ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૧૦. છોડ

૧૦. છોડ

કાળુભાઈ આખી રાત ઊંઘી શક્યા નહીં. સામાજિક ન્યાય સમિતિના ચૅરમૅન સુધીનું તો એમણે ચલાવી લીધું હતું. પણ છેલ્લા અઠવાડિયાથી રમેશ સરપંચનું ફૉર્મ ભરવા જઈ રહ્યો છે એ જાણીને એમની ભીતર જાણે કે ઊકળતું તેલ રેડાઈ રહ્યું હતું. એમને સરપંચની વાત હવે સાચી લાગવા માંડી હતી. ‘કાળુભાઈ... મોભો જાળવી રાખવો હોય તો ઊગતાને ડામતાં શીખો...’ કાળુભાઈ પડખાં ઘસતા રહ્યા. રાત સમ્‌ સમ્‌ કરતી આગળ વધી રહી હતી. નહીં નહીં તોય હવે સાઠેકની ઉંમરના હતા કાળુભાઈ. નામ તો કાહળાભાઈ પણ શરૂથી જ વાસ આખામાં એવી ધાક્‌ બેસાડેલી કે જાણે વાસના એ મોટાભા! એમને સૌ કાળુભા કહેતાં હતાં. એમના વગર વાસમાં વાયરોય ના વાઈ શકે. વાસમાં નાનામોટા, સારા-માઠા પ્રસંગે જેના ઘરે કામકાજ હોય એ ઘરધણીએ અગાઉથી કાળુભાઈને કહી રાખવું પડે. કે, ‘તમારા વગર ભૈ સા’બ નઈ ચાલે...’ પછી ઘરધણી બબ્બે-ત્રણ ત્રણ ધક્કા ખાય ને કાળુભાઈ – ‘જા, મું આવું સું.’ કહી હળવેથી, હાથી ડોલતો આવતો હોય એમ આવતા ભળાય. એમના માથે ખાટલે બેઠેલા બધા આઘાપાછા થઈ, ‘પધારો કાળુભાઈ... આવતા રો’ આંઈ કઅ્‌ણ... વચમાં!’ બોલતાં આવકારતા ઊંચાનીચા થઈ જાય પણ કાળુભાઈને એમની કશી પડી ના હોય. એ તો ફટ્‌ કરતાને ‘છેટું બેસ લ્યા... કાલનું નઈડું થૈન્‌ વચમાં બેહી સી...’ કહેતા કોઈને ઊભો કરીને પછી ખાટલે બેસતા. રોફ જામી જતો. કોઈ કશું બોલી શકતું નહીં. પડખું ફરતાં બંડીના ખિસ્સામાં રહી ગયેલું બીડીઓનું બંડલ દબાણમાં આવ્યું. એમણે ગોદડું હડસેલીને બીડી સળગાવી. ધુમાડાને તાકવા મથ્યા પણ અંધારામાં કશું તાકી શકાયું નહીં. ‘શું હમજે સે એના મનમાં... કાલ્‌ બપોરનું થઈન્‌ મારી હાંમે!’ એમનાથી મનોમન બોલી જવાયું. હમઅ્‌ રે’વા દ્‌યો રે’વા... પે’લાં જેવો સમો નથી ર’યો તીં કાંય બધાંય પર તમારું રાજ ચાલે... ઉમરેય થવા આઈ... કઉં સું, પડતી મેલો પંચાત. ઘરનું હંભાળો. પંચાત્‌માં નઅ્‌ પંચાયતમાં તો સોકરા રખડી જ્યા. વાહમાં જુઓ... ખાવાનાય હાંહા’તા ઈમના સોકરા નોકરી કરતા થઈ જ્યા... જી (ગઈ) ચૂંટણીમાં મેમરમાં (મેમ્બર) હાર્યા નઅ્‌ રમેશ્યો મેમર થી જ્યો. નાક વઢાયું બધાંયે ઉપર ર’ઈન્‌ તોય હમજતા નથી... ‘કાળુભાઈનાં પત્નીએ ગઈકાલે જ કહેલા શબ્દો ક્ષણવાર ટકે ના ટકે ને બીડીના ધુમાડાનાં બાચકાં જાણે!’ ‘ગધ્ધી, જા રે જા... ઈમ કાંય મું બેહી થોડો જઉં... સરપંચ જેવો સરપંચ ગામ ધણી પડખે સે મારી... પસી ઈનો શ્યો ભાર!’ હજુ વાહમાંથી કોઈ મારી હાંમું ઊંહકારોય...’ આગળ બોલવા જતાં કાળુભાઈ અટકી ગયા. હા, હજુ પહેલાં જેવો જ માન-મોભો જળવાતો હતો. પણ, એમને થયું – ‘સાલું, ચ્યમ પે’લાં જેવો વટ નથી ભળાતો! આ દિયોરનું રમેશ્યું... રાંડીરાંડનું નઈડું... હમણાં સુધી તો ફાટેલી ચડ્ડી પે’રીન્‌ વાહ વચી ઠેબે ચડતું’ તુંન્‌, બે ચોપડી વગી ભણ્યું ઈમાં તો સેવા કરવા નેંહરી પડ્યું! ના, ના... શું હમજે સે એવું એ...’ કાળુભાઈએ વર્ષો ગણવા માંડ્યાં. ‘ચેટલાં થ્યાં હશી? હાં, વળી ચાળીહ - પાંત્રીહ તો હાચાં જ! બેટા મારાં કંટોળનું કેટ (રેશનિંગ કાર્ડ) કઢાબ્બું હોય કે, દાખલો કઢાબ્બો હોય કે પસી રાહતનો પલોટ લેવો હોય. આ કાળુભાઈ વના કોઈનુંય ચાલ્યું સે! વાંકા ર’ઈન્‌ હેંડ્યા આવતા’તા... ઈની બુન્નઅ્‌... આપડે ગોઠવ્યું જ’તું એવું કઅ્‌ ગધ્ધી તાકાત પંચાત ઑફિસની કઅ્‌ આપણનઅ્‌ પૂસ્યા વના કોઈનું કાંમ કરી આલે! આ નેંનડ, દિયોર પંચાતના પગથ્યે ચડ્યા તાંણનું મારું હાળું વાહ્‌માં હઉવનું ભવાંન ફરી જયું સે... રમેશ્યા વના કાંય ભળાતું જ નહીં મારાં હાળાંનઅ...! પણ એકવારકો મનઅ્‌ સરપંચ થઈન્‌ આબ્બા દ્યો... છઠ્ઠીનું ધાવણ ના ઓકાવું તો મેં કાહળા કરશન નઈ... પંચાતનો મોભો તે વળી પડતો મેલાતો હશે?’ ગળતી રાતનો પવન ફર ફર થવા માંડ્યો. કાનમાં આવી ભરાતો મચ્છરોનો અવાજ સહેજે ઓછો થયો. કાળાભમ્મર આકાશમાં ખીલેલા તારલા સામે જોતાં કાળુભાઈ પડ્યા રહ્યા. બી.પી.એલ. કાર્ડ નવેસરથી કાઢી આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. બોગસ યાદી રદ કરીને ખરેખર લાયક હોય તેવા ગરીબી રેખા નીચે જીવનારાંની બી.પી.એલ. યાદી તૈયાર કરવા સરપંચ, તલાટીની સાથે રમેશ ખડેપગે રહીને મહેનત કરી રહ્યો હતો. જૂની યાદી અડધી ખરી ખોટેખોટી હતી. એમાંનાં નામો રદ કરીને કાચાં ભીતડાંવાળાં મકાનમાં રહેતાં – પ્રાથમિક સુવિધા વગરના ગરીબો-વંચિતોનાં નામ એ સરપંચ-તલાટી સાથે રકઝક કરીને લખાવી રહ્યો હતો. ‘કાં’ક કરો કાળુભાઈ... આ રમેશ્યો દાટ વાળવા બેઠ્યો સે. અમી બધાં ચ્યાં જાહું...’ જૂની યાદીવાળાં અડધાં ખરાં રાવ-ફરિયાદ લઈને આવતાં હતાં. પણ રમેશ માનતો નહોતો. સરકારના ધારાધોરણ મુજબ એ કામ કરી રહ્યો હતો. નવી યાદીવાળા રમેશને ભગવાનની જેમ માનવા લાગ્યાં હતાં. એ બધાં રમેશની આજુબાજુ ફરતાં હતાં. વાસમાંથી દલિતોનાં નવાં નામ નોંધતાં હતાં ને સવર્ણોનાં જૂનાં-ખોટાં નામ કમી થવામાં હતાં. કોળી-ઠાકોર, કાંટિયું વરણ જેવાં ગરીબ લોકોની પણ યાદી તૈયાર કરવા રમેશ ઘેર ઘેર ફરીને મથી રહ્યો હતો. આ બધું ગામમાં બીજા લોકોથી સહન થતું નહોતું. સરપંચ કહેતો હતો - ‘કાળુભા... આ સોકરાએ તો ભારે કરી સે...’ સરકારી તપાસ આવે એવું કરી મેલ્યું સે... આનું કાં’ક કરવું પડશે.’ અને સરપંચના ખેતરમાં અઠવાડિયા પહેલાં પાર્ટી યોજાઈ. સરપંચે કાળુભાઈને ખાસ આમંત્રણ આપ્યું હતું. ટોળે વળીને બેઠેલા સૌ કાળુભાઈ... કાળુભાઈ કરી રહ્યા હતા. રમેશ સરપંચનું ફૉર્મ ભરવા જઈ રહ્યો છે એ વાત ચર્ચાનો વિષય બની હતી. ‘કાળુભાઈ, તમે રમેશ્યાની હાંમે ફૉર્મ ભરો... એ તો આજકાલનું સોકરું કે’વાય. તમે તો આયખું કાઢી નાંખ્યું સે પંચાતમાં! અમે તમારી સાથે સીએ. કોઈ વાતે પાછા નહીં પડીએ. તમને સરપંચ બનાઈને જ જંપશું...’ ચાલુ સરપંચ હવે એના અસલ રંગમાં આવી ગયો હતો. રમેશ સરપંચ બને એ આ સરપંચ ઇચ્છતો નહોતો. રમેશના મક્કમ વિચારો આગળ પોતાનું કંઈ ચાલી શકે તેમ નહોતું, એ સારી રીતે જાણી ચૂક્યો હતો. અને લોકજુવાળ કદાચ ફંટાઈ જાય તો પોતાનું વર્ષો જૂનું સરપંચનું પદ છોડવું પડે. પટેલ જેવા પટેલને ઊછરતો દલિત યુવાન હાર આપે તો તો ગામ-પરગામમાં કોઈને મોઢું ના બતાવી શકાય એવી ભીતિ સરપંચને સતાવવા માંડી હતી. એમને પોતાની જગાએ કાળુભાઈને ઊભા રાખવામાં જ ડહાપણ જણાતું હતું. પાર્ટીમાં ખાવાપીવાનું ચાલુ હતું. સરપંચે કાળુભાઈને નોટોની થોકડી પકડાવી હતી. એ રાતે - ‘મું કૂણ... ગાંમનો સરપંચ! ગાંમ ધણી... ઈની બુન્નઅં પૈણું કોઈ ઊભું તો રે’ મારી હાંમું.’ લવારે ચડેલા કાળુભાઈને એમના પરિવારે બસ કરો બસ હવે...’ કહીને માંડ જપાડેલા. કાળુભાઈનું નામ આખા વાસમાં ને ગામમાં ઠીક ઠીક પ્રમાણમાં ગાજતું હતું. તે વખતે રમેશના બાપે મિલમાંથી છૂટા થઈને ગામમાં આવતાં જ વાસના વિકાસ માટે સંઘર્ષ છેડેલો. ગામમાં આવી રીતે સામે પડીને ઊભો થનાર દલિતવાસમાં કોઈ પાક્યો નહોતો. સૌને નવાઈ લાગેલી. એમાં કાળુભાએ સરપંચના કાન ભંભેરવાનું ચાલું રાખેલું. ‘જોયું તમે! આંહીં અમે આખી જિંદગીથી - બાપ-દાદા વખતથી પડ્યા સીએ. કદી ગાંમ હાંમું બોલ્યા નથી... નઅ્‌ આ શે’રમાંથી કુટાઈને પાસો ફરેલો વાહ્‌ સુધારવા નેહર્યો સે...’ રમેશના બાપનું શરીર કથળતું ગયું. ગરીબી, ભૂખ, સંઘર્ષ અને આભડછેટના ડંખે એ ઝાઝું ના જીવી શકેલા. પણ રમેશ એના બાપ જેવા વિચારો લઈને ઊછર્યો હતો. એણે ગઈ ૧૪મી એપ્રિલે વાસ વચ્ચે ડૉ. આંબેડકર જન્મજયંતીની ઉજવણી કરેલી ને શહેરમાંથી જાણીતા કર્મશીલોને બોલાવેલા. કાળુભાઈ છક્‌ થઈ ગયેલા. ગામવાળા કહેતા હતા, ‘જોયું ને કાળુભાઈ... તમે તો કે’તા ફરતા’તા કે અમારી હરિજનોની વસ્તી તો મારા ખિસ્સામાં સે... રમેશ્યો બાજી મારી જ્યોન!’ કાળુભાઈ ત્યારે કશું બોલી શકેલા નહીં. આકાશમાં હવે હરણ્યો આથમવા આવી હતી. વિચારોમાં ને વિચારોમાં જાગતા પડેલા કાળુભાઈના કાનમાં મચ્છરોનો ગણગણાટ વધવા માંડ્યો. એમણે ગાલ પર આવી બેસતા મચ્છરને હટાવવા પ્રયત્ન કર્યો. ‘આ દિયોર... વચેટના સોકરાએ વળી આંય બગીચો કર્યો સે... હાહરા મછરા ખાઈ જ્યા... નળ બંધ કરવાનુંય કોઈનઅ્‌ હુજતું નથી... પાણી ઢોળી ઢોળીન્‌ કાદવ કરી મેલ્યો સે...’ આછા બબડાટ સાથે એ ઊઠ્યા. વેળા થવામાં હતી. દાતણની ચીરથી ઊલ ઉતારવા માંડી. વર્ષેક પહેલાં પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાંથી લાવીને, વાવેલો છોડ ઝાઝો વધ્યો નહોતો. ને એની લગોલગ એમના પૌત્રે વાવેલા ફૂલછોડ ખીલી ઊભા હતા. ઊલ ઉતારતાં ઉતારતાં ‘હાક્‌ થૂં...’ કરીને એ ફૂલછોડના ક્યારામાં થૂક્યા. પછી માથે ફાળિયું બાંધવા જતા હતા ને પથારીમ પડેલા મોબાઇલની રિંગ વાગી. એમણે અડધું વીંટાળેલું ફાળિયું એમ જ રહેવા દઈને ફોન હાથમાં લીધો. ‘હલ્લો... કુણ? એ હા, હા... બોલો સરપંચસાહેબ...’ ‘.....’ ‘શું કીધું? તમે નેંહરો સો...’ ‘....’ ‘એ ભલે, મું તિયાર થઈન્‌ પાધરો તાલુકે આવું સું... પણ ફોરમનું?’ ‘...’ ‘એ તો ભઈ સા’બ તમે જે કરો એ ખરું... મનઅ્‌ તો સઈ કરતાં આવડે... મારે તો તમે કો’ ઈમ કરવાનું...’ ‘...’ ‘એ હારું... મું આવું સું બસમાં...’ ફોન પહેરણના ખિસ્સામાં મૂકીને ઝડપથી માથે ફાળિયું વીંટવા માંડ્યું. ચહેરા પર ખુશી છવાવા લાગી. ‘બેટો મારો... બાપ તો વાહનઅ સુધારતાં સુધારતાં જ્યો ભાની હોડયે... નઅ્‌ બેટમજી નર્‌ સરપંચાઈ કરવી સે...’ એ બોલવા જતા હતા ને પેલી બાજુથી પાણીના નળમાં ખોસેલી પાઇપથી ફૂલછોડને પાણી પાવા જતા પૌત્રના હાથમાંથી પાઇપ સહેજ દબાણી... ને પાણીની પિચકારી સીધી કાળુભાઈ પર છંટકાઈ ગઈ. કાળુભાઈનાં કપડાં પલળી ગયાં. એ છોકરાને દબડાવવા ગયા ને વાસના નાકે જોવાઈ ગયું. ત્યાં રમેશના ઘર આગળ વાસના લોકો તૈયાર થઈને ઊભા હતા. એ બધા ૨મેશની સાથે ફૉર્મ ભરવા જઈ રહ્યા હતા. કાળુભાઈથી ઝાઝી વાર એ તરફ જોઈ શકાયું નહીં. પાર્ટી વખતે થયેલ ચર્ચા તાજી થવા માંડી. – ‘જોઈશું... પાછું ખેંચશે તો ઠીક મારા ભૈ નકર જોઈ લેશું...’ લાઇટના ગોળા બાજુથી ઊડીને આવેલા જીવડાને ઝપટમાં લેતી વખતનો સરપંચનો ચહેરો આંખ આગળ ખડો થઈ ગયો. ‘મરશે... આપડે શું! આપડે તો એક વાર સરપંચ થીયે એકઅ્‌્‌ બઈસ... આખા સમાજમાં – ગોળમાં રોલો પડી જાય રોલો... નઅ્‌ નાંમ ર’ઈ જાય કઅ્‌ ફલાણા ગાંમમાં ભૈ આપડો હરિજન કાળુભૈ સરપંચ સે...’ વિચારતાં કાળુભાઈએ ફાળિયાનું છોગું જરીક કાનની બૂટ પાસે બરાબરનું રમતું મૂક્યું. છોકરા પાસે દર્પણ મંગાવીને મોઢું જોવા માંડ્યા. ‘વાહ! વટ પડેસેન!’ બોલવા ગયા ને ચહેરાની કરચલીઓ, ગાલના ખાડા, ઊંડે ઊતરેલી આંખો ને દાઢી-મૂછની સફેદી એમને કઠી ગઈ. ફરી ગોરટિયો ચહેરો ધરાવતો રમેશ ક્યાંયથીય એમના દર્પણમાં ફૂટી નીકળ્યો જાણે! અણગમો પ્રગટ્યો. દર્પણ મૂકી દીધું. ‘રમેશ્યું... રમેશ્યું.... મારું હાળું ચ્યાંથી ઊજી નેહર્યું દિયોર...’ એ બબડ્યા જ કરત પણ ચાનો કપ લઈને આવેલી વહુ બોલી – ‘ભા, આ શેનો ગારો વળજ્યો સે?’ એમણે કપડાં સામે જોયું. ફૂલછોડના ક્યારાનો કાદવ પેલી પિચકારી ભેળો ઊડીને કપડાં પર છવાઈ ગયો હતો. એમનાથી ચા પીતાં પીતાં – ‘હત્‌ તારીની!’ બોલાઈ ગયું. ને મગજનો પારો ઊંચકાયો. પાણીની પાઇપ પડતી મૂકીને ડોલથી ફૂલછોડને પાણી પાવા આવી રહેલા છોકરાને એમણે – ‘તારી તો... બગીચાવાળી! ઊભો રે દિયોર... હવાર હવારમાં લઈ મંડ્યો સે તે...’ કરતાં મારવા ઘસ્યા. છોકરો ડોલ પડતી મૂકીને બહાર દોડી ગયો. એ ફૂલછોડના ચારા સામે ડોળા કાઢીને જોઈ રહ્યા. જાત જાતના રંગબેરંગી ફૂલછોડ ડોલી રહ્યા હતા. એમાં રમેશનો ગુલાબના ગોટા જેવો ચહેરો જાણે કે ખીલતો દેખાણો. એમનું મગજ બરાબરનું તપી ગયું. હળુ હળુ થતાં ફૂલછોડમાંથી સહેજ ઊંચે વધવા મથી રહેલા એકાદ છોડને એમણે - ‘લે... તાંણઅ લેતો જા તુંય...’ બોલતાં મૂળસોતો જ ઉખેડીને વાડ બહાર ફેંકી દીધો.