ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૮. ભાત

૮. ભાત

નીચાણવાળા ખેતરનો ઢાળિયો સરખો કરતાં રત્નાએ જોયું તો, આછાંપાતળાં વાદળ સહેજ ખસી ગયાં હતાં ને સૂરજ એક રાશવા ઊંચે ચડ્યો હતો. કપાળે ફૂટેલો પરસેવો ડાબા હાથની આંગળીથી નિતારીને એ શ્વાસ ખાવા લાગ્યો. બે દિવસથી ત્રમઝટ વરસેલા અષાઢી મેઘની લીલાનો તાગ લેતો હોય એમ ચોફેર નજર નાંખી. દર વર્ષની જેમ, નીચાણવાળા ખેતરનો ઢાળિયો તોડીને વરસાદનું પાણી બાજુના વાંઘામાં વળ્યું હતું. એ તરફ ખાસ્સો ઊંડો ખાડો પડી ગયો હતો. એણે ઢાળિયો બાંધવા પાવડો ઉઠાવ્યો. ભીની માટી ધબ્‌ ધબ્‌ થતી ઢાળિયા બાજુ ફેંકાવા લાગી. ફરી વાદળ છવાયાં. સૂરજ ચડ્યાનો કોઈ અંદાજ ના રહ્યો. એકધારી માટી ધરબી રહેલો રત્નો પરસેવે રેલાવા માંડ્યો. ઢોરનો ધડબડ અવાજ થતાં એણે જોયું તો જેઠી ડોસી એક પા ઊભાં ઊભાં ઢાળિયા ફરતી નજર નાંખી રહ્યાં હતાં. ‘બળ્યું... આ ઢાળિયાનું દખ ના જ્યું... જ્યાં વરહાદમઅ્‌ પેલી મકઅ્‌ના ખૂણેથી તૂટ્યો’તો નઅ્‌ આ ફેરઅ્‌ તો વચ્ચોવચ્ચથી જ... પીટ્યાં, કાંમ કરી સી કઅ્‌ વેઠ વાળી સી?’ ‘અતાર અતારમઅ્‌ ડોસીનું હાંભળવું પડઅ્‌ એ કરતાં બે પાવડા વધારઅ્‌...’ વિચારતો રત્નો માટી ફેંકતો રહ્યો. ‘હરખો પાવડો ભરીન્‌ નાંશન્‌ પીટ્યા, બે રોટલા ઝાપટી સીન્‌! વેળાહર પાર લાય... નકર તારો હગલો ઝડી કાઢ્‌શઅ્‌ તો બાંધેલો ઢાળિયો માંથઅ્‌ પડશઅ્‌. ઉતા કર ઉતા...’ રત્નો મનોમન સમસમી ગયો. ‘દિયોરની આ ટઈડી... હવારથી એકલા હાથે માટી ફેંકું સું. લગીરે દિયા સે?’ એણે જોર કરીને જમીનમાં પાવડો ઠોક્યો. પાવડો ઢંકાઈ જાય એવડું ઢેફું ઊખડ્યું. ડોસીના સામે જોયું. ડોસી હજીય કતરાતી નજરે ઊભી હતી. રત્નાને થયું, ‘ઝાપટું પાવડો ભરીન્‌ ટઈડી પર!’ ‘શું ડોળા ફાડીન્‌ જોઈ ર’યો સી? ખટકો રાશ્ય... નઅ્‌ હાંભળ, ભાત આઈ જ્યું સઅ્‌...’ ઢોર વાંઘામાં વળ્યાં હતાં. જેઠી ડોસી હાથમાં પકડેલા ધોકાના ટેકે વાંઘામાં ઊતર્યાં. ‘હાશ!’ કરતો રત્નો સરખી થયેલી જમીન પર નજર નાખતો બેઠો. પતરાનો ડબ્બો ઉપાડી લાલદોરા બીડી સળગાવી. બંધાઈ ગયેલા ઢાળિયા તરફ જોતાં જોતાં એ કસ ખેંચવા માંડ્યો. ‘રત્નાભઈ... ભાત આઈ જ્યું સઅ્‌...’