ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૩. રાવણ

૩. રાવણ

હજુ હમણાં સુધી કશું નક્કી લાગતું નહોતું. ગઈ રાતે બીડી-માચીસ લેવા ગલ્લા સુધી જઈ આવેલા મથુરજીને ખાસ કંઈ જાણવા મળ્યું નહોતું. એકની એક જ વાત બે-ચાર દિવસથી સંભળાય કરતી હતી. ‘ઉણ સાલ ગાંમમાં રાવણ નઈ નેંકળે!’ પણ આંગણાની પાળી પર દાતણ કરવા બેઠા ને કાને વાત અથડાણી. મથુરજી ઘડીભર છક્‌ થઈ ગયા. ઠંડા પાણીની છાલકો મારીને ધોયેલા ચહેરા પર કશુંક છવાઈ ગયું. હાથમાં પકડી રાખેલી દાતણની ચીરી ઊલ ઉતાર્યા વગર જ ફેંકી દીધી. મોઢામાં આંગળાં ઘાલીને ‘ઑ...ઑ...’ કર્યું ના કર્યું ને ચહેરા પર ફરી પાછી એકાદ છાલક મારતાંક્‌ એ ટોડલાને ટેકે હેઠા બેઠા. અંદરના ઓરડે મથુરજીનો મોટો છોકરો ઊંઘતો હતો. આ સાલ વાસના ચોકમાં જ માંડવડી કરી હતી. ચોરાની માંડવડીએ હવે ખાસ કોઈ આવતું નહોતું. ત્યાં નીચાડોવાસ અને દલિતવાસની વસતિ ઘડીક આવતી ને પછી વેરાઈ જતી હતી. ‘ઊઠ ભૈ ઊઠ, હવઅ...ચ્યાં સુધી ઊંજી રે’યે...’ મથુરજી મનોમન બોલ્યા. પત્નીએ વાટકીમાં કાઢી મૂકેલી ચાની વરાળ ઊંચે ચડી રહી હતી. એ તરફ ધ્યાન ના રહ્યું ને ચપ્‌ કરતાંક્‌ વાટકી પકડવા ગયા. ટેરવાં ચરચર્યાં. વાટકી નીચે મુકાઈ ગઈ. પત્નીને એક-બે સંભળાવી દેવાની ઇચ્છા થઈ આવી, પણ કાને અથડાઈ ગયેલી વાતના વિચારે એ ચોરા તરફના રસ્તાને તાકી રહ્યા... આંખો આગળ સાતેક મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીના દિવસો તાજી થતાંક્‌ ઊભા રહ્યાં. એમનાથી બોલી બોલીને ઘસાઈ ગયેલું વાક્ય – ‘ચ્યમ કાળુજી આંમ કર્યું લૉયા, તમે નેંચાડાવાહવાળાંએ?’ ‘મનમાં આવી ભરાણું. એની સાથે જ ઘસાઈયેલી રેકર્ડની જેમ બધું કર્કશ થતું વીંટળાવા લાગ્યું – ‘મારા હાળા કશી વાતે હમજતાં જ નહીં મથુરજી... હાજામાં હાંબેલું ઘાલી ઈમ, મારાં બેટાંએ કો’કના ચડેલા ચડીન્‌ આ બધું કરી મેલ્યું સે... મું શ્યું કરું કો’...? મેં તો ઘેરેય ન’તો નઅ્‌ સરપંચનું ફોરમ ભરી બેઠો ભીખલો! દાબીન્‌ કે’વા જઉ’સું તો ઈની મા ઊકળઈ ઊઠે સે... – તમીં ઘરના ઊઠ્યા જ પાંણીમાં બેહાંસો... લોક બાપડું રાજી સે ભીખલા વાસ્તે...નઅ્‌ તમીં? ઈનો બાપ જીવતો હોત તો આ રાંમેણ થઈ એ ના થાંત...’ પણ મથુરજીનું મન માનેલું નહીં. સવારથી લઈને માંડી સાંજ સુધી ચોરા વચ્ચે ગરમા-ગરમી ચર્ચાતી રહેલી. ઠાકોરોમાં ભાગ પડી ગયેલા. ઊંચાડાવાસના મથુરજીનો કુંવરજી અને નીચાડાવાસનો ભીખાજી સરપંચની ચૂંટણીમાં સામ-સામે આવી ગયેલા. પણ ઊંચાડોવાસ એકલો પડી ગયો ને નીચાડાવાસનો ભીખોજી સરપંચ બની બેઠો. એ ઘડીઓ મથુરજીની આસપાસ અંદરના ઓરડેથી હડી કાઢીને જઈ રહેલા ઉંદરની જેમ હડબડાટી કરી ગઈ. ઠરી ગયેલી ચા એક સબડકે પીધા પછી ‘હાક્‌ થૂ...’ કરતાં એ થૂંક્યા. ‘ચ્યમ્‌ મથુરજી આંમ બેહી ર’યા સો?’ વાસમાંથી આવેલા બે-ત્રણ જણાંને જોઈ મથુરજી આંગણે ઢાળેલા ખાટલે આવી બેઠા. ‘હાંભળ્યું કાંઈ?’ એ બીડીનો ધુમાડો ઓકતા જોઈ રહ્યા. અમીં કે’તા’તા એ હવઅ્‌ ભળાંણું ન! મારાં બેટાંએ રાતોરાત ગરબા પૂરા થ્યા ચેડી કાળવાને તિયાર કરી દીધો...કી’સી, કી’ ઉણ તો જબરો રાવણ કાઢવો સઅ્‌...’ ‘કાળુજી તિયાર થઈ...’ મથુરજીના અડધા વાક્યને અટકાવીને... ‘એણે જ્‌ તો આ બધો ખેલ કર્યો સે પસઅ્‌...શ્યું લેવા તિયાર ના થાય?’ બબડતાં કોઈ બીડીનો કસ ખેંચે ત્યાં બીજાએ વાત લંબાવી. સરપંચ બન્યા પસઅ્‌ ભીખો ઠોડુજી બઉં પાવરમાં આઈ જ્યા સી.. બેટો અત્તારમાં ડેરીએ બેઠા બેઠા, કાળાકાકા તારા વના રાવણની મજા નઈ આવે... ક’ઈ ન કાળુજીને ચડાઈ ર’યા’તા...’ મથુરજીની આજુબાજુ ધુમાડાના ગોટ ચકરાવો લેતા રહ્યાં. ‘તમીં હવઅ...’ કરતો ફરીથી બાજુમાં બેઠેલો બોલવા ગયો પણ પછી બોલાયેલા શબ્દ સુધારીને નવેસરથી બોલતો હોય એમ... ‘આપડઅ્‌ શેમાં જ્યા... ઊંચાડાવાહ્‌વાળા મથુરજી? એ રાવણ બનવા તિયાર હોય તો તમાંનઅ રાંમ બનવામાં શ્યો વાંધો...’ છાતીમાં ભરાયેલો ધુમાડો ખોંખારે ચડ્યો. ખોંખારે ચડેલા ધુમાડા વચ્ચે મથુરજી બોલ્યા – ‘હોવ્‌ તાંણઅ ઈની બૂન્નઅ... આપડેય તિયાર...’ વહેલી સવારનો તડકો ખસતો ખસતો નજીક આવીને તપવા માંડે ત્યાં સુધી મથુરજીના આંગણે કસુંબા-પાણી થતું રહ્યું. કસુંબા-પાણીમાંથી નવરા પડેલા મથુરજી વિચારે ચડ્યા... – ‘નઈ નઈ તોય્‌ તરી-પાંતરી વરહ્‌થી કાળવો રાવણ થાય નઅ્‌ મું રાંમ... ઈના પે’લાં ઈનો બાપ નઅ મારો બાપ ચેટલા હરખથી રાવણ નઅ્‌ રાંમ થાતા’તા... અ બધ્ધા ઉપર મૂતરીન્‌ ઊભો ર’યો કાળવો!’ શ્યું બબડો સો એકલા... એકલા...? લ્યો ઊઠો હવઅ્‌ રોટલા ઠરી સી...’ પત્નીના આછેરા છણકાએ મથુરજી ખાવા બેઠા. પણ ડચૂરા વળવા માંડ્યા.... નાહી ધોઈને માંડવાડી બાજુ જઈ બેઠેલા છોકરાની પીઠ સોતું જોવરાઈ ગયું. –આંનેય મૂવે સોકરમત્‌ મૂચી નઈ નઅ્‌ વાહવાળાં, ‘મથુરજી ગમીં ઈમ તોય તમીં અભણ કે’વાંવ પંશાતના કાયદા હવઅ્‌ પે’લા જેવા નહીં ર’યા... મારો બેટો ભીખલો, કણબી નઅ્‌ બીજી કારી વસ્તી (કારીગર-મજૂરિયા-વસવાયા) ભેળો મળીન્‌ ચ્યાંક હલવઈ મેલે ઈના કરતાં આપડો કુંવોરજી બરોબર સે... કૉલેજ કરી સે એણે! બેટો મારો તળાટીયે એને પૂસીન્‌ પાંણી પી સે...’ બધું નોરતાંના તડકા ભેળું તડાક્‌ થતુંકને - સરપોટાની જેમ ફૂટી ગયું જાણે! મથુરજી ડાબી હથેળી પર જમણા હાથનો મુક્કો મારતા ઊભા થઈ ગયા. પછી ભરયુવાનીમાં પડાવેલા ફોટા સામે જોઈ રહ્યા. ઘડીક થયું-કુંવોરજી ભલે રાંમ બનતો ઉણ તો... આપડ્‌અ હવઅ... પણ હો.. હો... હો... ધ્રિબાંગ-ધ્રિબાંગ... ધણધણાટ... ધમ્‌ ધમ્‌ ધમધમાટ...નો વર્ષો જૂનો અવાજ ભીતર ખળભળાવી ગયો. ને - ‘જાં હુધી કાળવો રાવણ બને તાં હુધી તો મું જ રાંમ....’ બબડતા એ બહાર નીકળ્યા. બહાર બધું બદલાઈ ગયું હોય એમ લાગ્યું. સૌ રાવણની વાતે ગપાટે ચડ્યા હતા. દૂર ડેરીના ઓટલે કાળુજી ટોળા વચ્ચે બેઠો બેઠો હસી રહેલો દેખાણો. એની આસપાસ વીંટળાયેલા માણસો મથુરજીને હલાવી ગયા. ભીખાજીને રાતોરાત ઊભો કરીને કુંવરજીને હરાવનારા એ બધા જાણે પોતાને જ હસી રહ્યા છે એવું મનમાં થઈ આવ્યું. એમાં પાછું કાળુજીનું હસવું એમને અકળાવી ગયું. એ પાછા વળી ગયા. પાછા વળતાં ફરી ડેરી તરફ જોવાઈ ગયું. કાળુજી ટોળામાંથી ઊઠીને પોતાની સામે જોઈ રહ્યો હોય એવું લાગ્યું. એમને થયું ‘કાળવાને બોલાઈન્‌ બે ઘડી વાત કરું.’ પણ કાળુજીનો હાથ પકડીને ટોળા વચ્ચે - અલ્યા રાવણકાકા બેસ ઘડીક ભૂડા... રાંમ ચ્યાંય જાવાના નહીં... હાંજે હાંમહાંમું રમ્બાનું સે જ કે’...! ઇમનઅ્‌ તો વાત કરવાનીય પડી નહીં નઅ્‌ તમીં હરુપારના...’ બોલતાં કોઈએ એને બેસાડી દીધો. ફરી આખું ટોળું ખડખડાટ હસતું આ તરફ જોઈ રહ્યું. મથુરજી ઝડપથી ઘેર આવતા રહ્યા. એમનું મન આળું થઈ ગયું. એમને લાગ્યું, ‘મારો બેટો ખરો સે કાળવો! ભઈબંધાયનું કાં’ક તો હોવું જોવે કઅ્‌ નઈ? કુંવોરજી હારી જ્યો ઈના ચેડી હરખો હમાચાર લેવા જેવોય...’ મથુરજીએ ઉપરા-છાપરી બીડીઓ પીધા કરી. પછી માથાનાં ઝટિયાંમાં આંગળી ઘાલતાં એમણે માથું હલાવ્યું. ઊભા થયા. ઘરમાં જઈને ટ્રંકમાં પડેલું સફેદ બાચકા જેવું રેશમી ધોતિયું ને સફેદ પહેરણ બહાર કાઢીને જોઈ લીધું. તૂટી ગયેલી વર્ષો જૂની પાદુકા એક બાજુ મૂકીને અસલ જાસોરી મોજડી સામે જોતાં એ આઘા-પાછા થતા રહ્યા. બપોર પહેલાં શીવો વાળંદ આવી ચડ્યો. એણે રોજ કરતાં વધારે કાળજીથી મથુરજીની દાઢી કરી. ‘ભગવાંન રાંમ વળી ચ્યાં મૂછો રાખતા’તા ઠાકોર...’ કહી રોજની જેમ હસતાં હસતાં એણે મૂછ મૂડવા માંડી. હરસાલ એ દશેરા પર મૂછ મૂડી જતો. મથુરજી કશું બોલ્યા વગર મૂછોનાં થોભિયાં ઊતરાવતા. આ સાલ એ થોડોક સૂનમૂન લાગ્યો. મથુરજીએ પૂછી લીધું – ‘પેલા વાહ્‌માં જ્યો’તો કઅ નઈ?’ ‘ના રે! રાવણનઅ્‌ વળી દાઢી-મૂંછ ઉતરાવાની હોય?’ બોલતો શીવો વાળંદ જરીક ધીમા હાથે અસ્ત્રોે ફેરવતાં પાછો બોલ્યો – ઈંયાં બધા હવારથી જ રાવણ રાવણ કરી ર’યા સી. બધા ટેટના ટેટ લાગી સી.... મથુરજી સહેજ ઊંચું જોવા ગયા. આછો લસરકો કાનની બુટ નીચે ચરચરી ગયો. શીવાએ જલદીથી ફટકડી ઘસવા માંડી. શીવાના ગયા પછી મથુરજીનો હાથ રહી રહીને કાનનું બુટ નીચે સ્પર્શતો રહ્યો... સાંજના ચાર-પાંચ થતાંમાં ખીંટીએ લટકતા ઢોલને ઉતારીને રિયાજ કરતો ઢોલી મથુરજીને હલાવી ગયો. એના દરેક તાલે મથુરજીમાં કશુંક ફૂટતું રહ્યું. એમની પીંડીઓમાં જોેમ અને છાતીમાં શ્વાસ ભરાતો-ઠલવાતો રહ્યો. મોં પર રહી રહીને આવી ચોંટતું ઘણું બધું ખંખેરીને સ્વસ્થ બનવા એ આજુબાજુ જોતા રહ્યા. ને ઢોલી ઢોલ વગાડતો આંગણે આવી ઊભો. મથુરજીને લાગ્યું જાણે બધું ઝણઝણી રહ્યું છે. એમની આસપાસ નાનાં-મોટાંનું ટોળું વીંટળાઈને ઊભું રહ્યું. કોઈએ છણકો કર્યો. ‘જોવ લ્યા હઉં ચૉરે જોવ... ખરુંં જોવાનું તો ઈયાં સે...’ હવે નીચાડાવાસમાંથી ઢોલ પડઘાવા માંડ્યો હતો. મથુરજી ઊભા થયા. ઝટપટ નાહી લીધું. રેશમી ધોતિયું અને પહેરણ પહેર્યું. માથાના વાળ ઓળ્યા. તિલક કર્યું. ગઈ સાલ વાસનાં લોકોએ લાવી આપેલો મુગટ હાથમાં લીધો. ‘પે’લાં ચ્યાં આ બધું...મુગટ-ફુગટ કશું’તું! પે’રેલાં લૂગડે જ રાંમ થઈન્‌ ચૉરા વચી જઈ ચડતો’તો...