ થાય છે. સાહિત્યની ચર્ચા તો નીકળે જ આવા મિલન પ્રસંગે. મને લોભ થયો : એમની પાસેથી એમની કવિતા સાંભળવાનો. કોને ન થાય? મેં વિનંતી કરી : ‘આપકી કવિતા સુનના ચાહતા હૂં.’

મહાદેવી કહે : ‘હું કવિતા સંભળાવતી નથી, ૧૯૩૩થી.’ એ વખતે હિન્દી સાહિત્યસંમેલન ભરાયેલું. બાપુ ત્યાં હતા. એ પ્રસંગે ઉર્દૂ મુશાયરો હતો અને હિન્દી કવિસંમેલન પણ ગોઠવાયું હતું. દો આના ટિકટ. મહાદેવીએ બાપુને વાત કરી. બાપુએ મહાદેવીને કહ્યું : ‘તુમ ક્યોં અપના કાવ્ય સુનાના ચાહતી હો? હિન્દી કે કવિ અપના સમ્માન કરના નહીં જાનતે.’ એ દિવસથી પ્રતિજ્ઞા : પોતે પોતાની કવિતા નહીં સંભળાવે. મને થયું : એક કવિ માટે આ કેટલી અઘરી પ્રતિજ્ઞા છે! પોતાનું કાવ્ય સંભળાવવા અનેક ઉત્સુક કવિચહેરા યાદ આવી ગયા! પછી સૌંદર્યની વાતો નીકળી. સૌંદર્યની એમણે વ્યાખ્યા કરી : દ્રવીભૂત કરે તે સૌંદર્ય. આખા કાવ્યમાં એક પંક્તિ સ્પર્શી જાય તો પણ બસ. પછી ગંગા-યમુનાની વાત નીકળી. અલાહાબાદ એટલે તો ત્રિવેણી સંગમની પવિત્રભૂમિ. વાત નીકળે જ ને! કહે : ‘ગંગા કો બચાઈએ, ગંગા સબકો બચાયેગી.’ મહાદેવના અવાજમાં સતત એક કંપતી ભીનાશ અનુભવાતી હતી. એ આ ક્ષણે પણ અનુભવું છું. ઘરમાં હિમાલયનાં પોતે દોરેલા ચિત્રો. કલાના અનેક નમૂનાથી ખંડ ખચિત હતો. પછી આગ્રહ કરીને અમને નાસ્તો કરાવ્યો. ઊઠતાં ઊઠતાં મારી ડાયરીમાં એમના હસ્તાક્ષર મેં માગ્યા.

‘કવિતા નથી સંભળાવતી’ – એમ એમના બોલેલા શબ્દોથી મારા ચહેરા પર આહત થવાનો કશોક ભાવ એ જરૂર વાંચી ગયાં હોવાં જોઈએ, એટલે હસ્તાક્ષર કરતાં પહેલાં થોડુંક થંભ્યાં અને પછી પાટો બાંધેલા હાથે હળવેથી કાવ્યપંક્તિઓ લખી – કવિતા ના સંભળાવી શકવાના બદલારૂપે જ હશે કદાચ; એ પંક્તિઓમાં હતું અંધકારને દૂર કરવા મથતા દીપકનું એમનું પ્રિય કલ્પન:

રાત કે ઈસ સઘન અંધેરે સે
જૂઝતા સૂર્ય નહીં,
જૂઝતા રહતા દીપક!
રાત મેં સૂર્ય સે
બડા દીપક!

મહાદેવી વર્મા
૩૧-૧૨-૮૪

ગઈ કાલે તીર્થરાજ પ્રયાગના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. આજે મહાદેવના સાનિધ્યમાં જે થોડોક સમય રહેવાનું મળ્યું એ બધો સમય, હું જાણે વળી સંગમનાં જળ ઝીલ્યા કરતો હતો!