નો ટહુકો સંભળાતાં એની નજર કૂવા તરફ ગઈ. ઈજુ કૂવાના ટાંકા પર બેઠી બેઠી લૂગડાં ફૂટી રહી હતી, એના ધબાકા આટલે સુધી આવતા હતા. એ ઊભો થયો. ખેતરને શેઢે ચાલતાં ચાલતાં અષાઢી મેઘમાં ભીંજાયેલ ધરતી એને વહાલી લાગવા માંડી. દૂર કૂવેતર બાજુ ટહુકીને ઊડેલો મોર રમતે ચડ્યો હતો. ઢેલડીઓ આઘીપાછી થયા કરતી હતી. આજે રત્નાના શ્રમિક હૈયામાં હેતની સરવાણી ફૂટવા માંડી. ‘શું કીધું મીં?’ ‘હં...’ ‘હં... નઈ, શરમ્‌મ્‌અ્‌ નઈ રે’વાનું. જેઠી ડોસીનો જીવ મોળો સઅ્‌. કાંમ કરાઈ કરાઈન્‌ હાહ્‌ કાઢી નંખાવશઅ્‌ નઅ્‌ ભાતમઅ્‌ ખાટી છાહ્‌, કાળો ભઠ્ઠ દાઝ્‌યાં વળેલો બાજરીનો રોટલો કઅ્‌... વાટકો ડૂવો.’ ‘એ હાચું કીધું હોં...’ ‘અમોન્‌ ખબેર સઅ્‌. તમીં અડધા ભૂસ્યા ર’ઈન્‌ મથ્‌ મથ્‌ કરો સો તે... ઑમ તો ઘેર આઈન્‌ રાડ્યો નાંખતા’તા... ખાવા લાવજે, ખાવા લાવજે... અવઅ્‌ કુનઅ્‌...?’ રત્નાને થયું, ‘હાહરું ઘરમઅ કોઈ કરનાર ન’તું નકર બૈરાનઅ્‌ પિયોર મોકલું જ નઈન્‌!’ ‘શ્યા વચારમઅ્‌ પડ્યા સો?’ ‘હેં...’ કરતો એ ઊભો રહ્યો. ટાંકા પરથી ઠેકડો મારીને બોલી રહેલી ઈજુને જોઈ એ નીચું ઘાલી ગયો. ‘ચ્યમ્‌ વઉરાંણી ઇયાદ આયાં કઅ્‌ શું?’ એ સહેજ મલક્યો. પછી છાપરા પર મૂકેલો જરમનનો વાટકો લઈ પાણીની કૂંડી બાજુ વળ્યો. વાટકો મોટોછોટો ધોઈ એક બાજુ મૂક્યો. હાથ-પગ ને મોં ધોઈ થેપાડાના છેડાથી લૂછ્યું ને વાટકો પકડતોક્‌ છાપરા બહાર એક પા ઉભડક બેઠો. ઈજુએ વાટકામાં ગવારફળીનું શાક નાંખ્યું. બાજરીના બે રોટલા ઉપર નવટાંક ઘીનો લૂંદો અને ગોળનું દડબું મૂકીને રત્નાના હાથમાં પકડાવ્યું. પછી, ‘ચેણાની ઘેંહ ઊની લા’ય સઅ્‌... હાલ બનાઈન્‌ લાઈ સું... પસઅ્‌ આલું હોં! ખૉવ શાંતિથી...’ કરતી એ ટાંકા પર ચડીને લૂગડા ધોવા લાગી. ‘વાહ, કે’વું પડઅ્‌ હાં!’ રત્નો ખુશ થઈ ગયો. સુવાવડ સાચવવા પિયર મોકલેલી પત્નીના શબ્દો ફરી તાજા થવા લાગ્યા.... ‘શું કીધું મીં?’ ‘તું શું કીં, ગાંડી! આંય આઈન્‌ જોવી તો ખબેર પડઅ્‌ કઅ્‌... રત્નાભઈનું ભાત પાંચ પકવાન નઅ્‌ બત્રીહ્‌ વાટચી ભોજનનય ટક્કર મારઅ્‌ એવું સઅ્‌ કઅ્‌ નઈ?’ જમતાં જમતાં જ એણે ઢાળિયા તરફ જોયું. ‘આજ હવારથી મંડ્યો’તો... ગધ્ધી, ઢાળિયાના શ્યા ભાર! હતો એવો કરી નાંશ્યોન્‌?’ એનાથી પોતાનાં બાવડાં પર નજર નંખાઈ ગઈ. સાથી તરીકે તનતોડ મહેનત કરી કરીને કસાયેલાં બાવડાં પર એ મુસ્તાક થઈ હરખાતો રહ્યો. ઢાળિયા પેલી પાના વાંઘામાં ઢોર ચારી રહેલાં જેઠી ડોસી યાદ આવતાં જ ગળામાં ડચૂરો વળ્યો. આંખમાં પાણી છૂટ્યું. ‘હાહરી આ ડોસી ચ્યાં ઇયાદ આઈ અતારે?’ બોલતાં એણે પાણી પીધું. ‘ઈની વાત હાચી’તી. આ ડોહલીએ તો ખાટી ચઈડ છાહ્‌નું રાબડું... માંય ના હોય મેંઠું કઅ્‌ મરચું... નઅ્‌ ઈના હાથનો રોટલોય... મૂઢા આઘો ના જાય એવો! જી-ગોળની તો આશા જ ન’તી કરી પણ... હારું ચોપડીખાવાય ઈના વખતમ્‌અ ન’તું બાળ્યું. નઅ્‌ ભાત ખવરાવઅ્‌ તેય જાંણઅ્‌ કૂતરાંનઅ્‌ નાંખતી હોય ઈમ... છેટો બેસ... પેલી પા. આંય કણઅ અમારાં ઠાંબડાં પડ્યાં સી.’ કરતી સણક-ભણક થઈન્‌ ખાધેલુંય બાળી નાંખતી’તી. એ તો હારું થાજો આ ઈજુભાભી આયાં.... નકર ડોસી તો કોરા ભાંણઅ્‌ કાંમ કરઈ કરઈન્‌ દાટ જ વાળી નાંખત! આંનું નાંમ ભાત! દિયોરનો પેલો વહ્‌તો રોજ વાંઘામઅ્‌ ઢોર લઈન્‌ આવઅ્‌ કઅ્‌ ઈના ભાતનાં વખાંણ કરી કરીન્‌ મારું લોઈ બાળતો’તો. આપડ્‌અ તો રત્ના જી-કેળાં સી જી-કેળાં! તીં હાહરું જી-કેળાં વળી ચેવાં હશી? એવું થાતું’તું પણ અવઅ્‌ મારઅ્‌ય જી-કેળાં જેવું જ કે’વાય કઅ્‌?’ ‘લ્યો, ખઈ ર’યા હો તો ઘેંહ આલું?’ કહેતી ઈજુએ રત્નો કંઈ બોલે ચાલે એ પહેલાં ખાલી થયેલા વાટકામાં ઘેંસ ઠાલવી... ને ઉપર દૂધ જેવી છાસ! ‘બઈસ... બઈસ... ઈજુભાભી, તમીં તો બઈસ દીધઅ્‌ જડ રાખો સો...’ ‘ખૉવનઅ, ખાશો તો કૉમ કરશો. આદમીની જાતનઅ્‌ ખાવા તો જોવઅ...’ કહી ઈજુ મલકાવા લાગી. રત્નાને શરમ જેવું થયું. એણે ઝટપટ ડૂવો પીવા માંડ્યો. ડૂવો પીતાં પીતાં જોયું તો ઈજુની આંખો એના તરફ મંડાયેલી હતી. ઓડકાર ખાતો રત્નો ઊભો થઈ ગયો. વાટકો છાપરા પર મૂક્યો. માથે વીંટાળેલ રૂમાલનો છેડો પહોળો કરી મોં સાફ કર્યું ને લાલદોરા સળગાવી કસ ખેંચવા લાગ્યો. વાદળાંની આછીપાતળી દોડધામ ઘડીક તડકો ઘડીક છાંયડો વેરતી પસાર થઈ ગઈ... રત્નાએ મોરની ફરતે ઠેકડા ભરતી ઢેલડીઓ તરફ જોયું અને પત્ની યાદ આવી. ઈજુએ ડગલી ઉતારી, ટાંકાની પાળી પર નાંખી. ધરતીની વરાપ એને અકળાવી રહી હતી. છૂટી ગયેલો અંબોડો વાળતાં એની છાતી સહેજ ટટ્ટાર થઈ. પોલકા પર પહેરી રાખેલી ડગલીને લીધે એનું શરીર સફેદ બાચકા જેવું જ હતું. પોલકામાં ઊપસેલી ભીનાશના સફેદ ડાઘ સામું જોતી એ છીંકણી સૂંઘવા લાગી. રત્નાએ સૂનમૂન ચહેરે ઢાળિયા તરફ પગ ઉપાડ્યા. ક્યારેક ક્યારેક થતા મોરલાના ટહુકા, વરસાદી પાણીમાં ક્યાંક ક્યાંક દેડકાનું બોલવું અને કાબર-ચકલાંની કલબલાટ... ‘ગમં ઇમ્‌ તોય ખાંનદાંન ઘરની સઅ્‌. ઈના બાપના ઘેર ભાળ્યું સઅ્‌, એ આઈ તારનું પેટ ભરીને ખાવા મળઅ્‌ સઅ્‌.’ ઈજુનો મનોમન આભાર માનતો રત્નો શેઢો ઓળંગી રહ્યો હતો ને પાછળ ઈજુનો ધીમો અવાજ સંભળાયો. ‘રત્નાભઈ... ઊભા રે’જો લગીર...’ રત્નો ઊભો રહ્યો. પછી, ‘શું સઅ્‌ ઈજુભાભી?’ કરતો પાછો વળ્યો. ઈજુ એકધારી જોઈ રહી હતી. રત્નાને અમૂઝણ થઈ. ‘ચ્યમ્‌ ઘેમરભાઈ હજુ ના આયા?’ રત્નાને ‘કાં’ક તો બોલવું જ જો’યે....’ એવું લાગતા સવાલ કર્યો. ‘ઈયાંનઅ્‌ વળી અફેંણ-કહુંબામઅ્‌ ચ્યાં નવરઈ રે’સે? ભૂસ્યા થાશી એકઅ્‌ આફુતરા આવશી... ઢીલા ઢફ્‌ થઈન્‌!’ ‘હમણાંથી પાક્કા બંધાંણી થઈ જ્યા શી નઈ? પે’લાં તો હાવ કાંય આટલું બંધાણ ન’તું.’ ‘અફેંણીનો શ્યો ભરુહો? આખો દન્‌ અફેંણ નઅ્‌ ચા ઠાંસી ઠાંસીન્‌ પાચી ર’યા સી તોય... શ્યાલ મેલતા નથી.’ કહેતાં ઈજુનું મોં કટાણું થઈ ગયું. એ આગળ બોલી, ‘સેતરમઅ્‌ બોર નાંશ્યો પસઅ્‌ હાવ નફકરા થૈ જ્યા સી, બધું તમારા ઉપર જ નભઅ્‌ એવું સઅ અવઅ્‌ તો... તમીં મે’નતું મળ્યા સો નકર... સેતીની તો ફજેતી જ થાય...’ રત્નાને કહેવાનું મન થયું, ‘ચ્યાં તમીં નઅ ચ્યાં...’ પણ ઈજુને ખોટું લાગશે-ની બીકે એ ચૂપ થઈ ગયો. પણ મનમાં તો થયું જ કે, ‘આપડઅ્‌ શું? પારકી પંચાતમઅ્‌ દિયોર અસ્સલ ટેસડાબંધ ભાત્‌ મળઅ્‌ સઅ્‌ એય ગુમાબ્બું પડઅ્‌...’ ફરી ઓડકાર જેવું થાતાં આગળ કશું વિચારવાનું છોડીને મોં પહોળું કરી સુસ્તી ઉડાડવા જેવું કર્યું. ‘લ્યૉ તાંણઅ્‌... રત્નાભઈ, બોર ચાલુ કરોન્‌ લગીર.’ ‘ચ્યમ, અત્તારે?’ ‘ટાંકાનું પાણી મેલું થઈ જ્યું સઅ્‌. મારઅ્‌ લૂગડાં ધોવાનું બાચી સઅ્‌ નઅ્‌ ખંગોળિયુંય ખાવું સઅ્‌... બળ્યું, આટ્‌આટલો વરહાદ થ્યો તોય જુવોન્‌ ચેવો ઉકળાટ સઅ્‌?’ ‘પાસાં, જેઠીમા બૂમો પાડસી તો?’ ‘તમ્‌તમારઅ્‌ કરોન્‌ .. ઈયાંની શું કોમ ચંત્યા કરો સો? મેં સુન્‌ પસી!’ રત્નો બોરની ઓરડીમાં ગયો. લાઇટ કરી. અંધારું ભરીને ઊભેલી ઓરડીમાં ઉજાસ થયો. પણ રત્નો બોર ચાલુ કરવાનું બટન દબાવવા જાય એ પહેલાં ઓરડીમાં ફરી અંધારું છવાઈ ગયું. એને થયું, ‘હાહરી લાઇટ જી કઅ્‌ શું?’ પણ, ‘જુઉઉઉ... કરતા અવાજ સાથે બોરનું પાણી ટાંકામાં પડવા લાગ્યું એટલે એને નવાઈ લાગી. એ પૂંઠ વાળીને ઓરડી બાર જોવા ગયો. બારણા વચ્ચે જ ઘેમરનું ભાત મૂકીને ઊભેલી ઈજુના એક હાથની આંગળી ઓરડીના બલ્બની સ્વીચ પર દબાયેલી હતી ને બીજો હાથ બારણા આડો ધરી રાખ્યો હતો. ‘કુને, તમીં ગોળો બંધ કર્યો?’ બોલતો રત્નો ઈજુ સામે જોઈ રહ્યો. એને કશું સમજાયું નહીં. એ, ‘ચ્યમ ઈજુભાભી, કરંટ બરંટ લાજ્યો કઅ્‌ શું?’ કહેવા ગયો પણ એ પહેલાં તો એનું શરીર ધ્રૂજતું હોય એવું લાગ્યું. પરસેવો છૂટ્યો ને ગૂંગળામણ થવા લાગી. ‘પણ... પણ... આ તમીં. શું... મું તમારો હાથી ભાજ્યો...’ એ જાણે કે રૂંધાતા સ્વરે બોલવા હવાતિયાં મારી રહ્યો હતો. એના મોં આડે કાળાંડિબાંગ વાદળાં જેવી કેશઘટા છવાઈ ગઈ હતી. મહાપ્રયત્ને ઓરડીનાં અધખુલ્લાં બારણાંમાં જોયું તો, ગેલમાં આવેલી ઢેલડીઓ મોરની આસપાસ કૂંડાળે વળીને ઠેકડા ભરી રહી હતી. ‘છોડો મનઅ્‌...ઘેમરભઈ આવશી તો...’ ‘નાંમ્‌ મેલોન પીટ્યા બંધાણીનું! ઈના શરીરમઅ્‌ નર્યું અફેંણ નઅ્‌ ગળફા ભર્યા શી...’ બહાર વરસાદનાં ફોરાં શરૂ થયાં હતાં, નાકના ફોયણાં ચડાવતાં ઢોર એકબીજા સામે ઘૂરી કરતાં ખેતર વચ્ચે જ હડીયો કાઢી રહ્યાં હતાં. ‘અલ્યા... રત્ના, રત્ના હો...., એ.... બોરનું પાંણી ઢાળિયો તોડીન્‌ વાંઘામઅ્‌...’ જેઠી ડોશીએ વાંઘું ચડતાં ચડતાં બૂમ પાડી પણ બોરના ભૂંગળામાંથી ધડધડાટ પડતો પાણીનો ધોધ... અદકાં હેતથી પીરસેલું ભાત... રત્નાને કાને પડઘમવાજાં વાગતાં લાગ્યાં... એના ગૂંગળાતા દેહમાં વસ્તાના રોજબરોજના ‘જી-કેળાં’વાળા શબ્દો જાણે કે રહી રહીને અમળાવા લાગ્યા... ને ત્યાં જ ફરી જેઠી ડોશીનો અવાજ ઊંડે ઊંડેથી જાણે કે કાને અથડાયો – ‘મારો પીટ્યો ચ્યાં નાહી જ્યો રતનિયો, પીટ્યો ભોલ ભરીન્‌ ઊંજી જ્યો કઅ્‌ શું? લ્યા... ઢાળિયો ફાટી જ્યો, રત્ના... બોર બંધ કરજે...’ એક જબરદસ્ત આંચકો ખાઈને રત્નો ‘હાત્‌ થૂ...’ કરતો થૂંક્યો. પછી વીજળી જેવી ત્વરાથી બોર બંધ કરતોક્‌ હડફ્‌ દઈને બહાર નીકળવા ગયો. હડફડ ચાલે એનો પગ સહેજ લથડ્યો. પગની અડફેટમાં કશુંક આવ્યું, એની પરવા કર્યા વગર ખળામાં પડેલો પાવડો ઉઠાવતોક્‌ એ દોડ્યો; પણ પીઠ પાછળ... ‘મારા પીટ્યા ભાળતોય નથી..... ઘેમરાનું ભાત અભડાયુંન્‌!’ના શબ્દો પરોણાની જેમ સળ પાડતા ઊઠી ગયા. એણે ઝડપથી ડોક મરડીને પાછળ નજર નાંખી. ઢળી ગયેલા ભાતને સરખું કરતી જેઠી ડોશીનો ચહેરો આગના ગોળા જેવો થઈ ગયો હતો; ને ઈજુ તો હજુયે ઓરડીમાં કશુંક ખાંખાંખૈયાં જેવું કર્યા કરતી હતી.