પણ આ બધું શે’રનું ભાળી ન્‌ વાહ્‌વાળાંય માળાં ખરાં સી...’ મનોમન બોલતા મથુરજી વાળીને મૂકેલા મુગટની ટોચ સરખી કરતાં પહેરી જોયો. વળી ગયેલી ટોચ કપાળ પર નમી પડી. પાછો મુગટ કાઢી નાખ્યો. ખાસીવાર દાબીને પછી પહેર્યો. હવે બરાબર લાગ્યું. મુગટ પહેર્યો પછી એમનામાં કશુંક ઊઘડતું હોય એવું ઘડીક થયું. ને બે વાસમાં વાગતા ઢોલના પડઘા ફેલાવા માંડ્યા. મથુરજીએ ભીંતે લટકતી તલવાર લીધી. ધનુષ-બાણ-ભાથો ખભેથી સરકી ના પડે માટે કમરપટ્ટામાં ભીડાવ્યાં. પગમાં મોજડી પહેરી. એમનો દીકરો કુંવરજી અબીલ-ગુલાલ લઈ આવ્યો. કોઈ દોડતુંક છબિએ લટકતો રેશમી ફૂમતાંવાળો તાર ભરેલો હાર લઈ આવ્યું ને હનુમાન બનેલા છોકરાએ પૂંછડું વીઝ્‌યું. આસ-પાસ ઊભેલું ટોળું હસતું હસતું ખસ્યું. પછી ઢોલ નરઘાં કાંસાજોડના તાલે સૌ ચોરા તરફ વળ્યા. પેલી તરફના વાસમાં હજુ ઢોલ પડઘાવો ચાલુ હતો. ગામ આખું સૌ સૌના નાકે આવીને અટકી ઊભું હતું. નાનાં છોકરાં એમની માના ખોળામાં ભરાઈને ‘રાવણ’ની બીકે જાણે કે વારેઘડીએ લપાતાં-છુપાતાં ચોરાભણી જોઈ લેતાં હતાં. સૌને રાવણ જોવાની તાલાવેલી હતી. બધાંના ચહેરા પર પહેલીવાર રાવણ નીકળવાનો હોય એવું લાગી રહ્યું હતું. કોઈ પોતાનું નાકું વટાવીને ચોરામાં જવા તૈયાર નહોતું. ઘણાખરાં વાડામાં કે નવેળીઓમાં ભરાઈને ઊભાં હતાં. કોઈ મેડીબંધ મકાનની અગાશીએથી ડોકિયું કરી રહ્યાં હતાં. તો ચોરામાં પડતી દુકાનનાં પાટિયાં ક્યારનાંય પડી ગયાં હતાં. ને નાનકડા જાળિયામાંથી દુકાનદારનાં બૈરી-છોકરાં તાકી રહ્યાં હતાં. મથુરજીએ જોયું તો ગઈ સાલ સુધી ચોરામાં પ્રવેશતાં જ જયઘોષ કરી મૂકતી વસતિ એક બીજા સામે જોતી ઊભી હતી. એમણે વસતિને આવકારવા ઊંચકેલો જમણો હાથ વધુ ટટ્ટાર કર્યો. આગળ એમના વાસવાળા તાલમાં આવીને ભજન-ગરબી ગાતાં નાચી રહ્યા હતા. આછી આછી ઊડી રહેલી ધૂળ મથુરજીને કઠવા લાગી. ‘કુંવોરજી ચૂંટાણો હોત તો પાંણી છંટાઈ છંટાઈન્‌ ચોરો દરપણ જેવો કરી મૂચ્યો હોત!’ વિચારતાં શ્વાસમાં ભરાતી ધૂળ ગૂંગળાવતી લાગી. ખાંસીનો ઠણકો દબાવવા કોશિશ કરી. ને અબીલ-ગુલાલમાં રજોેટાતો ચહેરો લાલ લાલ થઈ ગયો. નીચાડાવાસમાંથી કાળકાનો વેષ સજીને વાગતા ઢોલ સાથે તાલ મેળવતા પાત્રની પાછળ-પાછળ બધા આવતા જણાયા. ચહેરો કાળો, આંખો લાલ-પહોળી ને વેંત એક લબડતી જીભ... આગળ રમતા ભૈરવ... આજુ-બાજુની વસતિ ઊંચી-નીચી થઈ ગઈ. મથુરજીની આગળ આગળ હૂપાહૂપ કરીને કૂદતા હનુમાન તરફ જોઈને હસી લીધા પછી ગામની વસતી ઘડીક મથુરજીની પાછળ જબરા તાનમાં ચડેલા ઊંચાડાવાસ બાજુ નજર નાખે ના નાખે ને નીચાડવાસમાંથી બબ્બે ઢોલ સાથે રાવણ પ્રવેશ્યો, એની સાથે વિચિત્ર વેષ ધરેલી એની સેના ડરામણી લાગતી હતી. રાવણ બનેલા કાળુજીએ શરીર ફરતું ફાટેલ-તૂટેલ ગોદડું વીંટાળ્યું હતું. માથા પર લીમડાના ઝાંરા (ડાળખીઓ) બાંધ્યાં હતાં. ચહેરો લાલ કાળા-સફેદ રંગે ચિતરેલો હતો. એનાં ભરાવદાર-કસાયેલાં બાવડાં અને પીંડીઓ સીસમ જેવી દેખાતી હતી. ઊંચો પડછંદ કાળુજી હાકોટા-છીંકોટા કરતો, દાંત કચકચાવતો વિકરાળ લાગતો હતો. એના બંને હાથમાંના જાડા ઠંડા જેવા ધોકાનો માર લાકડીઓ પર ઝીલનારા એની ડાબે-જમણે ચાલતા હતા. પાછળ ખડગ્‌ ધરીને ચાલ્યો આવતો માણસ આખી સેનાને દોરતો જાણે કે ફૂત્કારી રહ્યો હતો! એમની ચિચિયારિયો નાનાં છોકરાંને ડરાવી રહી હતી. તો ઘેરો-મઘરો ઢોલ સૌને ધુણાવી રહ્યો હતો. ચારે તરફ દેકારા-પડકારા ને ધૂળ ઊડી રહી હતી. સામ-સામે આવી ઊભેલા મથુરજી-કાળુજીની પાછળ એમનો ઊંચાડો-નીચાડો વાસ બમણા તાનમાં આવતો જોઈ નાકામાં ભરાયેલું ગામ થોડુંક હલ્યું પછી એકાદ ડગલું આગળ વધ્યું ને પાછું અટકી ગયું. ‘અલ્યા... રાવણને ઝાલવા તિયાર રે’જો ભૈ...’ દુકાનના ઓટલેથી કોઈ બોલ્યું. મથુરજીનું ધ્યાન એ તરફ ગયું. કુંવરજીને હરાવીને જીતેલો ભીખોજી રાવણની આગળ ચાલીને દુકાનના ઓટલે જઈ ચડ્યો હતો. ખભેથી ધનુષ-બાણ સરકતાં નહોતાં છતાંયે એમણે કમરપટ્ટો સરખો કરી લીધો. ને ઝડપથી તલવાર વીંઝતા એ ચોરા વચ્ચે આવી ઊભા. બે બાજુના ઢોલી પોત-પોતાની દિશામાં રહીને પટાક્‌ (તલવારબાજી) ખેલવાનો ઢોલ વગાડવા માંડ્યા. કાળુજીએ હાથમાંના ડંડા પડતા મૂકીને હો.. હો... હો... કરતાં, પાછળ ઊભેલાં સેનાપતિનું ખડગ્‌ લીધું. થોડેક છેટે ધૂણી રહેલ કાળકાનો વેષ ધારી પિયાલો પીને એક બાજુ ઊભો ઊભો ધ્રૂજતો હતો. એની સાથેના ભૈરવ પણ હાકોટા કરતા ડોલી રહ્યા હતા. એમના હાથમાંના મોરપીંછનો ગુચ્છ વારે ઘડીએ ઊંચો-નીચો થયા કરતો હતો. કાળુજી એની મસ્તીમાં મસ્ત હતો. આડે દહાડેય લોકો ‘ચ્યમ સો રાવણ!’ કહીને બોલાવતા. કાળુજીને એનું કશું ખોટું લાગતું નહીં. ઊલટું એ તો હસતા મોં એ ‘હા, ભૈ હા...’ કહી જવાબ આપતો. એનું ઓછાબોલો અને મહેનતુ સ્વભાવ સૌને ગમતાં. ‘મથુરજી મૂકોન્‌ માથાકૂટ... ચૂંટણી લડનારા લડશી... તમીં શ્યું લેવા સોકરાનઅ્‌ ખોટો રવાડે સો... આગલ ભણવા દો આગલ...’ પરિસ્થિતિ પામી ગયેલા કાળુજીએ પ્રયત્ન કરેલો પણ મથુરજી ગુસ્સે થઈ ગયેલા. એ પછી એ ખાસ ગામમાં દેખાતો નહીં. મોટાભાગે વગડે પડ્યો રહેતો. હરસાલની જેમ રાવણના પાત્રને ભજવવામાં રાજી રહેતો કાળુજી મથુરજીની સામે આગળ વધ્યો ને ચોરા વચ્ચે ખસતું ગામ કુંડાળે વળી ગયું. રામ-રાવણની વર્ષો જૂની પરંપરા ભજવાઈ રહી હતી. પટાક્‌ ખેલવાની રમત બરાબરની જામી હતી. ‘બાપા ખેતર વેચવું પડે તો ભલે પણ ગભરાતા નઈ.... આ ચૂંટણી જીતવી છે...’ કુંવરજી જિદે ચડ્યો હતો. ને ભીખોજી કણબી-કુંબાર-લવાર-દલિતોનાં ઘરોમાં બેઠકો ભરતો હતો. એકલા પડવા જેવું લાગતા મથુરજીને કાળુજી પર મદાર હતો પણ... મથુરજીને ફરી પાછું બધું તાજું થવા માંડ્યું. ‘કાળવાએ ધાર્યું હોત તો!’ વિચારતાં એમની આસપાસ બીજુંયે પડઘાવા માંડ્યું. ‘ભૈ તમાંનઅ ખબેર નઈ પડે... આ બધું રાજકારણ સે... હાથીના તો જોવાનાય જુદા નઅ્‌ ચાબ્બાનાય જુદા...કાળવો કાળવો કરી સો પણ ખબેર સે કાંઈ? ગુડા તો પેટ હાંમું જ નમી!’ ‘હોં..હોં...હોં....’ ચારે તરફ યુદ્ધના પડકારભર્યા દેકારા વચ્ચે મથુરજીના મનમાં રહી રહીને એકધારું ઊઘડતું રહ્યું. એમણે બમણા જોેરથી પટાક્‌ ખેલવા માંડ્યો. એમના મોમાંથી શૂરાતનના છીંકોટા જાણે ફીણ ફીણ થઈને ફૂટવા માંડ્યા. એ બબ્બે હાથ અધ્ધર કૂદીને ફેરફૂંદડી ફરતા તલવાર વીંઝતા હતા. સામે ખડગ્‌ લઈને ખેલતો કાળુજી બીજા હાથે ઢાલ પર ઘા ઝીલતો હતો. લોકોને થયું – ‘હમણાં. આવા આંનઅ હૂર ચડ્યુંતો પસઅ વારવો કાઢો!’ પણ આ શું? આ તો મથુરજી આડેધડ દીધે રાખતા હતા. એ ઢાલ પર ઘા ઝીંકવાને બદલે કાળુજી પર ધસી આવતા હતા. ‘અલ્યા રાવણને આજ થ્યું સે શ્યું, ચ્યમ આંમ દિયોર....ઊકળતો નહીં...? તાનમાં આવી ચૂકેલા કાળુજીના વાસવાળામાંથી કોઈ બોલ્યું. ‘ના લ્યા....હપૂચુ એવુંય નહીં લ્યા...કાળુજી તો બરોબર રમે સે, પણ આ દિયોર મથુરજી આજ જાંણી...’ જેવું ફરી બીજું કોઈ બોલ્યું. પછી ‘અલ્યા રાવણ, પાસો મત પડ...વેંઝ તલવેર વેંઝ હરખી...’ નીચાડાવાસનો ગણગણાટ વધ્યો. ચાર-ચાર ઢોલીઓ પરસેવે રેબઝેબ હતા. એક જોરદાર ફૂંદડી ફરીને કાળુજીની લગોલગ આવી ગયેલા મથુરજીના હાથમાંથી કોઈએ તલવાર લઈ લીધી. ને મથુરજીએ ઝડપથી ધનુષ-બાણ લીધાં. ગોળ ગોળ ફરતા-ધ્રૂજતા-ધૂણતા-નાચતા કાળુજીની ફરતે એક આંટો માર્યો. ચારે તરફથી ગામ ઊંચું-નીચું થઈ ગયું. તલવારબાજી પછીનું આ છેલ્લું દૃશ્ય હતું. રામ બાણ છોડે ને રાવણ પડે એ ક્ષણ નજીકમાં હતી. મથુરજી કાળુજી ફરતે ઘેરો ઘાલવા ગયા ને કૂંડાળે વળેલા ગામ તરફ જોવાઈ ગયું. ભીખોજી થોડેક છેટે દુકાનના ઓટલે-ઊભો ઊભો મૂછે હાથ નાંખી રહ્યો હતો. પેલી તરફ પોતાના વાસના નાકે કુંવરજી હાથમાં રાખેલું અબીલ-ગુલાલ ઊડાડવું બંધ કરીને સૂનમૂન ઊભો હતો. ને આજ સવારે ડેરીના ઓટલે ટોળામાં હસી રહેલો કાળુજી હવે દશ માથાળો દેખાઈ રહ્યો હતો... એના ફરતે ગોળ ગોળ ફરવાનું રહેવા દઈને મથુરજીએ ધનુષ પર બાણ ચડાવ્યું. ચડેલા બાણને કસ-કસાઈને ખેંચ્યું ને અણીને વખતે રાવણને ઝાલવા તૈયાર રહેનારા માણસો દોડ્યા. કૂંડાળે વળેલું ગામ પાછું હટી ગયું. નાસભાગ મચી ગઈ. ઢોલ પર પીટાતી દાંડી હળવી પડી. લાકડાના સાદા ભાલાની જગ્યાએ અસલ-ચકચકતું ભાલોડું તાકી ઊભેલા મથુરજીને બે-ત્રણ જણાંએ ઝાલી લીધા. ‘છોડો મનઅ્‌...આજ હાચેહાચો રાવણ મારવો સે મારે...કઉં સું છોડો મનઅ્‌... ઈની બુન્નઅ્‌....’ જેવું વિકરાળ ચહેરે બોલતા મથુરજી છૂટવા મથી રહ્યા હતા. પાછી હટી ગયેલી વસતિ હવે પોત-પોતાને નાકે જઈ ભરાણી હતી. ઢોલ ધીમા પડી ગયા હતા. કોઈનાય ઝાલ્યા વગર ‘રાંમ!’ કરતા ભોંય પર પડેલા કાળુજીની આંખો ખુલ્લી હતી. એણે આજુબાજુમાં જોયું. હરસાલ કાળુજીને ઝાલીને ભોંય પર પાડવો પડતો પછી ચોફેરથી ‘જય શ્રી રામ!’ રાવણ મરાંણો, રાવણ મરાંણો.....’ના અવાજો એને ઘેરી વળતા. ચોરા વચ્ચે ચત્તો પડેલો કાળુજી ફરીથી ‘રાંમ!’ બોલ્યો. ફરીથી એણે વસતિ સામે જોયું. પણ ઘડીક, બાથમાં ઘાલીને પાછા લઈ જવાતા મથુરજી તરફ તો ઘડીક પોતાના તરફ જોઈ રહેલી વસતિના ગળામાં જાણે ‘જય શ્રી રામ!’ નો વિજયઘોષ અટકી ઊભો હતો!